૪૨ લખતા શિખવ્યું

મામા પરદેશ ગયા હતા, તે વખતે એક હરિભક્તના ઘરે ગયા. તેમના બાળકો હોમવર્ક (ગૃહકાર્ય) કરતા હતા. મામાએ જોયું કે, બન્ને બાળકો નોટ સાવ આડી રાખીને લખતા હતા. આથી તેમના અક્ષરો આડા આવતા હતા. મામાએ પૂછ્યું, 'તમારા અક્ષરો આડા શા માટે નીકળે છે?' બાળકો કહે, 'ખબર નહીં. અમારા અક્ષરો તો આવા જ છે.' મામા કહે, 'તમે નોટ આડી રાખીને લખો છો માટે. નોટ સીધી રાખીને લખો તો અક્ષરો સીધા થાય.' બાળકો કહે, 'કેવી રીતે? અમને ખબર પડતી નથી.'

મામાએ નોટ સીધી રાખી બતાવી. બાળકોએ લખવાનો પ્રયત્ન કર્યો, પણ ફાવ્યું નહીં. કહે, 'મામા, આવી રીતે તો ફાવતું જ નથી. સીધી નોટ રાખી કેવી રીતે લખી શકાય?' મામાએ કાગળ મંગાવ્યો. સીધો રાખી સુંદર અક્ષરે જય શ્રી સ્વામિનારાયણ લખ્યું. છોકરાઓ કહે, 'વાહ! આપના અક્ષરો તો બહુ જ સુંદર છે!' મામા કહે, 'હું નોટ સીધી રાખી લખું છું માટે મારા અક્ષરો સીધા અને સુંદર થાય છે. તમે સીધી નોટ રાખી પ્રયત્ન કરો. ધીરે ધીરે આવડી જશે. અક્ષરો પણ સીધા અને સુંદર નીકળશે.' મામા હરિભક્તો સાથે વાતો કરવા લાગ્યા. બાળકોએ થોડીવાર નોટ સીધી રાખી લખ્યું. બહુ ફાવ્યું નહીં. એટલે પાછી નોટ આડી રાખી લખવા લાગ્યા. મામાનું ધ્યાન ગયું કહે, 'જો ફરી પાછા આડી નોટ રાખી લખવા લાગ્યા!' બાળકો કહે, 'આડી નોટ રાખી લખીએ તો શું થાય?' મામા કહે, 'હું તમને સમજાવું. આડી નોટ રાખવાથી અક્ષરો આડા નીકળે બરાબર?' બાળકોએ હા પાડી. મામા કહે, 'અક્ષરો આડા હોય એ અવ્યવસ્થિતતાની નિશાની છે. એને લીધે જીવનમાં બીજા કાર્યોમાં પણ અવ્યવસ્થિતતા આવે. સારા અક્ષરોથી વાંચનાર પર છાપ સારી પડે. તમને ખબર છે અક્ષરો પરથી તો માણસનું વ્યક્તિત્વ જાણી શકાય છે. માણસની લાક્ષણિકતાઓ ખબર પડે છે. સારા અક્ષરોવાળો માણસ જીવનમાં વ્યવસ્થિત હોય. અને વ્યવસ્થિત માણસ જ જીવનમાં સફળ થાય. સારા અક્ષરોનું જીવનમાં ઘણું મહત્ત્વ છે.' બાળકો કહે, 'બાપ રે! અક્ષરોને કારણે આટલું બધું! લાગે છે અક્ષરો પરથી તો જીવન જાણી શકાય.'

મામા કહે, 'તમે નાના છો. અત્યારથી ટેવ પાડશો તો સારા અક્ષરો અને લખવાની સાચી રીત જરૂરથી કેળવી શકશો.' બાળકો કહે, 'મામા, હવેથી અમે નોટ સીધી રાખી અક્ષરો સીધા લખીશું. તમે અમને આશીર્વાદ આપો એટલે અમને બધું સારી રીતે આવડે.' મામાએ બન્ને બાળકોને આશીર્વાદ આપ્યા.

---------

→ નાનકડી બાબત પણ જીવન ઘડતરમાં અમૂલ્ય ભાગ ભજવે છે.

→ મામા બાળકોની દરેક નાની બાબતો પર ધ્યાન આપી બાળકોનું ઘડતર કરવાના પ્રયત્નો કરતા.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મામા ક્યાં ગયા હતા?

(૨) બાળકો શું કરતા હતા?

(૩) બાળકો કેવી રીતે લખતા હતા?

(૪) મામાએ બાળકોને કેવી રીતે લખવાનું કહ્યું?

(૫) સારા અક્ષરોની જીવન પર અસર જણાવો?

ખાલી જગ્યા પૂરો.

(૧) તમારા અક્ષરો ---------- શા માટે નીકળે છે?

(૨) નોટ ---------- રાખી લખો તો ---------- સીધા થાય.

(૩) અક્ષરો આડા હોય એ ---------- ની નિશાની છે?

(૪) અક્ષરો પરથી તો માણસનું ---------- જાણી શકાય છે.

(૫) અને ---------- માણસ જ જીવનમાં ---------- થાય.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

(૧) સુંદર બહુ અક્ષરો વાહ તો જ આપના છે.

(૨) નિશાની હોય અવ્યવસ્થિતતાની એ છે અક્ષરો આડા.

(૩) અત્યારથી જરૂરથી સારા લખવાની ટેવ સાચી શકશો તો અક્ષરો કેળવી પાડશો અને રીત.