૭. ભગવાન ને સંત ઓળખવા એ તો જબરી ઘાંટી! - વિભાગ ૧
સાચી મા મળે તો બાપને ઓળખાવે તેમ સાચા મુક્ત મળે તો શ્રીજીને ઓળખાવે.
1. આ લોકમાં સાધનદશાવાળા ભક્ત ઓળખાય પણ સિદ્ધ મુક્તને ઓળખવા તે કઠણ છે. કોની પેઠે તો જેમ એક તો સદાયનો બહુ જ ધનાઢ્ય હોય અને તેનો ખજાનો ભરેલો હોય ને કાંઈ ઉદ્યમ પણ ન કરતો હોય તેથી બહાર એનો ઉદ્ઘોષ ન જણાય અને એક તો ઘણા ઉદ્યમ કરતો હોય ને મોટાં મોટાં શહેરોમાં દુકાનો ચાલતી હોય, તેનો ઉદ્ઘોષ બહુ જણાય. તેમ એક તો જપ, તપ, કથાકીર્તન, સેવા, ધ્યાન બહુ જ કરે તેને જોઈને એમ જાણે જે આ તો રાત્રી-દિવસ મંડ્યા રહે છે. એમ ઉદ્ઘોષ બહુ જણાય અને સિદ્ધદશાવાળા તો મૂર્તિમાં જ રમૂજ કર્યા કરે ને મૂર્તિના સુખમાં જ ગુલતાન હોય ને સુખમાં જ ડૂબ્યા હોય તેથી કથા, વાર્તા, જપ, તપાદિક બહુ કરતા ન દેખાય તે ક્યાંથી ઓળખાય? માટે મુક્ત ઓળખવા તે કલમ કઠણ છે. 1/14/34
2. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તો જળતરંગવત્ એક જ છે. મુક્ત ન હોય ત્યારે પ્રતિમાથી પણ કલ્યાણ થાય, પરંતુ વિલંબ થાય. માટે મુક્ત આ પૃથ્વી પર પધાર્યા હોય તે મુક્તને ઓળખીને સંગ કરવો. મુક્ત ઓળખવા એ ઘાંટી જબરી છે. જેને સર્વે સત્સંગે પ્રમાણ કરેલા હોય ને વયે કરીને પણ વૃદ્ધ હોય એવા મુક્તનો સમાગમ કરવો; આડે અવળે ધોડા કરવા નહિ. મહારાજ અને મુક્ત વિના બીજે જે વળગ્યા છે તે હેરાન થવાનું કારણ છે. માટે મુક્ત ઓળખીને સંગ કરવો. 1/37/74
3. કેટલાક મુમુક્ષુ પણ ન હોય અને વિષયી પણ ન હોય ને પામર જેવા પણ ન હોય ને તે અનાદિમુક્ત થઈ બેઠા હોય તેને મુક્ત જાણીને તેનો જોગ કરે તો તે સંગ કરનારની ભવાઈ થાય. તે શા વાસ્તે મુક્ત થયા હોય? માન માટે, પૂજાવા માટે ને વિષય માટે મુક્ત થયા હોય પણ મોક્ષ માટે ન થયા હોય. એવા કપટીનો વિશ્વાસ લાવીને જે વળગ્યા હોય તેનું ભૂંડું થાય. તેમાં કોઈકને શંકા થાય જે પામરથી મુક્ત કેમ થઈ બેસાય? તો તેનું એમ છે જે, પહેલાં તો ભક્ત હોય અને જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ તે થોડાં થોડાં હોય તેણે કરીને પોતાને સરસ માને પણ બરાબર જ્ઞાન ન હોય તેથી અજ્ઞાનમાં વિચાર વિના ઉદ્ધત થઈ જાય અને કોઈ સાધુ કે સત્સંગીની ગણતરી રહે નહિ. માનને લીધે કોઈ મોટા મુક્તનો સમાગમ દાસ થઈને કરે નહિ. પોતાના બુદ્ધિબળે શાસ્ત્રમાંથી જ્ઞાન શીખવા જાય અને શાસ્ત્રનો સિદ્ધાંત હાથ આવે નહિ ને પોતાને અવળું-સવળું જેવું સમજાય તેવું જ્ઞાન બીજાને પણ કરે અને કોઈ મોટા સમજાવે તો માનના માર્યા કોઈનું કહ્યું પણ માને નહિ. પોતે અવળે રસ્તે ચાલે ને બીજા લાખોને અવળે રસ્તે ચલાવે. તેથી શ્રીજીમહારાજનો તથા સર્વે સત્સંગીનો કોપ થાય. તેણે કરીને તેની બુદ્ધિ દૂષિત થઈ જાય. તેથી વિષયવાસના વધે અને વર્તમાન લોપે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને બ્રહ્મરાક્ષસના જેવી ક્રિયા કરે. તેનો મહિમા ન મૂકે ને જોગ રાખે તે મૂર્ખ છે. કદાપિ એણે શ્રીજીમહારાજની ને અમારી ઓળખાણ પડાવી હોય પણ તેનો પગ ખાડામાં પડે કે ઉદ્ધતાઈ આવે તો તેનો ત્યાગ કરવો. 1/37/74
4. જેને સત્સંગમાં દાસપણું હોય તે જ ઊંચે પગથિયે ચઢે છે. મહારાજને સાથે રાખવા ને દાસપણું રાખવું તો ઘણો લાભ થાય. જેમ ટટ્ટુ હોય તે પહેલું બહુ દોડે પણ પછી બહુ થાકી જાય. કુંતલ ઘોડા હોય તે જેમ જેમ મજલ કરે તેમ તેમ વધારે બળ આવે અને સર્વે ઘોડાની આગળ જતા રહે. તેમ જે મોટા ન હોય ને મોટા થાવા જાય તો તેનું આગળ જતાં ભાંગી પડે પણ લાંબુ ચાલે નહિ. મુક્ત હોય તે તો દિવસે દિવસે પ્રસિદ્ધ થાતા જાય પણ ઘટે નહિ. જે એમનો જોગ કરે તે પણ તેવો જ મુક્ત થાય પણ જે મુક્ત ન હોય ને પરાણે મુક્ત થઈ બેઠા હોય અને વર્તમાન લોપતા હોય ને પોતાનું ધ્યાન કરાવતા હોય તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભૂખ, દુઃખ ને માર એ ત્રણ વાનાં મળે. અક્ષરધામને ને એમને તો લાખો ગાઉનું છેટું છે. તે મરે ત્યારે બ્રહ્મરાક્ષસ થાય અને હેરાન હેરાન થાય ને એમનો સંગ કરનારની પણ તેમના જેવી દશા થાય. માટે વિચારીને મુક્ત ઓળખીને સંગ કરવો. જે મુક્ત ન હોય ને તે કહે જે હું મુક્ત છું તો તેને અતિ મહાપાપી જાણવો. જે ભગવાન થઈને પોતાનું ધ્યાન કરાવે તે તો તેનાથી પણ અત્યંત મહાપાપી જાણવો. તેનું મુખ પણ ન જોવું અને એવાએ કદાપિ કોઈકને તેડવા આવવાનો વર દીધો હોય તે ખોટો જાણવો અને એવાનો જોગ ન કરવો. 1/37/75
5. જેને શ્રીજીનો અથવા એમના મુક્તનો સંબંધ ન હોય તેને અન્વય-વ્યતિરેકની ખબર ન હોય તેથી તેને શાસ્ત્રના અર્થ સમજાય નહિ અને પોતામાંથી માન, મોટપ અને વિષય તે ટળ્યા ન હોય તેથી ગુરુ થવાની ને વિષય ભોગવવાની ઇચ્છાઓ રહી હોય તે મુમુક્ષુઓને આડું-અવળું સમજાવે ને પ્રતિમા કરતાં પોતે મોટા થઈ પડે ને લોકને છેતરીને વિષય ભોગવે; તેને મહાપાપ લાગે અને નરકે જવું પડે. જે એવાને વળગ્યા હોય તે જો વિશ્વાસુ હોય અને કેવળ મોક્ષના ખપવાળા હોય તેમની તો મહાપ્રભુજી રક્ષા કરે ને જે તે ઉપાયે કરીને એવાના જોગથી છોડાવે. કદાપિ આ ફેરે ન છૂટે તો બીજો જન્મ ધરાવીને મુક્તનો જોગ મેળવે અને મોક્ષ કરે. જેને મોક્ષની ઇચ્છા હોય ને શ્રીજીમહારાજને પ્રસન્ન કરવા હોય તેણે એવા અવળે રસ્તે ચાલનારાનો સંબંધ ન રાખવો ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું પણ કોઈ મુક્તનું ધ્યાન કરવું નહિ. 1/54/104
6. એક શિષ્યને ગુરુ ઘસડીને ધામમાં લઈ ગયા અને તેને મહારાજ ને મુક્ત બતાવ્યા, એવા ગુરુ કરવા પણ ગરબડિયા ગુરુ ન કરવા. એટલે ધન-સ્ત્રીના પ્રસંગવાળા તથા ઉપાસના ચોખ્ખી ન હોય એવા ન કરવા. જે ગુરુ પોતાના શિષ્યને પરાણે મૂર્તિમાં ઘસડી જાય તે મોટા છે ને મહારાજને વહાલા છે. શ્રીજીમહારાજ જય સ્વામિનારાયણ કહે છે તે પોતાને કહે છે અને જય સચ્ચિદાનંદ કહે છે તે પોતાના અનાદિમુક્તને કહે છે તે એમ કહે છે જે તમે કાયમ રહો. 1/67/129
7. લોયાના 7મા વચનામૃતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય એમ કહ્યું છે. તે જેને ભગવાન કે ભગવાનના મુક્ત મનુષ્યરૂપે પ્રત્યક્ષ મળ્યા હોય તેને જીવાત્મામાં સાક્ષાત્કાર ન થયો હોય તેનું આત્યંતિક કલ્યાણ થાય કે નહિ?
બાપાશ્રી બોલ્યા જે જેને પ્રત્યક્ષ ભગવાન કે મુક્ત મનુષ્યરૂપે મળ્યા હોય ને તેમને યથાર્થ મહિમાએ સહિત જાણ્યા હોય, તો તેનું કલ્યાણ આત્માને વિષે સાક્ષાત્કાર થયો હોય તેના જેવું જ થાય. એટલે પ્રત્યક્ષ મળ્યાનો વિશેષ છે. 1/69/132
8. છેલ્લા પ્રકરણનું 2જું વચનામૃત વંચાતું હતું. તેમાં પરોક્ષના જેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તે સર્વે અર્થ પ્રાપ્ત થાય એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી. તેથી પૂર્વના ઋષિનું મનાય અને આજના મુક્તનું ન મનાય. ગઢડામાં શ્રી આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું જે પૂર્વના ઋષિઓ ઊન, દૂધ, કેળનું પાણી તથા મૃગચર્મ એ સર્વેને પવિત્ર કહી ગયા છે તે મનાય છે અને હું સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણનો મુક્ત છું ને હું કહું જે દૂધ કરતાં ઘેલાનું પાણી પવિત્ર છે ને મૃગચર્મ તથા ઊન કરતાં કપાસ પવિત્ર છે તો તે કોઈ ન માનો; કેમ જે પ્રત્યક્ષનો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ભૂજમાં અમૃતબાઈ હતાં તે ચાર મહિના ચીભડાં જમે, ચાર મહિમા ગલકાં જમે, ચાર મહિના ભીંડા જમે, એમ પંદર વર્ષ કાઢી નાખ્યાં એવા તપસ્વી હતાં. ધર્મમાં પણ એવા જે કોઈને પડછાયો અડે કે દોરો અડી જાય તો તે હમીરસર તળાવમાં ટાઢમાં નાહી આવે ને બ્રહ્મચારી પાસેથી છાશ લેતાં તે પણ બ્રાહ્મણના છોકરાને નવરાવીને માર્ગમાં પાણી છાંટતાં છાંટતાં લઈ જાય. એક દિવસે બ્રહ્મચારીએ એ ડોશીને છાશ આપવા અમને મોકલ્યા તે ન લીધી ને કહ્યું જે બ્રહ્મચારીએ કણબી સાથે છાશ મોકલી તે નહિ લઉં. પછી એ છાશ અમે પાછી લાવીને બ્રહ્મચારીને આપી તે છાશ એક મોઢ બ્રાહ્મણનો છોકરો નાગોડિયો કૂતરાં રમાડતો હતો તેને નવરાવીને તેની પાસે લવરાવીને પીધી. પછી રાત્રીએ શ્રીજીમહારાજે સ્વપ્નમાં કંસારા સોનીની છાશ લુહાણા પાસે લવરાવીને પાઈ અને પછી કહ્યું જે, કાલે અમારા મુક્તની લાવેલી ન લીધી ત્યારે આ પીધી તે કોની છે? અને કોણ લાવનાર છે? પછી તો ઘણો પસ્તાવો થયો. પછી બીજે દિવસે અમારી પાસે મંગાવીને પીધી અને કહ્યું જે, "તમે તો સાક્ષાત્ અનાદિમુક્ત છો. તે મેં તમને ઓળખ્યા નહિ અને કણબી જાણીને સંશય કર્યો. તેનો શ્રીજીમહારાજે આજ રાત્રીએ મને દંડ દીધો." માટે વિધિ તો પાળવો પણ ટાણું ઓળખવું ને મુક્ત ઓળખવા, જે આપનારા કોણ છે. 1/76/138
9. ભૂજમાં સુતાર સુંદરજીભાઈએ દેહ મૂક્યો ત્યારે પટારામાંથી શાલ કાઢવા શ્રીજીમહારાજ ગયા ત્યારે એમનાં પત્નીએ કહ્યું જે, મહારાજ! તમે તમારા ભક્તને અડ્યા છો, માટે પટારે અડશો નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, એ તો અમે ભૂલી ગયા. પછી બીજા પાસે કઢાવીને દેન દઈ આવ્યા. જ્યારે મહારાજે પછી દિવ્ય તેજોમય પોતાના અનંત મુક્તે સહિત દર્શન આપ્યાં ત્યારે ખબર પડી ને પ્રાર્થના કરી જે હે મહારાજ! તમે દિવ્ય છો, પણ હું તમારે વિષે દિવ્યપણું ભૂલી ગઈ અને મનુષ્યભાવ આવી ગયો. ત્યારે મહારાજ બોલ્યા જે, અમને ભગવાન જાણીને ઘેર રાખ્યા ને બહુ સેવા કરી પણ જ્યારે ટાણું આવ્યું ત્યારે ભૂલી ગયાં; માટે સદા દિવ્યભાવ રહે એવી પાકી દૃઢતા કરવી. 1/76/140
10. સાધુનાં ઘણાં નામ હોય. નારદ-સનકાદિક પણ સાધુ કહેવાય છે. પણ સનકાદિકને ક્રોધ થયો ને નારદજી પણ નાક, કાન કપાવી બેઠા. માટે આ શ્રીજીમહારાજના સંત છે તે છેલ્લો મુદ્દો છે. 1/103/187
11. મહારાજ ને મુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. વેદાંતાનંદ બ્રહ્મચારી ભૂજમાં હતા. તેમણે શ્રીજીમહારાજની પ્રસાદી લીધી નહોતી. તેમને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું જે તમે શ્રીજીમહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને આજ થાળની પ્રસાદી કેમ જમો છો? પછી બહુ જ પસ્તાવો કર્યો જે મેં મહારાજને વિષે મનુષ્યભાવ પરઠ્યો તે બહુ ખોટ આવી. 1/136/237
12. કેવા હોય તેને ચોરટા જાણવા?
બાપાશ્રી બોલ્યા જે, ધર્મામૃત તથા નિષ્કામશુદ્ધિમાં કહેલી આજ્ઞા લોપતા હોય ને અમે મુક્ત છીએ એમ કહેતા હોય તે ચોરટા જાણવા. તેની સાથે જીવ જોડે તો તેના ભેળા દુઃખ પામે, માટે મુક્ત ઓળખીને જીવ જોડવો. આજ અક્ષરધામનું સુખ ભોગવો છો. આવી સભામાં પણ દોષના જોનારાને દોષ સૂઝે ને પોતે તો ધૂળ બલા જેવા હોય ને કાંઈ પણ માલ હોય નહિ. અને મહારાજના અનાદિમુક્તમાં દોષ પરઠે. તે તો દોષરૂપી ભાર માથે ફરે છે. તેનો તો જીવ પણ નાશ પામશે તેની તેને ખબર નથી. 1/137/239
13. ઘણાં ધામોના મુક્ત સત્સંગમાં આવ્યા હોય તે કેમ ઓળખાય?
બાપાશ્રી બોલ્યા જે, જે ધામમાંથી એ આવ્યા હોય તે ધામોની ને તે ધામોના ધામીની મોટપ એમને રહી ગઈ હોય તેથી તેમનું વર્ણન કરે ને મહારાજની મોટપ કહે, પણ કેવળ મહારાજની મોટપ ન કહે. જે શ્રીજીમહારાજના મુક્ત હોય તે તો શ્રીજીમહારાજ વિના બીજા કોઈની મોટપ કે સારપ રહેવા દે નહિ; એ ઉપરથી તેમને ઓળખવા. 1/142/247
14. ભક્તચિંતામણિ વંચાતી હતી તેમાં સંતનાં લક્ષણ આવ્યાં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ બનાવટિયા હીરા થાય છે, તે સાચા હીરા જેવા જણાય છે તેથી કેટલાક ઝવેરી પણ છેતરાઈ જાય છે. જો સાચો ઝવેરી હોય તો તેને ખબર પડે જે આ બનાવટિયો હીરો છે, તેમ આ સત્સંગમાં કેટલાક મુક્ત થઈ પડ્યા છે તેમને કેટલાક ખોટા માને છે તે ભેળા સાચા મુક્તને પણ ખોટા માને છે, તે જો સાચા ઝવેરી મળે તો હીરાને ઓળખાવે. જેમ સાચી મા મળે તો બાપને ઓળખાવે તેમ સાચા મુક્ત મળે તો શ્રીજીને ઓળખાવે. બીજા તો ક્યાંય ફગાવે. માટે સાચા મુક્ત ઓળખીને તેમનો જોગ કરવો. 1 161/288
15. કેટલાક પ્રતિમાથી સંતને અધિક કહે છે તે કેમ સમજવું?
બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનો સિદ્ધાંત એના જાણ્યામાં આવ્યો નથી કેમ જે એને સિદ્ધ મુક્ત મળ્યા નથી, માટે તેની માયિક બુદ્ધિથી જેવું સમજાણું હશે તેવું કહેતા હશે; પણ પ્રતિમા તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે. જેને મોટા મુક્ત ન મળ્યા હોય તે પોતાની આધુનિક બુદ્ધિએ શાસ્ત્ર સમજવા જાય તેને શાસ્ત્રનું રહસ્ય હાથ આવે નહિ ને પોતે ભગવાન થઈ પડે. એમ કહીને પછી બોલ્યા જે સત્સંગમાં કેટલાક હું ભગવાન છું એમ કહેતા હોય તે ન માનવું. ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. વળી કેટલાક વીર સાધે છે. તે થોડુંક તેજ ને માંહે વીરની મૂર્તિ લોકોને બતાવે છે, તેથી અજ્ઞાની બિચારા આ મહારાજ બતાવ્યા, એમ જાણીને કેટલાક વિશ્વાસ લાવીને ફસાય છે. માટે એવા કપટીનો વિશ્વાસ ન રાખવો. વળી ગુજરાતમાંથી એક જણે અમને તથા સ્વામી અક્ષરજીવનદાસજીને કાગળ લખ્યો હતો જે, તમે મારું ભજન કરો અને કદાપિ મારું ભજન ન કરો તો તમારા ભૂજના મંદિરમાં જીવી ડોશી છે તે મારી ચેલી છે તેનું ભજન કરશો તો પણ તમારું કલ્યાણ થાશે. એ ડોશી વીરવિદ્યાવાળી હતી તે થોડુંક તેજ ને વીરની મૂર્તિ બતાવતી, તેથી લોક છેતરાતાં. તેને અમે તથા સ્વામીએ સત્સંગ બહાર કરી હતી. તે ચોસઠની સાલમાં રામપરામાં ધનબાએ પારાયણ કરાવ્યું ત્યારે પ્રાયશ્ચિત્ત કરાવી ને સત્સંગમાં લીધી. એમ કહીને પછી બોલ્યા જે, આજ કેટલાક સત્સંગમાં સ્ત્રીઓની સભા કરીને બેસે છે અને સ્ત્રીઓ પગચંપી કરે છે એવો ભ્રષ્ટાચાર કરે છે. 1/190/357
16. (બનાવટી ભગવાનની વાત)
માનકૂવામાં દમો બ્રાહ્મણ ભગવાન થઈ પડ્યો હતો. તેનો સંગ કેટલાક રાખતા. તેમને અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, એમનો સંગ છોડી દો પણ તે લોકોએ ન માન્યું. પછી મહારાજશ્રી બોલ્યા જે, આ માનનો કૂવો આપણું નહિ માને, એમ કહીને જમ્યા વિના ચાલી નીકળ્યા ને ભારાસરમાં પધાર્યા. ત્યાં રસોઈનો સામાન મળે નહિ તેથી ત્યાં એક સૂરદાસ અને ગરીબ ખોડા ભક્ત નામે હતા તેમણે કહ્યું જે, હે મહારાજ! આ ગામડા ગામમાં તો કાંઈ સામાન નથી. માટે માનકૂવેથી સામાન લઈ આવું ને રસોઈ કરાવો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે માનકૂવાનું અનાજ તો અમે નહિ જમીએ. પછી સામત્રામાં દેવજીનો દાદો રૂડો ભક્ત શ્રીજીમહારાજને મળેલા હતા, તેમણે લોટ, ગોળ, ઘી, ખીચડી લાવીને ભારાસરમાં મહારાજને ને સંતને જમાડ્યા અને સૂરદાસને ગરીબ જાણીને તેમની રસોઈ ન લીધી. માટે ઝેરની પરીક્ષા ન લેવી, "મેરે તો તુમ એક આધારા" એક શ્રીજીમહારાજનો જ આશરો રાખવો; એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. 1/190/358
17. ભગવાનનો આશરો કર્યો હોય પણ જો મહારાજને કે મુક્તને ઓળખ્યા ન હોય ત્યાં સુધી નિવૃત્તિ કર્મ ને પ્રવૃત્તિ કર્મ કરે તો પણ માયા તરાય નહિ. એટલે જન્મ-મરણ ટળે નહિ; તે સુષુપ્તિમાં લીન થયો જાણવો. મહારાજ ને મોટા મુક્ત સત્સંગમાં હોય તેમને ઓળખ્યા ન હોય તે આંધળો કહેવાય અને સ્વામિનારાયણ તો સર્વ કહેતા હોય પણ આવા મુક્તને ને આ શ્રીજીમહારાજની પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી જન્મ-મરણ માથે રહે. પછી બીજી વાત કરી જે, શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશુદ્ધિ તે વાંચવા ને પાળવાં તે ન વાંચે કે ન પાળે તો જીવ બાળકિયા થઈ જાય. ગૃહસ્થ હોય તે જો શિક્ષાપત્રી વાંચે તો દેવની કે રાજાની કોઈની આજ્ઞા લોપાય નહિ અને ત્યાગી નિષ્કામશુદ્ધિ વાંચે તો નાગના જેટલી સ્ત્રીની બીક લાગે પણ પચાસ-પચાસ વર્ષ સત્સંગમાં થયાં હોય તો પણ નિષ્કામશુદ્ધિ કે ધર્મામૃત વાંચ્યું ન હોય તો પોતે શું પાળે? 1/204/399
18. જેને જડ-ચૈતન્યનો સંસર્ગ ન હોય અને ભગવાનના અખંડ સંબંધવાળા હોય એવા હોય તે ગુરુ કહેવાય; માટે એવાને ગુરુ કરવા પણ ગુરુનાં લક્ષણ બહાર જાય (વર્તે) એ ગુરુ શાનો? સનાતન હોય તે ગુરુ તે સનાતન એટલે અનાદિમુક્ત જે ધામમાંથી આવેલા હોય તે જાણવા. અને સંત એટલે સંતનાં લક્ષણે યુક્ત હોય તે જાણવા. 1/221/448