ઐશ્વર્યદર્શન : ૨૦

0:000:00

માસી પાસે એક સેવિકા ઘણાં વર્ષોથી સેવામાં આવે અને ભાવે સહિત માસીની સેવા કરે. તેઓ જે ઘરમાં રહેતાં હતાં તે ઘર જૂનું થઈ ગયું હોવાથી સમારકામ કરાવવું પડે તેમ હતું, પરંતુ તેમાં ઘણો ખર્ચ થાય તેમ હતું. એ અરસામાં નારણપુરા વિસ્તારમાં એક બંગલો વેચાવાનો હતો. માસીને ખબર પડતાં માસીએ સેવિકાને કહ્યું, ‘‘નારણપુરાવાળો બંગલો તમે લઈ લો.’’ સેવિકા ત્યારે કાંઈ ન બોલી. બીજે દિવસે માસીએ ફરી પૂછ્યું, ‘‘બંગલો જોઈ આવ્યા ? જઈને બાનું આપી આવજો.’’ આવું બે-ત્રણ દિવસ રોજ માસી કહે. આથી સેવિકાએ માસીને વાત કરતાં કહ્યું, ‘‘બંગલાની કિંમત રૂ. ૭૫ લાખ છે. જો જૂનું ઘર વેચાય તો જ પૈસા સરભર થાય તેમ છે અને અમારું ઘર રેલવે ફાટક પાસે જ હોવાથી જલદી વેચાતું નથી. એટલે વિચાર મોળો પડી જાય છે.’’ માસી કહે, ‘‘મહારાજ બધું સારું કરશે. તમે બાનું તો આપી આવો.’’ હાથ પર પૈસા ન હોવા છતાં માસીના વચને બાનું અપાઈ ગયું અને પંદર દિવસમાં જ જૂના ઘરનો રૂ. ૪૫ લાખમાં સોદો નક્કી થઈ ગયો. ઘરના સર્વે ઘણા રાજી થયા. સેવિકાએ માસીને વાત કરી અને તે વાતમાં નવા ઘરની વાત કરતાં કહ્યું, ‘‘માસી નવા ઘરમાં અંદાજે દસેક લાખનો ફર્નિચર પાછળ ખર્ચો થાય તેમ છે.’’ માસી કહે, ‘‘મહારાજ બધી સગવડ કરી આપશે.’’ ઘરના સર્વેને નવા ઘરનો આનંદ હતો. તેવામાં જૂના ઘરનો જેણે સોદો કર્યો હતો તેણે ના પાડી દીધી ને સોદો ફોક કર્યો. આવું થતાં ઘરના સર્વે ઘણી ચિંતામાં પડી ગયા કે હવે નવા ઘરના પૈસા કઈ રીતે ભરાશે ? સેવિકાએ ચિંતિત સ્વરે માસીને વાત કરી. માસી કહે, ‘‘મહારાજ જે કરતા હોય તે સારા માટે જ કરતા હોય છે. મહારાજ બીજો વધારે સારો ઘરાક અપાવશે. તું નાહક ચિંતા કરે છે.’’ અને ખરેખર માસીના વચન પ્રમાણે દસ જ દિવસમાં ઘર માટે બીજો ઘરાક આવ્યો ને તેણે રૂ. ૫૩ લાખ આપી ઘર ખરીદ્યું. આમ સેવિકાએ ફર્નિચર માટે અંદાજે દસ લાખની વાત કરી તો માસીએ તે વધારાના ખર્ચ માટે વધારે પૈસા અપાવ્યા.

મોટા મુક્તોના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી આ લોકનાં કામ પણ પાર પડે છે.