૪૦ વર્તમાન ધરાવવાનું રહસ્ય

મામાના ઘરે કાયમ દર્શનાર્થીઓ હોય જ. મોટાભાગે ઘર ખાલી હોય જ નહીં. એક વખત એક દંપતી નાના બાળક સાથે દર્શને આવ્યું. મામાને પગે લાગ્યા. ભાઈ કહે, 'મામા, મારા પુત્રને વર્તમાન ધરાવી આશીર્વાદ આપો.' મામાએ બાળકને ખોળામાં લીધો. ચાંદલો કર્યો. કંઠી પહેરાવી મામા ભાઈ સાથે વાતો કરે. બાળક તો મામાના ખોળામાં શાંતિથી સૂતો હતો. મામા કહે, 'બાળકનો જીવ સારો છે. દૈવી જીવ છે. અમૂક આસુરી જીવો પણ હોય. તે મુક્ત પાસે આવે ત્યારે રડવા માંડે. ચાંદલો પણ ન કરવા દે. છતાંય તેમને મુક્ત પાસે વર્તમાન તો ધરાવી જ લેવા. બાળક તો રડે. પરાણે માથું પકડીને પણ વર્તમાન ધરાવી લેવા.'

ભાઈએ પૂછ્યું, 'મામા, એવું શા માટે?' મામા કહે, 'ભગવાનના મુક્ત જ્યારે જીવને વર્તમાન ધરાવે ત્યારે શુભ સંકલ્પ કરે છે. તેનાથી પૂર્વકર્મો અને કુસંસ્કારો ઘસાઈ જાય. ચૈતન્ય નિર્મળ બને. જીવ ભગવાન તરફ આગળ વધે. મુક્ત એવો સંકલ્પ કરે છે. જેથી તેના ચૈતન્યનું પરિવર્તન થાય છે. તેને સારા વિચારો આવે છે. જેથી સારા સંસ્કારો બંધાય અને જીવનમાં અનેક પ્રકારે રક્ષા થાય. જીવન સુધરી જાય.'

દંપતી કહે, 'ઓહો! આ તો બહુ મોટું રહસ્ય છે. વર્તમાન ધરાવવા પાછળ આવો મહાન ભાવ રહેલો છે તેની તો અમને આજે જ ખબર પડી.' મામા કહે, 'ભગવાનના મુક્ત તો જીવ કેમ ભગવાન તરફ વળે તે જ જુએ છે. મુક્તના દરેક કાર્યો જીવોના કલ્યાણ કરવા માટે જ હોય છે.'

---------

→ નાની બાબતોના મોટા આધ્યાત્મિક રહસ્યો અનાદિમુક્ત દ્વારા જ જાણી શકાય છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) દંપતી મામા પાસે શા માટે આવ્યું હતું?

(૨) જીવો કેટલા પ્રકારના હોય છે?

(૩) વર્તમાન ધરાવવા પાછળનું રહસ્ય સમજાવો?