૯. કુરિવાજો અને વ્યસનોમાંથી મુક્તિ
હિન્દુ ધર્મના કોઈ શાસ્ત્રમાં સતી થવાનું વિધાન નથી. આ રિવાજ ધર્મમૂલક નથી પણ કુરૂઢિમૂલક છે. પતિ પાછળ સતી થનાર સ્ત્રીનો મોક્ષ થતો નથી. વિધવા સ્ત્રીએ તો સતી થવાને બદલે મન-કર્મ-વચને પ્રભુને પતિ તરીકે માની, હરિભક્તિ કરવી જોઈએ એવો બોધ કરી, તેમણે પતિ પાછળ સતી થવાનો અમાનુષી રિવાજ બંધ કરવા લોકોને સમજાવ્યા.
એ જમાનામાં કાઠીઓમાં કન્યા જન્મતાં જ તેને દૂધપીતી કરવાનો અર્થાત્ તેની બાળહત્યા કરવાનો ક્રૂરતાભર્યો રિવાજ હતો, કારણ કે દીકરીના લગ્નમાં એ લોકોને ઘણો મોટો ખર્ચ થતો. સહજાનંદજીએ કોઈથી કાબૂમાં ન આવી શકે એવી લડાયક અને શૂરવીર કાઠી કોમ પર પોતાનો અલૌકિક પ્રભાવ પાડી, એ દુષ્ટ અને ક્રૂર કુરિવાજ અટકાવ્યો.
લગ્નપ્રસંગે ગવાતાં બીભત્સ ગીતો અને અશ્લીલ ફટાણાં સામે સહજાનંદ સ્વામીએ સખત વિરોધ જગાવીને તે બંધ કરાવ્યાં. એને બદલે, એ પ્રસંગે, રાધા-રુક્મિણી વિવાહનાં જેવાં પ્રેરક ગીતો પોતાનાં સંત-કવિઓ પાસે રચાવી, એ ગાવાનો એમણે આદેશ આપ્યો.
નિર્મળ જીવન માટે વ્યસન માત્ર ર્વજ્ય છે તેમ કહીને તેનો એમણે નિષેધ કર્યો. પોતાની દિવ્ય શક્તિથી લોકોમાં બળ પ્રેરી તેમને દારૂ, અફીણ, ગાંજો, તમાકુ આદિ જીવનને પાયમાલ કરનાર દ્રવ્યોનાં સેવનમાંથી મુક્ત કરી, નિર્વ્યસની બનાવ્યાં.