૩૦ કુટેવ સુધારી
કન્યા શાળામાં ભાઈ પ્રિન્સિપાલ હતા. શાળાની દરેક વિદ્યાર્થિની ભાઈને આદર્શ ગુરુના રૂપમાં જુએ. ભાઈ પણ દરેક વિદ્યાર્થિની પર પિતૃતુલ્ય વાત્સલ્ય વરસાવે અને સાચી સમજણ આપે. એક વખત એક વિદ્યાર્થિનીના વાલી ફરિયાદ લઈને આવ્યા. ભાઈને કહે, 'મારી પુત્રીના થેલામાંથી કોઈ વસ્તુઓ ચોરી જાય છે.' ભાઈને આશ્ચર્ય થયું. કહે, 'એમ! આ શાળામાં પહેલાં ક્યારેય આવું બન્યું નથી. હું તપાસ કરાવીશ.' એકાદ દિવસ થયો ત્યાં એક વિદ્યાર્થિની ભાઈ પાસે આવી કહેવા લાગી, 'સાહેબ, મારો કંપાસ ચોરાઈ ગયો. કોઈએ દફતરમાંથી કાઢી લીધો.' એટલામાં બીજી છોકરી આવી કહે, 'સાહેબ, કાલે મારી પેન્સિલ ચોરાઈ ગઈ હતી.' ભાઈને નવાઈ લાગી કહે, 'ચાલો મારી સાથે. તમે કયા વર્ગમાં અભ્યાસ કરો છો?' છોકરીઓ ભાઈને પોતાના વર્ગમાં લઈ ગઈ ભાઈએ તપાસ કરી. જાણવા મળ્યું. ઘણી વિદ્યાર્થિનીઓની નાની-મોટી વસ્તુઓની ચોરી થઈ હતી. કોઈની પેન્સિલ, કોઈનું રબ્બર, કોઈનો કંપાસ, તો કોઈની ચોપડી. ભાઈ કહે, 'આ તો બહુ ખરાબ કહેવાય. આવી રીતે કોણ ચોરી જતું હશે?' ભાઈએ બે-ત્રણ સારી વિદ્યાર્થિનીઓને નજર રાખવા કહ્યું અને શિક્ષકોને પણ તપાસ કરવા જણાવ્યું. બીજે જ દિવસે ચોરી કરનાર વિદ્યાર્થિની ઝડપાઈ ગઈ. તેને ભાઈ પાસે લાવ્યા. ભાઈએ તેને ખુરશી પર બેસાડી, પાણી આપ્યું. પછી કહ્યું, 'બેટા! તને ખબર છે. ચોરી કરવી એ બહુ ખોટું કામ છે.' વિદ્યાર્થિની રડવા લાગી. કહે, 'સાહેબ, મને ખબર છે. ચોરી કરવી એ સારી વાત નથી.' ભાઈ કહે, 'તો પછી શા માટે તું બધાની વસ્તુ લઈ લે છે?' બાળકી કહે, 'મારાથી રહેવાતું જ નથી. મને ખરાબ ટેવ પડી ગઈ છે. હું ટેવને વશ થઈ ચોરી કરી બેસું છું. કોઈની વસ્તુ મને ગમી જાય તો તે લઈ લઉં છું.' ભાઈએ વિચાર્યું ખરાબ કામ છે તેની આને ખબર છે, છતાં તે કરે છે. આને જુદી રીતે સમજાવવું પડશે. વઢવાથી કામ નહીં થાય. ભાઈએ તેને પ્રેમથી પૂછ્યું, 'તું ભગવાનને માને છે?' બાળકી કહે, 'હા. ભગવાનમાં મને બહુ શ્રદ્ધા છે.' ભાઈ કહે, 'સરસ. હવે જ્યારે ચોરી કરવાનું મન થાય, ત્યારે સ્વામિનારાયણ - સ્વામિનારાયણ એમ બોલવા માંડજે. એટલે તારી ખરાબ ટેવ છૂટી જશે.' છોકરી રાજી થઈ કહે, 'પછી વર્ગમાં બધા મારી સાથે વાત કરશે? મારી સાથે રમશે પણ ખરા?' ભાઈ કહે, 'ચોક્કસ. તું ચોરી નહીં કરે. તો બધી તારી સખીઓ બનશે. તું તો ડાહી દીકરી છે. ભગવાનની પણ વહાલી છે. તારે આવું ક્યારેય ન કરાય. જ્યારે કોઈની વસ્તુ લેવાનો વિચાર આવે ત્યારે વિચારવું કે, આ કાર્ય ભગવાનને ગમશે? ભગવાનને ન ગમે એવું કાર્ય કરીએ તો ભગવાન નારાજ થાય. આપણી મદદે ન આવે. તું ઇચ્છે છે કે ભગવાન તારી મદદ કરે?' છોકરી કહે, 'હા સાહેબ.' ભાઈ કહે, 'તો પછી હવેથી ક્યારેય કોઈની વસ્તુ લઈશ નહીં.' છોકરી કહે, 'સાહેબ, હું હવેથી ભગવાનને જરૂરથી યાદ કરીશ અને સ્વામિનારાયણ-સ્વામિનારાયણ બોલીશ પછી હું ચોરી નહીં કરી શકું ને? મારી આ કુટેવ છૂટી જશે ને?' ભાઈ કહે, 'ચોક્કસ, કેમ નહીં? પ્રયત્ન કરીએ તો જરૂરથી સફળતા મળે.' બાળકી કહે, 'સાહેબ, તમે મારા આદર્શ ગુરુ છો તમે મને આશીર્વાદ આપો.' ભાઈએ બાળકીને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી બાળકી ક્યારેય કોઈની વસ્તુ લેતી નહીં. તેની કુટેવ સદાને માટે જીવનમાંથી નીકળી ગઈ.
---------
અઘરા શબ્દો
ઝડપાઈ જવું = પકડાઈ જવું
→ જીવનમાં પડેલી કુટેવ મોટા પુરુષના આશીર્વાદની સાથે પ્રયત્ન કરવામાં આવે તો જરૂરથી છૂટી જાય છે.
→ મુક્તરાજ હંમેશાં એવો આગ્રહ રાખતા કે, નાનપણથી જ બાળકોમાં સારી ટેવો અને સારા સંસ્કારો કેળવવા, જે તેમનું જીવન ઘડતર કરે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ભાઈ દરેક વિદ્યાર્થિની માટે કેવા હતા?
(૨) વર્ગમાં તપાસ કરતાં ભાઈને શેની જાણ થઈ?
(૩) ભાઈએ બાળકીને ચોરી ન કરવા શું સમજાવ્યું?
(૪) બાળકીએ ભાઈને શેની ખાતરી આપી?
ખાલી જગ્યા પૂરો.
(૧) ---------- કરવી એ બહુ ---------- કામ છે.
(૨) મને ખરાબ ---------- પડી છે.
(૩) ચોરી કરવાનું મન થાય ત્યારે ---------- બોલવા માંડજે.
(૪) ભગવાનને ન ગમે એવું કાર્ય કરીએ તો ભગવાન ---------- થાય.