૬. અનુભવ જ્ઞાન એ જ ખરું જ્ઞાન - વિભાગ ૧

0:000:00

મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવ જ્ઞાન કહીએ.

1. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જ્ઞાન કોને કહેવાય?

અંતર્યામીપણાની ને અન્વય-વ્યતિરેકપણાની વાતો કરે પણ વિષયને ને દેહને વશ થઈને મર્યાદા લોપે અને ઇન્દ્રિયોને લાડ લડાવે ને ઇન્દ્રિયો માગે તે આપે, પણ મહારાજની તથા મોટાની બીક રહે નહિ તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા (આજ્ઞા) પાળે તે લક્ષ્યાર્થ જ્ઞાનવાળો કહેવાય. આવું લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે મહાપ્રભુજી સિવાય ક્યાંય પ્રીતિ રહે નહિ. 1/2/6

2. લક્ષ્યાર્થ જ્ઞાન ક્યારે થાય?

લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજીમહારાજના પરમ એકાંતિક તથા અનાદિમુક્તના જોગે કરીને થાય છે. તે જોગ કર્યો ક્યારે કહેવાય તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય ને સર્વ સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય. જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને ધ્યાન-ભજનમાં વિક્ષેપ થાય તો જોગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો ને સર્વે ક્રિયામાં મહારાજને ને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ લક્ષ્યાર્થ જ્ઞાન સિદ્ધ થાય. 1/2/7

3. ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને બે ય હોય તો વિશેષ શ્રેષ્ઠ છે. તે ઉપર શ્રી સચ્ચિદાનંદ સ્વામીની વાત છે જે એક દિવસે શ્રીજીમહારાજ ગઢાળી પધાર્યા હતા ત્યાં તેમને તેડી ગયા નહિ, તેથી નવ દ્વારે રૂધિર નીકળ્યું ને માંદા થઈ ગયા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું જે, "આત્માને વિષે શ્રીજીમહારાજને ધારીને મૂર્તિનો સાક્ષાત્કાર કરો તો વિયોગ ન થાય ને સદાય સુખિયા રહેવાય." ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, સ્વામી! આપે દયા કરીને આજ મારી ખોટ ઓળખાવી. એમ જ્ઞાન શ્રેષ્ઠ છે. 1/16/38

4. બાળકના હાથમાં હીરો, પારસમણિ ને કોડી આપ્યાં હોય તે ક્યારેક હીરે રમે, ક્યારેક હીરો ફગાવીને પારસમણિએ રમે ને ક્યારેક પારસમણિને નાખી દઈને કોડીએ રમે કેમ જે એને કિંમત જડી નથી. ઝવેરીને એ ત્રણેની કિંમતની ખબર પડે છે, તેમ જ્ઞાન વિના મહારાજની તથા મુક્તની ઓળખાણ પડતી નથી. સત્શાસ્ત્ર અને સત્પુરુષ જેનું પ્રમાણ કરે તેને મોટા સમજીને જોગ કરવો પણ બાળકિયા સ્વભાવવાળા હોય તેનો જોગ ન કરવો. જે મહારાજનો અને મોટાનો સિદ્ધાંત પડ્યો મૂકે ને સત્સંગનું ધોરણ મૂકીને વર્તે તે બાળકિયા સ્વભાવવાળા કહેવાય. તે પોતાનો મોક્ષ બગાડે અને લાખોને મોક્ષના માર્ગથી પાડે તેનું મહાપાપ લાગે. 1/31/60

5. કોઈકને મહારાજ તેડી જાય તેના કેડે શોક કરે જે હમણાં શ્રીજીમહારાજે રાખ્યો હોત તો સારું. તે કેવું છે તો ચક્રવર્તી રાજ્ય મળે તો પણ સરપટાના ભારા ઉપાડવા મેલે નહિ તેવું છે, પણ એમ ન જાણે જે અક્ષરધામમાં શ્રીજીમહારાજનું સુખ તો મહા અલૌકિક છે અને માયિક સુખ તો કુશકા કૂટ્યા જેવું છે. જીવે દુઃખને વિષે સુખ માની લીધું છે તેથી શોક કરે છે, માટે એ અજ્ઞાન ટાળવું, ને શોક તો જ્યારે મહારાજની આજ્ઞા લોપીને કોઈકને દેહ પડ્યો હોય ત્યારે કરવો જે એણે મહારાજની આજ્ઞા લોપી હતી તેથી મહારાજ એ બિચારા ઉપર કુરાજી થયા હશે તો એની શી ગતિ થશે? એવો શોક કરવો. 1/47/90

6. ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તો સ્વપ્નમાં આવે છે ને ન પેઠો હોય તો નથી આવતો. તે એ વિક્ષેપનાં સ્વપ્નાં તો આવે છે ને ભગવાનનાં સ્વપ્નાં તો નથી આવતાં; ત્યારે ભગવાન ચૈતન્યમાં રહ્યા છે કે નથી રહ્યા?

બાપાશ્રી બોલ્યા જે, જીવોને માયાનું મુખ્યપણું છે તેથી માયિક વિક્ષેપ સ્વપ્નામાં આવે છે. તે જ્યારે ધ્યાન-ભજન કરતાં કરતાં શ્રી પુરુષોત્તમરૂપ થાય ત્યારે માયા ટળી જાય ને મહારાજ મુખ્ય થાય. તેનું સાધન એ છે જે શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી અને સર્વોપરી ઉપાસના દૃઢ કરવી. તે બે વડે શ્રી પુરુષોત્તમરૂપ થવાય છે. અનાદિમુક્તના જોગે કરીને આવું દૃઢ જ્ઞાન થાય ત્યારે સુખ-ભોક્તાપણું વિશેષ થાય છે, ને વિક્ષેપ ટળી જાય છે. 1/68/131

7. લોયાના 7મા વચનામૃતમાં અનુભવ જ્ઞાન કહ્યું છે તે કેવી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવ જ્ઞાન કહીએ અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધાં કરે તે અનુભવ જ્ઞાન છે. અનુભવ જ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય, જે ખોટું છે તેને ખોટું કરવું તેમાં તે શું? પણ સાચાને ખોટું કરવું તે ખોટું કર્યું કહેવાય. તે ખોટું કિયું ને સાચું કિયું તો મૂળ પ્રકૃતિપર્યંત બધું ખોટું છે અને બ્રહ્મકોટી, અક્ષરકોટી, શ્રીજીમહારાજનું તેજ અને અનંત ઐશ્વર્ય તે સાચાં છે. તેને પણ મૂકીને એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહે ત્યારે છેલ્લી અવધિ આવી જાણવી. આ જ્ઞાન જે કહીએ છીએ તે મૂર્તિના સુખનું છે. માટે જ્ઞાન બધું સરખું નથી. એક તો ખોટાને ખોટું કરે તે પણ જ્ઞાન કહેવાય અને બીજું અક્ષરપર્યંત સર્વને ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે સુખમાં જવું ને સુખ લેવું અને દાતા-ભોક્તાપણું અને સ્વામી-સેવકપણું દૃઢ કરવું ને સુખનું અપારપણું જાણવું તે અનુભવ જ્ઞાન કહેવાય. 1/69/131

8. મૂળ અક્ષરોને તથા તેમના મુક્તોને, અને બ્રહ્મને તથા તેમના મુક્તોને અને મૂળપુરુષોને તથા તેમના મુક્તોને આત્યંતિક મોક્ષની ઇચ્છા થાય ત્યારે ત્યાંથી જ પાધરો મોક્ષ થતો હશે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે એમને મોક્ષની ઇચ્છા થાય ત્યારે આ લોકને વિષે જે બ્રહ્માંડમાં જ્યાં શ્રીજીમહારાજ અથવા તેમના મુક્તો જીવોને મોક્ષ કરવા પ્રગટ થયા હોય તે ઠેકાણે આવીને શ્રીજીને અથવા મુક્તનો સમાગમ કરે ને શ્રીજીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે મુક્ત થાય. 1/95/172

9. મહારાજનું ને મુક્તનું સુખ કેવી રીતે આવે અને તે સુખ ભિન્ન ભિન્ન કેવી રીતે જણાય?

બાપાશ્રી બોલ્યા જે, જ્યારે મુક્તને સજાતિ થાય છે ત્યારે બધું માલમ પડે છે પણ સજાતિ થયા વિના માલમ ન પડે. જેમ આ સભામાં અજાણ્યો માણસ આવે તેને બધા સરખા જણાય અને જે સદાય ભેળા રહેતા હોય તેમને સર્વેનાં રૂપ, ગુણ, નામ તથા મોટપ તે જુદી જુદી જેમ હોય તેમ જણાય. તેમ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે રહેતા હોય તેના જાણ્યામાં આવે છે. સજાતિ થાય ત્યારે બધુ માલમ પડે છે અને મહારાજનું ને મુક્તનું સુખ પણ વિભાગે સહિત જાણે છે ને લઈ શકે છે. 1/119/210

10. પુરુષોત્તમના પ્રકાશરૂપ થઈને એકરસપણાને પામી ગયા પછી જાણપણું રહેતું હશે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, આ દેહરૂપી આવરણમાં રહ્યા થકા પણ જ્ઞાને કરીને આટલું ઓળખાય છે તો જ્યારે આવરણ ટળીને દિવ્ય દૃષ્ટિ થાશે ત્યારે ઓળખાય તેમાં શું કહેવું? ત્યારે તો જાણપણું બહું રહેશે. જેમ હું મૂર્તિમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમ જ સર્વે મુક્ત મૂર્તિમાં રહ્યા છે ને સુખ લે છે, એવું જાણપણું રહે છે. જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિને જુઓ છે. જેમ ફાનસમાં દીવો હોય તો દીવો ફાનસને દેખે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે જે આ મુક્ત આટલું સુખ લે છે. એમ સર્વેને જાણે છે. 1/124/219.

11. મૂર્તિ વિના તેજ નથી માટે શ્રીજીમહારાજ નિરાકાર નથી. બ્રહ્મજ્ઞાનીનો માર્ગ ખોટો છે. મહારાજ ને મુક્ત અહીં દર્શન આપીને પોતાનો આશરો કરાવે છે ને મહિમા સમજાવે છે. ત્યારે જીવનું કલ્યાણ થાય છે પણ પ્રકાશ આવીને કોઈને ઉપદેશ કરતો નથી, માટે તેજથી કલ્યાણ ન થાય. મહારાજ ને મુક્ત સદા દિવ્ય ને સાકાર છે તે કલ્યાણ કરે છે. 1/155/273

12. સકામ રસ્તામાં વાસનાઓ રહે છે. રાજા પાસેથી બાવાએ ચાર દરવાજાનું છાણ માગ્યું, એવું માગતાં આવડે પણ મોક્ષ માગતાં ન આવડે. લોઢવાની લખુ ચારણે ઢોરાં ને ચેલા કુશળ રહે એવું મહારાજ પાસે માગ્યું, એમ જ્ઞાન વિના સર્વે કાચું છે. 1/164/300

13. જેમ સમુદ્ર વેળ લાવે ને ખેંચી જાય, તેમ મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન આવીને મૂર્તિમાં ખેંચી જાય છે, તે કૃપાસાધ્ય છે. "ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના" તે સમય આજ આવ્યો છે. એક સમયે એક ગામમાં પર્વતભાઈ ને ઝીણાભાઈ આદિ સત્સંગી બેઠા હતા. ત્યારે પર્વતભાઈએ કહ્યું જે મહારાજની ને મુક્તની ખુશબો આવે છે. એટલામાં તો મહારાજ ને મુક્ત આવ્યા. અનુભવજ્ઞાનમાંથી ખુશબો આવે છે, તે મૂર્તિમાં લઈ જાય છે; ત્યારે એક પુરુષોત્તમ જ રહે છે. અક્ષરાદિક બીજું કોઈ રહેતું નથી. એક કારણ મૂર્તિ રહી. "સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન" એમ બ્રહ્મકોટી, અક્ષરકોટી એ સર્વેના પ્રકાશને મહારાજનો પ્રકાશ લીન કરી નાખે છે. 1/171/319

14. શ્રીજીમહારાજને મહાત્મ્ય જ્ઞાને સહિત જેવા છે તેવા જાણતો હોય ને મુક્તને પણ જેવા છે તેવા જાણતો હોય પણ આત્માને વિષે સાક્ષાત્ દેખાતા ન હોય તે ભક્તનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થયાં કહેવાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે અનાદિમુક્ત થકી જ્ઞાન પામ્યો તે જ્ઞાન દિવ્ય છે, માટે તે મૂર્તિને દેખે નહિ તો પણ તે પુરુષોત્તમરૂપ થયો છે, કેમ જે અહીં મનુષ્યરૂપે શ્રીજીમહારાજ કે અનાદિમુક્ત વિરાજતા હોય તેમને વિષે એને દિવ્ય બુદ્ધિ થઈ ગઈ છે, માટે તે પુરુષોત્તમરૂપ થઈ ગયો છે, પણ જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તો. 1/174/327

15. ભગવાનની વાત કરતો હોય અને આજ્ઞા લોપતો હોય તેની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે, હા, થાય ખરી. એ વાચ્યાર્થવાળો હલકારો તો બહુ કરે પણ લૂખો હોય અને લક્ષ્યાર્થવાળો મહારાજની મૂર્તિને લઈને વાતો કરે અને તેજોમય ઝળળળ ઝળળળ મહારાજની મૂર્તિ ધારીને વાતો કરે અને તે મૂર્તિમાં રહીને ધીમે ધીમે બોલે પણ ધડાકા ન મારે. એને એક નિશાન મહારાજ સામું હોય અને વાચ્યાર્થવાળો વાતો કરે તો આ લોકમાં ખૂબ મળતું આવે પણ તેની વાતો ફળ વિનાનાં થોથાં જેવી હોય. 1/217/441

16. અનુભવ જ્ઞાન તે શું સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે તેમ પુરુષોત્તમનારાયણની ખુશબો છે તે જીવને ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ ખુશબો તે અનુભવ જ્ઞાન જાણવું. સર્વેથી પર શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સમજે ત્યારે અનુભવ જ્ઞાન થયું કહેવાય. પણ ખોટાને ખોટું કરે તે સાચું જ્ઞાન ન કહેવાય. મહારાજની મૂર્તિથી ઓરું અક્ષરપર્યંત સર્વે ખોટું થઈ જાય અને મહાપ્રભુજીની મૂર્તિમાં જોડાઈ જવાય એ અનુભવ જ્ઞાન કહેવાય. માટે અનુભવ જ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. 1/222/449

17. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જાણવા જોઈએ. જેમ કે એક પટેલ પૂજા કરતો હતો. તેને ઘેર એક જણે આવી પૂછ્યું જે પટેલ ક્યાં ગયા છે? ત્યારે તેના દીકરાની સ્ત્રીએ કહ્યું કે પટેલ ઢેડવાડે ગયા છે. ત્યારે તે કહે જે હું પૂજા કરું છું અને એમ કેમ કહો છો? ત્યારે બાઈ બોલી જે તમે ચામડું લેવા જવાનો સંકલ્પ કરો છો ને? ત્યારે કહે જે, હા ખરું. એમાં પૂજા કરતા હતા તે વાચ્યાર્થ છે અને ઢેડવાડે ગયા છે એ લક્ષ્યાર્થ કહેવાય. શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ રાખતાં, વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાય અને ત્રણે અવસ્થામાં મૂર્તિમાં તેલધારાની પેઠે સાક્ષાત્ જોડાઈ જવાય એ લક્ષ્યાર્થ ખરો કહેવાય. એમ લક્ષ્યાર્થ-વાચ્યાર્થ જ્ઞાન જાણવું જોઈએ. 1/237/477

18. જીવ સાકાર છે કે થાય છે કે એને બીજો દેહ બંધાય છે?

બાપાશ્રી બોલ્યા જે, જીવ સત્ય, ચૈતન્ય વસ્તુ છે તે શ્રીજીમહારાજને ધ્યાને કરીને દિવ્ય સાકાર શ્રીજીમહારાજના જેવો થાય છે. શાસ્ત્રના સમજનારા શાસ્ત્રમાંથી ગોઠવે તે કોઈ આમ કહે ને કોઈ આમ કહે. ગોથાં મારે પણ ખરી વાત હાથ ન આવે. આ તો દેખીને કહેવાય છે, જે જીવ માયામાં નિરાકાર છે તે ભગવાનના ધામમાં દિવ્ય સાકાર થાય છે. જ્યારે જીવને અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાંથી ખુશબો છૂટે છે તે ખેંચીને જીવને મૂર્તિમાં લઈ જાય છે. એ થયા વિના બધું ય કાચું. પંડિતથી ગાઉ પચાસ, તમારા પંડિતોથી ભગવાન પચાસ ગાઉ છેટે છે. તે શાસ્ત્રમાં ગોથાં ખાઓ છો, પણ તે જડે તેમ નથી. એ તો મહારાજના અનાદિ કાં પરમ એકાંતિક મળે તો જ ભગવાન મેળવે. 1/245/495

19. આજ ભગવાન ને સસંત મળ્યા તો હવે ઇન્દ્રિયોને છૂટી ન કરવી, તે ઘોડા છે તે ઝાલ્યા રહે એવા નથી. માટે એને નિયમમાં રાખીને મૂર્તિમાં જોડાવું. મનોમય ચક્ર છે તેમાં એક ડોડી છે. તેને સાત પડ છે. તેની માંહી જીવાત્મા રહે છે. અગ્નિના તણખા જેવો ઝીણો જીવાત્મા છે તેમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે. તે શ્રીજીમહારાજના પ્રકાશથી વિકાસ પામે છે. જીવાત્મા સંગદોષથી અવરાઈ ગયો છે પણ વસ્તુગતે ચોખ્ખો છે. તે ચોખ્ખો હતો તો ચોખ્ખો થયો. તપ, ધર્મ ને વૈરાગ્ય હોય તો પણ ભગવાન અને તેમના સંતનો વિશ્વાસ ન હોય તો કાંઈ કામ આવે નહિ. 1/251/509