૩. સંયમનિષ્ઠા
માસીએ લગ્નની પ્રથમ રાત્રીએ જ મામાને બ્રહ્મચર્યવ્રતનું વચન આપ્યા બાદ આખી જિંદગી પોતે તેનું અણિશુદ્ધ પાલન કરી બતાવ્યું. તેઓ ક્યારેય કોઈ પરપુરુષને અડતાં નહિ અને કોઈ પુરુષને ક્યારેય પોતાનો ચરણસ્પર્શ પણ કરવા દેતાં નહિ.
લગ્ન થઈ ગયાં બાદ પોતાના સગા ભાઈને પણ મામાની ગેરહાજરીમાં પોતાના ઘરે રાત્રી રોકાણ માટે અનુમતિ આપતાં નહિ. રજોગુણી વ્યક્તિઓનો સંગ કરતાં નહિ અને એવી રજોગુણી વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવાનું પણ પોતે ટાળતાં. મર્યાદાનું અંગ એટલું બધું રાખ્યું હતું કે જાહેરમાં ક્યારેય માથે ઓઢ્યા વગર બેસતા નહિ. સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે એમ બંને પ્રકારે બ્રહ્મચર્યનો પૂરેપૂરો અર્થ સમજી તે પ્રમાણે જ જીવન વ્યતિત કર્યું. તેમનું આવું ઉદ્દાત જીવન આધ્યાત્મિક પથના સાધક માટે પથદીપ સમાન હતું. તેઓ એમ કહેતાં કે, ‘મામા નિષ્કામધર્મ ઉપર ખૂબ જ ભાર મૂકતા અને કહેતા કે બ્રહ્મચર્ય વગર મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાની પાત્રતા આવતી નથી અને મહારાજના દિવ્યગુણો પણ આવતા નથી. માટે ભગવાનની પ્રાપ્તિ જેમણે કરવી હોય તેમણે સમજપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું.’ આ રીતે બધાને સંયમનિષ્ઠા કેળવવા માટે પણ બોધ આપતાં.