૩૧. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવ અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ
ભગવાન શ્રી સ્વામિનારાયણનું સર્વોપરીપણું પ્રતિપાદન કરતાં શાસ્ત્રોનાં આધારવચનો:
બ્રહ્માંડપુરાણમાં વચન છે કે--
दत्तात्रेयः कृते युगे त्रेतायां रघुनंदनः ।
द्वापरे वासुदेवः स्यात् कलौ स्वामी वृषात्मजः ॥
'સત્યયુગમાં દત્તાત્રેય, ત્રેતાયુગમાં રધુનંદન, દ્વાપર યુગમાં વાસુદેવ અને કલિકાળમાં ધર્મના પુત્ર સ્વામિનારાયણ પ્રગટ થશે.'
પદ્મપુરાણ માં કહ્યું છે કે--
पाखण्डबहुले लोके स्वामिनाम्ना हरिःस्वयम् ।
पापपंकनिमग्नं तज्जगदुद्धारयिष्यति ॥
'પાખંડથી ભરપૂર આ લોકમાં 'સ્વામી' નામના શ્રીહરિ સ્વયં પરમાત્મારૂપે પ્રગટ થઈ, પાપરૂપી કાદવમાં ખૂંપેલા આ જગતનો ઉદ્ધાર કરશે.'
મહાભારતમાં દર્શાવેલ અવતાર-અવતારીનો ભેદ--
મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્માનુશાસન પર્વ અ. 343માં નરનારાયણ ભગવાન નારદજીને પૂછે છે:
अपीदानीं स भगवान् परमात्मा सनातनः ।
श्वेतद्वीपे त्वया दृष्टः आवयोः प्रकृतिःपरा ॥
'હે નારદ, આ સમયે તમે શ્વેતદ્વીપમાં જઈને, નરનારાયણ એવા, અમારા બંનેના કારણરૂપ, સનાતન પરમાત્મા, વાસુદેવ ભગવાનનાં કેવાં દર્શન કર્યાં?'
આ પ્રકારે પૂછવાથી નારદજી નરનારાયણ ભગવાનને કહેવા લાગ્યા:
दृष्टो मे पुरुषः श्रीमान् विश्वरुपधरोऽव्ययः ।
दृष्टौ युवां मया तत्र तस्य देवस्य पार्श्वतः ॥
'હે ભગવન્! મેં વિશ્વરૂપધારી એવા કાન્તિમાન પરમ પુરુષ અર્થાત્ વાસુદેવ ભગવાનનાં દર્શન કર્યાં; એટલું જ નહિ પરંતુ તમને બંનેને તે સ્થળે ભગવાનની બાજુમાં જોયા.'
ભીષ્મપિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે--
कृते युगे महाराज! पुरा स्वायम्भुवेऽन्तरे ।
नरो नारायणश्चैव हरिः कृष्णः स्वयम्भुवः ॥
'હે મહારાજ! પૂર્વે સ્વાયંભુવ મન્વંતરના સત્યયુગમાં એ સ્વયંભૂ ભગવાન 'વાસુદેવ'ના ચાર અવતાર થયા હતા. તેમનાં નામ નર, નારાયણ, હરિ અને કૃષ્ણ -એવાં રાખેલાં હતાં.'
શ્રીમદ્ ભાગવતમાં અવતાર-અવતારીનો ભેદ--
પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં એમ કહ્યું છે કે 'ભગવાને મહદાદિક તત્ત્વદ્વારે વૈરાજ પુરુષનું રૂપ ધારણ કર્યું અને વૈરાજ પુરુષ દ્વારા ચોવીસ અવતાર થયા છે.' દશમ સ્કંધ પૂર્વાર્ધ અ.41માં સુદામા બળદેવજી તથા શ્રીકૃષ્ણ પ્રત્યે કહે છે:
भवन्तौ किल विश्वस्य जगतः कारणं परम् ।
अवतीर्णाविहांशेन क्षेमाय च भवाय च ॥
'તમો શ્રીકૃષ્ણ અને બલરામ બંને સર્વ જગતનાં કારણ છો અને સર્વ વિશ્વના સુખ સારુ અને વૃદ્ધિને અર્થે આ લોકમાં વાસુદેવના અંશરૂપે અવતર્યા છો; અર્થાત્ તમે વાસુદેવના અવતાર છો.'
વિષ્ણુપુરાણના પંચમ અંશના 17મા અધ્યાયમાં--
અક્રૂરજી શ્રીકૃષ્ણનાં તથા બળદેવજીનાં દૂરથી દર્શન કરીને કહે છે:
भगवद्वासुदेवांशौ द्विधा योऽयं व्यवस्थितः ॥
'આ શ્રીકૃષ્ણ અને બળદેવજી બે રૂપો છે, જે પૈકી શ્રીકૃષ્ણ છે તે ભગવાન વાસુદેવનો અંશાવતાર છે.'
હરિલીલાકલ્પતરુ સ્કંધ 3 અ. 20માં શ્રીહરિ મૂળજિતને કહે છે--
नैक्यं हि विद्यते धीमन्नवतारावतारिणो ।
वर्तते वास्तवो भेदस्ताराचन्द्रमसोरिवः ॥
'અવતાર-અવતારીમાં ઐક્ય નથી, પરંતુ તારા અને ચન્દ્રમામાં જેવો ભેદ છે, તેવો ભેદ અવતાર અને અવતારીમાં છે.'
હરિવાક્યસુધાસિંધુ તરંગ 146માં શ્રીહરિએ કહ્યું છે કે--
रामकृष्णादयः सर्वैऽवताराः सन्त्यो हि मे ।
पुरुषोत्तमस्य वित्तेरयेतत्सत्यं ब्रवीमि वः ॥
'પુરુષોત્તમ એવો હું, તમને આ સત્ય વાત કહું છું કે રામકૃષ્ણાદિ સર્વે અવતારો મારા છે, એમ સમજો.'
ગર્ગસંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે--
यस्मिन् सर्वाणि तेजांसि विलीयन्ते स्वतेजसे ।
तं वदन्ति परे साक्षात् परिपूर्र्णतमः स्वयम् ॥
'જે સર્વ અવતારોને પોતાના સ્વરૂપમાં લીન કરે છે, અને ફરી પાછા કાર્ય માટે પ્રગટ કરે છે, તે પરિપૂર્ણતમ અને સ્વયં સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા છે.'
નોંધ: આગળ આપણે જોયું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે તમામ અવતારોને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કર્યા હતા અને પાછા પોતાના સ્વરૂપમાં લીન કર્યા હતા. સમાધિ દ્વારા અનેક જનોને એમણે આ દિવ્ય ઐશ્વર્ય બતાવ્યું હતું. આ જ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સર્વોપરીતા.
હરિલીલાકલ્પતરુ સ્કંધ 2 અ. 1માં ધર્મદેવ તથા ભક્તિમાતા પ્રત્યે વાયુપુત્ર હનુમાનજી કહે છે--
युष्मत्पुत्राद् बिभेत्यस्मात्सर्वलोकभयंकरः ।
कालस्तथेश्वराः सर्वै सन्त्यस्यादेशवर्तिनः ॥
हेतुरेवावताराणामवतारी स्वराट् प्रभुः ।
एषाऽक्षराक्षरपरः कारणानांच कारणम् ॥
'સર્વ લોકને ભય આપનારો કાળ પણ તમારા પુત્રથી ભય પામે છે; તેમ જ કાળ તથા સર્વે ઈશ્વરો પણ આ તમારા પુત્ર શ્રીહરિની આજ્ઞામાં વર્તે છે. વળી આ તમારા પુત્ર સર્વ અવતારોના પણ અવતારી સ્વરાટ્ પ્રભુ છે. અને ક્ષર-અક્ષરથી પર અને સર્વના કારણના પણ કારણ છે.'
સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી 'વચનામૃતો' શું કહે છે તે તપાસીએ--
ગઢડા છે. પ્ર. વચ. 38--
'સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકી સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે; એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.'
લોયા વચ. 11--
'જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિષે પતિવ્રતાની ટેક રાખવી.'
ગઢડા મ. પ્ર. વચ. 13--
'એ અક્ષરાતીત જે ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. અને તે તેજને વિષે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો, પણ ગાફેલપણે કરીને વિસારી દેશો મા. એ ભગવાનના સ્વરૂપની દૃઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કલ્યાણના માર્ગમાં ખામી ભાંગશે નહિ.'
ગઢડા મ. પ્ર. વચ. 9--
'પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી, એવું જાણવું અને એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે, તો તેનો દ્રોહ કર્યો કહેવાય. જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ. અને ભગવાનની મૂર્તિનું બળ અતિશે રાખવું, જે સર્વોપરી, જે ભગવાનનું સ્વરૂપ છે, તે મુને પ્રાપ્ત થયું છે.'
ગઢડા મ. પ્ર. વચ. 18--
'પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંતનાં ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. માટે પોતાના ઇષ્ટદેવનાં ચરિત્રનાં શાસ્ત્ર વાંચવાં, સાંભળવાં.'
પંચાળા વચ. 1--
'જેમ ભગવાનનો સંબંઘ અતિશે રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું સુખ અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠના લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.'
અમદાવાદ વચ. 7--
આ વચનામૃતમાં શ્રીજીમહારાજ જણાવે છે કે, 'સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો કર્તા પણ હું જ છું અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજોમય છે. ને વળી હું કેવો છું? તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજોમય છે. એવો જે હું, તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું, તે મારે વિષે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહિ ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને આવશે ને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે, એને પમાડીશ.'
આમ શ્રી સ્વામિનારાયણે પોતે જ ખુલ્લેખુલ્લી રીતે જાહેર કર્યું છે કે 'પોતે અવતારોના પણ અવતારી છે; અવતારનું કારણ પણ પોતે જ છે.'