૨૯. સ્વામિનારાયણમાં જોવા મળતા પરમેશ્વરના કલ્યાણકારી ગુણો
સ્વામિનારાયણનું ભગીરથ અવતારી કાર્ય તેમનામાં રહેલ આ ગુણોને આભારી હતું. સૌને પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે ઉપયોગી થાય એ હેતુથી, એ ગુણોની યાદી અત્રે કરી છે.
જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌચ, સત્ય બોલવું, ક્ષમા, દયા, સરળતા, ત્યાગ, સંતોષ, મનની નિશ્ચલતા, સમતા, તિતિક્ષા (સહનશીલતા), તપ, સૌન્દર્ય, કોમળતા, ક્રિયા નિપુણતા, કરુણા, ધૈર્ય, સ્થિરતા, ગંભીરતા, સદાચાર, નિર્માનિતા, મન-કર્મ-વચનથી અહિંસાપાલન, અસ્તેય, ષટ્ ઊર્મિઓ રહિતતા (ભૂખ, તરસ, શોક, મોહ, જરા ને મૃત્યુ પર વિજય), પરગજુપણું, અપરિગ્રહ, રમણીય ભોગોમાં અરુચિ, કુસંગનો પરિત્યાગ, સાધુતા, સેવા વગેરે ગુણો સ્વામિનારાયણમાં સહેજે જોવા મળતા હતા. એનાં અનેક ઉદાહરણો છે, જે પૈકી કેટલાંક જોઈએ:
(1) ગામ સારંગપુરમાં એક વખત ત્રણ દિવસ સુધી વરસાદની હેલી થઈ. ગામમાં ઘણાં ઘર પડી ગયાં. એ પૈકી એક બ્રાહ્મણનું ઘર પણ પડ્યું. એનાં દશવીશ ઢોર દબાયાં. શ્રીહરિએ આ જોયું કે તરત જ પોતે જાતે દોડી જઈ મોભ ઊંચો ઝાલી રાખ્યો અને પશુને બહાર કાઢ્યાં. તદુપરાંત ગામમાં કેટલાક ગરીબ જનોને ઘર પુનઃ ઊભાં કરવા સહાય કરાવી. આમ શ્રીહરિ દુઃખી અને દરિદ્રોની સેવા માટે વગર આમંત્રણે દોડી જતા.
(2) સ્વામિનારાયણ વર્ણીવેષે વેંકટાદ્રિથી જગન્નાથપુરી ને રામેશ્વર તરફ જતા હતા. રસ્તામાં 'સેવકરામ' નામનો એક સાધુ જે અતિસારના દર્દથી પીડાતો હતો, તે તેમને મળ્યો. દુર્ગંધ અને મેલથી સાધુનું શરીર અડકાય નહિ તેવું થઈ ગયું હતું. પીડાથી તે બૂમાબૂમ કરતો હતો. સ્વામિનારાયણે આ જોયું. તેમનાથી એ દેખી ન ખમાયું. તેઓ સેવકરામની સેવા કરવા રોકાયા. તેઓ સેવકરામને નવરાવતા, તેનાં કપડાં સાફ કરતા અને ખાવાનું બનાવી ખવડાવતા. પોતે વસ્તીમાં જઈને જમી આવતા. કોઈક દિવસે એમને વસ્તીમાં અન્ન મળતું નહિ, ત્યારે તેમને ઉપવાસ કરવો પડતો; આવું જાણવા છતાં કોઈ દિવસ સેવકરામે તેમને એમ કહ્યું નહિ કે 'અમ પાસે દ્રવ્ય છે, તે આપણ બંને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો;' સ્વામિનારાયણે નિઃસ્વાર્થપણે સેવાચાકરી કરીને સેવકરામને સાજો કર્યો. કેવી નિઃસ્વાર્થ સેવાવૃત્તિ!
(3) લોજપુરમાં મહારાજ (શ્રી સ્વામિનારાયણ) સદાવ્રત ચલાવતા. તે સદાવ્રતમાં જે કોઈ ભિક્ષુજન આવતો તેને જમાડવા સારુ પોતે તંગિયો પહેરીને અને ખભે કાવડ મૂકીને ભિક્ષા માગવા જતા; અને સવાર-સાંજ રોટલા કરીને તે સર્વને જમાડતા. પછી પોતાના સર્વે સાધુઓને જમાડીને છેલ્લે પોતે જમતા.
(4) સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામીએ પોતાની અંતિમ ઘડીએ સહજાનંદ સ્વામીને બે વચનો માગવા આગ્રહ કર્યો. ત્યારે સહજાનંદ સ્વામીએ બે વચનો આ પ્રમાણે માગ્યાં:
1. 'તમારા ભક્તનું વીંછીનું દુઃખ મને ભલે રૂંવાડે રૂંવાડે કોટી ગણું થાઓ, પણ તે ભક્તને ન થાઓ.'
2. 'તમારા ભક્તના નસીબમાં રામપાત્ર (ભીખ માગવી) આવવાનું હોય તો તે મને આવો; પણ તે ભક્ત અન્નવસ્ત્રે સુખી રહો.'
પહેલા વરદાનમાં સ્વામિનારાયણની ભક્તવત્સલતા તથા કરુણાનાં દર્શન થાય છે. બીજા વરદાનમાં તો તેમણે ભક્તનું પ્રારબ્ધ પોતાના પર લઈ લીધું છે. આજ દિન સુધી ભગવાનના કોઈ અવતારે ભક્તોનાં દુઃખ ને પ્રારબ્ધ પોતે ભોગવી લેશે એવું વચન કહ્યું નથી. આજે પણ એ વચન પ્રમાણે સ્વામિનારાયણ ધર્મના સાધુ-હરિભક્તો પ્રભુઆજ્ઞાનું પાલન કરી સુખ-શાંતિથી જીવન પસાર કરે છે. આ ઐતિહાસિક હકીકત જેવી તેવી નથી.
(5) સિદ્ધપુરના એક બ્રાહ્મણે શ્રીહરિ પાસે આવીને એમ કહ્યું કે, 'હે મહારાજ! મારે છોકરાને જનોઈ દેવી છે અને ઘરમાં કાંઈ નથી, માટે મને કાંઈ આપો.' શ્રીહરિએ ઘોડા ઉપરથી ઊતરીને તે બ્રાહ્મણને કહ્યું કે, 'તું આ ઘોડો લઈ જા, તે વેચીને તેના રૂપિયામાંથી તું જનોઈ દેજે.' મેથાણના પૂંજાજીએ બ્રાહ્મણને રૂપિયા આપી ઘોડો પાછો લીધો. આમ દયાળુ સ્વભાવના શ્રીહરિએ અનેક દુખિયા લોકોને સહાય કરી, તેમનું દુઃખ ટાળ્યું છે.
(6) એક વખત શ્રીહરિ રાતે એકલા લીંમલી ગામના સગરામ વાઘરીના ઝૂંપડામાં પધાર્યા. સગરામ અને તેની સ્ત્રી વિસ્મય પામી ગયાં કે અત્યારે મહારાજ ક્યાંથી! મહારાજ સગરામની ફાટેલી ગોદડીવાળા ખાટલા ઉપર બેઠા અને આખી રાત તેના કુટુંબને બોધ કરીને તેને રાજી કર્યું. આમ પછાત કોમના મનુષ્યો પ્રત્યે શ્રીહરિને ખૂબ પ્રેમ અને લાગણી હતાં.
(7) જેતલપુરમાં યજ્ઞ કર્યો એ વખતે શ્રીહરિએ ઘરદીઠ દોઢ મણ ઘઉં દળવાને આપ્યા. એક વેશ્યાએ પણ માગણી કરી. મહારાજે કહ્યું: 'જો તું તારા ભૂતકાળની ભૂલો નીવારીને પશ્ચાત્તાપ કરવા તૈયાર હોય અને તું જાતે ઘઉં દળી લાવે, તો તારું કલ્યાણ કરીએ.' તે બાઈએ શ્રીહરિનું વચન માથે ચડાવ્યું અને તે જાતે ઘઉં દળી લાવી. ત્યાર બાદ પોતાનો ધંધો છોડી સન્માર્ગે વળી ભક્ત બની ગઈ. શ્રીહરિમાં બીજાના અપરાધોને માફ કરી કલ્યાણ કરવાની અપાર ઉદારતા હતી.
(8) એક વાર સહજાનંદ સ્વામી ફરતા ફરતા લાંઘણજ ગામમાં આવ્યા. આ ગામમાં સોનબાઈ ભાવસાર અને નાગર બ્રાહ્મણ ગંગામા નામની બે સત્સંગી બાઈઓ રહેતી હતી. સોનબાઈ ગરીબ હતી અને ગંગામા પૈસેટકે સુખી હતાં. ગંગામાએ સોનબાઈને કહ્યું: 'તું સાધુઓ માટે રસોઈ કરજે અને હું મહારાજ માટે ઊંચામાં ઊંચી કમોદ રાંધી રસોઈ કરીશ.' સોનબાઈને પોતાની ગરીબાઈને લીધે સહજાનંદજી મહારાજને જમાડવાનું પોતાનું ભાગ્ય સરી જતું હોય એમ લાગ્યું. પણ ભગવાનને ગરીબ-તવંગરનો તફાવત હોતો નથી. સહજાનંદજી સીધા પેલી ગરીબ બાઈને ઘેર ગયા અને તેણે સાધુ માટે બનાવેલી રસોઈ જમ્યા. પછી ગંગામા થાળ લઈને જ્યારે આવ્યાં ત્યારે પોતાને માટે તૈયાર કરેલી રસોઈ સોનબાઈને જમાડવાની તેમણે આજ્ઞા કરી.
(9) 1869માં બહુ જ ભયંકર 'અગણોતેરો' કાળ પડ્યો ત્યારે સ્વામિનારાયણે લોકોને અન્નવસ્ત્રની સહાય કરવા પોતાના ત્યાગી-ગૃહી શિષ્યોને જુદાં જુદાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા; અને તેઓને આદેશ આપ્યો કે ભૂખ્યાંને અન્નદાન દેવામાં સત્સંગી ન-સત્સંગીનો ભેદ કરશો નહિ. પોતે જાતે પણ ઠેર ઠેર ફર્યા અને અનેકને પોતાના ઐશ્વર્યથી સહાય કરીને ઉગાર્યા. જીવસેવા ને માનવસેવા એ પ્રભુસેવાનો એક પ્રકાર છે, એમ પોતે આચરી બતાવ્યું.