૧૦ શ્રીજીમહારાજે પ્રાર્થના સાંભળી

નિત્યક્રમ પ્રમાણે નારાયણ મંદિરમાં દર્શન કરતા હતા. એવામાં વઢવાણના ડૉ. મણિલાલભાઈ નારાયણ પાસે બેસી ગયા. નારાયણે જય સ્વામિનારાયણ કહ્યા. ડૉક્ટર કહે, 'નારાયણ, ભગવાન તમારી સાથે વાતો કરે છે નહીં?' નારાયણ કહે, 'તમને કોણે કહ્યું?' ડૉક્ટર કહે, 'આ વાત તો હવે આખું ગામ જાણે છે.' નારાયણ ચૂપ રહ્યા. ડૉક્ટર કહે, 'નારાયણ તમે મારા માટે ભગવાનને એક પ્રાર્થના કરશો?' નારાયણ કહે, 'જરૂરથી.' ડૉક્ટર કહે, 'તમે મહારાજને પ્રાર્થના કરો કે, તેઓ મને તેમના દિવ્ય અલૌકિક દર્શન કરાવે.' નારાયણ કહે, 'મારાથી એવું કઈ રીતે કહેવાય?' ડૉક્ટર કહે, 'નારાયણ, તમે તો મહારાજના લાડીલા મુક્ત છો. તમે કહેશો તો મહારાજ જરૂર માનશે.' નારાયણ કહે, 'હું પ્રયત્ન કરી જોઉં.' નારાયણે આંખો બંધ કરી, અંતર્વૃત્તિ કરી મહારાજને પૂછી જોયું. થોડીવારે આંખો ખોલી. ડૉક્ટરે અધીરાઈથી પૂછયું, 'શું કહ્યું? મને ક્યારે દર્શન આપશે?' નારાયણે ધીમેથી કહ્યું, 'મહારાજ તો ના પાડે છે!' ડૉક્ટર ઉદાસ થઈ ગયા. નારાયણને ગદગદ કંઠે આજીજી કરી. 'નારાયણ, તમે એક વખત ફરીથી મહારાજને પ્રાર્થના કરોને. તમારા પ્રતાપે મને દર્શન કરાવોને. મહારાજને આગ્રહપૂર્વક કહોને.' ડૉક્ટર નારાયણને વારંવાર આજીજી કરવા લાગ્યા. નારાયણે ફરી અંતર્વૃત્તિ કરી. મહારાજ કહે, 'નારાયણ શું છે? કેમ પાછી પ્રાર્થના કરે છે?' નારાયણ કહે, 'મહારાજ! એમને આપના દર્શનની બહુ તાણ છે. આપ એમના ઉપર કૃપા કરો.' મહારાજ કહે, 'ભલે નારાયણ, મેં તારી પ્રાર્થના સાંભળી છે. શયન આરતી પછી તેમને મૂર્તિ સામે બેસાડજે.' નારાયણે ડૉ. મણિલાલભાઈને વાત કરી. ડૉક્ટર રાજી-રાજી થઈ ગયા. રાત્રે આરતી પછી મહારાજની મૂર્તિ સામે બેસી ગયા. ધીરે-ધીરે મંદિરમાંથી બધા ચાલ્યા ગયા. નારાયણ, ડૉક્ટર અને સ્વામી જ મંદિરમાં રહ્યા. ડૉક્ટર આતુરતાપૂર્વક મહારાજ સામે જોવા લાગ્યા. મહારાજે ડાબો હાથ થોડો હલાવ્યો. થોડું લટકું કર્યું બસ.

મણિલાલભાઈ તો આટલામાં રાજી-રાજી થઈ ગયા. નારાયણને ખભા પર તેડી લીધા અને નાચવા લાગ્યા. 'આજ મારા ભાગ્ય ખૂલ્યા, આજ મારા ધન્ય ભાગ્ય.' બોલતા જાય ને નાચતા જાય. થોડીવારે નારાયણને નીચે ઉતારી તેમને વંદન કર્યા. કહે, 'નારાયણ, તમારા પ્રતાપે અને તમારી પ્રાર્થનાથી મને મહારાજના દર્શન થયા. ધન્ય છે તમને. વાહ નારાયણ વાહ! તમે તો મહારાજના ખરેખરા લાડીલા છો. વાહ નારાયણ વાહ!'

---------

અઘરા શબ્દો

ગદગદ = ગળગળું

આજીજી = વિનંતી

તાણ = ત્વરા, ઇચ્છા

→ અનાદિમુક્તની પ્રાર્થના શ્રીજીમહારાજ હંમેશાં સાંભળે છે. અને ત્યારે અશક્ય લાગતી વાત શક્ય બને છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) ડૉ. મણિલાલભાઈએ નારાયણને કઈ પ્રાર્થના કરવાનું કહ્યું?

(૨) મહારાજે નારાયણને શું કહ્યું?

(૩) ડૉક્ટરને મહારાજે ક્યારે અને કેવા દર્શન આપ્યા?

વાક્યમાં વાપરો.

(૧) આજીજી કરવી.

(૨) તાણ હોવી.

સંદર્ભ સહિત સમજાવો.

(૧) નારાયણ, તમે મહારાજને ફરીથી પ્રાર્થના કરો.

(૨) મહારાજ તેમને આપના દર્શનની બહુ તાણ છે.

(૩) આજ મારા ધન્ય ભાગ્ય!