ઐશ્વર્યદર્શન : ૨૪
એક સેવિકા બહેનની દીકરી દસમાં ધોરણમાં સારા માર્ક્સથી પાસ થઈ હોવાથી તેમને દીકરીને બળદિયા દર્શન કરાવવાનો સંકલ્પ થયો. બળદિયા જવા ઘરના સર્વે સભ્યો તૈયાર થયા. આથી વિચાર કર્યો કે સત્તર તારીખના બાપાશ્રીના પ્રાગટ્ય મહોત્સવમાં જઈએ તો એ લાભ પણ મળે. નિર્ણય લેવાતા તેર તારીખના માસીને વાત કરતાં માસીએ જવાની સંમતિ આપી. બીજે દિવસે સેવિકા માસી પાસે બેઠી હતી ત્યારે માસી બે-ત્રણ વખત એવું બોલ્યાં કે કચ્છમાં બહુ ઠંડી પડે છે. ત્યાંનું વાતાવરણ ઘણું ખરાબ થઈ ગયું છે. જોને ત્યાં તો બરફ પડે છે. માસીને આવું બોલતાં સાંભળી સેવિકાને વિચાર આવ્યો કે કચ્છમાં ક્યાંથી બરફ પડવાનો છે ? માસી બે-ત્રણ વખત બોલ્યાં એટલે તેણે માસીને પૂછ્યું, ‘‘તો પછી અમે બળદિયા જઈએ કે કેમ ? ત્યાનું વાતાવરણ ખરાબ છે તેમ આપ કહો છો.’’ માસી કહે, ‘‘આ વખતે રહેવા દો, ફરી ક્યારેક જઈ આવજો.’’ માસીનું વચન માની ઘરના સર્વેએ જવાનું બંધ રાખ્યું. ચાર દિવસ પછી અઢાર તારીખના છાપામાં સમાચાર આવ્યા કે સત્તર તારીખે કચ્છમાં અને બીજે ઘણે ઠેકાણે વાવાઝોડા સાથે ઘણો વરસાદ પડ્યો છે અને કચ્છમાં તો બરફ પડ્યો છે. છાપામાં વિનાશનાં દૃશ્યો તથા બરફ જોઈ સેવિકાએ માસીનો ઘણો જ ઉપકાર માન્યો, કારણ કે તેઓ ગાડી ભાડે કરી સત્તર તારીખે જ બળદિયા જવા નીકળવાના હતા. માસીએ એ બધાની રક્ષા કરી.
હવામાન ખાતું પણ એ વખતે વાવાઝોડાની માહિતી આપવામાં થાપ ખાઈ ગયું હતું, પણ માસીએ તો અગાઉથી જણાવી દીધું હતું. મોટા મુક્તોના વચનમાં શ્રદ્ધા અનેક મુશ્કેલીઓથી જીવની રક્ષા કરે છે.