૫. ધ્યાન–અંતર્વૃત્તિ–સમાધિ - વિભાગ ૧

0:000:00

જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા માંડે તો ત્રણે શરીર ટળી જય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય.

1. મોટા મુક્ત સાથે બહાર સમાગમ કરવાથી જેવું મહારાજની મૂર્તિનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું?

બાપાશ્રી બોલ્યા જે સાધનદશામાં હોય ત્યાં સુધી બહારવૃત્તિમાં સુખ અધિક જણાય, પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે. જ્યારે સિદ્ધદશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય. 1/1/3

2. એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતાં કરતાં રોવા માંડે છે તે શું સમજવું?

તે તો સિદ્ધિઓ છેટે દેખાય છે ને પાછી અદૃશ્ય થાય છે એટલે તેને પામવા માટે રુદન થાય છે. જેને મહારાજનું સુખ આવે કે મૂર્તિ દેખાય તેને તો અતિશય આનંદ પ્રાપ્ત થાય અને અદૃશ્ય થાય તો પણ રોવરાવે નહિ. જે રોવરાવે તે તો માયા હોય એમ જાણવું. જેને મોટા મળ્યા ન હોય ને મોટાનો જોગ ન હોય તેને ધ્યાનમાર્ગમાં વિઘ્ન ઘણાં આવે છે. 1/14/34

3. છેલ્લા પ્રકરણનું 23મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનસી પૂજાની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજે માળા, માનસી પૂજા જે જે બતાવ્યાં છે તે કેટલાક સાધનકાળનાં બતાવ્યાં છે ને કેટલાક સિદ્ધકાળનાં બતાવ્યાં છે માટે માનસી પૂજામાં ચૈતન્યને વિષે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડવાં અને વસ્ત્ર-ઘરેણાં પણ મૂર્તિના જેવાં જ દિવ્ય તેજોમય ધારવાં, પણ ચિત્ર-વિચિત્ર ન ધારવાં. સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદાં જુદાં સ્થાન કલ્પવાં નહિ. એમ કરતાં કરતાં ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું. બીજો સંકલ્પ કરવો નહિ, મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપકર્તા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું, અને ધ્યાન કરવું. ધ્યાન કરતાં અકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય છે. જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહિ, જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ છે જ નહિ તેમ. 1/20/44

4. ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે પણ જીવને આગ્રહ થતો નથી. અંતર્વૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખિયો થઈ જાય. 1/20/45

5. સેવાભક્તિ આદિક સાધન કરતા ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહિ અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહિ. 1/20/45

6. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથજી આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે તે સર્વે મૂર્તિઓ શ્રીજમહારાજ પોતે જ છે ત્યારે એ સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરીને દેખાડી છે. માટે એ મૂર્તિઓ સંકલ્પની છે. તેનું ધ્યાન થાય નહિ અને મુક્તનું પણ ન થાય. ધ્યાન તો સ્વયં શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું. તે મૂળ મૂર્તિ છે અને વેષાન્તર કરીને દર્શન આપે છે તે સંકલ્પની મૂર્તિઓ છે માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું. ધર્મદેવ અને ભક્તિમાતા ને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરતા હવા ને ગાંધર્વ ગાન કરતા હવા એમ લખ્યું છે તે પણ મુક્તગાન ને વૃષ્ટિ કરતા હવા એમ જાણવું, કેમ જે દેવ અને ગાંધર્વને મહારાજનાં દર્શન કરવાની ગતિ નથી. 1/22/48

7. જ્યારે જીવને મહારાજનું દર્શન થાય છે ત્યારે ઇન્દ્રિયો જીવમાં ખેંચાઈ જાય છે અને જીવને વિષે મહારાજનું દર્શન થાય છે. તે ઇન્દ્રિયોને મહારાજ ખેંચે છે. મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ ખેંચાઈને સમાધિ થાય છે. જેમ ચમકની સત્તાથી લોહ ખેંચાય છે તેમ. સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થી, ધામ એ આદિકને જોવા ઇચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે, કેમ જે એને કાંઈક ધક્કો લાગે ખરો. જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ ન ઇચ્છે તે નિષ્કામ છે. એને સ્વરૂપ સમાધિ કહેવાય ને તેને કોઈ વિઘ્ન પણ ન થાય. 1/29/58

8. અંતર્વૃત્તિ તે શું?

બાપાશ્રી બોલ્યા જે, અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે તેમ દેહની ક્રિયા શ્રીજીમહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે પણ તેની ખબર પોતાને રહે નહિ ને જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા તેમ થાય તે અંતર્વૃત્તિ કહેવાય. એવાને સત્સંગ દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહિ. 1/38/77

9. જેમ વર પરણવા જાય અને ત્યાં જમે રમે અને જ્યારે વરને હથેવાળો મેળવવા વખત આવે ત્યારે માંકડા રમતા હોય ત્યાં જોવા જાતો રહે, તેમ આ જીવ મહાપ્રભુજીને પામવા સારું સત્સંગમાં આવ્યા છે તે ધ્યાન કરવા વખતે નવરા રહેતા નથી અને વ્યાવહારિક કામમાં વળગી પડે છે. માટે વસ્તુ કેવી પામવી છે તેનો તપાસ કરવો જોઈએ. આપણને કેવી મોટી પ્રાપ્તિ છે? માટે મૂર્તિ ધારવી ને બીજા ઠરાવ પડ્યા મૂકવા. 1/41/82

10. માળા-માનસી પૂજામાં બોલવા કરતાં સાન કરવામાં વૃત્તિ ઘણી વિક્ષેપ પામે છે; કેમ જે બોલવામાં એક સંકલ્પ અને સાન કરવામાં ઘણા સંકલ્પ થાય માટે સાન કરવી નહિ. 1/54/102

11. કારિયાણીનું 12મું વચનામૃત વંચાતું હતું તેમાં કારણ દેહ છે તે જીવની માયા છે અને વજ્રસાર જેવી છે એમ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહિ. જેમ આંબલીનો કાતરો આખો પૃથ્વીમાં ઘાલીએ તો ય ઊગે અને ફોતરું કાઢી નાખીને ગર્ભ સોતો નાખીએ તો ય ઊગે અને ગર્ભ કાઢીને કાળી છાલે સહિત નાખીએ તો ય ઊગે, પણ ધોળા બીજને નોખું પાડીને પૃથ્વીમાં નાખીએ ને પાણી રેડીએ તો પણ ઊગે નહિ તેમ તપ, આત્મનિષ્ઠા આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહિ. એ તો જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દેહ બળી જાય અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયમાં ક્યાંએ લેવાય નહિ ને તેમાં જોડાય નહિ અને બ્રહ્મકોટીના તથા મૂળ અક્ષરકોટીના ઐશ્વર્યમાં પણ જોડાય નહિ. માટે જ્ઞાનપ્રલય કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. 1/67/127

12. માયા છે તે જીવને ઉપર વળગી હશે કે માંહી પ્રવેશ કરીને ભેળી ભળી ગઈ હશે?

બાપાશ્રી બોલ્યા જે, જેમ દર્પણ ઉપર મેશ વળગે છે ને જેમ સૂર્યને વાદળાનો પડદો આવે છે તેમ માયા જીવ ઉપર ફરી વળી છે પણ જીવની માંહી માયા પેસી ગઈ નથી. તે જ્યારે સ્ત્રી, પુરુષ, ગામ, દેશ, ખારું, મોળું, મીઠું, રસના એ આદિક કોઈ ભેદ રહે નહિ ત્યારે કારણ દેહથી જીવ નોખો પડે છે અને અંકુર બળી જાય અને ફેર જન્મવું પડે નહિ. માટે સર્વે માનીનતા ટાળીને કારણ દેહને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તેને વિષે હોમવો, એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વાળીને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તે આકારે કરવી, એટલે આત્માને તેજોમય જોયા કરવો ને તેમાં મહારાજની મૂર્તિને જોયા કરવી. એમ ને એમ ધ્યાન કરતાં કરતાં કારણ દેહ બળી જાય ને માયા નાશ થઈ જાય અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિષે લીન કરીને તે આત્માની માંહી મહારાજની મૂર્તિ જોવી એ અભ્યાસ હંમેશાં કરવો. 1/68/130

13. એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે. એ બે યને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે એ તો વ્યતિરેક જ છે; કેમ જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે, પણ જેમ બાળકનો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે પણ પરણીને ઘેર આવે ત્યારે સુખ આવે તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જ્યારે દેહનું ભાન ભૂલી જવાય ત્યારે બ્રહ્માંડ ભુલાય ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ આંખો મીંચે તો અંધારું થાય ને ઉઘાડે તો અજવાળું થાય, તેમ અંતર્વૃત્તિ કરે તો મૂર્તિ દેખે ને બહારવૃત્તિ લાવે તો બ્રહ્માંડ દેખે. 1/87/158

14. કારણ મૂર્તિનું ધ્યાન શી રીતે કરવું? બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવી. તે મૂર્તિ ધારતાં ધારતાં દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય તે ખરું ધ્યાન કહેવાય. 1/124/219

15. સંકલ્પ તે શું ને વિકલ્પ તે શું?

બાપાશ્રી બોલ્યા જે, પદાર્થનો ઘાટ થાય તે સંકલ્પ કહેવાય અને તે સંકલ્પ વારંવાર થાય તે વિકલ્પ કહેવાય. એટલે જે સંકલ્પ થયો હોય તે વિવિધ પ્રકારે થાય તે વિકલ્પ કહેવાય. 1/137/238

16. જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે. માટે બીતા રહેવું જે, મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિષે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય. 1/139/242

17. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે. ત્યારે માસ્તર કેશવલાલે કહ્યું કે, જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કાંઈ બહાર ન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય. માટે માયાના પદાર્થમાંથી તથા મૂળપુરુષના ને બ્રહ્મકોટીના ને અક્ષરકોટીના એ સર્વેના સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લૂખા થાવું. માયિક સુખ તો રાખનાં પડીકાં જેવાં છે. તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુઃખ સહન કરીને પણ માયા ભેળી કરે છે. તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય? જો ખરો થઈને ધ્યાન કરવા માંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજીમહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવનદોરીરૂપ છે પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે કૃપા કરો તે તો ગાંડો છે. 1/139/244

18. સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું? બાપાશ્રી બોલ્યા જે, મલિન (અશુદ્ધ) આહાર ને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય એટલે માયિક ઘાટ થાય નહિ. માટે દેશ-કાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહનિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડ્યા મૂકીને ધ્યાન-ભજન કરવું. તો મહારાજ ને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેની તો મહારાજ ને મોટા સહાય કરતા નથી એટલે માયા પરાભવ પમાડે છે. 1/139/244

19. મહારાજને અને મોટાને સન્મુખ થયા ક્યારે કહેવાય?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્તિ વિના બીજા સર્વમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો સન્મુખ થયા કહેવાય. 1/141/245

20. મહારાજ ને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી. તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા, વાર્તા કરવી તે તો ચારો છે પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે, એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે. પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. ધ્યાનની, મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્રકમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય પણ કહ્યું કરે નહિ, તેમ કહી કહીને થાકી ગયા તો પણ ધ્યાન કરતા નથી. જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેડ્ય આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે. જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે. જે આપણા તડના ભંડારી કે મહંત થયા, પણ ધ્યાન કરવાની તો વાતેય નહિ ને તે કરવુંએ નહિ, પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય? જે કરે તે થાય. 1/167/307

21. જેમ સમુદ્રમાં સિંધુ આદિ નદીઓ આવે છે તે માર્ગ કરીને દસ-વીસ ગાઉમાં સમુદ્રનું પાણી મીઠું કરી દે છે; તેમ સમુદ્રને ઠેકાણે માયા છે ને નદીઓને ઠેકાણે સંત છે ને માયાને ભીંસ કરીને હટાવી દઈને માર્ગ કરી દેવો. વળી જેમ નદીઓ સમુદ્રને પાછો હઠાવી નવો કાંપ પાથરી તે સ્થળ રસાળ કરે છે અને તેમાંથી અનાજના ઢગલા ને ઢગલા પાકે છે તેથી લોકો જીવે છે; તેમ આપણે નદીની પેઠે માયામાં માર્ગ કરીને કેટલાક આસુરી જીવોને માયાથી રહિત કરવા. માયા તો મારી દે એવી છે. તે રણછોડ મિસ્ત્રીને ક્યાંય લઈ ગઈ? એટલા સારુ આ માથું કૂટવું પડે છે. એ મિસ્ત્રીએ સમાગમ ને સેવા બહુ કરી હતી તો પણ લઈ ગઈ. માટે કુસંગ કરવો નહિ ને વેષ લીધો તે પૂરો ભજવવો; એકલા વેષમાં સુખ નથી. જેમ સિંધુ નદી મોટા મોટા પહાડ ને ઝાડ તોડતી આવે છે ને કાંપ પાથરે છે તેમાં બહુ જ અનાજ ને ફળ પાકે છે. તેમ આપણે પણ મોટા મુક્તની સહાયથી માયાને હઠાવી દોષમાત્ર ટાળીને ફળ પકવી લઈએ, એટલે ધ્યાને કરીને મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લઈએ. 1/170/316

22. મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધ્યાન કરતાં જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગ વહાલા છે તે લોકમાં મૂકે છે અને ઘાટ થાય ત્યારે દાઝ થાય તેને તો એ લોકમાં મૂકતા નથી. માટે ઇચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જાવું પડે નહિ. તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે, તે જો ખબડદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે, તો તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે, તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય. કારણ મૂર્તિ-મહારાજ ને મુક્ત તેમનું દર્શન આત્માને વિષે થાય નહિ ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિષે કાંઈક પીડા થાય ને ભુલાય નહિ તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહિ; માટે મોટાને વિષે મન બાંધવું એટલે કાંઈ વાંધો આવે નહિ. 1/194/369

23. એક ગુરુ હતા. તેમણે શિષ્યોને કહ્યું જે, અમે દેહ મૂકશું ત્યારે નગારાં વાગશે. પછી તે ગુરુ દેહ મૂકી ગયા પણ નગારાં તો ન વાગ્યાં. પછી એમના શિષ્યોએ શ્રીજીમહારાજને કહ્યું જે અમારા ગુરુએ કહ્યું હતું જે અમે દેહ મૂકશું ત્યારે આકાશમાં નગારાં વાગશે પણ તે વાગ્યાં નહિ, તેનું શું કારણ હશે? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે તમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડ્યો 24 છે તેમાં સૌથી તળે છે તે લઈ આવો. પછી સાધુ લાવ્યા. તેને મહારાજે ખંખેરી એટલે તેમાંથી રાતી ચોળ જેવી ઈયળ પડી તે ઘડીક તરફડીને મરી ગઈ, પછી નગારાં વાગ્યાં. માટે સરત રાખજો જેથી એમ ન થાય. કાગળના ચીંથરામાં હેત ન રાખવું. ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે, એવી મોટી સુષુપ્તિમાં રહેવું; પણ મહંતાઈ કે કોઠારું કે પટેલાઈ એમાં લોભાવું નહિ. જમવા બેસવું ત્યારે ખાટું, ખારું, મોળું, મીઠું એવો ભાવ આવવા દેવો નહિ. એમ કર્યા વિના ઉપશમ આવે નહિ ને રાગ ટળે નહિ. માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા-પીધાના, માન મોટપના રાગ ટાળવા જોઈશે; તો મૂર્તિમાં ઉપશમ થાશે. 1/206 407

24. છેલ્લા પ્રકરણનું 23મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ત્રણે ઋતુની માનસી પૂજાની વિક્તિ આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતાં માનસી પૂજા કરતા હતા. તે તાંસળું પડી ગયું તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી પણ માનસી પૂજા કરતા હોય ને કોઈ પૂછે જે કપચાંની ટોપલી ક્યાં છે? ત્યારે સાન કરીને બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસી પૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભારવું નહિ. 1/206/408

25. સમાધિવાળાને સમાધિ દેહમાં થાતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે?

બાપાશ્રી બોલ્યા જે, અંતઃકરણમાં જીવ રહે છે ત્યાં જ સમાધિ થાય છે, એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે; અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે તે વિષયની આસક્તિથી અવાય છે. 1/210/419

26. બહેચરભાઈને કહ્યું જે મૂર્તિના ઘરાક થયા છો? ત્યારે બહેચરભાઈ બોલ્યા જે બાપા, કોસ હાંકવાનું કહો તે કેમ આવડે? ત્યારે બાપાશ્રી કહે જે આફુડું આવડે, મૂર્તિના ખપવાળાને આફુડું આવડે. પછી રાજી થઈને કહ્યું જે બધું મહારાજ સારું કરશે. ખૂબ કેડ બાંધીને ભગવાન ભજો. અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. મેખોન્મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું, એમ ખરેખરું અંર્તદૃષ્ટિથી જોઈ રહેવું. 1 230/464

27. બહાર અથવા માંહીલી કોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી એ જ અંર્તદૃષ્ટિ કહી તે બહાર-માંહી કેવી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, પોતાને દેહરૂપ માનીને સન્મુખ મૂર્તિ ધારે તે બહારદૃષ્ટિ કહેવાય અને વૃત્તિઓ પાછી વાળીને આત્માને વિષે મૂર્તિ ધારે તે અંતર્વૃત્તિ કહેવાય. એ અવરભાવનો અર્થ અને પોતાને પુરુષોત્તમરૂપ માનીને સન્મુખ મૂર્તિ જુએ તો મૂર્તિથી બહાર રહીને કહેવાય. અને મૂર્તિની અંદર રહીને મૂર્તિને જુએ તે માંહી રહીને કહેવાય. એ પરભાવનો અર્થ. માટે આ ઠેકાણે માંહી અથવા બહાર જુએ તો અંર્તદૃષ્ટિ કહી, તે મૂર્તિની માંહી એ પરભાવમાં અને મૂર્તિથી બહાર રહીને જુએ એ અવરભાવમાં. 1/234/471

28. પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કશું દેખાતું નથી. તો તે દૃષ્ટિ નેત્રદ્વારે હશે?

બાપાશ્રી બોલ્યા જે, પુરુષોત્તમની મૂર્તિમાં આપોપું કરીને એટલે મૂર્તિમાં આત્માને લીન કરીને પુરુષોત્તમના નેત્રે કરીને જુએ તો પુરુષોત્તમની દૃષ્ટિએ કરીને જોયું કહેવાય. 1/235/472

29. ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે ને સકામ કહેવાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, તે તો સકામ ન કહેવાય. 1/248/ 501

30. સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, જેમ દેહે કરીને ઉપરથી (બહારથી) પૂછાય છે તેમ અંતર્વૃત્તિએ શી રીતે પૂછાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ ને મુક્ત સદાય આત્માને વિષે છે, તેમને સંભારીને અંતર્વૃત્તિ કરે તો શાંતિ થાય ને માયા દબાઈ જાય અને મહારાજ ને મોટા અંતરમાં પ્રેરણા કરીને ઉત્તર સંભારી આપે ને સર્વે ખુલાસા થઈ જાય; એવો અંતર્વૃત્તિનો મહિમા છે.

31. ઉપશમ થાય ત્યારે કાંઈ ખબર રહે નહિ અને ક્રિયા બધી કર્યા કરે. પર્વતભાઈ સાંતી હાંકે, ગાડું હાંકે, સાંઠિયો ખોદવા જાય એમ બધી ક્રિયા કરે તો પણ મહારાજની મૂર્તિ અખંડ રાખે. નિર્વિકલ્પ સમાધિ છે તે ઘણા જીવોને સમાસ કરે છે અને અક્ષરધામની છે અને સવિકલ્પ સમાધિ તો ચમત્કાર જણાવે, પણ સમાસ એવો ન થાય. ઉપશમ અવસ્થાવાળામાં ભગવાન સદા બિરાજમાન છે એમ વિશ્વાસ રાખે તો તેનું કલ્યાણ થાય. અને એવા પુરુષ નહાતા હોય, તેનું પાણી ઉપર પડે તો પંચ મહાપાપ બળી જાય. જળને પાવન કરનાર મોટા પુરુષ છે. જ્યાં શ્રીજીમહારાજ નાહ્યા હોય અથવા મોટા પુરુષ નાહ્યા હોય તે જળમાં જે નહાય તે પાવન થાય છે. 1/251/506