૪ ઘરને તીર્થ બનાવ્યું

નારાયણ પાંચ વર્ષના થયા. ને પિતાશ્રી ગીગાભાઈ ધામમાં પધારી ગયા. શાકુબાએ જેમ-તેમ ત્રણ વર્ષ ધ્રાંગધ્રામાં કાઢ્યા. ગામમાં શાકુબાને કાંઈ કામ મળતું નહીં. ખાવાની પણ મુશ્કેલી પડવા લાગી. એક વખત વઢવાણથી ત્યાગી ભાગીરથીબા ધ્રાંગધ્રા આવ્યા. શાકુબાની હાલત જોઈ તેમને બહુ દુઃખ થયું. શાકુબાને કહે, 'શાકુ અહીં તો તને કાંઈ કામ મળતું નથી. તારે પાંચ બાળકોને ઉછેરવાના છે. તું મારી સાથે વઢવાણ ચાલ. તને ત્યાં કાંઈક કામ મળી રહેશે.' શાકુબા વિચારમાં પડી ગયા. નારાયણ સાથે હતો તેણે કહ્યું, 'હા મા, ચાલો આપણે વઢવાણ જઈએ. મહારાજ આપણને ત્યાં જરૂરથી કામ અપાવશે.' નાનકડા નારાયણના મુખમાંથી હિંમતના વચન સાંભળી શાકુબાએ હિંમત કરી. ભાગીરથીબાને કહ્યું, 'સારું બા, અમે વઢવાણ આવીશું.'

બધા વઢવાણ આવ્યા. આવી તો ગયા, પણ હવે રહેવું ક્યાં? પાસે સાવ થોડા પૈસા હતા. એ પૈસા ભાડાના ઘર માટે આપી દે તો છોકરાઓને ખવડાવે શું? શાકુબા ભારે ચિંતામાં પડી ગયા. હવે શું કરવું? ઘરવાળા ભાડું બહુ માંગતા હતા. એવામાં એક શેઠ આવ્યો કહે, 'મારું ઘર મોટું, માળવાળું છે. ભાડું પણ ફક્ત બે જ રૂપિયા લઈશ. તમને ગમે તો રાખો. ભાગીરથીબાના ઘરની બાજુમાં જ મારું ઘર છે.' ઘર જોઈ શાકુબા ખુશ થઈ ગયા. તેમણે મહારાજનો ઉપકાર માન્યો. શાકુબા બાળકોને લઈ ઘરમાં જવાની તૈયારીમાં જ હતા. બાજુમાં રહેતા બહેન શાકુબા પાસે આવ્યા કહે, 'બહેન આ ઘરમાં રહેવા ન જશો. આ ઘરમાં ભૂત થાય છે. કોઈને એક રાત પણ રહેવા દેતા નથી. બહુ રંજાડે છે. ઘણા તો ભયથી મરી પણ જાય છે.'

શાકુબા અને નારાયણના ભાઈ-બહેનો ગભરાઈ ગયા. શાકુબા વિચારવા લાગ્યા આવું ભૂતિયું મકાન હતું, એટલે જ શેઠે સસ્તામાં ભાડે આપ્યું. મારે ભૂતિયા મકાનમાં નથી રહેવું. બીજી કાંઈ પણ વ્યવસ્થા કરીશું. તેઓ બાળકોને લઈ ચાલવા લાગ્યા. નારાયણ કહે, 'બા ચાલોને, આટલું સરસ ઘર છે ને આપણે કેમ નથી જતા?' શાકુબા કહે, 'સાંભળ્યું નહીં? પેલા બહેન કહે છે આ ભૂતિયું મકાન છે. ભૂત કોઈને એક રાત રહેવા દેતા નથી.' નારાયણ કહે, 'મા, આપણે સ્વામિનારાયણના આશ્રિત. તેમની કંઠી ગળામાં પહેરી છે. શ્રીજીમહારાજ સદાય આપણી સાથે જ છે. ભૂત બિચારા આપણને શું કરનાર છે? તેઓ આપણાથી ગભરાશે, માટે ચાલો. આટલા ઓછા ભાડામાં આવડું મોટું મકાન નહીં મળે. ભગવાન સંભારીએ એટલે કાંઈ ન થાય.' શાકુબાને બાપાશ્રીના વચનો યાદ આવ્યા. નારાયણ તો અનાદિમુક્ત છે. આવું યાદ આવતાં શાકુબાને હિંમત આવી. બધા ઘરમાં રહેવા ગયા. નારાયણ કહે, 'મા, આપણે બધા ઉપર મેડીએ રહીશું.' ગામ લોકો જોવા આવ્યા. ભૂતિયા ઘરમાં કોણ રહેવા આવ્યું? આવતીકાલ સુધીમાં તો બધા ઘર છોડીને બીજે જતા રહેશે. આપણે તો ના પાડી હતી, પણ માન્યા નહીં. રાત્રે ભૂત હેરાન કરશે ત્યારે ખબર પડશે. થોડીવાર વાતો કરી બધા છૂટા પડ્યા.

શાકુબાએ ઉપલા માળે ઘર સાફ કરી મહારાજ પધરાવ્યા. રાત પડી. નીચે ભૂતો જાત-જાતના અવાજો કરે. ઘરનાને ડરાવે. નારાયણના ભાઈ-બહેનો ગભરાવા લાગ્યાં. શાકુબા પણ ભગવાન સંભારવાં લાગ્યાં. નારાયણ કહે, 'બધા મહારાજને સંભારી સૂઈ જાવ. ભૂત કાંઈ હેરાન કરવા સમર્થ નથી.' બધા ગભરાતાં-ગભરાતાં, મહારાજ સંભારતા સૂઈ ગયા. બધા સૂઈ ગયા એટલે નારાયણ નીચે ઉતર્યા. ગ્લાસમાં પાણી લીધું. નારાયણને જોઈ ભૂતો ગભરાવા લાગ્યા. નારાયણમાં તેમને દિવ્ય તેજ દેખાયું. નારાયણને કહેવા લાગ્યા, 'તમે તો મહાન મુક્ત છો. અમારો મોક્ષ કરો. અમે ઘણા કાળથી અહીં ભટકીએ છીએ.' નારાયણને ભૂતો પર દયા આવી. તેમણે સ્વામિનારાયણ-સ્વામિનારાયણ બોલી બધા ભૂતો પર પાણી છાંટ્યું. આશીર્વાદ આપી ભૂતોનો મોક્ષ કર્યો. શાકુબા દાદર પર બેઠા બેઠા બધું જોતા હતા. નારાયણને કહે, 'તમે તો મહામુક્ત છો. અમારા ઘરે પુત્રરૂપે આવ્યા છો. અમારા મોટા ભાગ્ય.' નારાયણ કહે, 'બધું શ્રીજીમહારાજ કરે છે. આપણે તો નિમિત્તમાત્ર છીએ.' સવારે ગામ લોકો જોવા આવ્યા. ઘરમાં બધાને હેમખેમ જોયા. બધાને બહુ આશ્ચર્ય થયું. જ્યારે ખબર પડી કે આઠ વર્ષના નાના બાળકે ભૂતિયા ઘરને તીર્થરૂપ બનાવી દીધું છે, ત્યારે બધા નારાયણને પગે લાગ્યા. કહેવા લાગ્યા, 'અમારા ધન્ય ભાગ્ય, કે તમે અમારા ગામમાં પધાર્યા.'

વાત સાંભળી ઘર માલિક દોડતો-દોડતો આવ્યો. નારાયણને પગે લાગ્યો અને કહે, 'વર્ષોથી આ ઘરમાં ભૂત રહેતા હતા. કોઈ ઘરમાં રહી શકતું ન હતું. તમે આ ઘરને પવિત્ર મંદિર જેવું બનાવી દીધું. તમારે આ ઘરમાં હવે જેટલો વખત રહેવું હોય તેટલો વખત રહો. મારે ભાડું પણ નથી જોઈતું. તમારા જેવા મુક્તના દર્શન થયા તે જ મારા માટે ભાગ્યની વાત છે.' આમ કહી રાજી થકો પોતાના ઘરે ગયો. શાકુબા અને તેમના બાળકો સુખેથી ઘરમાં રહેવાં લાગ્યાં.

---------

અઘરા શબ્દો

રંજાડવું = હેરાન કરવું

આશ્રિત = દાસ

મેડી = ઉપરનો માળ

કાળ = સમય

હેમખેમ = સહી-સલામત

→ મહારાજના અનાદિમુક્ત પૃથ્વી પર પધારે ત્યારે નાની ઉંમરમાં પણ પોતાનું ઐશ્વર્ય બતાવી અવગતે ગયેલા જીવો પર દયા લાવી તેમનો મોક્ષ કરે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) શાકુબા ધ્રાંગધ્રાથી ક્યા ગામ રહેવા આવ્યાં? શા માટે?

(૨) ઘર માલિકે શા માટે ભાડું ઓછું કહ્યું?

(૩) ભૂતોએ નારાયણને શું પ્રાર્થના કરી?

(૪) ભૂતોનો મોક્ષ કર્યો ત્યારે નારાયણની ઉંમર કેવડી હતી?

ખાલી જગ્યા પૂરો.

(૧) આ તો ---------- ઘર છે.

(૨) આપણે તો ---------- ના આશ્રિત---------- બિચારા આપણને શું કરનાર છે?

(૩) આ ઘરને ---------- બનાવી દીધું.

(૪) તમારા જેવા---------- ના મને ---------- થયા તે ભાગ્યની વાત છે.

સંદર્ભ સહિત સમજાવો.

(૧) તારે પાંચ સંતાનોનો ઉછેર કરવાનો છે. મારી સાથે વઢવાણ ચાલ ત્યાં તને કંઈક કામ મળી રહેશે.

(૨) આપણે સ્વામિનારાયણના આશ્રિત, ભૂત બિચારા આપણને શું કરનાર છે?