• મુક્તોના ભેદ-લક્ષણ : તેમનો મહિમા-સમાગમ - વિભાગ ૪
51. મોટાની આગળ નિષ્કપટપણે ન વર્તે તો અંતરશત્રુ ઘા કરે જ. મોટાની પ્રસન્નતા વિના રાજ-અધિકારે કાંઈ નામ ન રહે. શુદ્ધ પાત્ર થવું ને પોતાના દોષ ટાળવા. જે નિષ્કપટપણે ગદગદ્ કંઠ થઈને મોટા મુક્તને પ્રાર્થના કરે તેના દોષમાત્ર ટળી જાય, માટે દોષને તો સભામાં ફજેત કરીને પણ કાઢવા જેવા છે. તે જો ઝાઝા માણસમાં ફજેત થઈને જાય તો ફરીથી આવે નહિ. પોતાની ભૂલ ને દોષ ઓળખાય તે કાંઈ ઓછી વાત નથી, એ પ્રતાપ સ્વામિનારાયણનો છે. માટે ભૂલ જણાવે તો તે દંડવત્ કરવા યોગ્ય થાય. એ તો ભૂલો પડેલો ઘેર આવ્યો કહેવાય. માટે મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી લેવા. મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે. 2/60/190
52. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટાની આગળ માફી માગીને દોષ ટાળવા જાય અને પછી પાછા કપટ રાખીને એ ને એ માર્ગે ચાલે તો કૃતઘ્ની કહેવાય. માટે એમ ન કરવું અને સાચા ભાવે મહિમા સમજીને માગવું. તે ઉપર વાત કરી જે સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ આદિ અમો ભૂજમાં હતા. ત્યાં એક હરિભક્તે આવીને પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત્ત માગ્યું, તે દેહે થાય તેવું નહિ ને દ્રવ્યની સત્તા પણ નહિ. પછી અમે કહ્યું જે આ લક્ષ્મીરામભાઈ વ્યાસ ગાદી જેવા કહેવાય. સ્વામી તમે પણ એવા જ છો અને હું તો આપનો દાસ છું તે થોડું ઘણું જાણું છું. માટે કૃપા કરો તો એનાં પંચ મહાપાપ હોય તે બળી જાય. શાસ્ત્ર તો પૂર્વે ઋષિ લખી ગયા છે, પણ તમે તો હજૂરી મુક્ત છો તે દયા કરો. પછી એના ઉપર કૃપા કરીને કહ્યું જે આજથી તમારા ગુના માફ છે. એમ મોટાની નજર તો એવી છે કે જીવને કોઈ પણ પ્રકારે ઉગારવો. 2/63/197
53. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે, મોટાની સ્થિતિ બહુ જબરી છે. આ લોકના ભાવ દેખાડે તે પણ અનંતના સમાસને અર્થે હોય, એમની સ્થિતિને સંભારે તો કામ-ક્રોધાદિક નડી શકે નહિ, કદાપિ નડતા હોય તો પણ મોટા મુક્ત તેની સહાય કરે. 2/63/199
54. મહારાજ તથા મોટા અનાદિનો મહિમા ખરેખરો સમજવો. એને ખરેખરું પોતાનું જીવન માનવું. તે વિના બળ આવે નહિ. માછલું છે તો અલ્પ ગજાવાળું પણ તેને પાણી સાથે એટલું જીવનપણું છે કે એક ઘડી પણ વિયોગ થાય તો તરત જ તરફડીને મરી જાય. માટે મહિમા સમજવો તો એવો સમજવો કે વિયોગ થાય એટલે જીવનપણું મટી જાય અને મહિમા સમજે તો ગમે તેવા અલ્પ જીવ હોય પણ માછલાંની પેઠે બળ આવે છે. 2/65/203
55. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા અનાદિમુક્ત મળ્યા છે તે ધક્કે મારીને ધામમાં લઈ જાય તેવા છે તે શું? તો માયાનાં આવરણ બધાં તોડીને, સામ્યાવસ્થા ભેદાવીને અક્ષરધામમાં પહોંચાડે. જીવને મોટા મળ્યા એટલે સોંઘા થઈ ગયા એમ જાણવું. પરોક્ષ હોત તો મોંઘા હોત. આ લોક પરલોકનાં દૃષ્ટાંત-સિદ્ધાંત, અવતાર-અવતારીનાં દૃષ્ટાંત-સિદ્ધાંત એ બધી વાત કરે અને તે વિશેષ પ્રમાણ કરે એ લાંબા ફેરનો રસ્તો છે. શ્રીજીમહારાજ તથા મોટાએ તો પરબાર્યો રસ્તો કર્યો છે. એ ખરી વાત જીવમાં પેસે તો ગાંડા થઈ જવાય પણ ગાંડા થવાતું નથી. એટલી નિશ્ચયમાં કસર છે તથા શ્રદ્ધામાં કસર છે. 2/66/205, 206
56. મોટા મુક્ત ભેળા બેસીને વાત કરે છે ને સુખ આપે છે, તે જીવમાં કસ આપે છે ને તેજ, સામર્થી અને સુખ આપે છે પણ સમાગમ વિના એવું સમજાતું નથી. મહારાજ અને મોટા મુક્તની વાતો તેનો બીજા કોઈથી પાર પામી શકાય એવું નથી. બીજાના જોગથી તો બીજાના ગુણ ગરી આવે. આ બધું સુખ ચૈતન્યમાં લેવું. ખરેખરો પાત્ર થઈ જાય તો સળંગ સુખની ધારાઓ છૂટે છે. જ્યાં મહારાજ અને મોટા વિચર્યા ત્યાં ઝાડ, પહાડ, વસ્ત્ર, વાહન આદિ સર્વે ચૈતન્યમય જણાય છે, તેમ મોટા મુક્તને વિષે પણ એવું નિર્ગુણપણું થવું જોઈએ. જ્યાં લગી કલેવરના ભાવ હોય ત્યાં લગી સુખ નથી. માટે એ ભાવ ટાળવો. મહારાજના સુખમાં દૃષ્ટિ ન પહોંચી હોય તો ક્યાંય ને ક્યાંય ભમે, પણ મોટા અનાદિને વિષે વિશ્વાસ હોય તો કૃપા કરી પૂરું કરી આપે. તો પણ આજ્ઞા, નિયમ, ધર્મ પાળવા અને સર્વેને દિવ્ય જાણવા. 2/66,67/206,207
57. મહારાજને અને મોટાને કલેવર જ નથી. એ તો સદાય દિવ્ય મૂર્તિ જ છે. એવા મોટાને જોગે શ્રીજીમહારાજની મૂર્તિમાં ત્રણે અવસ્થામાં જોડાઈ જાય તે નિષ્કામભાવ અને સાધને કરી ઇન્દ્રિયો સંકોચાઈ જાય તથા સમાધિ થાય તે સકામભાવ ગણાય. 2/67/209
58. બાપાશ્રીએ કૃપા કરીને સભામાં વાત કરી જે ખબડદાર થઈને મહારાજની આજ્ઞા પાળજો. અંતઃકરણરૂપી માયા કાંઈ વિઘ્ન કરવા આવે તો મહારાજ તથા મોટાને હથિયારબંધ જોડે રાખવા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ પ્રાર્થના કરવી. મોટા અનાદિમુક્ત છે તે તો બારિસ્ટર જેવા છે. જેમ અહીંના બારિસ્ટર છે તે એક શબ્દ સૂઝે તેવો આંટીવાળો હોય તેને તોડીને આ લોકમાં જેમ સુખ થાય તેમ કરી આપે છે તેમ જે અક્ષરધામના બારિસ્ટર છે તે એક શબ્દે માયા રૂપી આંટી તોડીને અક્ષર પર અનાદિની સ્થિતિ કરાવી આપે છે. અહીંના બારિસ્ટર જેમ એક શબ્દના રૂપિયા પાંચસો અથવા હજાર લે છે, તેમ આવા મહામુક્ત જે મૂર્તિનું સુખ પમાડે છે તેને શું આપીએ? માટે મોટાને તો સેવાએ જ પ્રસન્ન કરવા ને એવા મોટા સાથે મન, કર્મ, વચને જીવ બાંધી દેવો તો અક્ષરધામનું તથા પુરુષોત્તમનું સુખ જીવને પ્રાપ્ત થાય. 2/67/209,210
59. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે આ લોકમાં મહારાજને રાજી કરવામાં આવરણ ઘણાં છે. નાતજાતનાં, કુટુંબનાં, સગાંસંબંધીનાં. એ આવરણને તો જીવ બળિયો થાય તો ન ગણે, પણ પૃથ્વીનાં, જળનાં, તેજનાં, વાયુ અને આકાશ આદિકનાં આવરણ ભેદવાં બહુ કઠણ છે. ત્યારે ઠાકરસીભાઈએ પૂછ્યું જે, બાપા! એ આવરણ કેમ ભેદાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને તેમના મોટા મુક્ત જેને પ્રત્યક્ષ મળ્યા તેને એ આવરણ તથા બીજાં અક્ષરકોટી સુધીનાં તમામ આવરણ ભેદાઈ ગયાં એમ જાણવું. આવી વાત પોતાના બુદ્ધિબળે સમજવી બહુ કઠણ છે પણ મહારાજ તથા મોટા મુક્ત મળે તેને કાંઈ કઠણ નથી. તે પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોય કે પ્રતિમારૂપે દર્શન દેતા હોય અને આપણને કોઈ વાતની મૂંઝવણ થઈ હોય ને તેમને સંભારીએ તો તરત દર્શન દઈ મૂંઝવણ ટાળી નાખે અથવા મનમાં કોઈ શંકા ઉત્પન્ન થઈ હોય તે વખતે તેમને હેતે સહિત સંભારીએ તો તે શંકા પણ ટાળી નાખે, ત્યારે એમ જાણવું જે મહારાજ તથા મોટાએ મારી એ શંકા ટાળી; એમ સદાય તે તો પોતાના આશ્રિતની રક્ષામાં જ છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે, જેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહિ, પણ કદાચ કાંઈ કહ્યું ને આપણે જાણીએ કે મારે વિષે તો આવું કાંઈ નથી, તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું, પણ તેમાં તર્ક કરવો નહિ ને મૂંઝાવું પણ નહિ. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. "નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ". એમ એ તો સદાય દિવ્ય મૂર્તિ છે અને શ્રીજીમહારાજના સંબંધને પામ્યાં જે વસ્ત્ર, વાહન, પરિચર્યાના કરનારા સેવક, ખાનપાન સર્વે દિવ્ય છે એમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે. તેથી એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવવો નહિ. 2/68/211
60. માસ્તર મોહનલાલે પૂછ્યું જે, બાપા! પરમાર્થ તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવને અવળે રસ્તેથી પાછો વાળીને શ્રીજીમહારાજને વિષે અને મોટા મુક્તને વિષે જોડવો તે તથા તેમનો સ્પર્શ, યોગ, સમાગમ કરાવવો એ ખરો પરમાર્થ કર્યો કહેવાય. 2/68/212
61. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા મુક્તની વાત સાંભળીને તેનું મનન કરવું અને તેનો નિદિધ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય. સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો સાંભળીને હું અને કુંવરજી પટેલ રાત બધી મનન કરતા. શું તેમની વાતોની ઢબ! સભામાંથી કોઈ સંત-હરિભક્ત વાતો થતી હોય ત્યાં સુધી ઊઠી શકે જ નહિ. શ્રીજીમહારાજે સ. ગુ. ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું જે તમે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી આ દેહમાં રાખીશ. એ આજ્ઞા આ સ્વામીશ્રીએ માથે ચડાવી હોય ને શું! તેમ શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું, અવતાર-અવતારીના ભેદની વાત સમજાવવાની તથા મહાસમર્થ મુક્તોનાં ઐશ્વર્ય પ્રતાપની, દિવ્યભાવની, જેને જેને એ સર્વોપરી મૂર્તિનો સંબંધ થયો તેના અહોભાગ્યની વગેરે ઘણી વાતો કરતા. સ્વામીની ત્યાગ-વૈરાગ્યની છટા પણ સર્વોત્તમ હતી કે જેથી ભેળા રહેનારા કોઈ પણ સંત તેમની મરજી લોપી શકતા નહિ, તેમ જ આજ્ઞા પાળવા-પળાવવામાં એવું જ તાન કે કોઈ પણ સંત રંચ માત્ર આજ્ઞા લોપી શકે નહિ. સભામાં કોઈ વેદ, વેદાંત આદિક શાસ્ત્ર જાણનાર વિદ્વાન આવતા તે પણ સ્વામીની વાતોની છટા તેમ જ પ્રમાણભૂત વચનો સાંભળી દબાઈ જતા, એવો તેમની વાતોનો પ્રભાવ હતો. મહારાજને સર્વોપરી કહેવામાં સ્વામીને સત્સંગમાં કેટલીક ઉપાધિ થયેલી પણ એ ગણતા જ નહિ, ને એમ જાણતા જે બિચારા સમજતા નથી તેથી એમ બોલે છે. જ્યારે એ બોલનારા તેમ જ ઉપાધિ કરનારા મહારાજને સર્વોપરી સમજશે ત્યારે તેમને આ વાતનો ધોખો નહિ થાય એમ કહેતા. એક વખત મહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ સભામાં કહ્યું હતું કે હું આ સ્વામીની વાતો સાંભળું છું ત્યારે મોટા સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોનો જેમ સભામાં દાબ પડતો તેમ આ સ્વામીશ્રીનો પણ એવો જ ભાર પડે છે. તેમણે વાતો ઘણી કરી છે પણ તે વખતે કોઈએ લખી નહિ. મહારાજનાં લીલાચરિત્ર ને પરચાની કેટલીક વાતો લખી, પણ જો સ્વામી જેવી વાતો કરતા તેવી લખી હોત તો સત્સંગમાં મહારાજને સર્વોપરી સમજાવવાનું એક સર્વોત્તમ ચમત્કારી પુસ્તક થાત. અમે તો એમની વાતો સાંભળી છે. શું એમની વાતો કરવાની છટા! સ્વામી ગામડામાં ફરવા નીકળે ત્યારે વીશ-પચીશ ને ક્યારેક તેથી પણ અધિક સંતો ભેળા હોય ને કથા-વાર્તાનો અખાડો સદાય ચાલુ જ હોય. સવારે ચાર વાગે નાહી, પૂજાઓ કરી લે ત્યારે એક વખત ભંડારમાં હરે થાય એટલી પ્રવૃત્તિ જણાય. પછી તો રાત્રીના બાર વાગ્યા સુધી કથા-વાર્તા થયા જ કરે. તેમાં મુખ્યપણે સ્વામી જ વારંવાર વાતો કરતા, સર્વોપરી ગ્રંથ વંચાવતા. કોઈ સંત તેમ જ હરિભક્ત ગ્રામ્ય વાત તો કરી જ ન શકે એવો તેમનો દાબ. અમને બહુ હેત જણાવી મળતા ને અમે પણ એ સ્વામીનો બહુ મહિમા જાણતા વાહ રે વાહ સ્વામી નિર્ગુણદાસજી વાહ! 2/71/222
62. નારાયણપુરવાળા ધનજીભાઈએ કહ્યું કે બાપા! અમે જેટલું પાત્ર થયા હોઈએ તેટલું તો અમને આપો. ત્યારે બાપાશ્રી કહે કે પુરુષોત્તમ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિ મહામુક્ત એવા ચાળા-ચૂંથણા કરતા નથી. એમ કહીને બોલ્યા જે, મોટા પાસે બહુ આગ્રહ કરીને ઐશ્વર્ય લે છે તે માગીને ઘરેણું પહેર્યા જેવું છે. તે જ્યારે તેનો ધણી ઘરેણું ઉતારી લે ત્યારે તે પહેરનાર લૂખો થઈ જાય. માટે જ્યારે ખપ પડે તે ટાણે આપે તે ઠીક છે. 2/71/224
63. ભગવાન ને ભગવાનના મોટા મુક્તને અંતર્યામી જાણવા જોઈએ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણે અને મોટા અનાદિને અંતર્યામી ન જાણે તો તે અડધો નાસ્તિક કહેવાય, કેમ જે મહારાજ અને મોટા મુક્ત સદા સાથે જ છે, ક્યારેય પણ જુદા નથી એમ સમજવું. 2/71/225
64. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મોટા અનાદિમુક્ત છે તે તો અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ છે. તે અનંત જીવના આત્યંતિક મોક્ષને અર્થે દયા કરી પૃથ્વી ઉપર મહારાજના સંકલ્પે દેખાય છે. ત્યારે જે જે જીવ દૃષ્ટિએ ચડે તેને ન્યાલ કરે છે. શ્રીજીમહારાજ કહે છે કે એવા અનાદિના જોગથી હું તરત પ્રાપ્ત થાઉં છું. એવા મુક્ત છે તે તો બ્રહ્મની જ મૂર્તિ છે. તેને હરિરૂપ કહીએ, પુરુષોત્તમરૂપ કહીએ અને મૂર્તિના મહારસના પાન કરનારા કહીએ. એની સર્વે ક્રિયા અલૌકિક છે, નિર્ગુણ છે, દિવ્ય છે. આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી દૃષ્ટાંત દેતા જે મોટા મુક્ત પુરુષોત્તમનું સુખ લઈ સત્સંગમાં કેવી રીતે પ્રવર્તાવે છે. તો જેમ વરાળના દીવાનું કારખાનું હોય છે તે એન્જિનમાંથી અગ્નિ વરાળરૂપે થઈને જ્યાં દીવા થવાનાં સ્થાન હોય ત્યાં જાય છે અને દીવારૂપે થઈને સર્વેને પ્રકાશ કરે છે. તે વરાળને અને એન્જિનને સંબંધ હોય છે તે જરાક સંબંધ તૂટે તો તરત દીવો ઓલવાઈ જાય છે. તેમ એન્જિનને ઠેકાણે તો ભગવાન અને મહામુક્ત છે. તે મનુષ્યરૂપે દેખાઈને દિવ્યરૂપ જે પુરુષોત્તમનું સ્વરૂપ, જ્ઞાન અને સુખ તે પ્રગટ કરીને જીવના અજ્ઞાનરૂપી અંધકારને ટાળી, જ્ઞાનરૂપી પ્રકાશ કરીને મહાસુખિયા કરી મૂકે છે. તે મહામુક્તને શ્રીજીમહારાજનો સંબંધ સદાય છે અને તે મહામુક્ત તો પુરુષોત્તમની મરજીરૂપ સદાય વર્તે છે અને મૂર્તિના સુખમાં લુબ્ધ રહે છે. જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સ્નેહે કરીને લીન થઈ રહે છે તેમ તે મુક્ત પણ સ્નેહના અધિકપણે કરીને લીન રહે છે. એ મોટા મુક્ત કેવા છે, તો આ લોક-પરલોકને વિષે જીવને સુખિયા કરી મૂકે એવા છે અને સદાય જીવનાં હિત કરવાને અર્થે જ પ્રવર્તેલા છે. એવા મોટા મુક્ત પોતાની જરા પણ મોટપ કે સામર્થી કહેતા નથી, કેમ કે તેમને પોતાપણું છે જ નહિ. તે તો જેટલી જેટલી સામર્થી, સુખ, મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની જ કહે છે. એવા મોટા મનુષ્ય જેવા ભાસે છે પણ તે તો અલૌકિક દિવ્ય મૂર્તિ જ છે. તે જન્મ્યા નથી, મનુષ્યરૂપે થયા નથી પણ તે તો સદાય પુરુષોત્તમની મૂર્તિમાં જ છે અને સુખને વિષે નિમગ્ન છે અને આ લોકમાં મહારાજની ઇચ્છાએ કરીને મનુષ્ય જેવા દેખાય છે. 2/73/227,228
65. બાપાશ્રીએ વાત કરી જે અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો અને હેતે કરીને તેમની સેવા કરવી, પ્રસન્ન કરવા જેથી શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તત્કાળ મળે. એમને વિષે ક્યારેય મનુષ્યભાવ ન લાવવો. એમની સર્વે ક્રિયા દિવ્ય સમજવી. એ તો જાણતા થકા અજાણતાપણું દેખાડે ને દેહના ભાવ દેખાડે તથા હર્ષ-શોક દેખાડે એ સર્વે રીત અલૌકિક છે એમ જાણવું. જો મહિમાની કસર હોય તો કોઈ વખત મૂંઝાઈ જવાય. એ તો એક જ સ્થિતિમાં વર્તતા હોય પણ મનુષ્યપણાના ભાવ જણાવે તેથી જો મહિમાની કચાશ હોય તો સંકલ્પ થઈ જાય જે કેમ હશે! પણ મોટા મુક્તને તો દેહના કે અવસ્થાના ભાવ છે જ નહિ. તે તો અખંડ મૂર્તિમાં રહ્યા છે ને અનંત જીવને મહારાજના સુખમાં લઈ જવા દયા કરીને દેખાય છે. 2/74/229
66. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મોટા મુક્તનો જોગ કરીને પોતાના દોષ ઓળખીને કાઢવા તથા તેમને પોતાના દોષ નિષ્કપટપણે કહેવા તો તે ટાળી નાખે. તેમની આગળ કોઈ પણ જાતનું કપટ રાખવું નહિ. એમ કહીને બોલ્યા જે, આપણે કોઈને સુખ કરીએ તો તે આપણને સુખ થાય છે અને દુઃખ દઈએ તો આપણને જ દુઃખ થાય છે. કેની પેઠે તો જેમ દર્પણમાં દેખાતું જે રૂપ, તેના કપાળમાં કંકુનો ચાંદલો કરીએ તો તેવો ચાંદલો પોતાને જ કપાળે થાય છે. અને જો મેશનો ચાંદલો કરે તો સામો પોતાને કપાળે મેશનો ચાંદલો થાય છે. તેમ કેટલાક કહે છે કે મારા ઉપર રાજી થાઓ, મારા માથા ઉપર હાથ મૂકો. એમ મોટા મુક્તને કાંઈ કહેવું પડે છે? એ તો તેને વિષે ભગવાનને રાજી કરવાના રૂડા સ્વભાવ અને ગુણ જોઈને વગર કહે જ રાજી થઈ જાય છે અને માથે હાથ મૂકીને સુખિયા કરે છે. તે ઉપર વાત કરી જે સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામી પાસે કોઈક દેહે કરીને પુષ્ટ એવો હરિભક્ત આવ્યો તે સ્વામીને પગે લાગીને ઉતાવળો ઉતાવળો કહે કે સ્વામી! તમે મારા ઉપર રાજી થાઓ અને મારે માથે હાથ મૂકો, એમ કહીને સ્વામીના બે હાથ ઝાલીને પરાણે ખેંચીને પોતાના માથે મૂક્યા. સ્વામીનું શરીર તો દુબળું સરખું તે શું કરે? પછી સ્વામી કહે, ભાઈ! એમ પરાણે હાથ મુકાવવાથી શું થાય? એમ તો તું દેહે જબરો છું તે ઠામુકો મને ઉપાડીને માથે મૂકવા ધારે તો મૂકી શકે પણ તેણે કરીને કાંઈ રાજીપો થાય છે? માટે ભગવાનને રાજી કરવા હોય તેને તો રૂડા સ્વભાવ ને રૂડા ગુણ અવશ્ય રાખવા. 2/74/231
67. કરાંચી મંદિરમાં સભામાં હરિભક્તોએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે બાપા! અમને આ દિવ્ય સભાની સ્મૃતિ રહેવા માટે ફોટોગ્રાફ લેવાની ઇચ્છા છે. ત્યારે બાપાશ્રી કહે આમ ને આમ સભા અખંડ સંભારે એટલે ફોટોગ્રાફ લેવાઈ ગયો. આ સભા દિવ્ય તેજોમય છે, અક્ષરધામની છે, અનાદિમુક્તની છે, મહારાજ વચ્ચે બિરાજે છે, તેવી સ્મૃતિ અખંડ રાખવી એમ મોટા મોટા સંતો કહે છે. ફોટોગ્રાફ તો હમણાં નીકળ્યા છે. પ્રથમ મોટા મોટા સદગુરુઓ, મહામુક્તો, નિરાવરણ દૃષ્ટિવાળા હતા તથા સમાધિવાન હતા તે તો લીંબડાના વૃક્ષ નીચે સંત-હરિભક્તની સભાએ સહિત મહારાજને નિરંતર દેખતા. એવું કરવું તો ફોટોગ્રાફ લેવા ન પડે. પછી સંત-હરિભક્તોની ગોઠવણ થઈ તેમાં બાપાશ્રીને સૌની વચ્ચે બેસાર્યા. પછી ફોટોગ્રાફવાળો કહે એક મિનિટ સરખા સૌ બેસી રહેજો. એમ કહેતાં તરત ફોટો પાડી લીધો. ત્યારે બાપાશ્રી પ્રસન્ન થયા ને કહે જે આટલી જ વાર! એમ કહીને બોલ્યા જે જેમ આ ફોટો પાડતાં વાર નથી લાગતી તેમ મહારાજની મૂર્તિ ચૈતન્યમાં પધરાવતાં વાર ન લાગે. આમાં સરખું બેસવું ખપે છે, તેમ મહારાજ ને મોટા અનાદિના ઠરાવે ઠરાવ થાય તો તુરત સુખમાં મૂકી દે. 2/77/238
68. બાપાશ્રીએ દયા કરીને વાત કરી જે, જ્યારે મહારાજ અને મોટા મુક્ત મનુષ્યરૂપે દેખાતા હોય ત્યારે તેમનામાં મનુષ્ય જેવા બધા સ્વભાવ જણાય. તેમાં પણ ક્યારેક અજ્ઞાનીપણું જણાવે, ક્યારેક કાયરપણું જણાવે, ક્યારેક પરતંત્રપણું જણાવે, ક્યારેક રોગીપણું જણાવે તેથી વિમુખને મોહ થાય છે ને હરિભક્ત તો ચરિત્ર જાણીને આનંદ પામે છે. 2/78/241
69. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, કેટલાક મોટા મુક્તની પાસે હોય ત્યાં સુધી ઠીક રહે પણ ઘેર જાય એટલે એવા ને એવા થઈ જાય. તે જો મહારાજને અને મોટાને અંતર્યામી જાણે ને મહારાજની અને મોટાની બીક રાખે તો સારું રહે. મોટા મુક્તના શબ્દ સર્વે નિશાન ઉપર જ હોય. નિશાન તે શું? તો શ્રીજીમહારાજની મૂર્તિ. તે મૂર્તિ વિના એકે શબ્દ એમના હોય નહિ. મહારાજ તથા મોટાને વિષે ભૂંટો ઘાટ થાય, અગર સ્ત્રી આદિકના ભૂંડા ઘાટ થાય તે વખતે મહારાજને અને મોટાને પ્રાર્થના કરવી તો આપણું ભક્તિરૂપ ધન જે જે રળીએ તે પૂરેપૂરું ખજીને પડતું જાય અને આ કહ્યું તેમ ન થાય તો પૂરેપૂરું ખજીને ન પડે, માટે મહારાજને તથા મોટાને નિરંતર સંભારવા, તેમનો જોગ સદાય રાખવો. તે તો જેમ વાછરડું તેની માને સામું ધાવે ને જેવું બળિયું થાય અને વૃદ્ધિને પામે તેવું છે, એમ જાણવું. મોટા મુક્ત તો જીવને સંકલ્પમાત્રે સુખિયો કરી મૂકે છે પણ તેની જીવને ખબર પડતી નથી. જેમ આ લોકમાં કોઈ મોટા વાંકમાં આવ્યો હોય ત્યારે તેને ફાંસીનો હુકમ થાય છે તે વખતે તેનાં સગાં રાજા પાસે જઈને શોર-બકોર કરે અને બોલ બોલ કરે તો તેની વાત કોઈ ધ્યાનમાં લે નહિ અને એ ગુનાથી છૂટે પણ નહિ. તે વખતે જો મોટા બારિસ્ટર એક જ સવાલ કરે તો તે સવાલને ધ્યાનમાં લઈને રાજાને તેને છોડી મેલવો પડે. તેમ મોટા મુક્ત છે તે જીવને સંકલ્પમાત્રમાં છોડાવે છે પણ મોટાને શરણે થયા વિના બીજાં ગમે તેટલાં સાધન કરે, બીજાની સહાયતા મેળવે પણ તે જીવ માયાના પાશલાથી છૂટે નહિ. 2/78/242
70. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજ તથા તેમના અનાદિમુક્તને વિષે દિવ્યપણું સમજવું અને દિવ્યપણામાં મનુષ્યપણું જાણવું, તે શું? તો તેમના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થાવું, પણ મોટાને દુઃખ થતું હોય તો જાણે એમને શું ફિકર છે! એવું નિર્દયપણું ન રાખવું ને મોટા મુક્તના દુઃખમાં ભાગ રાખવો. પછી એમ કહ્યું જે મોટા અનાદિના જે શબ્દ છે તે ઇન્દ્રિયો-અંતઃકરણ ઝીલી શક્તાં નથી. એ શબ્દને તો જીવ ઝીલવા સમર્થ છે. માટે જે જે શબ્દ મોટા અનાદિ થકી નીકળે તેને શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી જીવમાં ઉતારી દેવા તો જેમ કીટ મટીને ભમરી થઈ જાય છે તેમ તત્કાળ મોટાના જેવું થઈ જવાય છે. પણ જો ગાફલાઈ હોય તો શબ્દ જતા રહે. 2/79/244
71. મહારાજ અને મોટા મુક્ત કહેતા હોય તે તો બરાબર હોય, સત્ય હોય; પણ જીવ જાણી શકે નહિ, કેમ કે મહારાજ અને મોટાની અલૌકિક દૃષ્ટિ અને જીવની માયિક દૃષ્ટિ. તેથી તેને તે વાતમાં ગમ પડે નહિ ને મોટાની વાતમાં ચાંચ ખૂંચે નહિ. જો તે એમ જાણે જે મોટા અનાદિ અને મહારાજ તો કેવળ જીવના રૂડા માટે જ પધાર્યા છે, તેથી જીવનું બગડે નહિ એવું જ તે કહે. વળી તેમને જીવ થકી કાંઈ બીજો સ્વાર્થ સાધવો નથી ને જીવ ઉપર તેમને કાંઈ વેર નથી, જે અવળે રસ્તે ચડાવે. એવી સમજણ ન આવે ત્યાં સુધી દુઃખિયો મટે નહિ. મહારાજ ને મોટા મુક્ત તો કેવળ જીવોનાં કલ્યાણ માટે પ્રવર્તેલા છે એમ સર્વે વાતમાં સમજે તો તેને કોઈ વચન માનવું કઠણ ન પડે પણ પોતાના જેવા જ મોટા મુક્તને સમજીને અજ્ઞાન દૃષ્ટિએ સોતો એમનો જોગ કરે, તો તેને જે વાત સમજવાની છે, તેની ઘેડ્ય ક્યાંથી બેસે! ન જ બેસે. માટે અનાદિને અને મહારાજને દિવ્ય જાણીને પોતાના અજ્ઞાનપણાને મૂકીને દર્શન, સ્પર્શ, જોગ, સમાગમ કરે તો તે ઠીક ગણાય. મોટા અનાદિ ને મહારાજ તે તો કૃપાસાધ્ય છે. તેમની દયા તો અપાર છે ને કરુણાના સાગર છે. 2/79/245
72. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજનો અને મોટા મુક્તનો પ્રતાપ બહુ જબરો છે. એમની દૃષ્ટિએ જે જે પશુ, પક્ષી, ઝાડ, પહાડ વગેરે પડે છે તે તે સર્વેનું બીજબળ થાય છે અને સર્વે સંસ્કારી થાય છે. વળી જેણે જેણે મોટા મુક્તનો જાણે-અજાણે સ્પર્શ કર્યો, અગર જે જે મોટાના ઉપયોગમાં આવ્યા ને તે સર્વે અહોભાગ્યવાળા છે અને તેમનું કલ્યાણ થાય છે. જ્યાં જ્યાં મોટા મુક્ત વિચરે છે તે તે સર્વે સ્થાન પ્રસાદીનાં તીર્થરૂપ થાય છે અને દિવ્ય થાય છે. મોટા મુક્તના જોગમાં જડ-ચૈતન્ય જે કોઈ આવે છે તે નિર્ગુણ થઈ જાય છે. તે સર્વેને પવિત્ર કરે છે એટલે કે મોક્ષના અધિકારી કરે છે એવો મોટા મુક્તના સંબંધનો પ્રતાપ છે, કેમ કે એ મહારાજની મૂર્તિ વિના ક્યારેય એકલા રહેતા નથી. એવા મોટા મુક્ત માયાને ટાળવાનો કવાજ શિખવાડે એટલે માયા એની મેળે જ છેટી રહે છે. મોટા અનાદિ તો જીવને પુરુષોત્તમ ભગવાન સન્મુખ કરે છે તેથી માયા વાંસે ગોથાં ખાતી રહે પણ તેનું કાંઈ ચાલતું નથી. માટે મોટા મુક્ત સાથે અતિશે હેત કરવું. તે હેત રૂપે કરીને, સ્વાર્થે કરીને, ભયે કરીને અને ગુણે કરીને થાય છે. તેમાં ગુણે કરીને જે હેત થાય છે તે સર્વેથી ઉત્તમ છે. માટે સ્નેહ કરવો તે બીજા સર્વને મૂકીને ગુણે કરીને જ કરવો. આવા મોટા અનાદિને વિષે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે, એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તેમના દર્શનને તો મોટા મોટા અવતારાદિક ઇચ્છે છે. તે ઉપર દૃષ્ટિ રહે તો એ વાત સમજ્યામાં આવે. કેટલાક પરની ને અવરની વાતો તથા નવાં નવાં ઐશ્વર્ય તેને જાણવા ઇચ્છે પણ તેમાં કાંઈ માલ નથી. એ તો જેમ દ્રવ્ય સાચવે એવો દીકરો થાય પછી તેનો બાપ તેને સામટી ભંડારની કૂંચી સોંપી દે છે, એ રીતે જ્યારે અવસર આવે ત્યારે મહારાજ અને મોટા મુક્ત તેમ કરી દે, પછી તે સમે તેને કોઈની કશી બીક નહિ. 2/80/247
73. મોટા અનાદિમુક્તને રાજી કરે તો ઠેઠ પહોંચી જાય. એક ગામમાં ગોપાળાનંદ સ્વામી ગયા ત્યાં ગામમાં કોઈ માણસને મંદિર ક્યાં છે એમ પૂછ્યું. તે માણસ ઓટલે બેઠો દાતણ કરતો હતો તે ત્યાં બેઠે બેઠે દાતણની સાને કરીને મંદિર બતાવ્યું કે આમ ને આમ ચાલ્યા જાઓ. સામે મંદિર છે એટલું કહેલ અને એટલું કરેલ તે પુણ્યે દેહ મુકાવી મહારાજે સત્સંગમાં જન્મ આપ્યો. વર્તમાન ધરાવ્યાં પછી તો તે મોટી ઉંમરે સાધુ થયો. તેને દેહ મૂકવા ટાણે ગોપાળાનંદ સ્વામીએ અદભુત પ્રતાપ જણાવ્યો. તે શું? તો આમ જુએ ત્યાં લાખોરૂપે ગોપાળાનંદ સ્વામી દેખ્યા. તે ટાણે કહેવા લાગ્યો જે અહો! આ લાખો સંત ક્યાંથી આવ્યા! એમ સ્વામીશ્રીએ અલૌકિક પ્રતાપ બતાવી દેહ મુકાવી દીધો. 2/82/255
74. મિસ્ત્રી નાજુભાઈએ કહ્યું જે, અમે તો ભગવાન અર્થે કાંઈ કરી શકતા નથી તેથી આપ કૃપાદૃષ્ટિ રાખજો. ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, કૃપાસાધ્યમાં મહારાજ અને મોટા રાજી થાય એવી ક્રિયા કરતાં આવડવું જોઈએ, પણ મનધાર્યું કરવાનું થતું જાય તો મેળ રહે નહિ. રાજી કરતાં તો ક્યાંય નીકળી જવાય. રાજી કરવા માટે તો દેહ પણ પાડી નાખે. જો મહિમા સમજાય તો. શ્રીજીમહારાજ અને મોટા અનાદિ વર્તમાનકાળે સાવ સોંઘા છે, પણ જીવને સમજણ નહિ તેથી લહાવ ન લઈ શકે. 2/83/259
75. મહારાજની તથા મોટાની અનુવૃત્તિમાં રહે અને મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તો આ દેહે જ જાણે અક્ષરધામમાં બેઠો છે અને તે જ છેલ્લો જન્મ છે ને તેનો જ આત્યંતિક મોક્ષ થયો જાણવો. છ મહિના સુધી સત્સંગ અહોરાત્રિ કરીએ તેટલું કામ, જો મોટા મુક્તનો વિશ્વાસ હોય તો એક દિવસમાં મોટા પૂરું કરી આપે. 2/84/265
76. કથા, વાર્તા, ધ્યાન, ભજનનો ખટકો રાખનારા ઉપર મહારાજનો રાજીપો ઘણો થાય છે ને મોટા મુક્તની પ્રસન્નતા પણ બહુ થાય છે. મહારાજનો તથા મોટા મુક્તનો રાજીપો થયો તેનાં સર્વે સાધન પૂરાં થયાં. એમની પ્રસન્નતા થઈ એટલે એ છતે દેહે મૂર્તિના સુખમાં પહોંચી ગયો. મહારાજ કહે છે કે અમારા મોટા મુક્તના શબ્દ સાંભળશે, સેવા કરશે, તેમને રાજી કરશે તેનું પણ કલ્યાણ થશે. 2/85/266,267
77. બાપાશ્રીએ વાત કરી જે, મોટા સંત દેશાવરમાં ફરે છે તે અરસપરસ સમાગમ માટે છે. એવા મોટા સંત હરિભક્તને સુખિયા કરે છે, તેથી હરિભક્તને સંતનો ગુણ આવે છે અને ઉત્તમ હરિભક્ત જોઈને સાધુ પણ તેના ગુણ લે છે, તેથી અરસપરસ બહુ મોટા લાભને પામે છે. મહારાજ ને મોટાનો પણ એ જ સિદ્ધાંત છે. 2/86/268
78. બાપાશ્રી સભામાં બોલ્યા જે, આપણને મૂર્તિ અને મૂક્તના મંડળ- એવું દિવ્ય સુખ મળ્યું છે. માટે દેહ છતે ભેગા અને દિવ્યભાવમાં પણ ભેગા જ છે. જરાય જુદાપણું નથી. અંત વખતે મહારાજ તથા મોટા લાખો પ્રદક્ષિણાઓ કરાવી, લાખો દંડવત્ કરાવીને મૂર્તિના સુખમાં લઈ જશે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, દંડવત્-પ્રદક્ષિણાઓ શી રીતે કરાવશે? ત્યારે બાપાશ્રી કહે કે તેવું જ્ઞાન આપીને સંકલ્પે કરીને કરાવી દેશે અને મૂર્તિમાં રસબસ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દેશે, માટે વિશ્વાસ દૃઢ રાખવો. મોટાનો જોગ-સમાગમ કરવાથી મોટા મુક્ત જીવને પોતાના જેવા કરે છે. તે કેવી રીતે? તો મોટાની સાથે નિર્મળ મને જોડાવાથી મોટા અનાદિ આ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, એ સર્વમાંથી મુકાવીને બ્રહ્મરૂપ કરી દે એટલે છતે દેહે જ બ્રહ્મરૂપ થયો. 2/88/275
79. સાંવલદાસભાઈએ પૂછ્યું જે, આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે જે, સંત પ્રથમ મળે તો સંતથી મહિમા સમજાય અને ભગવાન મળે તો ભગવાનથી મહિમા સમજાય પણ અનાદિનું બધું ય ભેગું હોય તેનું કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે એ તો સદાય ભેગા છે. એ ક્યાં નોખા પડે છે? મહારાજ ને અનાદિ ભેળા જ છે, પણ જીવને અનાદિની હા ન પડે. પુરાણી કહેવાતા હોય, શાસ્ત્રી કહેવાતા હોય તેવા પણ જીવ, ઈશ્વર, માયા વગેરેને અનાદિ કહે અને જ્યાં અનાદિમુક્તની વાત થાય ત્યારે આ નવો માર્ગ કાઢ્યો હોય એમ બોલે. પાંચ ભેદ અનાદિ કહે તો રાજી થાય પણ મુક્તને અનાદિ કહે તો મૂંઝાય, એવું ન કરવું. 2/91/288
80. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા હાથ ઝાલે છે તે મૂકતા નથી. એક નાવમાં બેઠા તે સર્વે સાથે ઊતરી જશે. એક નાવવાળો જુદો પડે નહિ. મોટાને વિષે વિશ્વાસ ન આવે ને તર્ક રહે તો જાણીએ જે જુદા નાવમાં બેઠો. કોઈ વાત ઝીણી હોય અને તે સમજાતી ન હોય તો એમ જાણે જે આ વાત છે તો સાચી, પણ મને સમજાતી નથી, તો તર્ક ન કહેવાય. મહારાજની મૂર્તિને વિષે મુક્ત રહ્યા છે તે મહારાજરૂપ કહેવાય. એવી રીતે સમજે તો નિર્સ્તક થયો જાણવો. ત્યારે જાણીએ જે સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. જેટલો તર્ક કરે તેટલો સુખમાં ફેર રહે. 2/92/291
81. પોતાને અપૂર્ણપણું ન માનવું. પૂર્ણપણું માનીને છકી પણ જાવું નહિ. કથા, વાર્તા ને મોટા મુક્તનો સમાગમ કર્યા કરવો. મોટાની કૃપાએ હું તો મહારાજ સાથે જ છું. ક્યાંય જવું-આવવું નથી. એમ જે સમજે તેને આત્યંતિક કલ્યાણ કહેવાય. 2/93/295
82. મોટા મુક્ત તો આપણને કોઈ દિવસ વિસારે નહિ, પણ આપણને જો એમનો અભાવ આવે તો મોટા વિસારે છે. એમને વિષે હજારો માણસો ખેંચાય છે, તે મોટા કોઈને કહેવા જતા નથી કે દાખડો કરતા નથી, પણ જ્યાં એ છે ત્યાં મહારાજ અને અનંતકોટિ મુક્ત છે, તેથી સર્વે ખેંચાય છે. આપણી વૃત્તિ મોટા મુક્ત સુધી પહોંચાડીએ તો મોટા મુક્ત ઠેઠ મહારાજ સુધી આપણી વૃત્તિને પહોંચાડે છે. 2/94/298
83. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે આપણે મહારાજને અને મોટા મુક્તને દર્શને ગયા. પછી પાંચ દસ દિવસ રહીને ઘેર જઈએ ત્યારે એમ રહે જે, આટલા દિવસ આપણે મહારાજ તથા મોટા ભેગા રહ્યા અને ત્યાંથી જુદા પડીને પાછા આપણે ઘેર આવ્યા. તે સમજણ સારી ન કહેવાય. હરિભક્તોએ એવી સમજણ ન રાખવી, ને એમ સમજવું જે મહારાજ અને મોટા સદાય આપણી ભેળા જ છે. તે જરા વાર પણ જુદા પડતા નથી. એમ જાણીને મહારાજનો અને મોટા મુક્તનો અંતર્દૃષ્ટિ કરીને નિરંતર જોગ કર્યા કરવો. તે જોગ તે શું? તો તેમને સંભારવા, તેમના સામું જોઈ રહેવું, તેમના વચનનો વિચાર કરવો, એ આદિ કરવું. અંતર્દૃષ્ટિ કર્યા વિના સમીપપણું રહેતું નથી, પોતાના દોષ ઓળખાતા નથી અને ભગવાનના ભક્તનો મહિમા પણ જણાતો નથી. અંતર્દૃષ્ટિથી તે સર્વેનું સમીપપણું થાય છે. માટે અંતર્દૃષ્ટિ ભગવાનના ભક્તની છે અને બહારદૃષ્ટિ અભક્તની છે ને દ્રોહદૃષ્ટિ તે તો અસુરની કહી છે; માટે નિરંતર અંતર્દૃષ્ટિ રાખવી. જેને મહારાજનો અને મોટા મુક્તનો વિશ્વાસ આવ્યો હોય તેને સર્વે વાતે સવળું પડતું જાય છે, પણ અવળું તો પડે જ નહિ, તે સુખ-દુઃખમાં, હાણવૃદ્ધિમાં, વાતચીતમાં, કોઈના કહેવા સાંભળવામાં- એ સર્વેમાં સવળું ને સવળું જ પડતું જાય છે. તેથી મોટા મુક્ત અને મહારાજનો વધારે ને વધારે વિશ્વાસ આવતો જાય છે તથા વધારે ને વધારે હેત થતું જાય છે. તેથી તેને મહારાજની મૂર્તિમાં વધારે ચોંટાતું જવાય છે. જેણે મહારાજને અને મોટા મુક્તને અંતર્યામી જાણ્યા હોય તેનાથી સર્વ આજ્ઞાઓ પળે; તેમની સદાય બીક રહે તેથી ખોટા સંકલ્પ પણ ન થાય, અને એમ નિરંતર રહ્યા કરે જે હું જે જે કરું છું તે સર્વેને મહારાજ તથા મોટા મુક્ત નિરંતર જાણે છે. મહારાજ અને મોટા મુક્ત તો સદાય ભેળા ને ભેળા જ છે અને તે સર્વે જુએ છે. માટે હું જરાય પણ આજ્ઞા વિરુદ્ધ વર્તન કરીશ તો એમનો મારા પર અતિશે કુરાજીપો થશે અને મારું બગડી જશે એમ રહ્યા કરે, તેથી તે ફડકમાં કાંઈ પણ ભૂંડો ઘાટ કરી શકે નહિ. તો બીજું તો શું કરે? નાસ્તિકભાવ પણ ત્યારે જ ટળ્યો કહેવાય. 2/95/300
84. બાપાશ્રીએ વાત કરી જે, મહારાજને અખંડ સંભાર્યા કરવા અને સંગ કરવો તેમાં પણ ભેદ છે. સંગ તો ઉત્તમ પુરુષનો જ કરવો. મોટા મુક્ત સાથે જુદાપણું ન રાખવું. કેટલાક તો ઉપર ઉપરથી મળતું રાખે ને પાસે આવે, જાય, બેસે, ઊઠે, વાતો સાંભળે, પૂછે, પણ અંતરમાં જુદાપણું હોય; એ પણ સંગ કર્યો કહેવાય અને એક તો મન, કર્મ, વચને, શુદ્ધભાવે, નિષ્કામપણે, ગરજુ થઈને સંગ કરે તે પણ સંગ કર્યો કહેવાય. માટે જેને ભગવાનને રાજી કરવા હોય અને પોતાનું પૂરું કરી લેવું હોય તેને તો નિષ્કપટભાવે મન, કર્મ, વચને દાસાનુદાસ થઈને સંગ કરવો તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત રાજી થાય છે. અને તે સંગ કરનારનો પણ મોટાને જોગે કરીને મોટા સુખને તથા મહા મોટા આનંદને પામે છે, તેથી અખંડ આનંદ તથા અખંડ સુખમાં રહ્યો થકો મહારાજની અખંડ સેવામાં રહે છે. 2/95/301,302
85. બાપાશ્રીએ સભામાં વાત કરી જે માયાના ગુણ કાંઈ વ્યાપે તો ચેતી જવું ને તરત મોટા મુક્તને વળગી પડવું. એટલે જેમ છોકરાંને તેના માવતરના આશ્રયથી ભયની નિવૃત્તિ થઈ જાય છે, તેમ આપણે પણ મોટાના આશ્રયે કરીને માયાના ભયની નિવૃત્તિ થઈ જાય છે, તેથી માયાના ગુણ એકે ટકી શકતા નથી. એટલે કોઈ દુઃખ દઈ શકતા નથી. 2/95/302
86. શ્રી પુરુષોત્તમની ઉપાસનાવાળા જે મહામુક્ત તેમના જે જોગવાળા છે તે પ્રકૃતિપુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ સર્વથી પર શ્રી પુરુષોત્તમનારાયણ સહજાનંદ સ્વામી ભગવાન તેમને જ પામે છે; પણ વચમાં એ ક્યાંય અટકતા નથી. એવું તેમનું શ્રીજીમહારાજની મૂર્તિના બળે સાર્મથ્ય છે. 2/96/304
87. બાપાશ્રીએ વાત કરી જે, સેવકરામ નામનો સાધુ કૃતઘ્ની હતો. પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ભગવાન કે સંત કોઈના અપરાધ સામું જોતા નથી. જે સેવા કરવાનું બતાવ્યું છે તે તો મોક્ષનો માર્ગ છે, માટે આપણે સંતની સેવા કરવી ને સંત આપણી સેવા કરે. માવતર છોકરાંની સેવા કરે છે કે નથી કરતા? એમ ભગવાન અને સંત સેવા કરે છે તે ચોરાસી લાખ ખાણથી જીવને છોડાવે છે, તેથી તેમનો મોટો પાડ માનવો. 2/97/306
88. બાપાશ્રી બોલ્યા જે, આપણે મહારાજને ને અનાદિ મહામુક્તનો મહિમા તથા જશ ગાતા જઈએ જે આવા ગોપાળાનંદ સ્વામી, આવા મુક્તાનંદ સ્વામી, આવા બ્રહ્માનંદ સ્વામી, આવા ગુણાતીતાનંદ સ્વામી, આવા નિષ્કુળાનંદ સ્વામી એ આદિક મોટા મોટા તપ કરીને, નિર્વાસનિક થઈને સુખિયા થઈ ગયા. પણ તેમણે તો જેમ જનુની ઓસડ ખાઈને બાળકને નિરોગી કરે છે; તેવી રીતે પોતે તપ કરીને, ભક્તિ કરીને મુમુક્ષુને બળિયા કર્યા અને મોટા મુક્તોને રાજી કરવાની તથા મહારાજને પામવાની રીત દેખાડી. એ મહામુક્તો તો મૂર્તિમાં રસબસ રહેતા ને સદાય એ સુખ ભોગવતા, તો પણ આપણા મોક્ષને અર્થે એમણે સર્વે કરી દેખાડ્યું એમ જાણવું. 2/99/315
89. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ગંગાજીનું જળ ગૌમુખીમાંથી આવે છે તેમ ગંગાજીને ઠેકાણે મૂર્તિ છે. જળને ઠેકાણે મૂર્તિનું સુખ છે અને ગૌમુખીને ઠેકાણે મુક્ત છે. તે મુક્તરૂપ મહારાજનું સુખ તે દ્વારે મૂર્તિનું સુખ આવે છે. માટે મૂર્તિથી જુદા ન પડે તે મોટા જાણવા. એવા મોટાને વિષે કોઈ દિવસ મનુષ્યભાવ આવવા દેવો નહિ; સદાય દિવ્યભાવ રાખવો અને મહારાજ પાસે એમ પ્રાર્થના કરવી કે કોઈ દિવસ નાસ્તિક તથા કુસંગીનો સંગ ન થાય. તે કુસંગ તે શું? તો મોટા ભગવદીનો દોષ આપણા જીવમાં ઘાલી દે એ મોટો કુસંગ કહેવાય. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો, પણ સમાગમ તો મહારાજનો મહિમા તથા સુખ મળે તેવાનો કરવો. સર્વેને મોટા જાણવા પણ આપણને જેથી સુખ મળે તેમને વધારે મોટા જાણવા. 2/102/327
90. બાપાશ્રી બોલ્યા જે, "મારી મૂર્તિ રે મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે" એમ મહારાજે કહ્યું છે. તેથી આપણે પણ એ દિવ્ય સાથે ભળી જવું, નોખા ન રહેવું. સત્સંગરૂપ સમુદ્રમાં રહ્યા થકા કોરા ન રહેવું. અતિ હેતે મોટા અનાદિ સાથે જોડાવાથી અત્યંત સુખિયા થવાય છે. હેત કોને કહેવાય? તો રોઈ જવાય, ગદગદ થઈ જવાય; પણ જો પથ્થર જેવું હૃદય હોય તો જેમ પથ્થર પાણીમાં હોય તો ય કોરો રહે છે તેમ તેવા જીવને મોટાનો સંગ અડે નહિ. માટે ગરજુ થઈને મોટા મુક્તનો મન, કર્મ, વચને જોગ કરવો. એવો જોગ કરવાથી ચાલોચાલમાંથી એકાંતિક થઈને પરમ એકાંતિક થાય, પછી અનાદિ થાય. તે પણ જો ખરેખરો વિશ્વાસ હોય અને હેત હોય તો થાય, નહિ તો જેમ રોટલી કરતાં ઘી ચોપડે છે તેથી પડ નોખાં થઈ જાય છે તેમ થાય. 2/103/327,328
91. વૃષપુરના મંદિરમાં કૂવો ફેરવવાનું કામ ચાલતું હતું. ત્યારે બાપાશ્રી મંદિરની ઓસરીમાં બેઠા હતા. તે હરિભક્તો પાસે બોલ્યા જે, જેમ કૂવામાં પાણી ખારું-મોળું કે મીઠું એમ જુદા જુદા પ્રકારનું નીકળતું જણાય છે તેમ પાત્રની તારતમ્યતાએ સુખમાં ફેર પડે છે. એવી જ રીતે મોટા મુક્ત, સંત તથા હરિભક્ત જુદા જુદા જણાય છે. સર્વેને કારણ મૂર્તિ એક જ છે તો પણ સુખભોક્તામાં ભેદ પડે છે તે પાત્રપણાનો છે, કેમ કે સૌ એક મૂર્તિમાંથી જ સુખ ભોગવે છે. માટે ઉત્તમ પાત્ર થવું ને અનાદિનો જોગ કરવો. કેમ જે અનાદિમુક્ત તો રસબસભાવે સુખ લીધા જ કરે છે. તેમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. માટે એવા ઉત્તમ જોગથી ઉત્તમ પાત્ર થવાય. 2/116/366
92. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજે માયાનું બળવાનપણું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી જેવાને એના પ્રસંગે ઠેકાણું રહે કે ન રહે એવું એનું પ્રધાનપણું જીવોને સમજાવવા કહ્યું છે, પણ મોટા તો સદાય નિર્લેપ છે, કેમ કે કાળ, કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી તો આ તો મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિમુક્ત તેને શું હોય? પણ જ્યારે જીવોને એવી વાત સમજાવવી હોય ત્યારે મહારાજ મોટા મોટા મુક્તનાં નામ લઈને વાત કરતા એમ જાણવું. મોટાની છાયામાં રહે તેને પણ માયા નડી શકે નહિ તો મોટાની તો વાત જ શી કહેવી? 2/117/367
93. બાપાશ્રી એમ બોલ્યા જે, પાણો હોય તે અગ્નિથી શેકાઈ જાય છે ને પાણી અડે એટલે ચૂરેચૂરા થઈ જાય છે અને ઔષધિમાં પણ એવો ચમત્કાર છે જે સોના આદિક વસ્તુને ગાળીને શુદ્ધ કરી નાખે છે. તો આ તો સર્વોપરી ભગવાન અને સર્વોપરી મુક્ત મળ્યા છે તો પણ અંતર ગળતું નથી, તેનું કારણ એ છે જે મહારાજનો તથા અનાદિમુક્તનો જેવો છે તેવો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ને સર્વોપરી ભગવાન તથા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવનારા અનાદિમુક્ત તેમની ઓળખાણ થઈ નથી. કદાપિ ઓળખાણ થઈ છે તો તે સંગાથે જીવ જોડ્યો નથી. તે જો મન, કર્મ, વચને જીવ જોડે તો કાંઈ ખામી રહે નહિ. જેટલી ખામી રહે છે તેટલી જીવ જોડવામાં તથા આજ્ઞા પાળવામાં કસર છે, તેથી અંતર ગળતું નથી. કેમ કે અગ્નિ તથા ઔષધિ તે તો જડ છે તો ય સોના આદિકનો મેલ મુકાવી દે છે, તો આ તો દિવ્ય મહારાજ ને દિવ્ય મુક્ત તે શું ન કરે? પણ અંતરાય રહે છે તેથી જેમ છે તેમ સમજાતું નથી, માટે સાચે ભાવે જોડાવું. 2/117/368
94. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજના અનાદિમુક્ત તો મૂર્તિના સુખરૂપ અમૃત વિના બીજો આહાર કરતા જ નથી. તેમની સામર્થી અપાર છે, પણ જીવને ખબર પડે નહિ. મહારાજે તો રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય કહ્યું છે. તો પણ અનાદિ મહામુક્તરાજ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગમાં કેટલાક મૂળઅક્ષર નામે કહે છે. તેમ કહેવાનું તાન એ છે કે બીજા મુક્ત અક્ષર ને આ તેમનાથી મોટા એટલે મૂળઅક્ષર. વળી કેટલાક તો સમજ્યા વિના એમ બોલે છે જે અક્ષર વિના પુરુષોત્તમ પમાય નહિ. સ્વામી અને નારાયણ એમ જુદું જુદું નામ છે તે મહારાજે અક્ષરપુરુષોત્તમનું ભજન કરાવવા ભેળું કરેલ છે. આવા પોતાના ઠરાવે મહિમા સમજાવવા જાય છે અને કહે છે કે બધાય અવતારને જોડ ને મહારાજને જોડ નહિ? એવી સમજણ બંધ બેસારે છે, પણ તે જો મહારાજનો મહિમા મોટા અનાદિ થકી સમજે તો આપણે કહીએ છીએ તેથી મોટપ વધે છે કે ઘટે છે તેની ખબર પડે. મહારાજના અનાદિમુક્તને તો મહારાજ રૂપ જ કહેવાય. મહારાજનું તેજરૂપ ધામ તો સર્વત્રપૂર્ણ સચ્ચિદાનંદપણે અખંડ છે. મહારાજ તે તેજના કારણ એટલે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એ મૂર્તિ અખંડ અનાદિ છે તેથી તે મૂર્તિમાં રસબસ રહેનારા મુક્તોને મહારાજથી પૃથક જે જે ઉપમા દેવાય છે તે અધૂરી જ છે. મહામુક્તને તો એક શ્રીજીમહારાજ જ છે, તેથી તે મૂર્તિરૂપ છે. અને "જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી". ક્ષર-અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહેનારા મહારાજ તેથી તેમને મહારાજની જોડે ગણાય નહિ. જો એમ એ કહેતા હોય કે અમે તો અક્ષર દરજ્જાવાળાને નથી કહેતા તો મહારાજના અનાદિ મહામુક્ત તો મહારાજની મૂર્તિથી પૃથક રહેતા નથી. "રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણા કંદ" એ દિવ્ય મૂર્તિના મહારસનું સદાય પાન કરનારા છે. એ દિવ્ય સુખના જ ભોગી છે. અનાદિ મહારાજ એટલે એ પણ અનાદિ. તેને જે જે બીજી ઉપમા દેવાય તે ઓછી છે. આવા જે મહાઅનાદિ તે તો મહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રસબસભાવે રહ્યા છે અને પરમ એકાંતિક સન્મુખ રહ્યા છે. તેને પણ સર્વ મુક્તથી અધિક આ મુક્ત એમ નથી, સર્વ મુક્તોને સર્વોપરી એક મૂર્તિ જ છે ને મુક્તોને તો એ મૂર્તિના સુખમાં ક્યારેય પાર પામવાપણું નથી, સદાય અપાર ને અપારપણું છે. એવો મહિમા જેને સમજાય તેને એ મૂર્તિ વિના બીજા કોઈને ભાર રહે નહિ. 2/118/369
95. સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની આજ્ઞામાં જે ખબડદાર ન રહે ને ઉપર ઉપરથી મોટા મુક્ત પાસે આવે જાય ને પ્રાર્થના કરે તેથી તેનું કામ થાય નહિ. એ તો જ્યારે મહારાજ ને મોટા અનાદિને અંતર્યામી જાણી તેમના વચન સામી સૂરત રાખે તો મોક્ષ થતાં કોઈ વાર ન લાગે. નહિ તો સો ગાઉ સામો ચાલીને આવે તો પણ મૂર્તિનું સુખ તેને મળતું નથી; માટે દેખાવનો સત્સંગ ન કરવો. મહારાજ તથા મોટાના વચન પ્રમાણે નિયમ ધર્મ પાળ્યા વિના ચાલે નહિ. મોટા અનાદિમુક્ત તો બહુ દયાળુ હોય, તેથી મહારાજના વચનમાં વર્તે તેને તરત મૂર્તિમાં મૂકી દે છે. જીવને મોટાના સંબંધનું ફળ જતું નથી, પણ જેવું તેમના ગમતા પ્રમાણે રહે ને ફળ મળે તેવું ઉપરના દેખાવથી મળે નહિ. મોટાને વિષે હેત કરવું તેમાં કોઈ પણ વાતનો અંતરાય ન રાખે ને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેને મૂકીને દાસભાવે વર્તે તેને તો મહારાજ તથા મોટા અનાદિ પળમાં ન્યાલ કરી મૂકે, કેમ જે શ્રીજીમહારાજ ન્યાલકરણ છે તેથી જીવના વાંકગુના સામું જોતા નથી એવા દયાળુ છે, પણ મહારાજને તથા મોટા મુક્તને જીવ સોંપવો જોઈએ. તે વિના ત્રણ દેહનું આવરણ ઉલ્લંઘાય તેવું નથી. મહારાજના તથા મોટા મુક્તના પ્રતાપે જ જીવોનો મોક્ષ થાય છે, એ વાતમાં કાંઈ સંશય નથી. તેથી મોટા મુક્તોએ શાસ્ત્રમાં લખ્યું છે જે, "હરિ કાં હરિના મળેલાનો ખપ કરવો" જોઈએ. ફેર આવો જોગ મળવો દુર્લભ. અ. મુ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે મંદિર તો સોનાનાં થશે પણ આવા કહેનારા નહિ મળે. તેમ કહેવાનું કારણ એવા મોટા મુક્ત દુર્લભ છે. 2/119/371
96. બાપાશ્રી બોલ્યા જે, જ્યારે અનંત જન્મના સુકૃત ઉદય થાય ત્યારે મોટા અનાદિમુક્તની ઓળખાણ થાય છે. શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જે ન ઓળખે તે તો ખીજડા જેવા છે અને આ દિવ્ય સભાને વિષે નિષ્ઠા હોય તે તો આંબા જેવા છે. એમ અ. મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. 2/147/444
97. લાલશંકરભાઈએ પૂછ્યું જે, બાપા! મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કેમ કરવી? ત્યારે બાપાશ્રી બોલ્યા જે દેહ ને દેહના સગાસંબંધી સાથે છે તેમ કરવી. 2/151/454
98. શ્રીજીમહારાજ પોતે તો કેવળ પોતાના મુક્તોને પોતાની મૂર્તિનું સુખ જ આપે છે અને કલ્યાણ તે મુક્ત પાસે કરાવે છે, માટે કલ્યાણને અર્થે મુક્તનો ખપ કરવો જોઈએ.
99. જીવનો સ્વભાવ મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવો નથી. માટે મોટાની અનુવૃત્તિમાં રહીને મન-કર્મ-વચને સંગ કરે તો સ્વભાવનો નાશ થઈ જાય ને વૃત્તિઓ પાછી વળીને મૂર્તિમાં જોડાય, શાંતિ થાય ને મહાસુખિયો થાય. મન જ્યારે મૂર્તિ મૂકીને બીજે ડોળે ચઢે ત્યારે તેને સમજાવવું કે આવા મોટા મળ્યા તેમનો મહિમા સમજીને તેમની અનુવૃત્તિમાં રહે તો આ ફેરે જ અક્ષરધામમાં લઈ જશે.
100. જીવને ઘાટ-સંકલ્પ નડતા હોય તો મહિમાએ સહિત ગદગદ કંઠે થઈને મહારાજ તથા મોટા મુક્તને પ્રાર્થના કરે તો ટળી જાય.