૨. લગ્નસંબંધ (વિભાગ - ૧)

0:000:00

શ્રીજીમહારાજ જીવોનાં કલ્યાણ કરવા જ્યારે મુક્તાત્માઓને પૃથ્વી પર પ્રગટ કરે છે, ત્યારે તે મુક્તાત્માનું સમગ્ર જીવન પૂર્વઆયોજિત અને પરમાત્મા દ્વારા નિર્મિત જ હોય છે. તેવી જ રીતે લીલાવતીનું પૃથ્વી પર અનેક જીવોની ચેતનાને ઊર્ધ્વગતિ આપવા પ્રાગટ્ય કર્યું ત્યારે તેમનું સમગ્ર જીવન પૂર્વનિયોજિત હતું. તેમનું બાળપણ કેવું જશે, ક્યાં વીતશે, ગૃહસ્થાશ્રમમાં તેઓ કોની સાથે જોડાશે અને એ જીવન તેઓ કઈ રીતે આદર્શરૂપ જીવશે ? વગેરે દરેકે દરેક બાબત પ્રભુ દ્વારા પૂર્વનિર્મિત જ હતી.

ભગવાનની નિયતિ મુજબ અ. મુ. મનસુખબાપાને શ્રીજીમહારાજ દ્વારા દિવ્ય પ્રેરણા થઈ. મનસુખબાપા એટલે શ્રીજીમહારાજના મહામુક્ત. લીલાવતીના દાદા ભૂધરદાસ તથા પિતાજી ચતુરદાસ આ મુક્તરાજની આધ્યાત્મિક સ્થિતિથી પરિચિત હતા. તેઓને જાણ હતી કે આ મુક્ત ભગવાનની મરજી જાણીને દરેક કાર્ય કરે છે. તેથી મનસુખબાપા જ્યારે તેમના ઘરે આવ્યા, ત્યારે તેઓ રાજી થયા. મનસુખબાપા આવીને લીલાવતીના દાદા તથા પિતાજીને મળ્યા.

મુક્ત જ મુક્તને ઓળખે એ ન્યાયે મનસુખબાપા પૂ. નારાયણભાઈની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ ને સામર્થ્યને અને પૃથ્વી પર તેમના પ્રાગટ્યના ધ્યેયને યથાર્થ જાણતા હતા. આથી તેમણે ભૂધરદાસ તથા લીલાવતીના પિતાજીને અ. મુ. નારાયણભાઈનો પરિચય આપ્યો અને લીલાવતી માટે તેઓ જ યોગ્ય છે એવું ભારપૂર્વક જણાવ્યું. ભૂધરદાસ અને પિતાજી મનસુખબાપાની સ્થિતિ જાણતા હોવાથી તેઓને વિશ્વાસ હતો કે તેમણે નિર્દેશેલા સંબંધમાં કાંઈ વાંધાજનક નહિ હોય. આથી તેઓ બંનેએ આ પ્રસ્તાવને સંમતિ આપી. મનસુખબાપાએ લીલાવતીને મળવાની ઇચ્છા દર્શાવી.

મનસુખબાપા મળવા આવ્યા એ વખતે તો લીલાવતીની ઉંમર માત્ર તેર વર્ષની જ હતી. તેઓ ફુગ્ગાબાંયનું લાંબું ઘૂંટણ સુધીનું ફ્રોક પહેરીને રમતાં હતાં. એ વખતે તેમના પિતાજીએ કહ્યું, ‘‘તને મળવા મનસુખદાદા આવ્યા છે. જા, એમને જઈને મળી આવ.’’ લીલાવતી મનસુખબાપા પાસે ગયાં ને ઘરની રીત પ્રમાણે તેમને પગે લાગ્યાં. મનસુખબાપાએ લીલાવતીને પોતાની પાસે બેસાર્યાં અને પૂછ્યું, ‘‘દીકરી, તને ભગવાન ભજવા ગમે ?’’ લીલાવતી મલકાતાં મલકાતાં ઉત્સાહપૂર્વક બોલ્યાં, ‘‘હા, મને તો ભગવાન ભજવા બહુ જ ગમે છે. ભગવાનની સેવા-પૂજા કરવાનું, ભગવાનના નામની માળા ફેરવવાની પણ મને ખૂબ ગમે છે.’’ આવો અપેક્ષિત ઉત્તર સાંભળી મનસુખબાપાના ચહેરા પર સંતોષની લાગણી છવાઈ ગઈ. મનમાં આનંદ થયો કે નારાયણને માટે આ કન્યા જ યોગ્ય છે. આ કન્યા જ નારાયણને અનુરૂપ થઈ રહી શકશે અને એક આદર્શ જીવનસંગિની બની રહેશે. મહારાજે મને જે પ્રેરણા કરી છે તે યોગ્ય જ છે.

લીલાવતીના જવાબથી સંતોષ પામી મનસુખબાપા નારાયણભાઈને મળ્યા ને લીલાવતી વિશે વાત કરી. તેમને આ બાળા સાથે ગૃહસ્થાશ્રમ કરવા માટે સમજાવતાં કહ્યું, ‘‘મહારાજની પણ એ જ મરજી છે તે તમે પણ જાણો છો !’’ શ્રી નારાયણભાઈને પ્રભુની દિવ્યમૂર્તિ સિવાય બીજે બધેથી સમ્યક પ્રકારે વૈરાગ્ય હતો એટલે સંસારની કોઈ પણ પ્રકારની ઇચ્છા તેમને સંભવતી જ ન હતી. તેઓશ્રી સંપૂર્ણ વૈરાગ્ય મૂર્તિ હતા. મૂળીના મહાન સ. ગુ. સંત શ્વેતવૈકુંઠદાસજી સ્વામીશ્રી નારાયણભાઈની આવી સ્થિતિથી સુપેરે પરિચિત હતા. આથી આવા સંત મૂર્તિ ભગવા વસ્ત્રમાં હોય તો સત્સંગમાં મણિની જેમ શોભે. આવા વિચારથી તેમણે કહેલું કે, ‘‘નારાયણભાઈ લગ્ન કરવા જશે તો અમે તેમને ચોરીમાંથી પણ હાથ ઝાલી ઊભા કરી દેશું. તેમને તો અમારે સાધુ જ કરવા છે, જેથી અનેકનાં કલ્યાણ થાય.’’ સ્વામીના મુખે આવાં વચનો સાંભળતાં મુક્તરાજ મનસુખબાપાએ સ્વામીને કહ્યું કે, ‘‘મારે તમારું માનવું કે શ્રીજીમહારાજનું ? મહારાજની જ એવી ઇચ્છા છે કે નારાયણભાઈ ગૃહસ્થાશ્રમ કરે, જેથી અનંત જીવોનાં આત્યંતિક કલ્યાણ થાય. ભગવાં વસ્ત્રોમાં એ કાર્યમાં થોડી મર્યાદા આવશે.’’ મનસુખબાપાની વાત સાંભળતાં નારાયણભાઈને ગૃહસ્થાશ્રમી જીવન વ્યતિત કરવાની ઇચ્છા ન હોવાથી તેમણે પોતાની આર્થિક પરિસ્થિતિનું બહાનું દર્શાવતાં મનસુખબાપા કહે, ‘‘દીકરી જ જો હા પાડતી હોય તો પછી ક્યાં વાંધો છે ? એકવાર જઈને જોઈ આવો પછી નિર્ણય કરજો.’’ મનસુખબાપાનો આગ્રહ થતા નારાયણભાઈ તેમના ભાઈઓ અને બહેનો સાથે લીલાવતીના ઘરે તેમને જોવા ગયા. લીલાવતીની નિર્દોષતા, સાદગી, સાલસ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી બધા પ્રભાવિત થયા. નારાયણભાઈએ તેમને અંગ્રેજીમાં પૂછ્યું, ‘‘What is your Name’’ (તમારું નામ શું છે ?) તેનો લીલાવતીએ અંગ્રેજીમાં જ જવાબ આપ્યો, ‘‘My Name is Leelavati.’’ (મારું નામ લીલાવતી છે.) એ દિવસે તો નારાયણભાઈએ બીજું કાંઈ જ પૂછ્યું નહિ. ચતુરદાસ તો નારાયણભાઈના મુખની દિવ્ય આભા જોઈ જ રહ્યા. આવા તેજસ્વી યુવકને જોઈ તેમને ખૂબજ આનંદ થયો. લીલાવતીના સંબંધ માટે તેમના મનમાં ‘હા’ જ પડી ગઈ.

લીલાવતીના ઘરની જાહોજલાલી જોઈ નારાયણભાઈ બીજી વખત એકલા ચતુરદાસને મળવા ગયા અને તેમને કહ્યું, ‘‘આપ ઘણા સાધનસંપન્ન છો, આપની પુત્રી અહીં ખૂબ લાડકોડમાં ઊછરેલી છે. ચાર ભાઈઓ વચ્ચે એક બહેન છે. અહીં તેમનો ઉછેર એક રાજકુંવરીની જેમ થયેલો છે. જ્યારે મારી પરિસ્થિતિ તો આનાથી તદ્દન વિપરિત છે. મારી પાસે તો પૂરતું ખાવાનું પણ નથી અને પહેરવા સારાં કપડાં પણ નથી. તમારી દીકરીને હું કોઈ દુન્યવી સુખ-સુવિધા આપી શકું તેમ નથી. તમારી દીકરી મારી સાથે આવી આર્થિક સંકડામણમાં જીવન કઈ રીતે વ્યતીત કરી શકશે?’’ ચતુરદાસને નારાયણભાઈની આવી પ્રામાણિક નિખાલસતા સ્પર્શી ગઈ. નારાયણભાઈ વાત કરતા હતા ત્યારે તેઓ તો તેમના મુખની આભા સામે જોઈ જ રહ્યા. તેમને નારાયણભાઈમાં દિવ્યતાની ઝાંખી થતી હતી અને એ દિવ્ય ઝાંખી આગળ નારાયણભાઈની આર્થિક તંગી તેમને ગૌણ ભાસતી હતી. તેમનું અંતરમન એક જ સાદ આપતું હતું કે આમની સાથે જ મારી દીકરી સુખી થશે. તેના જીવનું પરમ શ્રેય થશે. નારાયણભાઈ કહી રહ્યા એટલે ચતુરદાસે તેમને કહ્યું, ‘‘મેં તમારી વાત સાંભળી. એક દૃષ્ટિએ તમારી વાત સાચી હશે, પણ મારું મન એમ જ કહે છે કે આપની સાથે સંબંધ થવાથી જ મારી દીકરી સુખી થશે, તેના જીવનું શ્રેય થશે અને તેમ છતાં તમે લીલાવતીને જ પૂછી જુઓ. એમને કોઈ વાંધો છે કે કેમ ?’’