૨૭ બાળકોને નિર્ભય બનાવ્યા
શાળામાંથી એક વખત પ્રવાસ નીકળ્યો. બસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાઈની પાસે બેઠા. ભાઈને કહે, 'અમને ભગવાનની સરસ વાતો કહો.' ભાઈ કહે, 'તમે બધા કંટાળી નહીં જાવને?' એક વિદ્યાર્થી કહે, 'ના રે ના. તમારી વાતો સાંભળવાની અમને ખૂબ મઝા આવે છે.' એક શિક્ષક કહે, 'ભાઈ, તમારી વાત કહેવાની શૈલી ખૂબ જ સુંદર છે બાળકો એમાં રસ તરબોળ થઈ જાય છે.' બીજા શિક્ષક કહે, 'બાળકો જ નહીં. અમે પણ વાતો સાંભળવામાં તલ્લીન થઈ જઈએ છીએ.'
ભાઈએ ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી સુંદર બોધ કથાઓ બધાને સંભળાવી. પ્રવાસમાં બધા ખૂબ રમ્યા, જમ્યા અને આનંદ કર્યો. આખો દિવસ ગમ્મતમાં પસાર થઈ ગયો. રાત પડી. બે શિક્ષક ભાઈ પાસે આવ્યા અને કહે, 'ભાઈ, રાતવાસો કરવાની ક્યાંય જગ્યા મળતી નથી. એક પણ લોજમાં, કે ધર્મશાળામાં જગ્યા નથી.' ભાઈ વિચારમાં પડી ગયા. શિક્ષક કહે, 'બધા બાળકોને રાત્રે સુવડાવવા તો પડે જ. ઓઢવા-પાથરવાનું તો આપણી પાસે છે, પણ સુવાડવા ક્યાં એ જ પ્રશ્ન છે.' ભાઈ કહે, 'તમારી વાત સાચી છે. બાળકો ખૂબ થાકી પણ ગયા છે.' ભાઈ આજુબાજુ જોવા લાગ્યા. મનમાં એક વિચાર ઝબકી ગયો. શિક્ષકોને કહે, 'બધા બાળકોને લઈ ચાલો બાજુના કબ્રસ્તાનમાં.' શિક્ષકો ચોંકી ગયા કહે, 'ભાઈ તમે શું કહો છો? કબ્રસ્તાનમાં!!' ભાઈ કહે, 'બરાબર કહું છું. આનાથી વધુ સારી જગ્યા અત્યારે બીજી કોઈ નહીં મળે.' શિક્ષકો વિચારતા ઊભા રહી ગયા.
ભાઈ વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા. કહે, 'ચાલો સૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે.' બાળકોને હાશ થઈ. ભાઈ કહે, 'બધા બાજુના કબ્રસ્તાનમાં પથારી પાથરી સૂઈ જાવ.' વિદ્યાર્થીઓ ત્યાં જ અટકી ગયા. કહે, 'કબ્રસ્તાનમાં સૂવાનું? ત્યાં તો બહુ બીક લાગે.' ભાઈ કહે, 'અત્યારે બીજે વ્યવસ્થા થાય તેમ નથી. સવારે બસમાં મેં શું વાતો કરી હતી?' એક વિદ્યાર્થી બોલ્યો, 'મુસીબતોનો સામનો હિંમતથી કરવો.' ભાઈ કહે, 'બરાબર.' બીજો કહે, 'સમસ્યાથી ગભરાવું નહીં, નીડર બનવું.' ભાઈ ખુશ થયા. ત્રીજો કહે, 'મુશ્કેલીમાં ભગવાન સંભારીએ તો ભગવાન જરૂરથી સહાય કરે.' એટલામાં એક વિદ્યાર્થી મોટેથી બોલ્યો, 'હિંમતે મર્દા તો મદદે ખુદા.' બધા હસી પડ્યા. ભાઈ કહે, 'વાહ! તમે બધા બરાબર બોલ્યા. અને હું પણ એ જ કહું છું. જેમ આ બધા મૃત્યુ બાદ અહીં સૂતા છે, તેમ આપણે પણ આજનો દિવસ સૂઈ જઈએ. ભગવાનને યાદ કરીએ. એટલે ભગવાન જરૂરથી સહાય કરે. ભગવાન કોઈને કાંઈ થવા નહીં દે. જેને મારી વાતમાં વિશ્વાસ હોય અને ભગવાનમાં શ્રદ્ધા હોય તે સૂઈ જાય.' વિદ્યાર્થીઓને ભાઈમાં અતૂટ વિશ્વાસ હતો. બધા ફટાફટ પથારી પાથરી સૂઈ ગયા.
વિદ્યાર્થીઓ વાતો કરે: 'સાહેબ કહે છે એટલે આપણને કાંઈ નહીં થાય.' ઉનાળાની ગરમીના દિવસો, એટલે ખુલ્લી હવાની ઠંડકને લઈને થોડી જ વારમાં બધા નિદ્રાધીન થઈ ગયા. બીજા શિક્ષકોને નવાઈ લાગી. ભાઈને કહે, 'ભાઈ, આપે તો કમાલ કરી. વાતની વાતમાં બાળકોનો ભય કાઢી નાંખ્યો. બધાને નીડર બનાવી દીધા.' ભાઈ કહે, 'બાળપણથી જ જો બાળકોમાં નીડરતા અને હિંમત હોય તો તેમનો સર્વાંગી વિકાસ થાય. બાળકોને ક્યારેય ડરાવવા નહીં. તેમને નાહિંમત કરવા નહીં. તો જ બાળકોમાં રહેલી શક્તિઓનો પૂર્ણરૂપે વિકાસ થાય.'
---------
અઘરા શબ્દો
રાતવાસો = રાત્રિ રોકાણ
પૂર્ણરૂપે = પૂરી રીતે
લોજ = રહેવા, ખાવાની સગવડ આપતું સ્થાન
→ અહીં ભાઈ બાળકોને નીડર અને હિંમતવાન બનતા શીખવે છે.
→ ગમે તેવી અશુભ જગ્યામાં પણ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરવાથી તે જગ્યા શુભ અને પવિત્ર બને છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) બસમાં બધાએ ભાઈને શેની વાતો કરવાનું કહ્યું?
(૨) શિક્ષકોએ રાત્રે ભાઈ પાસે આવી શું કહ્યું?
(૩) રાતવાસાની સમસ્યા ભાઈએ કઈ રીતે ઉકેલી?
(૪) ભાઈએ બાળકોને કઈ વાતો યાદ કરાવી?
વાક્ય પૂર્તિ કરો.
(૧) જેમ આ બધા.......... ભગવાન સહાય કરે.
(૨) જેની મારી વાતમાં........... સૂઈ જાય.
(૩) બાળપણથી જ બાળકોમાં......... પૂર્ણરૂપે વિકાસ થાય.