• બાપાશ્રીનો દિવ્ય પ્રભાવ - વિભાગ ૨
1. બહેચરભાઈના પિતાશ્રી શંકરભાઈ આગબોટમાં આવતા હતા ત્યારે તેમને બીક લાગે જે આ બહુ ડોલે છે તે ડૂબી જશે કે શું? એવો સંકલ્પ થયો ત્યાં તો તેમને બાપાશ્રી આંગડી પહેરેલી, માથે પાઘ ધારણ કરેલી, કેડ બાંધેલી અને હાથમાં લાકડી, એવા આગબોટમાં ફરતા દેખાયા ને બોલ્યા જે, ડોસા! બીશો નહિ. આગબોટ ડૂબવા નહિ દઈએ, અમે તમારા ભેળા છીએ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા તેથી તેમને બીક મટી ગઈ. અને શંકરભાઈ જ્યારે વૃષપુર પહોંચ્યા ત્યારે બાપાશ્રી તો મંદવાડ ગ્રહણ કરીને સૂતા હતા. 2/1/2
2. એક વખત ગામ સુખપરના કરસન ભક્ત જે ધમડકે રહેવા ગયેલા તે ધમડકેથી દર્શને આવ્યા હતા. તેમણે બાપાશ્રીને એક પાંચિયો ભેટ મૂકીને વાત કરી કે, આ પાંચિયો બે મહિના ઉપર આપ શ્રીજીમહારાજે સહિત ધમડકે ખીમા કુંભારના છોકરા વીરજીને સોનાનો રથ અને સુવર્ણમય ઘોડા જોડીને તેડવા આવ્યા હતા; તે વખતે એ છોકરો બોલ્યો જે, મહારાજ અને બાપા આ રથમાં બેઠા છે અને મને કહે છે કે ચાલ અમે તને અમારા ધામમાં લઈ જઈએ. અહીં તો ગધેડાં ચારવા પડશે, માટે ચાલ અક્ષરધામમાં, ત્યાં બહુ સુખ છે એમ કહે છે, માટે હું જઈશ. પછી એના બાપે કહ્યું જે, મહારાજ ને બાપા ક્યાં છે? ત્યારે છોકરે કહ્યું જે, આ ઊભા, દેખોને! પછી તેને પણ એ છોકરે જેવા કહ્યા એવા જ દર્શન થયાં. ત્યારે તેણે રથમાં એક પાંચિયો નાખ્યો તે રથમાં ન પડતાં પૃથ્વી ઉપર પડી ગયો, પછી તો મહારાજ ને આપ એ છોકરાને તેડી ગયા. પછી તેના બાપે કહ્યું જે આ પાંચિયો બાપાશ્રીને પહોંચાડવાનો છે. તેણે આ પાંચિયો રાખી મૂકેલો તે હું આપને દર્શને આવતો હતો એવી ખબર પડવાથી મને એ કુંભારે આપ્યો. તે હું આપની પાસે લાવ્યો છું એમ વાત કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ખીમા કુંભારને કહેજે કે તારા છોકરા વીરાને અમે મહારાજની મૂર્તિને સુખે સુખિયો કર્યો છે અને અનાદિમુક્તની પંક્તિમાં રાખ્યો છે. 2/24/65
3. બાપાશ્રી સંવત્ 1983માં કરાંચી પધાર્યા હતા તે વખતે એક જેઠીબાઈ નામની બાઈને વળગાડ હતો. તે બાઈ બાપાશ્રીને જોતાં જ ધૂણવા મંડી, તે રાડોરાડ થઈ જતાં બાઈઓએ મળી એ બાઈને ઝાલી. બાપાશ્રી કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો ને પૂછો કે તું કોણ છે? તે વખતે તેને બાઈઓએ પૂછતાં કોઈ બાઈનું નામ લીધું અને કહ્યું જે, મેં એનું દોઢ રોજ કામ કર્યું હતું તેના પૈસા નથી જડ્યા, તે પૈસા સારું હું આને વળગી છું. ત્યારે બાપાશ્રી કહે કે હવે તારે પૈસા જોઈએ છે? ત્યારે તે કહે ના, પૈસાની વાસનાથી તો મારા આવા હાલ થયા છે. તમે મોટા પુરુષ છો તે મારું સારું કરો, હું બહુ દુઃખી છું. તે વખતે બાપાશ્રીએ જળ મંગાવી તે બાઈને છાંટ્યું ને કહ્યું જે, જા, બદરિકાશ્રમમાં. એ વચન કહેતાં તરત જ તે બાઈ તેના શરીરમાંથી નીકળી ગઈ. પછી બાપાશ્રીએ ભેળો થઈ ગયેલ બાઈઓનો સમૂહ તેને કહ્યું કે સૌ ભગવાન ભજજો. મહારાજની આજ્ઞા ખરેખરી પાળજો. આ લોકનું તાન હોય તો આવા હાલ થાય છે. 2/70/220