૪૮ બાળકનું અહોભાગ્ય
એક વખત એક દંપતી મામાના દર્શને આવ્યું. સાથે નાનું બાળક હતું. બાળક થોડું-થોડું બોલતો હતો. જઈને તરત બાળક મામાની બાજુમાં બેસી ગયો. મામાએ માથે હાથ મૂક્યો. મામા દંપતી સાથે વાત કરવા લાગ્યા. બાળકની નજર મામાના હાથમાં રહેલી માળા પર હતી. થોડી-થોડીવારે તે માળાને અડ્યા કરે. બાળક માળાને અડે એટલે મામાનું ધ્યાન તેની તરફ જાય. પછી વાતો કરે. બાળક ફરી માળાને અડે. મામાએ તેની સામે જોયું. બાળક કાલી ભાષામાં બોલ્યો, 'આપો-આપો.' મામાએ કબાટમાંથી સાકર કાઢી આપી. બાળક નકારમાં માથું હલાવવા માંડ્યો. બાળકની માતા કહે, 'તેને સાકર નથી જોઈતી.' બાળક ફરી, 'આપો-આપો' બોલવા લાગ્યો. મામાએ પૂછ્યું, 'તેને શું જોઈએ છે?' બાળક હાથમાંથી માળા ખેંચવા લાગ્યો. તેની માતા કહે, 'મામા, એ માળા માંગે છે.' મામા કહે, 'તે ન લેવાય.'
મામાએ તેને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો. બાળક પાછો નકારમાં માથું હલાવવા માંડ્યો. મામા હસી પડ્યા. બાળક તો હવે માળા પકડી આપો-આપો-આપો એમ સતત બોલવા લાગ્યો. મામા રાજી થઈ ગયા. બાળકને માળા આપી દીધી. માળા મળતા જ બાળક શાંતિથી બેસી ગયો. મામા કહે, 'આ બાળક બહુ ઊંચો જીવ છે. એટલે તેને માળા ગમે છે. નહીં તો બાળક સાકર જોઈ બાકી બધું મૂકી દે. મોટો થઈ આ બાળક ભગવાનનો ભક્ત થશે. ડાહ્યો થશે. હોંશિયાર પણ થશે.' પોતાના બાળકને આવા સુંદર આશીર્વાદ મળવાથી માતા-પિતા ખુશ ખુશ થઈ ગયા. અને બાળકને કોઈને ન મળે તેવી દુર્લભ મામાની પ્રસાદીની માળા મળી ગઈ.
---------
→ ઘણી વખત જે મોટા મેળવી ન શકે તે બાળક પોતાની કાલી ભાષાથી મુક્તને રાજી કરી મેળવી લે છે.
→ અનાદિમુક્ત જીવને જાણી શકે છે. તેનું ભવિષ્ય કથન પણ કરી શકે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) બાળક કોની બાજુમાં બેસી ગયો?
(૨) બાળકની નજર શેના પર હતી?
(૩) મામાએ બાળકને શું શું આપવાના પ્રયત્નો કર્યા?
(૪) બાળક મામા પાસે શું માંગતો હતો?
(૫) મામાએ બાળકને ક્યા આશીર્વાદ આપ્યા?
ખાલી જગ્યા પૂરો.
(૧) બાળકની નજર મામાના હાથમાં રહેલી ---------- પર હતી.
(૨) બાળક કાલી ભાષામાં ---------- બોલ્યો.
(૩) આ બાળક ---------- જીવ છે.
(૪) આ બાળક ---------- નો ભક્ત થશે.
(૫) બાળકને મામાની ---------- ની માળા મળી ગઈ.