• ભગવાનના પ્રતિમા-સ્વરૂપમાં પ્રત્યક્ષભાવ - વિભાગ ૨

0:000:00

1. બાપાશ્રી બોલ્યા જે આ મહારાજની મૂર્તિ પ્રતિમારૂપે છે તે દિવ્ય અક્ષરધામમાં છે તે જાણવી. આ સભા દિવ્ય અક્ષરધામની છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને નરનારાયણના સમ છે. એમ મહારાજે સમ ખાધા છે. આ સભા અનાદિમુક્તની છે. આ સભામાં પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે. એ બે વાતો દૃઢ કરવી જોઈએ. એ બે વાતો દૃઢ થઈ તો અંતર્વૃત્તિ થઈ જાણવી. જો એ બે વાતો સિદ્ધ થાય તો ખરેખરો એકાંતિક થાય. 2/44/136

2. સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે: બાપા! મહારાજના ચરિત્રને વિષે સંશય કરવો નહિ એમ કહ્યું છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં? અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મહારાજે જે જે મનુષ્યચરિત્ર કર્યાં હોય તેનું વર્ણન થતું હોય તે સાંભળીને તેને વિષે દિવ્યભાવ લાવવો પણ દોષ ન પરઠવો અને અત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન પોતે જ છે, એમ માનવું. અને મૂર્તિનાં ઘરેણાં, વસ્ત્ર વગેરે કોઈ લઈ જાય તો ય તેમાં અવગુણ ન લે જે મૂર્તિ ધાતુ, કાષ્ઠ પાષાણાદિકની છે એવો ભાવ ન લાવે અને એમ ન થાય જે પોતે પ્રત્યક્ષ બિરાજતા હોય તો ચોરને કેમ લેવા દે. એમ નાસ્તિકભાવ ન આવે, વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે તો ય અવગુણ ન આવે ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે! અને કેમ દુઃખ ન ટાળે! પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય- એમ દૃઢપણે માનવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય? એવાં ચરિત્ર તે અત્યારનાં મનુષ્યચરિત્ર કહેવાય ને તે પ્રાકૃત જેવા લાગે તો પણ તેમાં દિવ્યભાવ રાખવો ને એમ સમજવું જે સર્વ કર્તાહર્તા મહારાજ છે, તે તેમની મરજી હશે તેમ કરતા હશે અને જે કરતા હશે તે સારું જ કરતા હશે. આવી સમજણ રાખે તો અત્યારના મનુષ્યચરિત્રને વિષે સંશય ન થાય. 2/78/243

3. દેવરાજભાઈએ પૂછ્યું જે: મૂર્તિઓને વિષે દિવ્યભાવ હોય જે આ મૂર્તિઓ તે પ્રત્યક્ષ ભગવાન છે પણ મનુષ્યરૂપે મહારાજ તથા મુક્ત વિચરતા હોય તેમને ઓળખે નહિ તેનું શું કારણ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મહારાજ અને મુક્ત મનુષ્યરૂપે વિચરતા હોય તેમને ઓળખે નહિ તેણે મૂર્તિઓને વિષે પૂરો દિવ્યભાવ જાણ્યો નથી તે તો મુખેથી કહેવા માત્ર જ છે. પણ જો મૂર્તિઓને દિવ્ય જાણી હોય તો તે મનુષ્યરૂપે મહારાજ અને મુક્ત વિચરતા હોય તેમને જરૂર ઓળખે. એમને જે ન ઓળખે તેમને તો મૂર્તિઓને વિષે દિવ્યભાવ છે જ નહિ. 2/146/443