૬. દીક્ષા

0:000:00

દીક્ષા-પ્રસંગ પણ નીલકંઠવર્ણીના અલૌકિક પ્રભાવ વિષે ઘણું ઘણું કહી જાય છે. વિચરણ કરતાં કરતાં વર્ણીવેશે નીલકંઠ છેવટે કાઠિયાવાડના માંગરોળ બંદરની પાસે આવેલા લોજ ગામે આવી પહોંચ્યા. ત્યાં ગામની બહાર આવેલ 'લોજની વાવ' પર આવીને બેઠા. તેવામાં સ્વામી રામાનંદજીના સુખાનંદ નામે એક શિષ્ય સાધુ વાવ પર નહાવા આવ્યા. સુખાનંદ તેજસ્વી નીલકંઠવર્ણીને જોતાં જ વિસ્મય પામી આનંદ અનુભવવા લાગ્યા. બંને વચ્ચે વાર્તાલાપ થયો. સુખાનંદે નીલકંઠને ક્યાંથી આવ્યા, ક્યાં જવું છે, તમારાં માતાપિતા કોણ વગેરે પ્રશ્નો પૂછતાં, નીલકંઠે જવાબ આપ્યો: 'હું બ્રહ્મપુરથી આવ્યો છું અને મારે બ્રહ્મપુર જવું છે અને જે ત્યાં લઈ જાય તે જ મારાં ખરાં માતાપિતા.' આ અર્થગંભીર ઉત્તરમાં નીલકંઠે પોતે કોણ છે એ જણાવી દીધું. આવો ઉત્તર સાંભળી સુખાનંદ દિંગ થઈ ગયા અને પોતે જે જ્ઞાન મેળવવા આટઆટલાં વર્ષોથી ગુરુ પાસે રહી તનતોડ મહેનત કરી હતી, તે જ્ઞાનનો ભંડાર આ નાનકડા બ્રહ્મચારીમાં ભરેલો જોઈ, એમના પ્રત્યે સુખાનંદને માન થયું. પછી સુખાનંદ નીલકંઠને સ્વામી મુક્તાનંદજી પાસે તેડી લાવ્યા. નીલકંઠે રામાનંદજીના પટ્ટશિષ્ય મુક્તાનંદજી સમક્ષ પોતાની પ્રભુદર્શનની પ્યાસ વ્યક્ત કરી. મુક્તાનંદજી તથા નીલકંઠ બંનેએ અલગ અલગ પત્ર સ્વામી રામાનંદજી ઉપર લખ્યા. રામાનંદ સ્વામી પોતાનું સ્થાન સંભાળે એવા પ્રતિભાવંત શિષ્યની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ઘણી વાર કહેતા: 'હું તો ડુગડુગી વગાડનાર છું, પણ ખરો રમનાર નટ તો પાછળ આવે છે.' એટલે એ પત્રોમાં, નીલકંઠનો પ્રભુદર્શન માટેનો તલસાટ અને એ માટે તેમણે કરેલી સાધના જોઈને સ્વામી રામાનંદજી સભા વચ્ચે બોલી ઊઠ્યા કે, 'જેની હું વાટ જોતો હતો તે આવી પહોંચ્યો છે.'

આ વચનના અનુસંધાનમાં એક વાર સ્વામી નિષ્કુળાનંદજીએ રામાનંદ સ્વામીને પૂછયું : 'નવા આવનાર સ્વામી રામદાસ જેવા છે?' સ્વામીએ કહ્યું: 'રામદાસ તે શું? એથી બહુ મોટા!' નિષ્કુળાનંદે આગળ પૂછયું: 'ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા?' સ્વામી કહે: 'એથીયે બહુ મોટા.' નિષ્કુળાનંદજીએ છેવટે પૂછયું: 'આપ જેવા?' સ્વામીએ કહ્યું: 'અમે પણ એમની આગળ શી વિસાતમાં? અમારાથી પણ બહુ મોટા.' ધણા સમય પછી નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે આ વાતની પ્રતીતિ થઈ ત્યારે તે એમ બોલ્યા: 'આજે વાત સમજાઈ.'

રામાનંદજી પર લખેલા પત્રના જવાબમાં સ્વામી રામાનંદજીએ નીલકંઠ બ્રહ્મચારીને લોજમાં રોકાવાનું જણાવ્યું અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી સાધુઓને હઠયોગ શીખવવા જણાવ્યુ. તદનુસાર નીલકંઠે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા માંડ્યું. તે છાણાં વીણી લાવતા; સાધુ માટે રસોઈ કરતા; સાધુની જગ્યા લીંપતા; માંદા સાધુની સેવા કરતા; એમ સર્વે કામો બજાવતા. તેમણે કોઈ પણ કામને હલકું ગણ્યું નહિ. નીલકંઠના રૂપમાં રહેલા સર્વોપરી મહાપ્રભુએ બતાવ્યું કે, 'પોતાને ત્રણ લોકને વિષે કાંઈ કરવાપણું છે નહિ,તેમ જ ન મળ્યું હોય તેવું કાંઈ મેળવવાનું પણ નથી; છતાં પોતે કર્મમાં પ્રવૃત્ત રહેશે; કેમ કે પોતે જેમ વર્તશે એ પ્રમાણે જ મનુષ્યો વર્તશે.'

થોડા સમય બાદ સ્વામી રામાનંદજી લોજ પાસે આવેલા પિપલાણા ગામે આવી પહોંચ્યા. નીલકંઠવર્ણીને ત્યાં તેડાવી લઈ સંવત 1857ના કારતક સુદ અગિયારસને દિવસે નીલકંઠવર્ણીને તેમણે દીક્ષા આપી અને 'સહજાનંદ' એવું નામ પાડ્યું. આ નામ સાર્થક હતું; કારણ કે જે જનો તેમના સંપર્કમાં આવતા તે સર્વને તેઓ સહેજે આનંદ પમાડતા. વળી, નીલકંઠવર્ણીમાં નારાયણનાં સર્વ ગુણો ને ઐશ્વર્ય જોઈ રામાનંદ સ્વામીએ તેમનું 'નારાયણમુનિ' એવું નામ પણ રાખ્યું. આમ સમગ્ર સદગુણોથી પૂર્ણ એવા સહજાનંદને સં. 1858ના કારતક સુદ 11 પ્રબોધિનીના રોજ પોતાની ધર્મધુરા સોંપી ગુરુપદે સ્થાપ્યા. આ સમયે સહજાનંદ સ્વામીની વય માત્ર 21 વર્ષની હતી.

એ પછી લગભગ એક મહિનામાં સ્વામી રામાનંદજી વિદેહ થયા. શ્રી સહજાનંદ સ્વામીની ભાવી અવતારી પ્રવૃત્તિની પૂર્વભૂમિ આ મહાસમર્થ ગુરુ સ્વામી રામાનંદજીએ તૈયાર કરી હતી.

શ્રી સ્વામિનારાયણમાં રહેલા જુદા જુદા વિશિષ્ટ ગુણોને લઈને સત્સંગમાં તેમને ઘનશ્યામ, નીલકંઠવર્ણી, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, હરિકૃષ્ણ, શ્રીજીમહારાજ, શ્રીહરિ વગેરે નામોથી સંબોધવામાં આવતા.

દીક્ષાદિનથી શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવનનો ત્રીજો તબક્કો શરૂ થાય છે. આ કાળ દરમિયાન મનુષ્યરૂપમાં છુપાયેલ અવતારી પ્રભુએ પોતાનાં પ્રચંડ પ્રભાવ, ઐશ્વર્ય ને સાર્મથ્ય વડે અધર્મને ઉખેડી, પૃથ્વી પર સદ્ધર્મનું સ્થાપન કરવા અને વિશ્વને પોતાના અવતારી સ્વરૂપની પ્રતીતિ કરાવવા, મનુષ્યશક્તિથી અસંભવિત એવાં અનેકવિધ વિરલ કાર્યો કર્યાં, જેને વિષે સ્થળ-સંકોચને કારણે આપણે સંક્ષેપમાં જોઈશું.

સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મહાન પરિવર્તન અને શ્રી સ્વામિનારાયણની અવતારી શક્તિનાં દર્શન