૪૬ વાલીઓને શિખામણ
ગુરુપૂર્ણિમાનો દિવસ હતો. બધા પોતાના આદર્શ ગુરુ મામાના આશીર્વાદ લેવા આવતા હતા. એટલામાં આઠ-દસ વ્યક્તિઓ એક સાથે આવી. સાથે તેમના બાળકો પણ હતા. બધા મામાને પગે લાગ્યા. બાળકોને પણ પગે લાગવા કહ્યું. બાળકો થોડું નમીને ઊભા થઈ ગયા. વાલીઓએ કહ્યું, 'બરોબર પગે લાગો.' તો પણ એમ જ કર્યું. મામાએ કહ્યું, 'કાંઈ વાંધો નહીં.' મામાએ બાળકોને સાકર આપી અને પૂછ્યું, 'તમે દરરોજ પૂજા કરો છો?' બાળકો કહે, 'કોઈક દિવસ ભૂલી જઈએ.' મામા કહે, 'પૂજા તો દરરોજ કરવી જ જોઈએ. તેમાં કેટલી વાર લાગે? પંદરથી વીસ મિનિટ થાય. એટલો સમય તો ભગવાન માટે કાઢવો જ જોઈએ. તમને ભગવાનની આરતી આવડે છે?' બાળકો કહે, 'બધાની સાથેસાથે આવડે છે.' મામાએ પૂછ્યું, 'બાપાશ્રીની આરતી આવડે છે?' બાળકો કહે, 'એ બરાબર નથી આવડતી.'
બાળકોના માતા-પિતા કહે, 'મામા, આજકાલના બાળકો સંસ્કારી નથી હોતા. ભગવાનમાં ચિત્ત નથી ચોંટતું. આખો દિવસ તોફાન-મસ્તીમાં વિતાવે છે.' મામાએ બાળકોને બહાર રમવા મોકલ્યા. પછી બોલ્યા, 'બાળકો તો કુમળા છોડ જેવા હોય, જેમ વાળીએ તેમ વળે. તેમનું જીવન કોરી પાટી જેવું હોય છે. તેમાં આપણે જેવું લખીએ તેવું લખાય. તે પ્રમાણે તેનું જીવન ઘડાય. બાળકો તેમના વડીલોનું અનુકરણ કરતા હોય છે. ઘરમાં સવાર-સાંજ બધાએ સાથે આરતી કરવી એવો નિયમ હોવો જોઈએ. આવા નિયમથી બાળકો શીખે છે. વડીલો આરતીમાં હાજર ન રહે તો બાળકો હાજરી ન જ આપે. બાપાશ્રીની આરતી પણ આખી બોલવી જોઈએ. દરરોજ ઘરસભાનું આયોજન થવું જોઈએ. એક વચનામૃત, એક બાપાશ્રીની વાત, નિત્યનિયમ. આટલું કરવામાં એક કલાકથી વધારે ન થાય. ભગવાનને રાજી કરવા આટલું તો કરવું જ. વડીલો વર્તન સુધારે તો આપો-આપ બાળકોનું વર્તન સુધરી જાય. આવો રોજનો ફક્ત એક કલાક બાળકનું જીવનઘડતર કરે છે. તેના જીવનમાં એ બધું વણાઈ જાય. પછી ટાઈમ નથી એવું બહાનું ન રહે. એ રોજનો ક્રમ થઈ જાય.
બાળકોમાં સારા સંસ્કાર પાડવા વાલીઓએ પોતે તે રીતે વર્તવું જોઈએ. બાળકો સાથે હોય ત્યારે બહુ લાંબો સમય ભજન-ભક્તિમાં ન વીતાવવો. નહીં તો બાળકો કંટાળી જાય. થોડો સમય હોય તો હોંશે-હોંશે કરે.' વાલીઓને વાત સમજાઈ. મામાને કહે, 'મામા અમે વર્તન સુધારીશું. અમારા બાળકોમાં સંસ્કારસિંચન કરીશું.' મામા રાજી થયા. વાલીઓને ગુરુપૂર્ણિમા સાર્થક થઈ.
---------
→ વાલીઓનું વર્તન યોગ્ય હશે ત્યારે જ બાળકો યોગ્ય વર્તન કરે છે.
→ મામા શીખવે છે કે, બાળકોની સામે તેમના વાલીઓને શિખામણ ન આપવી, તેઓની ઉણપ જાહેર ન કરવી. તેમ કરવાથી બાળકો પર અવળી અસર પડે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ક્યા દિવસે બધા મામાના આશીર્વાદ લેવા આવતા હતા?
(૨) બાળકો મામાને કેવી રીતે પગે લાગ્યા?
(૩) બાળકોને મામાએ શું પૂછ્યું?
(૪) વાલીઓએ બાળકોની કઈ ફરિયાદ કરી?
(૫) બાળકો કેવા હોય છે?
(૬) રોજ ઘરમાં ક્યા નિયમો પળાવા જોઈએ?
ખાલી જગ્યા પૂરો.
(૧) ---------- નો દિવસ હતો.
(૨) બાળકો તો ---------- જેવા હોય.
(૩) ---------- ની આરતી પણ આખી બોલવી જોઈએ.
(૪) દરરોજ ---------- નું આયોજન થવું જોઈએ.
(૫) ---------- વર્તન સુધારે તો આપોઆપ બાળકોનું -------- સુધરી જાય.
(૬) રોજનું ફક્ત ---------- બાળકોનું જીવનઘડતર કરે છે.