૩૦. સહજાનંદ સ્વામીનો અલૌકિક પ્રભાવ અને ઐશ્વર્યદર્શન

0:000:00

ભગવાનનું પૃથ્વી ઉપર જ્યારે પ્રાકટ્ય થાય છે, ત્યારે પોતાના દિવ્ય સ્વરૂપ પ્રતિ જીવોને આકર્ષવાની અને એમનું જીવન ફેરવી નાખવાની તેમનામાં શક્તિ હોય છે. સ્વામિનારાયણમાં આવાં શક્તિ ને સાર્મથ્ય સહેજે જણાઈ આવતાં હતાં. નીચેની ઘટનાઓ એ શકિતનાં ઉદાહરણરૂપે જણાવી છે.

1. સહજાનંદ સ્વામીની અલૌકિક કાંતિ, પ્રખર પ્રતિભા, જ્ઞાનની ગંભીરતા તથા સદગુણોનું સ્વામિત્વ જોઈને સંખ્યાબંધ લોકોએ પોતાની જાતને તેમનાં ચરણારવિંદમાં અર્પણ કરી. મોટા મોટા મહંતો, મૌલવીઓ, સાધુઓ, વૈરાગી બાવાઓ, સંન્યાસીઓ, શક્તિના ઉપાસકો, અનેક મતપંથીઓ, વેદાંતીઓ તથા શ્રીમંત ગૃહસ્થાશ્રમીઓે, સત્તાધારીઓ તથા ભયંકર લૂંટારાઓ પણ પોતપોતાની અપૂર્ણતાઓને ઓળખી આ પૂર્ણસ્વરૂપને શરણે થયા.

2. સ્વામિનારાયણે હજારો મનુષ્યોના જીવનમાં ધરમૂળથી જીવનપલટો કરી નાખી તેમનામાં નવું ચૈતન્ય પ્રગટાવ્યું હતું. એમના ઉપદેશથી અનેકને શાંતિ અને સમાધાન થયાં હતાં. તેમને પ્રતાપે કેટલાક ભક્તો સમાધિનિષ્ઠ, કેટલાક નિરાવરણ દૃષ્ટિવાળા, કેટલાક ત્રિકાળજ્ઞ, કેટલાક સત્યસંકલ્પ, કેટલાક મૂર્તિમાન વૈરાગ્ય જેવા, કેટલાક પરમેશ્વરમાં અખંડ વૃત્તિ રાખનાર; તો બીજા અનેક રજોગુણ તમોગુણના મલિન ભાવો વ્યાપે નહિ એવા, થયા હતા. વળી માંગરોળના ગોરધનભાઈ જેવા કેટલાક મૂર્તિ સાથે તાદાત્મ્યભાવને પામ્યા હતા.

3. વેરાગીઓ તરફથી તેમના સાધુઓને થતા ત્રાસનું દુઃખ ટાળવા, સાધુઓને પરમહંસની દીક્ષા આપવી જરૂરી લાગી. આથી સ્વામિનારાયણે કાલવાણી ગામે એક રાત્રે પાંચસો ત્યાગી સાધુઓને એક સાથે પરમહંસ તરીકેની દીક્ષા આપી દીધી. કંઠી, જનોઈ ને શિખાનો ત્યાગ કરાવ્યો, મૂર્તિની પ્રત્યક્ષ પૂજાને બદલે માનસી પૂજાનો વિધિ શીખવ્યો. સ્વામિનારાયણના અલૌકિક પ્રભાવને કારણે આ ભાગવતી દીક્ષાધારી સંતોને કંઠી, જનોઈ ને પૂજાનો ત્યાગ કરી, નવી દીક્ષા લેતાં વિલંબ ન લાગ્યો. અહીં નોંધ લેવી જરૂરી છે કે શ્રી સ્વામિનારાયણના એક વચન માત્રથી આ પરમહંસો પૈકી કેટલાક લગ્નમંડપમાંથી મીંઢળ તોડીને આવેલ યુવાનો હતા; કેટલાક ઊભો પાક છોડીને આવેલા ખેડૂત હતા; કેટલાક શ્રીમંત ગૃહસ્થો હતા; કેટલાક ગામગરાસ મૂકીને આવેલા રાજદરબારો હતા. બીજા અનેક લોકો સ્વામિનારાયણનો કાગળ વાંચતાં જ પાણી પીવા પણ ન રહેતાં, ત્યાગી થવા ચાલી નીકળ્યા હતા.

4. સહજાનંદ સ્વામીએ શૈવો, શાક્તો, મુસલમાનો, જૈનો વગેરેને દૃષ્ટિમાત્રથી સમાધિ કરાવીને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં અને પોતાના સ્વરૂપમાં લીન કરી બતાવ્યા.

5. અગતરાઈમાં પર્વતભાઈ નામના ભક્તને અને નાગડકામાં વ્યાપકાનંદ સ્વામીને પોતાના દિવ્ય સ્વરૂપમાંથી ચોવીસ અવતારો પ્રગટ થતા દેખાડ્યા અને પાછા એ દિવ્ય સ્વરૂપમાં લીન થઈ ગયા એવું દર્શન કરાવ્યું.

6. લોકોને સન્માર્ગે વાળી પરમાત્માના સ્વરૂપમાં જોડવા માટે સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું, જેનાં થોડા દૃષ્ટાંતો જોઈએ:

શ્રીજીને જોઈને અનેક મનુષ્યો, ચકલાં, કબૂતરો, કપિ આદિ પ્રાણીઓને પણ સમાધિ થઈ જતી.

શ્રીજીની ચાખડીનો અવાજ સાંભળવા માત્રથી અનેકને સમાધિ થતી.

અષ્ટાંગયોગ જેમણે સિદ્ધ કર્યો ન હતો એવા સાધુઓને પોતાની લાકડી આપી, તેઓ સૂચન કરતા કે લાકડીના એક છેડાને અડકાડશો એટલે સમાધિ થશે અને બીજા છેડાથી સમાધિનું નિવારણ થશે.

સમાધિમાંથી અસલ સ્થિતિમાં પાછા આવ્યા પછી જે તે જનો સમાધિમાં પોતાને થયેલ દિવ્ય અનુભવોની વાતો કરતા. તે સાંભળીને પણ અન્ય જનોને અંતરમાં શાંતિ અને સુખનો અનુભવ થતો હતો.

7. સહજાનંદ સ્વામીએ ખુદ મુક્તાનંદ સ્વામીને એક વૃક્ષ હેઠળ રામાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં; અને તેમની પાસે કહેવડાવ્યું કે સમાધિ પ્રકરણમાં ઢોંગ કે પાખંડ નથી. આથી મુક્તાનંદ સ્વામીનો સમાધિ પ્રકરણ અંગેનો સંશય ટળી ગયો અને સહજાનંદ સ્વામીને પોતાની શ્રદ્ધા ને ભક્તિ અર્પણ કરી. એમને વિષે પોતાનામાં પ્રગટેલી દોષબુદ્ધિ માટે સહજાનંદ સ્વામીની ક્ષમા માગી.

8. માંડવીમાં, પોતાના પ્રતાપ દ્વારા સૌની સમક્ષ આત્માનંદ સ્વામી પાસે કુરાનના કલમા પઢાવ્યા હતા.

9. અમદાવાદના સૂબા વિઠ્ઠલરાવ બાબાને ત્યાં એક અભણ ભાટના છોકરા પાસે અને ઉમરેઠમાં હરિભટ્ટ નામના અબૂધ, મૂંગા બ્રાહ્મણ પાસે વેદમંત્રો બોલાવ્યા હતા.

10. સ્વામિનારાયણ પોતાના ભક્તોના સંકલ્પ પૂર્ણ કરવા એકી વખતે જુદે જુદે સ્થળે દર્શન આપતા. ઘોડાના તબેલામાં ભયંકર લૂંટારા જોબનપગીને, જે જે ઘોડા આગળ તે જતો ત્યાં મહારાજનાં દર્શન થતા. સ્વામિનારાયણ કોઈ ઘોડાને ઘાસ નાખતા હોય તો કોઈને પાણી પાતા હોય. આ પ્રતાપ જોઈ જોબનપગી અને તેના માણસો શ્રીહરિના આશ્રિત થયા અને ચોરી, લૂંટફાટનો ધંધો છોડીને સાચા ભક્ત બની ગયા.

11. સમૈયાનો પ્રસંગ હોય, યજ્ઞનો પ્રસંગ હોય કે કોઈ ભક્તને ઘેર ઉત્સવ હોય, તે ટાણે જો રસોઈ ખૂટી પડે તેટલી મોટી સંખ્યામાં જમનાર ભક્તો આવ્યા હોય, તો રસોઈ ન ખૂટે એવો ચમત્કાર સ્વામિનારાયણ બતાવતા.

12. સહજાનંદ સ્વામીના સંકલ્પથી અસાધ્ય રોગો હટી જતા. તેમણે ભક્ત દાદાખાચરની દીકરીને ભયંકર માંદગીમાંથી, સંતોની અને પોતાની પ્રસાદીનું અન્ન જમાડીને, સાજી કરેલી. લીંમલીના મૂળજી શેઠની આંખના નંબર સંકલ્પ માત્રે દૂર કર્યા હતા; મૂળજી શેઠ જીવ્યા ત્યાં લગી વગર ચશ્મે સારું જોઈ શકતા હતા.

13. સંવત 1869ની સાલમાં દુષ્કાળ પડવાનો છે, તેની આગાહી સ્વામિનારાયણે આગળથી કરી હતી. ગામોગામ સત્સંગીઓને કાગળો લખાવ્યા હતા કે: 'અનાજ અને ઘાસપાણી સંઘરજો. તે ખરીદવા જેટલા પૈસા ન હોય તો કોઈ પણ મિલ્કત વેચીને પણ સંઘરજો.' આગાહી પ્રમાણે ખરેખર દુષ્કાળ પડ્યો. જેમણે તેમના વચનમાં વિશ્વાસ મૂકી દાણાપાણીનો સંઘરો કર્યો હતો, તે મુશ્કેલીમાં ન મુકાયા.

14. એક સમયે શ્રી ગઢપુરમાં શ્રીજીમહારાજ રાતના અક્ષર ઓરડીમાં શુકમુનિ પાસે કાગળ લખાવતા હતા. ત્યાં ઓચિંતાનો દીવો ઓલવાઈ ગયો. એટલે શુક-મુનિએ કહ્યું, 'કાગળ અધૂરો રહ્યો ને દીવો ઓલવાઈ ગયો.' તરત જ શ્રીજીમહારાજે પોતાના ચરણારવિંદના અંગૂઠામાંથી દીવા કરતાં પણ અધિક પ્રકાશ દેખાડ્યો. કાગળ જ્યાં સુધી લખાઈ રહ્યો ત્યાં સુધી તે પ્રકાશ ચાલુ રહ્યો હતો.

15. સ્વામિનારાયણ પોતાની મહત્ કૃપા વરસાવી પોતાના ભક્તનાં ગુણ, કર્મ, સ્વભાવ બદલી નાંખતા; એટલું જ નહિ, તેમના તથા તેમના મહાન સંતોના ભગવત્ સંબંધને પામેલાં વૃક્ષોના સ્વભાવ-ગુણોમાં પણ પરિવર્તન કરી નાખતા. આવાં કેટલાંક વૃક્ષો આજે પણ મોજૂદ છે.

16. સહજાનંદ સ્વામીને લાખો લોકોએ એમના જીવનકાળ દરમિયાન જ અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે અપનાવ્યા હતા. તેઓએ એમના પડતા બોલ ઝીલ્યા અને એમના હાથમાં પોતાનાં નાડીપ્રાણ સોંપી દીધાં હતાં.

17. જે સંતો-પરમહંસોને લોકો ભગવાનના અવતાર તરીકે સ્વીકારતા, તે સંતો-પરમહંસો પોતે જેમની ઇષ્ટદેવ તરીકે ઉપાસના કરતા હોય, એ શ્રી સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી હોય એમાં શું આશ્ચર્ય?

18. ભગવાનના અવતારોએ જેવું સાર્મથ્ય બતાવ્યું હતું તેવું સાર્મથ્ય તો શ્રી સ્વામિનારાયણના ભક્તો દર્શાવતા. મતલબ કે શ્રી સ્વામિનારાયણનું સાર્મથ્ય તો અવતારોના સાર્મથ્ય કરતાં ક્યાંય ચડિયાતું હતું.

ઉપરોક્ત હકીકતો બતાવે છે કે સ્વામિનારાયણ કોઈને આંજી નાંખવા નહિ, પણ પોતાના ભક્તોને સહાયરૂપ થવા માટે તથા કેવળ કલ્યાણના હેતુસર પોતાના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપની મનુષ્યોને પ્રતીતિ કરાવવા, પોતાનું દિવ્ય સાર્મથ્ય જણાવતા અને ચમત્કારિક લાગે તેવાં કાર્યો કરતા.