• ઐશ્વર્યદર્શન

0:000:00

પૂર્ણસ્થિતિવાળા મુક્તની પરમાત્મા સાથે અખંડ એકતા હોવાથી પરમાત્માના અનંત કલ્યાણકારી ગુણો ને અપાર સામર્થ્ય તેમનામાં આવિર્ભૂત થયેલા હોય છે. તેમને જાદુગરની જેમ ચમત્કારોનું સર્જન કરી લોકોની વાહ વાહ કે ચાહના મેળવવાની કોઈ આકાંક્ષા હોતી નથી, પરંતુ આ સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી કષ્ટ પામેલા જીવો પ્રત્યે સહેજે જ અનુકંપા ઉદ્‌ભવે છે એટલે તેમની પાસે આવનાર ઉપર નિષ્કારણ કૃપા વરસાવી તેનાં દુઃખો દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુ પોતાના લાડીલા મુક્તની પ્રાર્થના સ્વીકારી હરિભક્તના શૂળી જેવાં મહાકષ્ટોને કાંટા જેવા હળવા કરી દૂર કરી દે છે. મુક્તોનો પ્રભાવ જ એવો દિવ્ય હોય છે કે તેમની પાસે આવીને અંતરના ખરા ભાવથી પ્રાર્થના કરનારનાં કષ્ટોનું સહેજે જ નિવારણ થઈ જાય છે. આને પરચા કે ચમત્કાર જે ગણો તે મુક્તની જીવો ઉપર કેવળ અનુકંપા જ છે. મુક્તનું ઐશ્વર્ય વર્ણવવાથી તેમનો અદ્‌ભુત પ્રતાપ અને માહાત્મ્યનું જીવોને ભાન થાય છે એટલે તેઓ મુક્તથી આકર્ષાઈને મુક્ત દ્વારા પ્રભુનું યથાર્થ જ્ઞાન પામી પ્રભુપ્રાપ્તિ તરફ ઊર્ધ્વગતિ કરી શકે છે. આવા ઉદ્દાત હેતુથી જ અહીં પૂ. માસીના કેટલાક ઐશ્વર્યદર્શન કરાવતા પ્રસંગો વર્ણવ્યા છે. અહીં આટલી સ્પષ્ટતા અભિપ્રેત છે.