૨૮. હવે વિદેશી મહાનુભાવો શ્રી સ્વામિનારાયણના અવતારીકાર્યની મૂલવણી કરતાં શું કહે છે તે જોઈએ
1. મિ. હેન્રી જ્યોર્જ બર્જેસનો સ્વાનુભવ--
'સહજાનંદ સ્વામી કલ્યાણકારી કર્મવીર હતા. એમણે કોઈ સત્તાવાળા કે શ્રીમંતોની સહાય વિના પણ હજારો લોકોને ખોટે માર્ગેથી પાછા વાળીને સાચે માર્ગે દોર્યા. સહજાનંદજી, રાજાથી માંડીને રંક અને વિદ્વાનોથી માંડીને અભણલોક, સૌમાં એક સરખા પૂજાતા. એમની નમ્રતા વિરોધીઓના હૃદયનાં ઝેર પણ નિચોવી નાખતી.'
2. મિ. બાઉલ્સ નોંધે છે કે--
'આ ધર્મમાં જેઓ સાધુ બને છે તેમને આદેશ આપવામાં આવ્યો છે કે ગમે તેવું દમન કે ત્રાસ આપવામાં આવે તો બચાવ કર્યા વિના તે સહન કરવાં અને તે ત્રાસ આપનારાઓના વિષે મનમાં જરા પણ ડંખ ન રાખવો. ખરેખર આ ધર્મની એ લાક્ષણિકતા છે. તેમના ઉપદેશની અસરથી નીતિનું ધોરણ ઘણું જ ઊંચું આવ્યું છે.'
3. કલેકટર વિલિયમ્સ પોતાનો અનુભવ આ પ્રમાણે નોંધે છે--
'શાસ્ત્રોમાં જે કક્ષાની નીતિમત્તાનું વર્ણન કર્યું છે એને મુકાબલે સહજાનંદની નીતીમત્તા ઘણી ઊંચી કક્ષાની જણાય છે. તેઓ ઉચ્ચ પ્રકારની પવિત્રતા અને શુદ્ધિનો ઉપદેશ આપે છે. એમણે એમના શિષ્યોને રસ્તે જતી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ પણ ન કરવાનો આદેશ આપ્યો છે. તેઓ એકેશ્વરનો ઉપદેશ આપે છે. જે ગામો અને પ્રદેશોએ સહજાનંદને સત્કાર્યા છે એ બધાં એક વખત સૌથી ખરાબ ને ભયાનક ગણાતાં. આજે એ સૌથી સારા અને સલામત વિસ્તારો ગણાય છે.'
4. પ્રિન્સ હોપકિન્સ, પ્રોફે., લંડન યુનિવર્સિટી, પોતાનો સ્વાનુભવ કહે છે--
'સ્વામિનારાયણમાં સ્વયંભૂ શક્તિ રહેલી હતી. પોતે અવતારી વ્યક્તિ હોવા છતાં કદી ભારેખમ બની વિચર્યા નથી. પોતાનું જીવન કઠોર સંન્યાસીના ધર્મ પ્રમાણે ગાળતા હોવા છતાં તેમનામાં પ્રસન્નતા, આનંદ અને રમૂજની છોળો ઊછળતી હતી. તેઓ ગાતા, રમતા; પોતે કુસ્તી અને ટીખળ પણ કરતા હતા. આવી અદભુત વ્યક્તિ તેમના દેહવિલય પછી પણ લુપ્ત થઈ નથી, અને ઘણાંને અંતિમ ઘડી વખતે દર્શન દેતી રહી છે.'
આ રીતે દેશવિદેશના ઊંડા અભ્યાસી ને આદરણીય મહાપુરુષોએ શ્રી સ્વામિનારાયણનું અને તેમણે સ્થાપેલા ધર્મનું જે ઐતિહાસિક મૂલ્ય આંક્યું છે તે પરથી ખ્યાલ આવે છે કે સ્વામિનારાયણ ખરેખર અવતારી પુરુષ હતા.