૩૪ બાળકો અતિ વહાલા
મિશનના પ્રાર્થના ખંડોમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ હતો. બધા ખૂબ જ ઉત્સાહમાં હતા. બધાને મામાને રાજી કરી લેવાનું તાન. પરંતુ મામાએ કાંઈક જુદું જ વિચારી રાખ્યું હતું. મામાએ સેવકોને કહ્યું, 'આજનો બધો કાર્યક્રમ બાળકો આપશે.' સેવકો કહે, 'મામા, બાળકો શું કરશે? આજે તો મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ છે. વડીલો કાર્યક્રમ આપે તે ઉચિત ગણાશે.' મામા કહે, 'મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે જ બાળકો કાર્યક્રમ આપશે. ભગવાનને બાળકો બહુ વહાલા છે અને મને પણ બાળકો બહુ ગમે છે. તમે જો-જોને બાળકો સરસ કાર્યક્રમ કરશે.' આવું સાંભળી બાળકો ખુશ-ખુશ થઈ ગયા. મામા પાસે આવીને કહે, 'મામા, આજે તમે અમને યાદ કર્યા, નહીં તો સભામાં અમને કોઈ બોલવા જ નથી દેતું.' બીજો એક છોકરો કહે, 'મામા, અમને બધા અવાજ નહીં, અવાજ નહીં એવું જ કહ્યા કરે છે.' મામા હસીને કહે, 'આજે કોઈ એવું નહીં કરે, ભગવાનને સંભારી સરસ કાર્યક્રમ કરજો.' બધા બાળકો ખુશ થઈ ગયા. મામાને પગે લાગ્યા અને સભામાં બેઠા.
બાળકોએ સુંદર કાર્યક્રમ કર્યો. કેટલાક બાળકો કીર્તન બોલ્યા, કેટલાક બાળકો મહારાજના પ્રસંગો મોઢે કરી લાવ્યા હતા તે બોલ્યા. એક બાળક ઊભો થયો અને કહે, 'આજે હું તો મામા વિશે કહીશ.' બધાને અચરજ થયું. મામા વિશે આ બાળક શું બોલવાનો હશે? બાળકે બોલવાનું શરૂ કર્યું, 'મામા કેટલું સુંદર નામ છે. આ નામમાં બે વખત 'મા' શબ્દ આવે છે. મા જેમ પોતાના બાળકને સારા સંસ્કાર આપે છે, તેમ આ મા પણ અમને જીવન જીવતાં શીખવાડે છે. મા જેમ મુશ્કેલીઓથી બાળકની રક્ષા કરે છે ને તેને સાચવે છે, તેમ આ મા પણ અહીંની મુશ્કેલીઓમાં રક્ષા કરે છે. મૂર્તિના સુખના આશીર્વાદ આપે છે અને જીવને સાચવી લે છે. અહીંયા પણ સુખ આપે છે અને ત્યાં એટલે પરભાવમાં પણ ભગવાનનું સુખ આપે છે. બન્ને રીતે સુખ આપે છે માટે બે વખત મા..... એટલે કે મામા....' બાળકે બોલવાનું પૂરું કર્યું. બધા બાળક પર ખુશ થઈ ગયા. તાળીઓથી બાળકને વધાવી લીધો.
મામા અત્યંત રાજી થઈ ગયા. કહે, 'જોયું બાળકો કેટલું સુંદર બોલી શકે છે! કેટલો સુંદર અર્થ કર્યો છે. હું બહુ રાજી થયો છું. આજે જે બાળકોએ સભાના કાર્યક્રમમાં ભાગ લીધો છે તે બધાને ચાંદીના સિક્કા સ્મૃતિરૂપે આપીશું.' બાળકો ખુશ થઈ તાળી પાડવા લાગ્યા. એક પછી એક બાળક મામા પાસે આવે, પગે લાગે અને સિક્કો સ્વીકારે. મામા રાજી થઈ આશીર્વાદ આપે. મામાની નજર એક નાનકડા બાળક પર પડી. તેનું મોઢું પડી ગયું હતું. એકદમ ઉદાસ ચહેરે બેઠો હતો. મામાએ તેને નજીક બોલાવ્યો. પ્રેમથી માથે હાથ ફેરવ્યો. બાળકને પૂછ્યું, 'શું થયું છે? કેમ આમ ઉદાસ બેઠો છે? બાળક રડમસ થઈ બોલ્યો, 'મામા, મેં કાર્યક્રમમાં ભાગ નહોતો લીધો એટલે મને તમારા હાથે સિક્કો નહીં મળે. અને આશીર્વાદ પણ નહીં મળે. મેં ભાગ લીધો હોત તો મને પણ આપના આશીર્વાદ મળત. હું આશીર્વાદ વગર રહી જઈશ.' મામા બાળક ઉપર બહુ રાજી થયા. કહે, 'ઓહો! આ બાળકનો ભાવ તો જુઓ.' મામાએ બીજા બાળકો પર નજર કરી. જેમણે ભાગ નહોતો લીધો તે બધા બાળકો ઉદાસ ચહેરે બેઠા હતા. મામાને થયું આ બરાબર ન કહેવાય. મહારાજના મંદિરમાંથી દરેક બાળક ખુશ થઈ ઘરે જવું જોઈએ. ભગવાનને બધા બાળકો સરખા વહાલા છે. કાર્યક્રમ કરે કે ન કરે. મામાએ સભામાં જાહેરાત કરાવી. જે બાળકોએ આજે કાર્યક્રમમાં ભાગ નથી લીધો તેમને પણ મહારાજનો પ્રસાદીનો ચાંદીનો સિક્કો સ્મૃતિ તરીકે આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ નથી લીધો છતાં તેમના મનમાં ભાવ તો છે. ભગવાન ભાવ જ જુએ છે માટે બધા બાળકો આવીને સિક્કો લઈ જાય.' જાહેરાતને બધા બાળકોએ ઊભા થઈ તાળીઓ પાડી વધાવી લીધી. નજીક બેઠેલો બાળક તો કૂદી પડ્યો. તરત મામાના ચરણોમાં ઝૂકી ગયો. મામાએ તેને સિક્કો આપ્યો. મામાએ જોયું સભામાં દરેક બાળક હવે ખુશ હતું. દરેક બાળકના ચહેરા પર હર્ષ દેખાતો હતો. આ જોઈ મામાને સંતોષ થયો. એ દિવસે મામાએ દરેક બાળકને જીવનભરનું સંભારણું કરી આપ્યું.
---------
→ બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે માટે બાળકો સભામાં કાર્યક્રમ કરે તેવું મામા આયોજન કરતા.
→ મુક્તરાજનો બાળકો પ્રત્યેનો વાત્સલ્યભાવ અહીં જણાઈ આવે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) મિશનમાં ક્યો દિવસ હતો?
(૨) મામાએ કોને કાર્યક્રમ કરવાનું કહ્યું? શા માટે?
(૩) બાળકે 'મામા' શબ્દનો કેવો અર્થ કર્યો?
(૪) મામાએ શા માટે બધા બાળકોને સ્મૃતિરૂપ સિક્કો આપવાનું કહ્યું?
ખાલી જગ્યા પૂરો.
(૧) મિશનમાં ---------- નો દિવસ હતો.
(૨) અહીંની ---------- માં રક્ષા કરે છે.
(૩) મૂર્તિના ---------- આશીર્વાદ આપે છે.
(૪) ભગવાન ---------- જુએ છે.
(૫) મામાએ જીવનભરનું ---------- કરી આપ્યું.