૫૦ પૂર્ણતાના હિમાયતી

રવિવારની રજા હતી. બાળકો મામા પાસે સેવામાં આવ્યા હતા. મામા જ્ઞાનભવનમાં પુસ્તકાલયમાં હતા. બાળકો ત્યાં પહોંચી ગયા. મામા કહે, 'આવી ગયા તમે. ચાલો આજે બધા પુસ્તકો સાફ કરવાના છે. કબાટમાંથી ધૂળ કાઢી કબાટો પણ સાફ કરવાના છે. અને બધા પુસ્તકો પાછા વ્યવસ્થિત ગોઠવવાના છે. વ્યવસ્થિત ગોઠવેલા હોય તો જે પુસ્તક જોઈતું હોય તે તરત મળી જાય.' એક બાળક કહે, 'મામા હજી થોડા દિવસ પહેલાં તો આ બધું સાફ કર્યું હતું.' મામા કહે, 'પુસ્તકોનું ધ્યાન ન રાખીએ તો ખરાબ થઈ જાય. થોડા-થોડા દિવસે સાફ કરવા પડે.' બાળક કહે, 'પણ મામા, ધૂળ તો દેખાતી નથી.'

મામા તેને કબાટ પાસે લઈ ગયા. કબાટ ખોલ્યું. બાળકને કહે, 'ખાનામાં હાથ ફેરવ.' બાળકે હાથ ફેરવ્યો. કહે, 'સાવ થોડીક ધૂળ છે.' મામા કહે, 'થોડીક હોય ત્યારે જ સાફ કરી નાંખવી જોઈએ. નહીં તો કેટલી ભેગી થાય? જીવાત થાય અને પુસ્તકો ખરાબ થઈ જાય. બધી જગ્યાએ સ્વચ્છતા તો રાખવી જ જોઈએ. જ્યાં સ્વચ્છતા હોય. ત્યાં જ પ્રભુનો વાસ હોય. સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી પણ રહે. સ્વચ્છતા પ્રભુને પ્યારી છે. "Cleanliness is Godlyness.' બાળક કહે, 'હવેથી સ્વચ્છતા જાળવવામાં હું આળસ નહીં કરું.' પુસ્તકો સાફ કરતાં ઘણો સમય નીકળી ગયો. મામા કહે, 'બપોરે સભા છે. તમે બધા સભાખંડમાં જાવ સાફસૂફી કરી શેતરંજી પાથરો. હું થોડીવારમાં આવું છું.' બાળકો સભાખંડમાં ગયા. વાતો કરતા જાય ને સાફસૂફી કરતા જાય. સાફસૂફી થઈ ગઈ. બધાએ મળી શેતરંજીઓ પાથરી દીધી.

મામા આવ્યા. જોયું તો શેતરંજીઓ ઊંચી-નીચી, આડી-અવળી પાથરી હતી. મામા કહે, 'બધા બાળકો અહીં આવો.' બધાને એમ કે મામા રાજી થઈને બોલાવે છે. બાળકો આવ્યા. મામાએ પૂછ્યું, 'આ શેતરંજીઓ કોણે પાથરી છે?' બાળકો કહે, 'અમે બધાએ ભેગા મળી પાથરી છે.' મામા કહે, 'આટલાં બધા ભેગા મળીને પણ બરાબર ન પાથરી શક્યા?' બાળકો કહે, 'કેમ? બરાબર તો છે.' મામા કહે, 'આને બરાબર કહેવાય? ઊંચી-નીચી પાથરી છે. બે શેતરંજીઓના છેડા એક લાઈનમાં છે?' એક બાળક કહે, 'આટલામાં શું મામા?' મામા કહે, 'જીવનમાં ચોકસાઈ તો હોવી જોઈએને? મહારાજની સ્મૃતિ રાખી કરીએ તો કાર્ય ચોકસાઈપૂર્વક થાય. દરેક કામમાં એકાગ્રતા આવે. એકાગ્રતાથી કરેલું કામ ચોક્કસ અને પૂર્ણ હોય. કામને સફળતા મળે. કાર્ય સફળ થવાથી જીવનમાં સફળતા આવે. અને સમગ્ર જીવન સફળ થાય. ચોકસાઈપૂર્વક એકાગ્રતાથી કામ કરવાનો ગુણ દરેકે કેળવવો જોઈએ. એ મહારાજને ગમતો ગુણ છે. જેણે આ ગુણ કેળવ્યો હોય તેના ઉપર પ્રભુની પ્રસન્નતા ઉતરે છે. આવી ટેવ પડવાથી ધ્યાન કરતી વખતે મૂર્તિમાં એકાગ્રતા જલદી થાય. ધ્યાન જલદી આવડે. ધ્યાન કરવામાં પણ ચોકસાઈ આવે અને મૂર્તિ જલદી સિદ્ધ થાય. કઢંગી રીતે, અવ્યવસ્થિત કામ કરવાથી એકાગ્રતા કેળવાતી નથી. ચોકસાઈ સાથે ચોખ્ખાઈનું પણ એટલું જ મહત્વ છે.'

બાળક કહે, 'વાહ મામા! શેતરંજી પાથરવાની નાનકડી વાત હતી. એ નાની વાતમાંથી આપે ઠેઠ મૂર્તિ સુધીની વાત કરી.' એક બાળક કહે, 'મામાએ એટલી સુંદર અને સરળ રીતે સમજાવ્યું છે કે, આપણે બધા ચોકસાઈ, એકાગ્રતા અને ચોખ્ખાઈના ગુણો જીવનમાં કેળવીશું.' બીજો બાળક કહે, 'મામાના ઘરમાં દરેક વસ્તુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ચોક્કસ જગ્યાએ હોય છે. આપણે પણ એવું રહેતા શીખવું જોઈએ.' મામા કહે, 'તમારા માસીએ આ બધા ગુણો જીવનમાં વણી લીધા છે. દરેક બહેનોએ તેમની પાસેથી શીખવું જોઈએ. એ શીખી જાય તો બહેનોને સાસરામાં ક્યારેય દુઃખ ન પડે.'

---------

અઘરા શબ્દો

ધૂળ = માટી

→ ચોખ્ખાઈ, ચોકસાઈ અને પૂર્ણતા જેવા ગુણો મહારાજના ગમતા છે જે મહાપ્રભુજીની નજીક લઈ જાય છે.

→ અનાદિમુક્ત સમજાવે ત્યારે જ જીવનમાં શેની અગત્યતા છે તે સમજાય છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) રવિવારે બાળકો ક્યાં ગયા હતા?

(૨) મામાએ બાળકોને શું સાફ કરવાનું કહ્યું?

(૩) બાળકે કબાટ, પુસ્તકો સાફ કરવાની શા માટે ના પાડી?

(૪) બાળકોએ શેતરંજી કેવી પાથરી હતી?

(૫) મહારાજની સ્મૃતિ સાથે કરેલું કામ કેવું થાય?

(૬) મહારાજને ગમતા ગુણો ક્યા છે?

(૭) જીવનમાં ગુણો વણાઈ જાય તેને ધ્યાનમાં શા ફાયદા થાય?

(૮) બહેનોએ કોની પાસેથી શીખવું?

(૯) માસી પાસેથી બહેનોએ ક્યા ગુણો કેળવવા જોઈએ?