૧૮. ગૂઢાર્થવાળાં જોડકણાં અને પંક્તિઓની આધ્યાત્મિક સમજુતી - વિભાગ ૧

0:000:00

“મુજ વિના જાણજો રે, બીજા માયિક સૌ આકાર.”

1. સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, "નાભિ અજને થયાનું ઠેકાણું બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું" એમ કહ્યું તેનો અર્થ શો સમજવો?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની નાભિ જે નીરખે તે અજ એટલે મુક્ત થાય. માટે અજનો અર્થ મુક્ત સમજવો. એ નાભિમાં શ્રી બ્રહ્માનંદ સ્વામીનું મન લોભાણું એમ કહ્યું છે. આ પ્રશ્ન સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને શ્રીજીમહારાજને સભામાં પૂછ્યો હતો. તેનો ઉત્તર શ્રીજીમહારાજે શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે કરાવ્યો હતો.

સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, શ્રી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે, "પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી" તે ત્રિલોકી કઈ રીતે સમજવી? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિપુરુષ સુધી તો બધું નાશવંત છે. તેને તો બ્રહ્માનંદ સ્વામીએ ગણ્યું જ નથી ને તેથી પર પહેલી મૂળપુરુષરૂપ ઈશ્વરકોટી, બીજી બ્રહ્મકોટી અને ત્રીજી અક્ષરકોટી એમ ત્રિલોકી કહી છે. તેથી શ્રીજીમહારાજની પાઘડી ન્યારી કહી છે. આ કાર્ય-ત્રિલોકી છે. મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના એકાંતિક ને તેથી પર પરમ એકાંતિક અને તેથી પર અનાદિ એ કારણ-ત્રિલોકી છે; તેથી મહારાજની પાઘડી ન્યારી છે એમ કહ્યું છે. 1/21/47

2. કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, "હું તો જાઈશ ગિરધર જોવા રે મા મુને વારીશમા" એમ કહ્યું છે તે 'મા' કઈ જાણવી?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને ભજતાં અતરાય કરનારી માયા છે તે 'મા' જાણવી. 1/21/48

3. અમીચંદભાઈએ પૂછ્યું જે, "બાપ પહેલા બેટા જન્મ્યા, પીછે મોટાભાઈ; ધામધુમસે પિતા જન્મ્યા, પીછે જન્મી માઈ" તે શું સમજવું?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નાનાભાઈ તે જ્ઞાન છે તે સંતને સમાગમે કરીને પ્રથમ જ્ઞાન આવે. પછી વૈરાગ્ય ઉદાય થાય તે મોટો ભાઈ જાણવો, પછી ભાગવત ધર્મ આવે તે પિતા જાણવા અને પછી શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિ આવે તે માતા જાણવી. 1/23/49

4. સરસપુરના પ્રાણશંકરભાઈ પૂછ્યું જે, "ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, કહો ગપ્પીજી, બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી" તે શું સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, ચીભડું તે માયા જાણવી અને બી તે જીવ જાણવો. જીવ જ્યારે માયાના બંધનથી છૂટે ત્યારે માયાથી મોટો થાય એમ સમજવું. 1/23/50

5. હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, "કીડીબાઈ ચાલ્યાં સાસરે, નવ મણ કાજળ સાઈ; હાથી લિયા ગોદમેં, ઊંટ લિયા લટકાઈ" એ સાખીનો અર્થ શો હશે?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કીડી તે જીવ જાણવો, સાસરું તે શ્રીજીમહારાજનું ધામ જાણવું, આંજણ તે નવ આવરણ જાણવાં, તે આવરણ ટળી જાય તે આંખમાં આંજી લીધાં; આગળ ચાલ્યો તે ઊંટને ઠેકાણે બ્રહ્મકોટી છે અને હાથીને ઠેકાણે અક્ષરકોટી છે, તેમને પોતાની સાથે શ્રીજીમહારાજ પાસે લઈ જાય એવો સમર્થ થાય છે. 1/23/49

6. સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે, "અંતે યા મતિ સા ગતિ" એ શ્રુતિનો શો અર્થ સમજવો?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તને સદા અંત અવસ્થા જેવું સમજવું. કેમ જે, દેહનો નિરધાર નથી. આ ક્ષણ આ ઘડીમાં જરૂર મરવું છે. જેમ ખળામાં દાણાનો ઢગલો પડ્યો હોય ને ચારેકોરથી વરસાદ ચઢીને ઘુઘવતો આવે તો દાણા ઢાંકવાની ઉતાવળ થાય તેમ અંત અવસ્થા સદા સમજાય ત્યારે પૂરું કરવાની આતુરતા થાય. સાધનિકને મોટાએ વચન આપ્યું હોય ને તેને કદાપિ માયાના ગુણ અંતરાય કરતા હોય તો પણ તેને કેફ રહે. જેમ બાપે દીકરાને કહ્યું હોય જે આ ઠેકાણે દ્રવ્ય દાટેલું છે તો તેનો કેફ છોકરાને રહે છે જે મારું દ્રવ્ય દાટેલું છે; તેમ જેને મોટા મુક્ત મળ્યા હોય તેને કેફ રહે જે મારું કામ કરશે જ, તો એને સર્વે કામ પૂરાં થઈ જ રહ્યાં છે. જેને મોટા મળ્યા નથી તેને કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિકનો ભાર ઘણો જ રહે, તેથી એનું અંતે અધૂરું રહે. માટે કલ્યાણકારી સંતને એટલે મુક્તને જાણવા; અને કામ, ક્રોધ આદિકના અંકૂર ઊઠવા દેવા નહિ. તેને ટાળવાનો આદર રાખવો તો મોટા સહાય કરીને ટાળી નાખે. 1/118/209