૧૬ સાચું મનોરંજન

નારાયણ બી.એસસી. કરવા સુરત શહેરમાં આવ્યા. તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં. શહેરમાં છોકરાઓ જાત-જાતની ફેશનના કપડાં પહેરે. નારાયણ તો સાવ સાદા કપડાં પહેરે અને ધર્મની મર્યાદામાં રહે. મિત્રો ઘણી વખત કહે, 'નારાયણ, તમે ફેશન પ્રમાણેના વસ્ત્રો કેમ નથી પહેરતા?' નારાયણ કહે, 'સાદા વસ્ત્રો મને વધારે ગમે છે. ફેશનવાળા કપડાં પહેરવાની મારી શક્તિ નથી, અને મને તેની રુચિ પણ નથી.' મિત્રો કહે, 'પરંતુ, બધા વચ્ચે તમે જુદા પડી જાવ છો.' નારાયણ કહે, 'હું બાહ્ય ટાપટીપમાં માનતો નથી. માણસનું મન કેવું છે તે અગત્યનું છે. દેખા-દેખી કરી ખોટા ખર્ચા કરવા મને પસંદ નથી. તમારા માતા-પિતાની શક્તિ હોય કે ન હોય, તમે તે જોતા નથી. દેખા-દેખીમાં તેઓ પાસે ખોટા ખર્ચ કરાવો છો.' નારાયણ એવું દૃઢપણે બોલ્યા કે, મિત્રો વધુ ચર્ચા કરી શક્યા નહીં. વિષયાંતર કરવા એક મિત્ર કહે, 'ચાલો પુસ્તકાલયમાંથી નવલકથા લાવીએ. મારી પાસે છે તે મેં વાંચી લીધી છે.' એક મિત્રએ નારાયણને પૂછ્યું, 'નારાયણ, તમે કોઈ દિવસ કેમ નવલકથા નથી વાંચતા?' નારાયણ કહે, 'નવલ' એટલે જેનાથી કાંઈ ન વળે, એવી કથા. એટલે નવલકથા એવું વાંચી સમય અને શક્તિ બગાડવાના.' એક મિત્ર અંગ્રેજીમાં બોલ્યો, 'નારાયણ, એ તો 'નોવેલ' છે.' નારાયણે અંગ્રેજીમાં જ જવાબ આપ્યો. "Which is not well why to read it.' બીજો મિત્ર કહે, 'વાહ! નારાયણ, તમે તો સરસ જવાબ આપ્યો.' નારાયણ કહે, 'ફક્ત કહેવા ખાતર નહીં, હું ખરેખર એમ જ માનું છું. જે પુસ્તક જીવન ઘડતરમાં કામ ન આવે તેવું શા માટે વાંચવું?' આનો શું જવાબ આપવો મિત્રોને કાંઈ સૂંઝ્યું નહીં.

એકવાર બધા મિત્રો વાતો કરતા હતા. 'કાલે રવિવાર છે. આપણે બધા સિનેમા જોવા જઈએ.' બધા ખુશ થઈ ગયા. કહે, 'હા-હા.' એક મિત્ર મશ્કરીમાં બોલ્યો 'નારાયણ તો સિનેમા-હોલમાં પણ ધ્યાન કરવા માંડશે.' એમ કહી હસવા લાગ્યો. અત્યારે હસવામાં તેનો કોઈએ સાથ ન આપ્યો. એક મિત્ર કહે, 'નારાયણ ખરેખર ભગવાનનું ધ્યાન કરે છે. તારે એવું ન બોલાય.' નારાયણ કહે, 'મને જરાય ખોટું નથી લાગ્યું. તેની વાત સાચી છે. મને સિનેમા જેવા તુચ્છ મનોરંજનમાં જરા પણ રસ નથી.' મિત્ર કહે, 'તમે કેવા મનોરંજનમાં માનો છો?' નારાયણ કહે, 'જે સાત્વિક હોય. મને તો ધ્યાન કરી ભગવાનનાં દર્શન કરવામાં જ સાચું મનોરંજન લાગે છે. એક વખત એ હાથ લાગે પછી બીજા મનોરંજનની આવશ્યકતા રહેતી નથી. જીવ અનેક યોનીમાં ભટકે છે. એ ભટકતો જીવ યુગો પછી મનુષ્ય યોનીમાં આવે છે. મનુષ્યયોની ભગવાનને પામવાનું ઉત્તમ માધ્યમ છે. હું તેને આવા તુચ્છ મનોરંજન દ્વારા વેડફી નાંખવા નથી માંગતો.' મિત્રો કહે, 'નારાયણ, તમારી વાત સાચી છે. અમને એ સુખનો અનુભવ નથી. એટલે આવી વસ્તુઓમાં આનંદ મેળવવા પ્રયત્નો કરતા રહીએ છીએ.' નારાયણ કહે, 'તમે બધા ખુશીથી જઈ શકો છો, પરંતુ મને એ વિશે કહેશો નહીં. મારે મન તો તે મનોરંજન છે જ નહીં. હું તો ભગવાનના સુખની મસ્તીમાં મસ્ત રહું છું.' નારાયણને હવે કોઈ કાંઈ કહી શક્યું નહીં!

કેટલાક મિત્રોએ નારાયણને ધ્યાન શીખવાડવાનું કહ્યું. એ સૂચન નારાયણે સહર્ષ સ્વીકાર્યું.

---------

→ વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ તેની અંદર છે. નહીં કે બાહ્ય ટાપટીપમાં.

→ મુક્તરાજ શીખવે છે કે, દેખા-દેખી કરી મા-બાપ પાસે ખોટા ખર્ચા કરાવવા નહીં.

→ મુક્તરાજ આદર્શ વિદ્યાર્થી તરીકેનું વ્યક્તિત્વ દર્શાવે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણે બી.એસસી. માટે ક્યા શહેરમાં એડ્મિશન લીધું?

(૨) વસ્ત્રો માટે મિત્રો નારાયણને શું કહેતા? નારાયણ તેમને શો ઉત્તર આપતા?

(૩) નવલકથા અને સિનેમા વિશે નારાયણનું મંતવ્ય દર્શાવો?

(૪) નારાયણના મતે સાચું મનોરંજન શેમાં હતું?

(૫) મિત્રએ નારાયણની શું મશ્કરી કરી?

ખાલી જગ્યા પૂરો.

(૧) ---------- વસ્ત્રો મને વધારે ગમે છે.

(૨) બધાં વચ્ચે તમે ---------- પડી જાવ છો.

(૩) તેનું નામ જ ---------- જેમાંથી કાંઈ ન ---------- એવી કથા.

(૪) નારાયણ તો ---------- માં પણ ધ્યાન કરશે.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

(૧) હું નથી ટાપટીપમાં બાહ્ય માનતો. અગત્યનું મન છે તે છે માણસનું કેવું.

(૨) જેનાથી ન કાંઈ એવી એટલે નવલકથા એટલે નવલકથા.

(૩) મનુષ્યયોની માધ્યમ પામવાનું ભગવાનને છે ઉત્તમ.