૪૪ પ્રાર્થનાની સાચી રીત

બારમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું. એક યુવક હરખભેર મામા પાસે આવ્યો. મામાને પગે લાગ્યો. કહે, 'મામા આપના આશીર્વાદથી મને બારમાં ધોરણમાં ૭૦% આવ્યા છે.' મામાએ આશીર્વાદ આપ્યા. પૂછ્યું, 'હવે આગળ શું ભણવાનો વિચાર છે?' યુવક કહે, 'મામા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડ્મિશન લેવા વિચાર છે. મામાએ પૂછ્યું, 'અમદાવાદમાં એડ્મિશન મળી જશે?' યુવક કહે, 'હા મામા, ટકા સારા છે એટલે મળી જશે.' મામાએ પૂછ્યું, 'અમદાવાદમાં ન મળે તો પછી ક્યાં મળે?' યુવક કહે, 'સુરત, વડોદરા કે વિદ્યાનગર એ યુનિવર્સિટી સારી ગણાય. ત્યાં એડ્મિશન લઈશ.' મામાએ ફરી પૂછ્યું, 'ત્યાં પણ ન મળે તો?' યુવક કહે, 'મામા, એવું બનવા સંભવ નથી. લગભગ મળી જ જશે.' મામા કહે, 'સારું એડ્મિશન મળે પછી મને જાણ કરજો.'

એ વર્ષે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઘણો ધસારો થયો. ધીરે ધીરે એડ્મિશન ભરાવા લાગ્યા. અમદાવાદમાં યુવકનો નંબર ન આવ્યો. યુવકને હવે ચિંતા થવા લાગી. તે મામા પાસે આવ્યો. કહે, 'મામા, આપને બધી જ જાણ હોય છે. આપ જ્યારે પૂછતા હતા, ત્યારે હું સમજી ન શક્યો. યુવકને મામાનો ખૂબ ભાવ, મામા વિષે અતૂટ શ્રદ્ધા. તેને ખબર હતી, મામા કહે તેમ થાય. આથી મામાને કહ્યું, 'મામા, તમે મહારાજને પ્રાર્થના કરો કે, સુરત, વડોદરા કે વિદ્યાનગર ગમે તે એક જગ્યાએ મને એડ્મિશન મળી જાય.' મામા કહે, 'કેમ આ ત્રણ જ જગ્યા, બીજે ન જઈ શકાય?' યુવક કહે, 'મામા એ યુનિવર્સિટી સારી ગણાય છે. ગુજરાત યુનિવર્સિટીના બીજા ગામોનું ભણતર બહુ સારું નથી ગણાતું. મામા તમે મારા માટે પ્રાર્થના કરો. મહારાજ તમારી પ્રાર્થના જરૂરથી સાંભળશે.' મામાને યુવકની કાળજી હતી. આથી તેને બધી બાબતો વિશે પૂછતા હતા.

મામાએ પૂછ્યું, 'બહારગામ ભણવા જાવ તો રહેવા-ખાવાનું કેમ થાય?' યુવક કહે, 'મામા હૉસ્ટેલમાં રહી શકાય.' મામા કહે, 'એ બધાનો તો ઘણો ખર્ચ આવે. તેનું કેમ કરશો?' યુવક કહે, 'મારા પિતાજી કહે છે, ગમે તેમ કરકસર કરીને પણ મારો ખર્ચ ભોગવશે.' યુવક આગ્રહપૂર્વક મામાને કહેવા લાગ્યો, 'મામા, તમે મહારાજને પ્રાર્થના કરો. મને સારી જગ્યાએ એડ્મિશન મળી જાય.' મામાએ યુવકને પાસે બેસાડ્યો અને પ્રેમથી કહેવા લાગ્યા, 'જો ભગવાનને આમ જ કરો એવી પ્રાર્થના ક્યારેય ન કરાય. અમુક રીતનું કાર્ય કરાવવાનો આગ્રહ ન રખાય. ભવિષ્યમાં તમારું શેમાં સારું થવાનું છે તે એક ભગવાન જ જાણી શકે. આથી ભગવાનને એમ પ્રાર્થના કરવી કે, હે મહારાજ! મારું જેમ હિત હોય તેમ કરજો.' યુવકે મામાને ફરી સારી જગ્યાના એડ્મિશન માટે પ્રાર્થના કરવા કહ્યું, મામા કહે, 'હજુ આગ્રહ રાખો છો. હું મહારાજને પ્રાર્થના કરીશ. તમારું જેમાં હિત હશે તેમ થશે.' યુવક પગે લાગી ગયો.

યુવકને ભાવનગરની કૉલેજમાં એડ્મિશન મળ્યું. તેને મનમાં વસવસો રહ્યો કે મામાએ મહારાજને પ્રાર્થના કરી હોત તો મને સારી જગ્યાએ એડ્મિશન મળી જાત. તે ખિન્નભાવે મામા પાસે આવ્યો. તેને જોઈ મામા કહે, 'તમારા ભવિષ્યની તમને જાણ નથી, માટે અત્યારે તમે ઉદાસ છો. તમારું હિત આમાં જ સમાયેલું છે. ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે તેનો સહર્ષ સ્વીકાર કરવો. એજ પરિસ્થિતિ તમારા માટે યોગ્ય હોય તમારા માટે તે સજાર્યેલી છે અને ભગવાને આપેલી છે, પછી દુ:ખ શા માટે? આનંદથી ભાવનગર જાઓ.' મામાના વચનથી યુવકને આશ્વાસન મળ્યું. મામાના આશીર્વાદથી મહિને ફક્ત સો રૂપિયાના મામૂલી ખર્ચમાં રહેવા ખાવાની સગવડ મળી ગઈ.

એક વર્ષ પછી યુવક મામાના દર્શને આવ્યો. તેના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. મામાને પગે લાગી કહે, 'મામા આપની દયાનો પાર નથી. મારા ભવિષ્યની આપને અને ભગવાનને જ જાણ હતી. મને તો પ્રાર્થના કરતા પણ નહોતું આવડતું. આપે શીખવાડ્યું.' મામાએ પૂછ્યું, 'શું વાત છે?' યુવક કહે, 'મને બીજી યુનિવર્સિટીમાં એડ્મિશન ન મળ્યું ત્યારે હું દુ:ખી થયો હતો, પણ અત્યારે તે સારું લાગે છે. ભાવનગર ગુજરાત યુનિવર્સિટીમાં જ હોવાથી મેં ટ્રાન્સફર માંગી અને મને બીજા વર્ષે અમદાવાદમાં એડ્મિશન મળી ગયું છે. હું હવે અમદાવાદમાં જ ભણી શકીશ અને મને આપની સેવાનો પણ લાભ મળશે. મામા કહે, 'ત્યારે તમે નાહક દુ:ખી થતા હતા. મહારાજ બધું જાણતા હોય છે.' યુવક મામાને ભક્તિભાવથી વંદી રહ્યો.

---------

→ આપણું હિત શેમાં છે તે અનાદિમુક્ત અને ભગવાન જ જાણે છે.

→ મુક્તરાજ શીખવે છે કે ભગવાન અને મુક્તોને આમ જ કરો તેમ આગ્રહપૂર્વક ન કહેવું.

→ ભગવાનને કેવી પ્રાર્થના કરવી તે અનાદિમુક્ત પાસેથી જ શીખવા મળે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) ક્યા ધોરણનું રિઝલ્ટ આવ્યું હતું?

(૨) યુવક ક્યા ગામમાં એડ્મિશન મેળવવા ઇચ્છતો હતો? શા માટે?

(૩) યુવક મામાને કેવી પ્રાર્થના કરવાનો આગ્રહ કરતો હતો?

(૪) મામાએ યુવકને કેવી પ્રાર્થના કરવાનું શીખવ્યું?

(૫) યુવક પાછો અમદાવાદ કેવી રીતે ભણવા આવી શક્યો?

વાક્ય પૂર્તિ કરો.

(૧) મામા તમે મહારાજને........... એડ્મિશન મળી જાય.

(૨) ભગવાનને એમ કહેવું.......... તેમ કરજો.

(૩) ભગવાન આપણને.......... સહર્ષ સ્વીકાર કરવો.