૩૬ ભૂલ માફ કરી
મામા રૂમમાં બેઠા હતા. ઉદાસ ચહેરે એક યુવક રૂમમાં દાખલ થયો. મામાને પગે લાગ્યો. મામા કહે, 'બેસો. શું વાત છે? કેમ ઢીલા દેખાઓ છો?' યુવક કહે, 'પરીક્ષાનું પરિણામ સારું નથી આવ્યું.' મામાએ પૂછ્યું, 'શું આવ્યું છે?' યુવક રડમસ થઈ કહે, 'મામા, મારે એટીકેટી આવી છે. મારું વરસ બગડી જશે. હવે શું કરવું? ઘરમાં શું જવાબ આપીશ?' મામાએ યુવક સામે જોઈ પૂછ્યું, 'તમારું ભણવાનું છેલ્લું વર્ષ હતું ને?' યુવક કહે, 'હા, મામા. છેલ્લા વર્ષમાં તો પાસ છું. ફર્સ્ટ ક્લાસ આવ્યો છે.' મામા કહે, 'તો પછી એટીકેટી શામાં છે?' યુવક કહે, 'ગયા વરસની બાકી હતી. તેમાં પાસ નથી થવાયું.' યુવક નીચું જોઈ ગયો. મામા કહે, 'સત્ય બોલજો, તમે બરાબર મહેનત કરી હતી?' યુવક કહે, 'મામા, આપની પાસે ક્યારેય અસત્ય નહીં બોલું. ગયા વર્ષના પેપર માટે બહુ મહેનત કરી શક્યો નહોતો.' મામા કહે, 'મહેનત ન કરી હોય તો પછી ક્યાંથી પાસ થવાય? મહેનત તો કરવી જ પડે. ભગવાન તો જ ભળે.' યુવક રડી પડ્યો. કહે, 'મામા, મારી ભૂલ થઈ. બીજીવાર આવી ભૂલ નહીં કરું. મને બચાવી લ્યો.' મામાએ તેને શાંત પાડ્યો અને પૂછ્યું, 'હવે આનો બીજો ક્યો રસ્તો છે?' યુવક કહે, 'રીચેકિંગ માટે આપી શકાય?' મામા કહે, 'રીચેકિંગમાં માર્ક્સ વધી જશે? કેટલા માર્ક્સ ખૂટે છે?' યુવક કહે 'ફક્ત સાત માર્ક્સ ઓછા છે. હું રીચેકિંગ માટે ફોર્મ ભરું? આપ મને આશીર્વાદ આપો તો હું પાસ થઈ જાઉં. તો મારું વરસ બચી જાય.' મામા થોડીવાર વિચારતા રહ્યા. પછી કહે, 'સારું ફોર્મ ભરો. હું ભગવાનને પ્રાર્થના કરીશ.' મામાએ તેને પ્રસાદીની સાકર આપી. યુવક મામાને પગે લાગી ગયો.
એકાદ મહિના પછી યુવક પાછો મામાના દર્શને આવ્યો. મામાની રૂમમાં પ્રવેશતા જ મામા બોલ્યા, 'ભગવાન એક જ વખત ભૂલ માફ કરે છે. જીવનમાં વારંવાર ભૂલો કરશો તો પછી ભગવાન માફ નહીં કરે.' યુવક નવાઈ પામી ગયો. વિચારવા લાગ્યો. મામા અંતર્યામી છે. મારા વિશે તેમને પહેલેથી જ બધી ખબર છે. યુવક મામાને પગે લાગ્યો. તેના ચહેરા પર ખુશી હતી. મામાએ અજાણ્યા થઈ પૂછ્યું, 'શું થયું?' યુવક હસી પડ્યો કહે, 'મામા, આપને બધી ખબર છે. હું અંદર આવ્યો અને તમે જે બોલ્યા તે બરાબર છે.' મામાએ પૂછ્યું, 'પાસ થઈ ગયા?' યુવક કહે, 'મામા બધો આપના આશીર્વાદનો જ પ્રતાપ છે. મારે સાત માર્ક્સ ઓછા હતા. રીચેકિંગમાં સાત જ માર્ક્સ વધીને આવ્યા છે.' મામા કહે, 'તે દિવસે તમે સાચા ભાવથી પસ્તાવો કર્યો. અને અસત્ય ન બોલ્યા. આથી ભગવાન રાજી થયા. અસત્ય બોલનાર પર ભગવાન રાજી થતા નથી. જીવનમાં બીજી વખત ભૂલ કરતા નહીં. પસ્તાવો કરવો પડે એવું કામ કરવું જ નહીં. ભગવાનને દરેક કાર્યમાં સાથે રાખવા. એટલે ભગવાન કાર્ય પાર પાડે.' યુવક ગદગદભાવે મામાને પગે લાગ્યો અને કહ્યું, 'મામા, આપે જેમ કહ્યું છે તેમ કરવા હું પૂરો પ્રયત્ન કરીશ. આપ મને આશીર્વાદ આપો.' મામાએ રાજી થઈ યુવકને આશીર્વાદ આપ્યા.
(પછીથી યુવકે જીવનમાં ઘણી મહેનત કરી. મામાએ શીખવ્યા પ્રમાણે ભૂલો ન થાય તેનું ધ્યાન રાખ્યું. અત્યારે એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારી નોકરી કરી રહ્યો છે.)
---------
અઘરા શબ્દો
રડમસ = રડવા જેવું, દયા ઉપજાવે તેવું.
→ અનાદિમુક્ત પાસે સાચા ભાવથી પસ્તાવો કરવાથી તેઓ ભૂલ માફ કરે છે.
→ મહારાજ અને તેમના અનાદિમુક્ત પાસે નિષ્કપટ રહેવું. અસત્ય ન બોલવું.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) યુવક શા માટે ઉદાસ હતો?
(૨) નાપાસ થવા માટે યુવકે ક્યું કારણ આપ્યું?
(૩) યુવક કેવી રીતે પાસ થયો?
(૪) મામાએ યુવકને જીવનમાં શું ન કરવાનું કહ્યું?
(૫) યુવક પર મામા શા માટે રાજી થયા?
ખાલી જગ્યા પૂરો.
(૧) ---------- ન કરી હોય તો પછી ક્યાંથી પાસ થવાય.
(૨) મામા બધો આપના ---------- નો પ્રતાપ છે.
(૩) તમે સાચા ભાવથી ---------- કર્યો હતો.
(૪) ---------- ને દરેક કાર્યમાં સાથે રાખવા.