૧. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ

0:000:00

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અવતારી કાર્યને મૂલવવાના પ્રયાસને મહાસાગરને તળિયેથી મોતી કાઢવાના પ્રયાસ સાથે સરખાવી શકાય. પરબ્રહ્મ પરમાત્માને કોઈ શું મૂલવી શકે? તેમને કોઈ શું ઓળખાવે? તે પોતે જ પ્રગટ થઈ પોતાને ઓળખાવે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા છે, એની સાબિતી કેવળ સ્વાનુભવ છે. એ બુદ્ધિથી નહિ પણ અનુભવથી જ સમજી શકાય એમ છે; છતાં સર્વહિતાર્થે સમકાલીન સમર્થ ચિંતકો, મહાપુરુષોના અભિપ્રાયો, સંતો ને મુમુક્ષુજનોને થયેલા પ્રત્યક્ષ અનુભવો અને શાસ્ત્રોનાં આધારવચનો પરથી એનું સમર્થન કરવા આપણે નમ્ર પ્રયાસ કરીએ; જો કે ભગવાનનાં ચરિત્રોમાંથી યથાર્થ સાર તો તેના ખાસ ખપવાળાઓ જ સમજે છે.

શ્રી સ્વામિનારાયણમાં ઘડીભર ભગવાન તરીકેનું આરોપણ ધારો કે ન કરીએ તો ય એમના ચારિત્ર્યનું નિરીક્ષણ જો કરવામાં આવે તો તેના પરથી આપણને લાગશે જ કે તે મનુષ્યના જીવનને વિશેષ ઉન્નત અને ઉપકારક બનાવે એવું છે.