૧૨ નાના શિક્ષક
એક વખત નારાયણ ઘરમાં બેસી કથા વાંચતા હતા. એમના મિત્રો આવ્યા. નારાયણ કહે, 'આવો.' બધા નારાયણની ફરતે બેસી ગયા. નારાયણ કહે, 'શું વાત છે? આજે બધા એક સાથે?' એક મિત્ર કહે, 'અમે બધા આજે તમારી પાસે શીખવા આવ્યા છીએ.' નારાયણ કહે, 'શું શીખવું છે?' બીજો મિત્ર કહે, 'અંગ્રેજી અને ગણિત. નારાયણ, તમારો પરીક્ષામાં પહેલો નંબર આવે છે. તમે અમને શીખવાડશો?' નારાયણ, કહે, 'શિક્ષકે શાળામાં શીખવાડ્યું તો છે જ ને?' મિત્ર કહે, 'હા, પણ તેઓ જે શીખવાડે છે તે અમને બરાબર નથી સમજાતું. બહુ અઘરી રીતે સમજાવે છે.' ત્યાં બીજો એક મિત્ર કહે, 'મને તો થોડું શું, જરા ય સમજાતું નથી.' એમ કહી તે માથું ખંજવાળવા લાગ્યો. બધા હસી પડ્યા. નારાયણ કહે, 'સારું, ચાલો આજે હું બધાને શીખવું. બધા ધ્યાન રાખી સમજજો.' નારાયણે શીખવાડવાનું શરૂ કર્યું. એટલું સરસ રીતે શીખવાડ્યું કે, મિત્રો બધા એક ચિત્તે સાંભળવા લાગ્યા. નારાયણે એવું સરસ અને પદ્ધતિસર શીખવાડ્યું કે, બધાને તરત સમજાઈ ગયું. મિત્રો કહેવા લાગ્યા, 'આટલા વખતથી શિક્ષક સમજાવતા હતા, પણ આવડ્યું નહીં. આજે નારાયણે સમજાવ્યું તો તરત જ આવડી ગયું અને યાદ પણ રહી ગયું. નારાયણ, તમે અમારા નાના શિક્ષક.' એક મિત્ર કહે, 'નારાયણ, તમને આવું સરસ કેવી રીતે આવડે છે?' નારાયણ કહે, 'શિક્ષક શીખવાડે ત્યારે એક ચિત્તે સાંભળી લઈ, ઘરે આવી ફરીથી વાંચી લઉં અને શ્રીજીમહારાજને સદાય મારી સાથે રાખું છું. એટલે મને તરત બધું આવડી જાય છે.' બધા મિત્રો નારાયણને ધન્યવાદ આપી પોત-પોતાના ઘરે ગયા.
---------
→ શ્રીજીમહારાજના અનાદિમુક્તમાં સમજાવવાની વિશિષ્ટ શક્તિ હોવાથી બધાને તરત સમજાઈ જાય છે.
→ મુક્તરાજ શીખવે છે કે, ભણતી વખતે એકાગ્ર ચિત્ત રાખી ભણવું અને ઘરે આવી તેનું પુનરાવર્તન કરી લેવું.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) નારાયણ ઘરમાં બેસી શું કરતા હતા?
(૨) બધા મિત્રો નારાયણ પાસે શું શીખવા આવ્યા?
ખાલી જગ્યા પૂરો.
(૧) નારાયણ તમે અમારા ----------
(૨) શિક્ષક શીખવાડે ત્યારે ---------- સાંભળી લઈ, ઘરે આવી ફરીથી ---------- લઉં.