ઐશ્વર્યદર્શન : ૧
મુંબઈમાં રહેતા એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ હરિભક્તને મામા, માસી પ્રત્યે અનન્ય ભાવ. તેમના એક મિત્રને A.R.F.(એક્યુટ રીનલ ફેલિયર) નામનો રોગ થયો હતો. રોગનું નિદાન બેંગલુરુની મલિયા હૉસ્પિટલ તથા મુંબઈની વોકાર્ડ હૉસ્પિટલ એમ બંનેમાં ટેસ્ટ કરાવ્યા બાદ થયું હતું અને ડૉક્ટરોએ નિદાન કર્યા બાદ કહી દીધું હતું કે દુનિયામાં હજી સુધી આ રોગનો કોઈ ઇલાજ શોધાયો નથી. આ રોગમાં આપનું ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે. આવું સાંભળતાં ભાઈ તો ખૂબ જ ચિંતામાં આવી ગયા. તેમની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી ઉપરાંત સંયુક્ત કુટુંબ નહિ કે તેમના કુટુંબને તેમના પછી કોઈની છત્રછાયા મળી રહે. તેમને બે દીકરીઓ. તેમને ભણાવવી, તેમનો વ્યવહાર કરવો વગેરે બધું બાકી હતું. જો તેમને કાંઈ થઈ જાય તો તેમનું સમગ્ર કુટુંબ રઝળી પડે.
ભાઈએ તેના મિત્ર હરિભક્તને વાત કરી. વાત સાંભળી હરિભક્ત પણ ચિંતામાં પડી ગયા. તેમણે કહ્યું કે તારા બધા રિપોર્ટ મને આપજે. હું કોઈ મોટા ડૉક્ટરનો અભિપ્રાય લઈ જોઈશ. હરિભક્તે તેના રિપોર્ટ એક મોટા ડૉક્ટરને બતાવ્યા. ડૉક્ટરે રોગનું નામ વાંચતા જ ફાઇલ બંધ કરી દીધી અને બોલ્યા કે આનો કોઈ જ ઇલાજ નથી. તમારા મિત્રને કહો કે તેમને જે કાંઈ કાર્યો પતાવવાનાં હોય તે પતાવવા માંડે. તેમની પાસે વધારે સમય નથી. આ રોગમાં દર્દી એક દિવસમાં, એક અઠવાડિયામાં કે એક મહિનામાં ગમે ત્યારે મરી શકે છે. હરિભક્તે પૂછ્યું, ‘‘આની પાસે કેટલો સમય બાકી છે ?’’ ડૉક્ટર કહે, ‘‘વધારેમાં વધારે બે મહિના.’’ ડૉક્ટરનું આવું કથન સાંભળતાં હરિભક્ત ઉદાસ થઈ ગયા. તેમને થયું મારા મિત્રને હું શું જવાબ આપીશ ?
એ અરસામાં તેમને અમદાવાદ આવવાનું થયું. તેઓ માસીનાં દર્શને આવ્યા. ત્યારે તેમને મિત્રની વાત કરવાનો વિચાર આવ્યો. માસીને તેમણે મિત્રના રોગ વિશે વિગતે વાત કરતાં કહ્યું,. ‘‘માસી, મિત્ર દીલનો બહુ સારો માણસ છે. કુટુંબમાં તેની ખાસ જરૂર છે. તે નહિ રહે તો તેનું કુટુંબ રઝળી પડશે. આપ આશીર્વાદ આપો.’’ માસીએ હરિભક્તની વાત સાંભળ્યા બાદ મહારાજની મૂર્તિ મંગાવી હરિભક્તને આપતાં બોલ્યાં, ‘‘આ મૂર્તિ તમારા મિત્રને આપજો અને દરરોજ આ મૂર્તિનાં દર્શન કરવાનું તેને કહેજો.’’ હરિભક્તે મૂર્તિ મિત્રને પહોંચાડી અને દરરોજ તેનાં દર્શન કરવાની સૂચના આપી. મિત્ર આમ તો જૈન ધર્મ પાળે, પરંતુ તેની માતા સત્સંગી હોવાથી મહારાજ પ્રત્યે તેને થોડો ભાવ ખરો. મહારાજની મૂર્તિની તે દરરોજ પૂજા કરે.
થોડા વખતે તેને અંતઃપ્રેરણા થઈ કે મારે ફરી એક વખત બધા ટેસ્ટ કરાવવા. તેણે વોકાર્ડ હૉસ્પિટલમાં જ ટેસ્ટ કરાવ્યા ને બધા રિપોર્ટ નૉર્મલ આવ્યા. નૉર્મલ રિપોર્ટ જોઈ મિત્ર અસમંજસમાં પડી ગયો. તેણે પોતાના જૂના રિપોર્ટ ડૉક્ટરને બતાવ્યા. એ જોઈ ડૉક્ટર કહે, ‘‘ત્યારે કોઈકની કાંઈ ભૂલ થઈ ગઈ હશે. બાકી તમને A.R.F. રોગ છે જ નહિ.’’ મિત્રની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં. તેણે એક અનેરી માનસિક શાંતિનો અનુભવ કર્યો. માસીના આશીર્વાદથી તેનો રોગ દૂર થઈ ગયો તેમ જ તેના કુટુંબનું ભવિષ્ય સલામત બની ગયું. માસીનાં તેને ક્યારેય પ્રત્યક્ષ દર્શન ન થયાં હોવા છતાં માસીના આશીર્વાદ માત્રથી તે ઊગરી ગયો.
જ્યારે ચમત્કાર થાય, ત્યારે કાંઈ આકાશવાણી ન થાય. અશક્ય વસ્તુ શક્ય બને તે જ ચમત્કાર !