૨૪ જીવનમંત્ર
એક વખત એક શિક્ષક ગેરહાજર હતા. ભાઈ તેમનો વર્ગ લેવા ગયા. વર્ગમાં વિદ્યાર્થીઓ અવાજ કરતા હતા. ભાઈને જોઈ બધા શાંત થઈ ગયા. ભાઈ કહે, 'આજે તમારા શિક્ષક નથી આવ્યા. તેમની બદલે આજે હું તમને ભણાવીશ.' એક વિદ્યાર્થી ઊભો થયો. ભાઈને કહે, 'સાહેબ, આજે અમારે ભણવાની ઇચ્છા નથી.' ભાઈ કહે, 'તો શું કરવું છે?' 'બીજું ગમે તે, પણ ભણવું નથી. આ એક પિરિયડ તમે અમને ન ભણાવો એવું ન થાય?' ભાઈ કહે, 'કેમ નહીં. તમારું મન નથી તો આજે આપણે સારી-સારી વાતો કરીશું બરાબર.' બધા એકી સાથે, 'હા બરાબર.' બોલી ઊઠ્યા. ભાઈ કહે, 'અવાજ નહીં કરવાનો, તો જ વાતો કરીશું. બીજા વર્ગના બાળકોને ખલેલ ન પડવી જોઈએ.' બધા વિદ્યાર્થીઓ કહે, 'અમે જરા પણ અવાજ નહીં કરીએ.'
એક વિદ્યાર્થી કહે, 'સાહેબ, તમે અમને વાત કહો.' ભાઈ કહે, 'આજે બધાને થોડી આધ્યાત્મિક વાતો કરું?' બધાએ હા પાડી. ભાઈ કહે, 'હું જે પૂછું તેનો હાથ ઊંચો કરી બધા જવાબ આપે.' ભાઈએ પૂછ્યું. 'દરરોજ ભગવાનની પૂજા કોણ-કોણ કરે છે?' થોડા વિદ્યાર્થીઓએ હાથ ઉપર કર્યા. ભાઈ કહે, 'સરસ બાકીના કેમ નથી કરતા?' એક વિદ્યાર્થી કહે, 'મને પૂજા કરતાં નથી આવડતું.' બીજો કહે, 'મારી પાસે તો ટાઈમ જ નથી હોતો.' ત્રીજો કહે, 'પૂજા કરવામાં કેટલો બધો સમય બગડે. મારા પિતાજી એક કલાક સુધી પૂજા કરે છે. મને કંટાળો આવે. એટલે હું તો પૂજામાં બેસતો નથી.'
ભાઈ કહે, 'સમય નથી, નથી આવડતું અને કલાકો બગડે. આ બધા બહાના છે. આજે હું તમને સરળમાં સરળ રસ્તો બતાવીશ. સવારે નાહીને ભગવાનના દર્શન કરવા. શિક્ષાપત્રીના અથવા અન્ય ધાર્મિક ગ્રંથના પાંચ શ્લોકો વાંચવાના. અને ભગવાનના નામની પાંચ માળા ફેરવવાની. આટલું કરવામાં દસ મિનિટ લાગે.' વિદ્યાર્થી કહે, 'દસ જ મિનિટ?' ભાઈ કહે, 'હા. ફક્ત દસ મિનિટ.' વિદ્યાર્થી કહે, 'દસ મિનિટ તો હું રોજ પૂજા કરી શકું. એટલો તો સમય હોય જ.' ભાઈ કહે, 'તમારી આ વાત મને ગમી. હવેથી બધા રોજ પૂજા કરજો. દરેક ક્રિયા કરતા પહેલાં ભગવાનને યાદ કરવા, પછી ક્રિયા કરવી. આથી એ ક્રિયામાં ભગવાન ભળે. પછી ક્રિયા સરસ રીતે થાય. કાર્ય કરવામાં આનંદ આવે ને કાર્ય શોભી ઊઠે.' બાળકો કહે, 'એ કેવી રીતે બને?' ભાઈ કહે, 'સાવ સરળ છે. પાણી પીતા પહેલાં ભગવાનને યાદ કરવા, જમતી વખતે યાદ કરવા, અભ્યાસ શરૂ કરીએ ત્યારે યાદ કરવા, પરીક્ષામાં પેપર લખતાં પહેલાં પણ યાદ કરવા. એટલે પેપર લખવામાં ભગવાન પોતે ભળે અને સારા માર્ક્સથી પાસ થવાય.' વિદ્યાર્થીઓ કહે, 'આમ કરીએ તો - તો બધો સમય ભગવાન પાછળ જ જાય, પછી કાર્ય કેવી રીતે થાય?' ભાઈ કહે, 'લાંબો સમય નથી કરવાનું.' બાળકો કહે, 'તમે કહો છો ને દસ મિનિટ કરવાનું.' એક વિદ્યાર્થી કહે, 'પરીક્ષામાં દસ મિનિટ બગાડીએ તો પેપર અધૂરું રહી જાય.' ભાઈ કહે, 'એમ નહીં. સવારની પૂજા દસ મિનિટ કરવાની છે. પછી તો દરેક ક્રિયા કરતાં પહેલાં ચારથી પાંચ સેકન્ડ જ ભગવાનને સંભારવાના છે.' બાળકોને હાશકારો થયો. કહે, 'ચારથી પાંચ સેકન્ડ જ બ.... સ? આ તો સાવ સરળ કહેવાય.' ભાઈ કહે, 'ભગવાનને કહેવું પ્રભુજી, તમે આ ક્રિયામાં મારી સાથે રહેજો. એટલે એ કામમાં ભગવાન સાથે રહે. અને કામમાં કંટાળો ન આવે. કામ મુશ્કેલ ન લાગે. કામમાં આનંદ આવે. બોલો આટલું કરશો ને?' બધા બાળકો એકી અવાજે બોલ્યા, 'હા સાહેબ. આ તો એકદમ સરળ છે. પાંચ સેકન્ડ જ ભગવાનને યાદ કરવાના. તમે તો એકદમ સરળ કરી આપ્યું.' એક વિદ્યાર્થી કહે, 'હું તો સમજતો હતો ભગવાન ભજવામાં બહુ સમય જાય. એટલે જ ભગવાન ભજતો ન હતો. સાહેબ, તમે તો એકદમ સરળ રીત બતાવી છે.' ભાઈ કહે, 'આખી જિંદગી આ યાદ રાખવાનું છે. બોલો રાખશો ને?' બાળકો આનંદમાં હતા. એકી અવાજે બોલી ઊઠ્યા, 'આ તો સાવ સરળ. અમે બધા ચોક્કસ યાદ રાખીશું.'
ભાઈએ વાતની વાતમાં બાળકોને જીવનમંત્ર આપી દીધો. જે તેમને આધ્યાત્મિક રસ્તે જવામાં મદદરૂપ બનવાનો હતો.
---------
→ ભાઈ શીખવાડે છે કે, દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખવા.
→ દરેક ક્રિયામાં ભગવાનને યાદ કરવાથી ભગવાન સંભારવાનો અભ્યાસ પડે.
→ નાનપણથી જ ભગવાનને સાથે રાખવાનું ભાઈ શીખવાડે છે, જેથી મોટા થતા તે એક કલ્યાણકારી ટેવમાં પરિણમે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ભાઈએ બાળકોને કેટલો સમય પૂજા કરવાનું કહ્યું?
(૨) બાળકોએ પૂજા ન કરવા ક્યા કારણો આપ્યા?
(૩) ભાઈએ બાળકોને ક્યો જીવનમંત્ર આપ્યો?
(૪) દરેક ક્રિયા કરતા પહેલાં ભગવાનને કેટલી વાર સંભારવાનું ભાઈએ કહ્યું?
ખાલી જગ્યા પૂરો.
(૧) ---------- નથી, નથી આવડતું અને કલાકો બગડે. આ બધા ---------- છે.
(૨) ---------- મિનિટ તો હું રોજ પૂજા કરી શકું.
(૩) દરેક ક્રિયા કરતા પહેલાં ---------- ને સંભારવા.
(૪) ---------- સેકન્ડ જ ભગવાનને સંભારવા.
(૫) ભગવાનને કહેવું----------તમે આ ક્રિયામાં----------સાથે રહેજો.
(૬) ભાઈએ વાતની વાતમાં બાળકોને ---------- આપી દીધો.