૭. સહનશક્તિ ને સહિષ્ણુતા
મુક્તો જ્યારે મનુષ્યરૂપે પ્રગટ થાય છે, ત્યારે પોતાના જીવન દ્વારા સમાજ સમક્ષ એક આદર્શ પૂરો પાડે છે. તેમના વાણી અને વર્તનમાં એકતા જોવા મળે છે. બોલવું કંઈ ને કરવું તેનાથી વિપરિત એવું તેમના જીવનમાં હોતું નથી. તેઓ જે કહેતા હોય છે તે પોતે વ્યવહારમાં પાળી બતાવે છે તે પણ એક પરાકાષ્ઠારૂપ. ઉપલકિયા દૃષ્ટિએ જોનારને તેમાં કોઈ વિશિષ્ટતા ન લાગે, પરંતુ જરાક સૂક્ષ્મદૃષ્ટિએ અવલોકન કરતાં તેમની મુક્તસ્થિતિનો તરત ખ્યાલ આવે છે.
મામા અને માસી જે ઘરમાં ભાડે રહેતાં હતાં ત્યાં વીંછીનો પણ વાસ હતો. આમ તો વીંછીનો ડર ન હોવાથી તેમને કોઈ ફરક પડતો ન હતો, પરંતુ એક વખત વીંછીએ પોતાની પ્રકૃતિ પ્રમાણે માસીને ડંસી લીધાં. થોડી વાર તો માસી કંઈ બોલ્યાં નહિ, પણ પછી અસહ્ય વેદના થવા માંડી એટલે મામાને વાત કરી કે વીંછીએ ડંખ માર્યો છે ને તેની વેદના ઘણી થાય છે. મામા કહે, ‘‘એમાં શું ? દેહભાવ કાઢી મહારાજને સંભારી મૂર્તિરૂપ થઈ જાઓ એટલે પીડાનો અનુભવ જ ન થાય.’’ આમ કહી પોતે ધ્યાનમાં બેસી ગયા. તેમનું જોઈ માસી પણ મામાના કહ્યા પ્રમાણે દેહભાવ છોડી મહારાજના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કરી ધ્યાનમાં ઊંડા ઊતરી ગયાં. એવી રીતે સવાર સુધી ધ્યાનમગ્ન રહ્યાં ને સવાર થતાં વીંછીના ડંખની વેદના પણ શમી ગઈ.
બીજા એક પ્રસંગે પૂ. મામાને મોડરેટર તરીકે વડોદરા જવાનું થયું. માસીને પણ સાથે લીધાં, જેથી જમવાની કે બીજી કોઈ અગવડ ન પડે. માસી મામા સાથે વડોદરા આવ્યાં બાદ થોડા દિવસમાં જ માસીને એપેન્ડિક્સનો દુખાવો ઊપડ્યો. એકાદ-બે દિવસ તો આ વિશે તેમણે મામાને જાણ પણ ન કરી. મનમાં વિચાર્યું કે એમને વાત કરીશ તો એમના કામમાં વિઘ્ન આવશે. એ દુખાવામાં તેમનાથી કંઈ ખવાતું પણ નહિ. ત્યાર બાદ દુખાવો અસહ્ય બનતાં પાણી પણ ન પી શકાય એવી સ્થિતિ ઊભી થઈ. ના છૂટકે તેમણે મામાને વાત કરી કે પેટમાં દુખાવો વધતાં હવે ખાઈ-પી શકાતું પણ નથી. મામા કહે, ‘‘મારે હવે એકાદ-બે દિવસનું જ કામ બાકી છે. જો તમે દુખાવો સહન કરી લો તો આપણે અમદાવાદ જઈને ડૉક્ટરને બતાવીશું.’’ માસીને તો મામા કહે તેમ જ કરવું એવો જીવનમંત્ર હતો. એવો અસહ્ય દુખાવો હોવા છતાં કહ્યું, ‘‘કાંઈ વાંધો નહિ, હું બે દિવસ સહન કરી લઈશ.’’ આમ દુખાવા સાથે ચાર-પાંચ દિવસના ઉપવાસ હોવા છતાં મામાની સેવા કરવામાં ક્યાંય કસર ન રહેવા દીધી. મામા માટે સમયસર બધું તૈયાર કરી આપતાં.
બે દિવસ બાદ એવા દુખાવા સાથે અમદાવાદ આવ્યાં ને બીજે દિવસે ડૉક્ટરને બતાવવાનું નક્કી થયું. માસીની ઑપરેશન કરાવવાની જરા ય ઇચ્છા ન હતી. તેમણે મામાને કહ્યું કે આપ એવું કંઈક કરો કે મારે ઑપરેશન કરાવવું ન પડે. મામા કહે, ‘‘તમે મહારાજને પ્રાર્થના કરો અને હું પણ પ્રાર્થના કરીશ. સવારે જોઈએ શું થાય છે ? તમને આટલો બધો દુખાવો કેટલાય દિવસથી છે એટલે ડૉક્ટરને બતાવવું તો પડે અને કદાચ ઑપરેશન પણ કરાવવું પડે.’’ એ રાત્રે માસીએ મહારાજ અને બાપાશ્રીને ખૂબ જ પ્રાર્થના કરી ત્યારે મહારાજે ને બાપાએ તેમને દર્શન આપ્યાં. મહારાજે પેટ ઉપર હાથ ફેરવ્યો એ સાથે જ માસીને તરત જ દુખાવો મટી ગયો. ત્યાર બાદ માસીને ફરી ક્યારેય એપેન્ડિક્સનો દુખાવો થયો ન હતો.
વીંછીના ડંખનું દર્દ તેમ જ એપેન્ડિક્સના દુખાવાનું દર્દ તો જેણે અનુભવ્યું હોય તે જ સમજી શકે કે તે કેટલું અસહ્ય હોય છે ! દિવસો સુધી એવી પીડા સહન કરવી એ મુક્ત સિવાય બીજા કોઈથી શક્ય નથી. શારીરિક કષ્ટો તો માસીએ ઘણાં સહન કર્યાં છે. ટાઇફોઇડ, કોલેરા, એપેન્ડિક્સનું દર્દ અને પાછલી જિંદગીમાં પણ દીર્ઘકાળના મંદવાડ ઘણા સહ્યા. એ દરેક મંદવાડમાં તેઓ ક્યારેય ફરિયાદ કરતાં નહિ. મામા હતા ત્યારે મામાને વાત કરતા, પરંતુ ત્યાર બાદ શારીરિક કષ્ટો માટે ક્યારેય ફરિયાદ કરતાં નહિ. ફરિયાદ તો નહિ જ, પરંતુ તે મટાડવા માટે શ્રીજીમહારાજને પ્રાર્થના પણ ક્યારેય કરતાં નહિ. મામાએ તેમને એકવાર કહેલું કે બીજાને માટે પ્રાર્થના કરવી, પણ પોતાના મંદવાડ મટાડવા માટે મહારાજને પ્રાર્થના ન કરવી, કારણ કે તે સકામ કહેવાય. એ આજ્ઞા માસીએ જીવનના અંત સુધી પાળી. શારીરિક વેદના સહન કર્યા કરતાં, પણ તેને દૂર કરવા મહારાજને ક્યારેય પ્રાર્થના કરતાં નહિ, એવું નિષ્કામીપણું હતું.
શારીરિક કષ્ટોની સાથે માસીએ માનસિક ત્રાસ પણ ઘણા સહન કર્યા હતા. તેમની સાવકી માતા તરફથી તથા જેઠાણી તરફથી ઘણાં મહેણાં-ટોણારૂપ માનસિક ત્રાસ તેઓ કોઈ પણ પ્રકારની રાવ-ફરિયાદ કર્યા વગર સહન કરી લેતાં. સમાજના ઈર્ષ્યાળુ લોકો તરફથી પણ મહેણાં સહન કરતાં. ભૂંડા ભૂંડાઈ ન મૂકે તો ભલા પણ ભલાઈ કેમ મૂકે ? એ ન્યાયે તેઓ કોઈની પણ પ્રત્યે દ્વેષભાવ રાખ્યા સિવાય ક્ષમા પ્રદાન કરતાં. સહિષ્ણુતાનો ગુણ તેમણે તેમના જીવનમાં પૂર્ણ રીતે વિકસાવ્યો હતો.