૮. નિર્લોભીપણું
મુક્તનું મનુષ્યરૂપે પ્રગટપણું હોય ત્યારે પણ તેઓ તો સદાય મૂર્તિના સુખમાં જ રમણ કરતા હોય છે. આ લોકના ભૌતિક સુખને તેઓ ક્યારેય સુખ માનતા ન હોવાથી આ લોકના પદાર્થો પ્રત્યે તેમને મોહ હોતો નથી. લૌકિક દૃષ્ટિએ જોતાં વધુ ધનવાન હોય તે વધારે સુખી હોય એવું માનવામાં આવે છે, પરંતુ મુક્તો આ વાતને નિરર્થક સાબિત કરે છે.
પિયરમાં પૂ. માસીના પિતાજીનું સુરેન્દ્રનગરમાં પણ એક વિશાળ ઘર હતું. માસીના પિતાશ્રીના દેહવિલય પછી તેમના ભાઈઓએ તે ઘર વેંચી નાખ્યું. તેમાંથી પાંચમો હિસ્સો માસીના ભાગે આવેલો. માસીને તો એ પૈસા પ્રત્યે જરા પણ મોહાસક્તિ ન હતાં, એટલે તેમણે મિશન સંસ્થાના રજત જયંતી પર્વ ઉપર રૂ. ૨૫ લાખ દાનમાં આપી દીધા.
પૂ. મામાની જ્યારે સાવ ટૂંકી આવક હતી, ત્યારે પણ પોતે તેમાંથી ચોખ્ખો ધર્માદો કાઢતાં. મામાના મૂર્તિનિવાસી થયા પછી પણ પોતાના વ્યાજની આવકમાંથી બચત કરીને મામાના પ્રાગટ્ય અને અંતર્ધાન એ બંને તિથિના બ્રહ્મયજ્ઞ વખતે મિશનમાં રૂ. ૧,૧૧,૧૧૧/- એમ દાનમાં આપતાં. મામાની હાજરી વખતે જ પોતાની બધી મિલકત મિશન સંસ્થાને અર્પણ કરી દીધી હતી.
આમ પોતાના વર્તન દ્વારા તેમણે બધાને શિખવ્યું કે સંતોષ રાખી કરકસરયુક્ત જીવન જીવીએ તો ઓછી આવકમાં પણ આનંદથી જીવન જીવી શકાય. પોતાની મિલકતનો ભગવાન અર્થે સદુપયોગ કરવાથી મહારાજ રાજી થઈને પોતાની મૂર્તિનું સુખ આપે છે. માટે નિર્લોભીપણાનો ગુણ કેળવવો જોઈએ. તેમણે પોતાના જીવનમાં એ ગુણ કેળવી સાબિત કરી બતાવ્યું કે ભગવાન ભજવામાં આ લોકના કોઈ સુખ-સમૃદ્ધિની આવશ્યકતા નથી હોતી. જરૂરિયાત પૂરતું મળી રહે એટલે સંતોષ રાખી ભગવાન ભજી લેવા જોઈએ એવી સલાહ મુમુક્ષુને પણ તેઓ આપતાં.