૨૧ મહિમા વચન
અબજીભાઈનો મહિમા જેમ-જેમ લોકો જાણતા થયા તેમ પછી અબજીભાઈને માનથી 'ભાઈશ્રી' કે 'ભાઈ' કહીને બોલાવતા.
ભાઈશ્રી વાડીમાં ધ્યાન કરતા બેઠા હતા.
ભીમાભાઈ, ખીમજીભાઈ, નાથજીભાઈ, લક્ષ્મીભાઈ, ભાઈશ્રીના દર્શન કરવા આવ્યા.
ભીમાભાઈ કહે, 'ભાઈશ્રી ક્યાંય દેખાતા નથી?'
લક્ષ્મીભાઈ કહે, 'કોઈને દર્શન આપવા ગયા હશે.'
ખીમજીભાઈ કહે, 'ના ક્યાંય નથી ગયા. એ રહ્યા ઝાડ નીચે.'
નાથજીભાઈ કહે, 'ભાઈશ્રી ધ્યાનમાં બેઠા છે. આપણે બાજુમાં બેસી જઈએ.'
ખીમજીભાઈ કહે, 'વાતો ન કરશો ભાઈશ્રી જાગી જશે.'
ઠંડો પવન આવતો હતો.
ભીમાભાઈ કહે, 'પવન બહુ સરસ આવે છે. ક્યાંક ઊંઘ ન આવી જાય.'
નાથજીભાઈ કહે, 'મને તો ક્યારની ઊંઘ આવે છે. જો હું ડોલાં ખાવા લાગું તો લક્ષ્મીભાઈ, ભાઈશ્રી જાગે ત્યારે મને જગાડજો.'
ખીમજીભાઈ કહે, 'લક્ષ્મીભાઈ મને પણ જગાડજો.'
બધા ડોલાં ખાવા લાગ્યા.
લક્ષ્મીભાઈ થોડીવાર બેઠા પછી તેમને પણ ડોલાં આવવા લાગ્યા.
ભાઈશ્રીએ જાગીને જોયું તો બધા ડોલાં ખાતાં હતા.
ભાઈશ્રીને નહાવા જવું હતું તેથી તેઓ ઊઠીને ચાલ્યા ગયા.
અચાનક લક્ષ્મીભાઈની આંખ ઉઘડી જોયું તો ભાઈશ્રી હતા નહિ.
તેમણે બધાને જગાડ્યા કહે, 'ઊઠો, ભાઈશ્રી ઊઠીને જતા રહ્યા.'
નાથજીભાઈ કહે, 'આપણને ડોલા આવ્યા તેમાં ભાઈશ્રી જતા રહ્યા,
ખીમજીભાઈ કહે, 'મંદિરે ગયા હશે. ચાલો મંદિરે જઈએ.'
ત્યાં જઈ જોયું તો ભાઈશ્રી ત્યાં હતા નહિ.
લક્ષ્મીભાઈએ એક હરિભક્તને પૂછ્યું, 'ભાઈશ્રી અહીં આવ્યા છે?'
હરિભક્ત કહે, 'ના, પણ કદાચ ઘરે ગયા હશે.'
બધા ઉતાવળા ભાઈશ્રીના ઘરે ગયા.
દેવુબાઈ કહે, 'અહીં નથી. વાડીમાં જ હશે.'
નાથજીભાઈ કહે, 'જલદી જઈએ. નહિ તો ભાઈશ્રી નીકળી જશે.'
ભાઈશ્રી ત્યાં પણ ન હતા.
એક સેવક કહે, 'ભાઈશ્રી તો બીજી વાડીમાં છે.'
બધા જલદી-જલદી બીજી વાડીમાં ગયા.
ભાઈશ્રી ઝાડ નીચે ધ્યાન કરતા હતા.
બધા હરખાયા.
થોડીવારે ભાઈશ્રી જાગ્યા.
કાંઈ ખબર ન હોય તેમ પૂછ્યું, 'તમે બધા ક્યારે આવ્યા?'
નાથજીભાઈએ બધી વાત કરી.
ભાઈશ્રી કહે, 'મહારાજના કે મુક્તના જ્યારે દર્શન કરવા જઈએ, ત્યારે દેહના ભાવ ભૂખ, તરસ, ઊંઘ તેની સામે ન જોવાય. જો તેનું કહ્યું કરીએ તો દર્શનનો લાભ મળે નહિ.'
ખીમજીભાઈ કહે, 'ભાઈ, તમારી વાત સાચી છે. અમને ડોલાં આવ્યાં એટલામાં તમે ઊઠીને ચાલ્યા ગયા.'
ભાઈશ્રી કહે, 'સહેજવાર ઊંઘ આવી તેમાં દર્શન થવામાં આટલી વાર થઈ ગઈ.'
લક્ષ્મીભાઈ કહે, 'હા ભાઈ, આજે એવું થયું ખરું.'
ભાઈશ્રી કહે, 'મોટાના દર્શન તો વીજળીનો ઝબકારો થાય તેમાં મોતી પરોવી લઈએ તેના જેવા છે. ઝબકારો તો અચાનક જ થાયને?'
નાથજીભાઈ કહે, 'હા, ભાઈ.'
ભાઈશ્રી કહે, 'દર્શન કરવામાં આતુરતા રાખવી. આળસ ન કરાય. વીતી ગયેલો સમય પાછો આવતો નથી. એક વખત દર્શન ન થાય તો પછી કોને ખબર ક્યારે થાય?'
બધા કહે, 'ભાઈ, હવે અમે ક્યારેય આળસ નહિ કરીએ.'
ભાઈશ્રી કહે, 'ભગવાનનું સુખ મોંઘુ બહુ છે, તે આજે સોંઘુ થયું છે. ભગવાનનો મહિમા સાચા સંત પાસેથી સમજી ભગવાનને જેવા છે તેવા જાણવા તો કલ્યાણ થાય.'
બધા ઘણા રાજી થયા, કે ભાઈશ્રીએ આજે સરસ સમજણ આપી.
ભાઈશ્રીને બધા પગે લાગ્યા.
ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા.
---------
શબ્દનો અર્થ
ડોલાં = ઝોકાં, ઊંઘ આવવી
સોંઘુ = સસ્તું
→ ભગવાન અને મુક્તના દર્શન કરવામાં ભૂખ, તરસ, ઊંઘને ન ગણવા.
→ ભગવાન તથા મુક્તના દર્શન આતુરતાપૂર્વક કરવા.
→ મુક્ત દયા કરી દર્શન આપતા હોય ત્યારે લાભ લઈ લેવો. નહિ તો સમય ચાલ્યો જાય.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો
૧.બધાને શા માટે ડોલાં આવવા લાગ્યા?
૨.ભાઈશ્રી ઊઠીને ક્યાં ગયા?
૩.હરિભક્તોએ ભાઈશ્રીની ક્યાં-ક્યાં તપાસ કરી?
૪.ભાઈશ્રીએ ભગવાન તથા મુક્તના દર્શન કઈ રીતે કરવાનું કહ્યું?
૫.મોટાના દર્શન કેવા છે?
નીચેની ખાલી જગ્યા પૂરો
૧. ભાઈશ્રી વાડીમાં --------- કરતા બેઠા હતા.
૨. ભાઈશ્રીને ------------ જવું હતું એટલે તેઓ ચાલ્યા ગયા.
૩. દર્શન કરવામા દેહના ----------- ન જોવાય.
૪. મોટાના દર્શન ----------- ના ઝબકારા જેવા છે.
૫. ભગવાનનું સુખ બહુ ----------- છે તે આજે -------- થયું છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો
૧.કલ્યાણ ભગવાનને જેવા જાણવા છે સાચા તેવા પાસેથી થઈ સંત જાય તો.