નિવેદન

0:000:00

સ્ત્રીભક્તો તેમજ પુરુષભક્તો એમ બંને પ્રકારના મુમુક્ષુઓના આત્યંતિક શ્રેય માટે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના વિશિષ્ટ સંકલ્પ દ્વારા જ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ તથા અ. મુ. પૂ. લીલામાસીનું પ્રાગટ્ય થયેલું એ નિઃશંક બાબત છે, કારણ કે શ્રીહરિના દિવ્ય કલ્યાણકારી ગુણો એ સંયમનિષ્ઠ, તપોનિષ્ઠ ને બ્રહ્મનિષ્ઠ એવા આદર્શ દંપતિ દ્વારા પ્રકાશિત થઈ તેમના સંપર્કમાં આવેલા અનેક મુમુક્ષુઓના જીવનને પરિમાર્જિત કરી, તેમની આધ્યાત્મિક ચેતનાની જાગૃતિની સાથે ઊર્ધ્વગતિ પણ પ્રાપ્ત કરાવી છે એ વાત સારા ય સત્સંગને સુવિદિત છે.

પૂ. શ્રી નારાયણભાઈનું દિવ્યજીવન કેવું હતું તેની ઝાંખી કરાવતું પુસ્તક ‘પૂજ્યશ્રી નારાયણભાઈ’ આ સંસ્થા દ્વારા તેમના મૂર્તિનિવાસી થયા પછી પ્રકાશિત થયેલું જ છે અને હવે જેઓ પૂ. શ્રી નારાયણભાઈના દિવ્ય જીવનકાર્યમાં જીવનપર્યંત સહધર્મચારિણી બની પોતાનું અમૂલ્ય યોગદાન અર્પી સહભાગી થયાં હતાં અને ‘તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા’ સ. ગુ. પ્રેમાનંદ સ્વામીના આ કીર્તનને જેમણે પોતાનો જીવનમંત્ર બનાવી, એમાં રહેલા ઉત્કૃષ્ટ ભાવને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો હતો એવાં પૂજ્યશ્રી લીલામાસીની જીવન ઝરમર પ્રકાશિત કરતાં આનંદની હેલી ઊભરાય છે. એનું કારણ આવાં માતૃતુલ્ય વાત્સલ્યમૂર્તિને માતૃવંદના કરવાનો આ એક અનેરો અવસર મળ્યાથી તેમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાની સોનેરી તક પ્રાપ્ત થઈ છે, એમ માની ધન્યતા અનુભવીએ છીએ.

પૂ. લીલામાસી મૂર્તિને સુખે સુખિયા થતાં સારા ય સત્સંગમાં તેમની કદીયે ન પુરાય એવી ખોટ પડી છે, પરંતુ આ લઘુ પુસ્તક દ્વારા તેમના જીવનની, જીવનકાર્યની અને જીવનસંદેશની કેટલેક અંશે ઝાંખી કરીને આત્મસંતોષ માનીશું.

આ પુસ્તક દ્વારા સ્ત્રીમુક્તોના રત્નાકરમાં પૂ. માસીરૂપ કેવું અલૌકિક મોતી પાક્યું હતું તેનો મુમુક્ષુવાચકને ખ્યાલ આવશે અને તેમના કલ્યાણકારી ગુણોનું પિયુષપાન કરી તે પોતાની જાતને ચોક્કસ ધન્યભાગી બનાવી શકશે એવી અમને શ્રદ્ધા છે.

અંતમાં પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સમર્થ સદ્‌ગુરુઓ, અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ તથા અ. મુ. પૂ. શ્રી લીલામાસીની નિઃસીમ કૃપાવર્ષાનાં અમૃતબિંદુઓની વૃષ્ટિ આપણા સૌ ઉપર સદાકાળ થતી રહે એવી શ્રીહરિને અંતઃકરણપૂર્વકની પ્રાર્થના.

અસ્તુ !

સં. ૨૦૭૧, મહા વદ બારસ

ઇ. સ. ૨૦૧૫, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન