• ભગવાનનું સ્વરૂપ-મૂર્તિ એ જ સર્વસ્વ - વિભાગ ૨
1. ત્રણે અવસ્થામાં મૂર્તિ અખંડ રાખવી. જેને ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને વિષે નિષ્ઠા નથી આવતી તેને ઘણી ખોટ આવે છે ને તે મોટી ભૂલ છે, જે મોટાના જોગે કરીને સુધારવી જોઈએ. 2/1/24
2. એક વખત ભૂજના વિઠ્ઠલજીભાઈએ પૂછ્યું જે: બાપા! મૂર્તિમાં રસબસ કોણ રાખે છે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ રાખે છે. પછી પૂછ્યું જે: દાતા કોણ અને ભોક્તા કોણ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મહારાજ સર્વેના દાતા અને મુક્ત ભોક્તા. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે: મહારાજ પોતે સર્વ ભક્તોને સુખ આપે છે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા. ભોક્તા ભોક્તા પ્રત્યે દાતા એક એક દેખાય છે. એમ સમજવું તે 'સત્સંગમાં સત્સંગ.' 2/5/21
3. સાકાર અક્ષરથી પર જે મહારાજના તેજરૂપ અક્ષરધામ તેમાં રહ્યા જે શ્રીજીમહારાજ તેમને યથાર્થ ઓળખીને તેમનો આશરો કરે તો એ અનુભવ જ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે. 2/7/26
4. સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે: સુખ અપાવીશું એમ આપ કહો છો તે અહીં જેને ગુરુ કર્યા હોય તે ત્યાં સુખ અપાવતા હશે કે મહારાજ પોતે આપતા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે ગુરુ મહારાજની મૂર્તિમાં લઈ જાય પછી સુખ મહારાજ આપે પણ વચમાં અપાવનાર કોઈ નથી. એ તો જેવા ગુરુ હોય તેવો જ પોતે થાય. જેમ ગુરુ મૂર્તિનું સુખ ભોગવે છે તેમ એ પણ ભોગવે. 2/9/31
5. સભામાં જેતલપુરનું 4થું વચનામૃત વંચાતું હતું. તેમાં અર્જુને મચ્છ વેંધ્યો એ વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ અર્જુને પક્ષીની એકલી આંખ જ દેખી તેમ આપણે એક મૂર્તિ જ રાખવી. તે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય, તો પણ એ સુખમાંથી બહાર અવાય જ નહિ. સદાય મૂર્તિમાં જ રહેવાય તે ઉત્તમ સ્થિતિ છે. એ કરવા આપણે ભેળા થયા છીએ.
પછી જામનગરવાળા રતિલાલ કરુણાશંકરે પૂછ્યું જે: મૂર્તિમાં હરવા-ફરવાની જગ્યા ખાલી હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મૂર્તિમાં હરવું-ફરવું ક્યાંય નથી. જેમ રહ્યા છે તેમ જ છે. 2/18-19/48-49
6. બાપાશ્રી પુષ્પ હાથમાં લઈને બોલ્યા જે, આ પુષ્પ તથા જે જે મહારાજના સંબંધને પામ્યા તે સર્વે દિવ્ય છે. "નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ." જીવ જ્યાં સુધી કાળો હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ, તે કાળો એટલે માયિક પદાર્થમાં આસક્તિવાળો અને ગોરો એટલે મૂળઅક્ષર પર્યંતના ઐશ્વર્યની ઇચ્છાવાળો. તેને પણ આ વાત સમજાય નહિ. એ તો મહારાજ દયા કરે ત્યારે સમજાય. મહારાજ તો જેટલા સંકલ્પ કરે તેટલી મૂર્તિઓ થાય ને જીવોનો મોક્ષ કરે. કંઈક જીવના કષાય કાઢી નાખે એવા મહારાજ આપણને મળ્યા છે. મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે, તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે. તેને રાજી કરવા ખપે. જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે? ક્રિયા એ જે પુરુષપ્રયત્ન કરે ત્યારે મહારાજ તેના ઉપર કૃપા કરે. 2/20/51
7. બાપાશ્રી બોલ્યા જે કરી કરીને કારણ મૂર્તિનું જ કામ છે, કરવાનું એ જ છે તે નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. માટે મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થાવું અને મૂર્તિમાં રહેનારા અનાદિને ઓળખવા. 2/20/52
8. મૂળઅક્ષર આદિ બધાયને ઠેક દઈને ઠેઠ મહારાજની મૂર્તિને વળગી જઈએ તો કંઈ જ આડું આવે નહિ. આપણે તો વૈરાજ શું! અહંકાર શું! મહતત્ત્વ શું! પ્રધાનપુરુષ શું! પ્રકૃતિપુરુષ શું! વાસુદેવબ્રહ્મ શું! મૂળઅક્ષર શું! અને અક્ષરધામ તે શું! એક મહારાજની મૂર્તિ રાખવી. ભગવાનનો ભક્ત કાળ-કર્મનો અહાર કરી જાય. આહાર એટલે શું? તો કાળ-કર્મને ધોકા મારીને કાઢી મેલે; તે શાથી તો એને પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ મળી છે, તેથી બીજું બધું ખોટું થઈ ગયું છે. જ્યારે પ્રગટ મહારાજ મળે એટલે તે મૂર્તિમાં એકતા થાય અને તે મૂર્તિ આકારે આકાર થઈ જાય, ત્યારે એ બધાયનો ચારો કરી શકે એવી સામર્થી આવે છે. 2/25/66
9. સભામાં છેલ્લા પ્રકરણનું 27મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનની અલૌકિક સુખમય દિવ્ય મૂર્તિમાં સર્વે પ્રકારે જોડાવું એમ આવ્યું. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે: સર્વ પ્રકારે તે કેમ સમજવું? પછી બાપાશ્રી બોલ્યા જે, એક દેશમાં ન રહેવું; સર્વ દેશમાં રહેવું. નખશિખ મૂર્તિમાં ચારે દિશે એટલે સર્વત્રપણે જોડાવું. મૂર્તિથી બહાર ન રહેવું; સળંગ મૂર્તિમાં રહેવું. મૂર્તિમાં વળગી રહેવું એટલે આનંદના ઢગલા; મૂર્તિમાં રસબસ રહેવું. પછી આશાભાઈને પૂછ્યું જે: તમે આત્મા, અનાત્મા અને પરમાત્મા તેને ઓળખો છો? જો ઓળખતા હોય તો બતાવો. ત્યારે આશાભાઈ બોલ્યા જે મહારાજના તેજથી ઓરું બધું ય અનાત્મા અને મહારાજનું તેજ તે આત્મા અને મહારાજ તે પરમાત્મા. 2 27/72,73
10. સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે: જ્યારે મોટાએ વર્તમાન ધરાવ્યાં ત્યારે તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ અર્પણ કરાવ્યાં. પછી એ ચૈતન્યને રહેવાનું ક્યાં રહ્યું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ એ ચૈતન્યને પોતાની મૂર્તિને વિષે રાખે છે. 2/28/75
11. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે: મૂર્તિનું સુખ ને આનંદ વધતા જાય, તેનો શું ઉપાય હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરી આનંદ ને સુખ વધતાં જાય. તમે બધી વનસ્પતિની કલમો કરો, સાત સમુદ્રની શાહી કરો, તે લખતાં કલમો ઘસાઈ જાય, શાહી ખૂટી જાય તો પણ મહારાજના મહિમાનો પાર ન આવે. એવી એ દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી. મોટા મોટા સંતોએ મહારાજનાં ચરિત્ર, પ્રતાપ, ઐશ્વર્ય, મહિમાના અનેક ગ્રંથો લખ્યા તો પણ જેવો છે તેવો મહારાજનો મહિમા લખવાને કોણ સમર્થ છે? મહારાજ કહે છે કે હું પણ મારા મહિમાનો પાર પામતો નથી તો બીજા કોણ પાર પામી શકે? એવી એ કારણ મૂર્તિ છે. એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે. 2/30/78
12. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે જીવનો સ્વભાવ એવો છે જે પંચવિષયના સુખમાં તથા મોહ-પ્રમાદમાં ચોંટી રહે છે પણ જેવું મૂર્તિનું સુખ છે તેવું કોઈ ઠેકાણે નથી. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે. તેનું ધ્યાન કરે તો સુખમય આનંદમય ફુવારા છૂટે. આવી અદભુત વસ્તુ મળી છે. એ વસ્તુ મળી પણ જીવને અજ્ઞાન છે તથા મહિમાની કસર છે; શ્રદ્ધા (ધીરજ, બળ) નથી અને જેવો હીરો છે તેવો જાણ્યો નથી. જ્ઞાને સહિત મહિમા હોય તો જણાય. 2/31/84
13. શ્રીજીમહારાજની મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય. તે મૂર્તિનો ને સુખનો પાર કોઈ પામી શકતા નથી, એવું એ મૂર્તિનું અકળપણું છે. પોતે ભોક્તાપણે સર્વેને જાણતા થકા એક સાથે જ પોતના સર્વ સુખને ભોગવે છે. મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે. જુદાપણું છે ખરું. કેવી રીતે, તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે. મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે; તેમ પુરુષોત્તમના અને અનાદિમુક્તના સાર્મથ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાર્ધમ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે. 2 32/88
14. જેમ મહાસમુદ્ર રેલે છે તે સમે તેમાંથી જેટલું જળ જેવું જેવું પાત્ર હોય તે તે પ્રમાણે લઈ લે છે. તે મીઠા મહાસમુદ્રના જળે કરીને અનંત પ્રકારના રસ મેવા પાકે છે; બાકીનું જળ પાછું સમુદ્રને વિષે લીન થઈ જાય છે, તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ અનાદિમહામુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. તેના જેટલા જે અધિકારી પાત્ર હોય તેટલું સુખ તેમાં રહે છે. બાકીનું સુખ પાછું શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થઈ જાય છે પણ તે મૂર્તિ વિના બીજે રહેતું નથી. 2/32/92
15. માથકવાળા ગોરધનભાઈએ ગુલાબનું ફૂલ બાપાશ્રીને આપ્યું, તે લઈને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે જેમ આ પુષ્પને પાંખડીઓની ઘટા છે તેમ મહારાજને ફરતી મુક્તની ઠઠ છે. તે મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો છૂટે છે. તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમરોમનાં સુખ લે છે. તેમ મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરવું પણ બીજો સંકલ્પ તથા મનન કાંઈ થવા દેવું નહિ. અનંત પ્રકારનાં સુખ માત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે તે એક દર્શન માત્રમાં આવી જાય છે. 2 34/95, 97
16. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા છે તે જેમ મંદિરમાં હજારો, મનુષ્યની સભા ભરાઈને બેઠી હોય તે એક ઉપર બીજી એમ હજારો સભાઓ થઈ હોય તે સર્વે આ તકતામાં મૂર્તિ છે તેમાં જોઈએ તો દેખાય. તે મૂર્તિને સભાની રોકાણ થતી નથી; તેમ જ મહારાજને તથા મુક્તને એકબીજાની રોકાણ થતી નથી. મૂર્તિમાં મુક્ત સુખ લીધા જ કરે છે, તેમાં કોઈને એકબીજાનું આવરણ નથી; તે મુક્ત સર્વે મૂર્તિમાં લુબ્ધ છે. 2/34/98
17. શ્રીજીમહારાજની મૂર્તિ છે તે સર્વોપરી છે, બીજા કોઈ અવતારની એને ઉપમા દેવાય નહિ. મહારાજે લોયાના 14મા વચનામૃતમાં કહ્યું છે જે અમો અવતાર-અવતારીના ભેદમાં નથી. એ કારણ મૂર્તિ હાથ આવે તેને કાર્યની જરૂર રહેતી નથી. જ્યારે તેજમાં મૂર્તિ દેખાય ત્યારે તે કારણ મૂર્તિ છે એમ જાણવું. તે મૂર્તિ શ્વેત છે, તેજોમય છે. મૂર્તિ વિના પોતાનો દેહ આદિક કાંઈ વ્હાલું ન હોય ત્યારે જાણીએ જે પૂરું થયું. મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય એટલું અધૂરું જાણવું. અંતર્વૃત્તિએ અને સાંખ્ય વિચારે કરીને દાખડો કરતો જાય તેમ તેમ દિવ્યભાવ જણાતો જાય ને સુખ આવતું જાય. એમ કરતાં કરતાં જ્યારે શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવાં થાય. અને સર્વે મનોરથ પૂર્ણ કરે. પછી તેની સાથે બોલે, વાતો કરે, જો દિવ્યભાવ આવે તો. 2/37/108
18. બાપાશ્રી બોલ્યા જે, પ્રાયશ્ચિત્તે કરીને દેહની શુદ્ધિ થાય છે ને સેવા, માળા, ધ્યાન આદિકે જીવની શુદ્ધિ થાય છે. હું જે જે ઘાટ-સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ ને મોટા મુક્ત જાણે છે એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મહાસુખિયો-બ્રહ્મરૂપ કરી મૂકે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મ જે ભગવાન તે મય એટલે તે રૂપ થાય છે ત્યારે મૂર્તિને પામે છે. 2/37/110
19. શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના 49મા વચનામૃતમાં કહ્યું છે જે ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહિ, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તો જ ભક્ત કહેવાય. જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ ન રહે ત્યાં સુધી માયાના ગુણ ટળે નહિ અને દુઃખિયો મટે નહિ. પણ મૂર્તિમાં વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે માયા છે જ નહિ એવું થાય ત્યારે સુખિયો થાય. 2/37/111
20. આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભારવા. મૂર્તિ હોય તો ઘેર જાણવો અને ન હોય તે બહાર કહેવાય. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ ને જીવકોટિ આદિને ન સંભારવા; એને તો ભૂલી જ જાવું. તેલધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ બહુ કામ કરે છે. માળા ફેરવવામાં માનસીપૂજા કરવામાં ઉપશમ થઈ, મૂર્તિમાં સંલગ્ન જોડાઈ જવાય તેમ કરવું, પણ આળસ રાખી બેસી ન રહેવું. મહારાજની આજ્ઞામાં ખરા ખબડદાર થઈને વર્તવું. 2/41/125
21. મિસ્ત્રી લાલજીભાઈએ પૂછ્યું જે: અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દિવ્ય છે તે દિવ્ય મૂર્તિની સેવા કરવાની શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિનું સુખ ભોગવવું તે જ ધામમાં સેવા કરવાની છે. બીજી સેવામાં તો ગુણ (સત્વ, રજસ ને તમસ) આવે અને ચંદન-પુષ્પ વડે તો અવરભાવમાં સેવા કરવાની છે. પરભાવના ને અવરભાવના શબ્દ ભેળા હોય તે જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. 2/41/128
22. આપણે આમ વારંવાર મૂર્તિની જ વાતો કરીએ છીએ તેમાં જેની નજર ન પહોંચે તે એમ જાણે જે આ તો એનું એ વર્ણન કરે છે, બીજી વાત જ કરતા નથી, જેમ ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે તેને એ જ ઘર ને એ જ ઘાણી, જરાય પંથ ખૂટે નહિ તેમ. મહારાજે બીજાં સાધુ શું કરવા કર્યાં હશે! આમ બોલે પણ તેને એમ ખબર નથી, જે ભગવાનની મૂર્તિ ધાર્યા જેવું કોઈ સાધન નથી. ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે અને પંથ ન ખૂટે પણ સાંજે તેલનું કુડલું એ ભરી દે અને બીજો સૂઝે એટલું ચાલે, સૂઝે એટલો પંથ કાપે પણ તેથી તેલનું કુડલું તો શું પણ તેલની ચીકાશ પણ ન ભાળે. માટે મૂર્તિની વાતો કરવાથી જ સર્વે પ્રાપ્તિ થાય કેમ જે મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહા મોંઘી વસ્તુ છે. માટે આપણે તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. 2/50/160
23. બાપાશ્રીએ વાત કરી જે મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે, તે કલ્પે કલ્પ વીતી જાય તો પણ નવીન નવીન સુખ આવે જ જાય છે; મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્તનાં દર્શન થાય છે એ જ મૂર્તિનું અપારપણું છે. અપારપણું એટલે સમુદ્રમાં માછલું ફર્યા કરે પણ છેડો ન આવે. વાદળાં જમીનને અડ્યાં હોય એમ લાગે છે પણ છેડો નથી; એવી રીતે મૂર્તિ નાની જણાય છે પણ અપારપણું ઘણું છે. જેમ આકાશમાંથી વાદળાંના કોટ ઊતરે છે પણ કળાય નહિ તેમ એ મૂર્તિમાં રહેલા મુક્ત પણ ગતિમાં અકળિત છે, ચૈતન્ય મૂર્તિ છે ને પુરુષોત્તમરૂપ છે. 2/53/169
24. શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિનાં દર્શને આનંદ મળે, સ્પર્શે આનંદ મળે, સેવાએ આનંદ મળે, પ્રસન્નતાએ આનંદ મળે, વાયુ ઉપર થઈને આવે તો પણ આનંદ મળે; એમ મહારાજના સર્વે સંબંધે આનંદ, આનંદ ને આનંદ જ મળે. 2/53/171
25. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે અને ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કુંડાળાં પડે છે અને તેજનો ઘોષ થઈ રહ્યો છે. તેને પ્રણવનાદ કહે છે પણ જીવને તો એવો સ્વભાવ છે જે કાંઈક નજરે ભાળે તો આનંદ, પણ અંદરનો આનંદ નહિ. માટે ખરેખરો મૂર્તિના સુખનો આનંદ અંદરનો રાખવો. 2 58 184, 186
26. સૂર્યના રથમાં બેઠા તેને રાત્રી-દિવસ નથી. એમ મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ તેને કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત નથી, અવસ્થા નથી. એને તો પુરુષોત્તમનારાયણની મૂર્તિના તેજમાં સર્વે સુખમય થઈ ગયું છે, માટે મહારાજની મૂર્તિ વિના બ્રહ્મપુર, ગોલોકાદિક કાંઈ સંભારવું નહિ ને પૂછવું પણ નહિ. (પૂછીએ તો એનો અર્થ એ કે મૂર્તિ સિવાય બીજું કાંઈ જોવા-કરવાની ઇચ્છા છે.) એક સાધુએ અમને પૂછ્યું ત્યારે અમે કહ્યું કે મૂર્તિ વિના અમે તો બીજું કાંઈ ભાળ્યું નથી ને જોયું પણ નથી. જો ખપે તો મહારાજની મૂર્તિ છે. 2/58/185
27. રાજાના કારભારી હોય તે જ્યાં જાય ત્યાં નવાં નવાં સન્માન મળે. એ બધું રાજાને લઈને છે. માટે પારકી મિલકતના ધણી થવું નહિ. કોઈને એમ થાય જે અમે મોટા દિગ્વિજય કરીએ છીએ અને સત્સંગીને વાતેચીતે સુખિયા કરીએ છીએ -એવું પોતાપણું ન લાવવું. એ તો મૂર્તિને લઈને સર્વે સુખિયા થયા છે એમ સમજવું. 2/59/188
28. મુક્તરાજ શ્રી સોમચંદભાઈએ પૂછ્યું જે: બાપા, જીવને વ્યતિરેક મૂર્તિનો સંબંધ ક્યારે થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજ તો જીવથી લઈને અક્ષરપર્યંત સર્વેને વિષે અંતર્યામીપણે એટલે અન્વય સ્વરૂપે રહ્યા છે ને વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. તે સારંગપુરના 5મા વચનામૃતમાં કહ્યું છે, પણ જ્યારે શ્રીજીમહારાજ આ લોકને વિષે મનુષ્યરૂપે દર્શન આપે ત્યારે જે જીવ મોટા પુરુષનો સમાગમ કરીને શ્રીજીમહારાજને જેવા છે તેવા સર્વોપરી ઓળખે ત્યારે તેનું મૂળ અજ્ઞાન નાશ પામે ને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય ત્યારે તે મુક્ત થાય. 2/63/199
29. મૂર્તિનો મહિમા ખરેખરો સમજાય ત્યારે આ લોકની તુચ્છતા થઈ જાય, માટે એ વાતનો કેફ રાખવો કે કલ્યાણ થઈ જ ગયું છે. એમાં સંશય નથી. આવી વાત હાથ ન આવી હોય અને ભૂત, ભવિષ્ય ને વર્તમાનની વાતો કરે, ઐશ્વર્ય-ચમત્કાર જણાવે, તો ય શું! એ બધું ય મહારાજની મૂર્તિ વિના વિઘ્નકર્તા છે. માટે આપણે તો એક મૂર્તિમાં ખેંચાવું અને એ મૂર્તિમાં રહ્યા હોય તેમની સાથે જ હેત કરવું. 2/61/206
30. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહિ, એટલામાં જ રહેવું એવો ખટકો થાય તો મહારાજ જરાય છેટા નથી. ખટકો રાખીને મંડે તો છ મહિનામાં પૂરું થઈ જાય. તે પૂરું નક્કી કરવું પડશે; છૂટકો નથી. બીજું બધું ય થાય; માળા, કીર્તન, સેવા, મંદિરનો વ્યવહાર, મહંતાઈ એવું બધું ય થાય પણ કારણ વસ્તુ જે શ્રીજીમહારાજની મૂર્તિ તેમાં ન જોડાવાય તે કેવું કહેવાય? માટે મૂર્તિરૂપ માળામાં રહીને જ બધું કરવું જોઈએ. કોઈ ભગવાન સામો એક ગજ ચાલે તો ભગવાન તેના સામા બે ગજ ચાલે એવા દયાળુ છે, પણ જીવને ગરજ થોડી છે, કારણ મૂર્તિમાં રહેવું કઠણ પડે છે પણ રહેવા માંડે તો નીકળવું કઠણ પડે, પણ આપણે તે કરવાનો ખટકો ઓછો છે અને ખપ થોડો છે. મહારાજે કહ્યું છે જે એણે ક્યારે આગ્રહ કર્યો ને ક્યારે ન થયું? કરવા માંડે તેને કાંઈ કઠણ નથી. 2/76/235
31. બાપાશ્રી સભામાં વાત કરતા હતા તે વખતે એક સંત છેટે બેઠા કીર્તન કંઠે કરવા ગાતા હતા. તે સાંભળી બાપાશ્રી ચપટી વગાડી ડોલતા અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે જેને ભગવાનને વિષે હેત હોય તેને આમ કીર્તન-ભક્તિ બહુ શ્રેષ્ઠ છે. તે કીર્તન મૂર્તિ સંભારીને બોલવાં. ચિહ્નનાં, લીલાનાં, ચરિત્રનાં ગાવાં. તે સાંભળીને ભગવાન અને ભગવાનના મુક્ત ઘણા રાજી થાય છે. 2/77/239
32. બાપાશ્રી સભામાં વાતો કરતા હતા ત્યારે ડોસાભાઈએ પૂછ્યું જે, બાપા! મહારાજ અને મોટા મુક્ત મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યાની વાત સમજાણી છે, છતાં મોટા મુક્ત જેવું સુખ ભોગવે છે તેવું સુખ કેમ આવતું નહિ હોય? તથા વ્યવહારમાંથી અરુચિ કેમ નહિ થતી હોય? અને પ્રકૃતિ ટળતી નથી તેનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિના સુખભોક્તા થવામાં પાત્ર થવાની જરૂર છે. પાત્ર થયા વિના એ સુખ આવે નહિ. જો હમણાં એમ થાય (એટલે કે પાત્ર થયા વિના ક્ષણભર મોટા એ સુખનો અનુભવ કરાવે તો) કોઈની (મુક્તની) ગરજ રહે નહિ અને પૂર્ણપણું જ મનાઈ જાય, તેથી કરીને (આંતર) વૃદ્ધિ પામી શકાય નહિ, અને કોઈને જણાવવાનું મન થઈ જાય, જે આ મિત્ર છે, આ હેતુ છે, આને કહ્યા વિના કેમ ચાલે? એમ થાય તેથી ઠીક ન રહે. જીવનો તો સ્વભાવ જ એવો છે જે સારું સ્વપ્ન આવ્યું હોય તો પણ બીજાને કહે ત્યારે સુખ થાય. જુઓને! આ જીવને કેટલું બધું અજ્ઞાન છે, કેટલો બધો મોહ છે અને કેટલી બધી વાસના છે; જે પોતાની સ્ત્રી-છોકરાં સારુ આખો દડાહો ખડિયો ખંભે લઈને ફર્યા કરે અને સાંજે માંડ ચાર પૈસા કે આઠ પૈસા રળે. એ લાવીને સ્ત્રી-છોકરાંને ખવરાવે ને રાજી રાજી થાય, પણ કષ્ટ વેઠવું પડ્યું હોય તેનું દુઃખ મનમાં ન ધરે અને વૈરાગ્ય પણ ન થાય. જો એટલું ભગવાન સારુ કરે તો કેવડું સુખ પ્રાપ્ત થાય? પણ જીવથી એ થાય નહિ અને માયિક નાશવંત, તુચ્છ ને દુઃખદાયી તથા કોટી કલ્પ લગી માયામાં ભમાડે એવાં માયિક પદાર્થ સારુ કેટલું બધું થાય છે? ભગવાનના ભક્તને એવું ન ઘટે. ભગવાનના ભક્ત તો મહારાજની આજ્ઞાનુસાર મહારાજની મૂર્તિ રાખીને વ્યવહાર કરે, તે પણ ખોટો જાણીને (પોતાના કર્તવ્ય પૂરતો) કરે અને તેને તો એવી સમજણ હોય જે ભગવાન સારુ રામપત્તર લઈને માગવું પડે તો ય શું! પણ રાજી રાજી રહે. માથું જાતાં પણ ભગવાન ને ભગવાનના મુક્ત મળે તો ય બહુ જ સોંઘા મળ્યા છે એમ જાણે. તે ઉપર કીર્તનની ટૂંક બોલ્યા જે, "સો માથાં જાતાં રહે સોંઘા છોગાળા." ભગવાનના ભક્તની એવી સમજણ હોય. તેથી વ્યવહારિક પદાર્થની હાણ-વૃદ્ધિએ કરીને હર્ષ-શોકને ન પામે અને તે પદાર્થ મેળવવાના પ્રયત્નમાં મંડ્યો ન રહે. મહારાજની અને મોટાની આજ્ઞાનુસાર વ્યવહાર કરે. તે વ્યવહાર મહારાજ અને મોટા મુકાવે તો તરત મૂકી દે પણ કોઈ પ્રકૃતિ આડી આવે નહિ અને મુઝાય પણ નહિ. તો તેનો મહારાજના સુખમાં મોટા મુક્ત ભાગ રાખે છે. જેમ નબળો ખેડુ હોય તે સારા ધનાઢ્ય ખેડુ સાથે સહિયારો ભાગ કરે પછી પોતાના બળદો નબળા હોય અને તે ખેડુના તો મોટા જબરા હોય પણ મોલ પાકે ને વહેંચે ત્યારે જેટલું સારાને આવે એટલું નબળાને આવે; પણ જો દાડી કરી હોય તો ભાગ વહેંચાય નહિ ને દાડીના જેટલા પૈસા મળે. તેમ આપણે મોટા મુક્ત સાથે ભાગ કરવો પણ દાડીઓ કરવી નહિ. તો જેવું મોટાને સુખ થયું હોય તેવું આપણને પણ મળે. 2/80/246
33. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજની મૂર્તિ અને મહામુક્ત એ બે સામું જોઈએ એટલે બીજું બધું દુઃખ વિસરી જવાય. દુઃખ ભૂલવાનું એ એક જ સાધન છે. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, હરે મહારાજ! સ્વામિનારાયણ! એમ શ્વાસોશ્વાસે તેમને સંભારવા એટલે બધું જ દુઃખ ભુલાઈ જાય. સત્સંગમાં મહારાજ તથા મોટાના પ્રતાપે સંત-હરિભક્ત સૌ સુખિયા છે. તમારે પણ સુખિયા રહેવું હોય તો મહારાજ તથા મોટાને આગળ રાખજો. 2/81/249, 250
34. એક વાર સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા! આ સમે અક્ષરધામમાં મહારાજનું દર્શન કેવું થતું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે સ્વામી! મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે આ રહ્યા, ક્યાંય હશે એમ ન રહે. અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્યાર્થી, અનંત માયિક જીવ તે સર્વેમાં જ્યાં જ્યાં સુખ છે તે મહારાજનો જેટલો સંબંધ તેટલું છે. જેટલું સમીપે સુખ છે તેટલું છેટે નથી. સર્વથી પર અક્ષરધામમાં તો શ્રીજીમહારાજની મૂર્તિનું અતિ અપાર સુખ છે. મુક્ત તેજોમય. ધામ તેજનો જ અંબાર, સર્વે દિવ્ય સમાજ, દિવ્ય સુખ, દિવ્ય વર્ણન, "અતિ તેજોમય રે, રવિ શશિ કોટિક વારણે જાય." એવા દિવ્ય ધામમાં મહાપ્રભુ બિરાજે છે. સ્થાવર-જંગમ સર્વે ઠેકાણે મહારાજ દેખાય એ સ્થિતિ અને એ વિના કાંઈ ન દેખાય તે પ્રાપ્તિ. 2/81/250, 251
35. માસ્તર પ્રભાશંકરભાઈએ પૂછ્યું જે: બાપા! કારણ શરીર તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે માયિક પદાર્થની વાસના તેને કારણ શરીર જાણવું. એ કારણ શરીર વજ્રસાર જેવું છે; તે શ્રીજીમહારાજના ધ્યાને કરીને ટળે છે. અને નાના પ્રકારના ઐશ્વર્યના રાગ તેને મહાકારણ કહેવાય. તે મહાકારણ શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને તે મૂર્તિમાં આપોપું થાય ત્યારે ટળે છે. શિવજીભાઈએ પૂછ્યું જે:- બાપા! આપ વાતોમાં બહુધા મહારાજનું વર્ણન કરો છો તેમાં મહારાજનાં બીજાં નામ કરતાં શ્રીજીમહારાજ એ શબ્દ વધારે આવે છે તેનું શું કારણ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે એ નામ બહુ રમણીય છે, માટે વધારે વપરાય છે. 2/81/252
36. સભામાં મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત વંચાતું હતું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે, "તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે" એમ કહ્યું તથા "જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો" એમ પણ કહ્યું. એવા તેજોમય દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે. એમનાં વચન પણ સર્વોપરી, સંત-હરિભક્ત સર્વોપરી, આવાં મંદિર ને આવી રીત બધું ય સર્વોપરી છે. આવી પ્રાપ્તિ થઈ છે તો પણ જીવ માયામાં ભડાભૂટ કરે છે. આવા શ્રીજીમહારાજને રાજી કરવા આપણે સત્સંગમાં આવ્યા છીએ તેથી એમની આજ્ઞામાં રહેવું ને મૂર્તિ મૂકવી નહિ. ભગવાનના ખરેખરા કૃપાપાત્રને ભગવાનની મૂર્તિ અને ભગવાનના મુક્ત એ વિના બીજે રહેવાય જ નહિ; એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે. ખાતાં, પીતાં, નહાતાં, ધોતાં, હાલતાં, ચાલતાં, સુખમાં, દુઃખમાં મૂર્તિ સંભારવી. મહારાજે પોતે ભક્તિ કરી તે આપણને શીખવવા માટે એમ જાણવું. મૂર્તિ સંભારતાં જે જે વિઘ્ન આવે તેને મૂર્તિને બળે ટાળી નાખવાં. 2/83/262
37. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક મહારાજ ને તેમના અનાદિમુક્ત વિના બીજે ક્યાંય ભાગ રાખવો નહિ. દેહ રહે ત્યાં સુધી એમની ભેળા ને ભેળા જ રહેવું. મહારાજને તથા અનાદિમુક્તને પળમાત્ર પણ મૂકવા નહિ. આમ સમજે નહિ તે ઇન્દ્રિયોના દેવ વરુણ, ચંદ્ર, સૂર્ય આદિને જાણે પણ આપણને તો મહારાજ મળ્યા તે બીજા દેવ ઊઠી ગયા. તેથી આપણા દેવ મહારાજ થયા છે. તે આત્મામાં મૂર્તિ રહે ત્યારે મહારાજ નેત્રથી જુએ, કાને સાંભળે, મુખે બોલે એમ બધી ઇન્દ્રિયોમાં મહારાજ રહે છે. તો પણ ધામની અને મહારાજની વાટ જુએ, મુક્તની વાટ જુએ, જે ક્યાં હશે? પણ આત્મામાં છે તેને આકારે વૃત્તિ થતી નથી. જો એમાં વળગી રહે તો જેમ ફૂલની સુગંધી આવે છે તેમ મૂર્તિની અને મુક્તની ખુશબો આવે છે પણ જીવનો સ્વભાવ ચટકાવાળો છે, તે ક્યારેક ચટકો લઈ લે. 2/88/274
38. બાપાશ્રીએ વાત કરી જે, ભગવાનનો ભક્ત જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિના સુખને, મોટા અનાદિમુક્તના સમાગમ-સેવાએ કરીને, શ્રીજીરૂપ થઈને ભોગવે છે ત્યારે એને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. સર્વે ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તેને કાંઈ અલભ્યપણું રહેતું નથી, સર્વેનું સુલભપણું થઈ જાય છે. તેને કોઈ મનોરથનું અપૂર્ણપણું તથા ન્યૂનપણું રહેતું નથી. સર્વ રીતે પૂર્ણપણું થઈ જાય છે અને શ્રીજીમહારાજની મૂર્તિના સુખથી બીજું સર્વે સુખ અતિ તુચ્છ, લૂખું અને અતિ અલ્પ ભાસે છે. 2/90/286
39. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સમુદ્રને ઠેકાણે મહારાજ છે; ગંગાજીને ઠેકાણે મહારાજના મુક્ત છે. ધરાના પાણીને ઠેકાણે સાધનદશાવાળા છે. તે સિદ્ધદશાવાળા મુક્તને જોગે કરીને શ્રીજીમહારાજની મૂર્તિરૂપ સમુદ્રને પામે છે, ત્યારે સર્વે સજાતિ થાય છે. પછી વૃષપુરના પ્રેમજીભાઈએ પૂછ્યું જે બાપા! તેની વિલક્ષણતા કેમ જણાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે ગંગા વગેરે જળમાંથી મોતી નીપજે નહિ ને સમુદ્રમાંથી મોતી નીપજે તેમ સર્વે મહારાજની મૂર્તિના સુખભોક્તાએ કરીને ભારે ભારે સુખ લે છે. તે સુખ મોતીને ઠેકાણે છે, પણ ગંગાજીના પાણીમાંથી એ નીપજે નહિ, તેમ સજાતિપણે એક સરખા જણાય પણ સુખભોક્તાએ કરીને વિલક્ષણપણું છે. 2/92/291
40. બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ ક્યારે રહેવાય? તો જ્યારે દેહના સુખદુઃખને ન ગણીને કારણ ઉપર નજર રાખે ત્યારે. માટે કાર્ય ઉપર નજર રાખવી નહિ. મહારાજને સર્વોપરી સમજવા; બીજાને સૌ સૌના સ્થાને રાખવા. મહારાજનો બાંધેલો સંપ્રદાય તેમની પુષ્ટિમાં રહીએ તો મહારાજનો રાજીપો મળે અને તોડાય તો મહારાજ નારાજ થાય. માટે મહારાજનાં વચનો સામે સૂરત રાખી વર્તવું. કારણ મૂર્તિ વિનાની મોટાઈ બધી આ લોકની છે. 2/92/292
41. પ્રકૃતિના કાર્યને ખોટું કરે તે એકાંતિક. પરમાત્માને પધરાવીને સાજી સભા તે મૂર્તિ સાથે જુએ તે પરમ એકાંતિક. પછી મૂર્તિની ખુશબો આવી ત્યારે તેને અનુભવ જ્ઞાને કરીને મૂર્તિમાં રાખ્યો. એટલે મૂર્તિરૂપ થયો; તો પણ સુખનું દાતા-ભોક્તાપણું રહે છે, સ્વામી-સેવકપણું રહે છે. ચમક લોહને ખેંચે તેમ મૂર્તિમાં ખેંચાય છે. ગરુડ ઊડ્યો પછી અટક્યો એટલે મહારાજ એકલા ઊડ્યા. ગરુડથી પહોંચાણું નહિ કેમ જે તેને અનુભવ જ્ઞાન નહોતું. આપણે મહારાજને એકલા ઊડવા દેવા નહિ, પણ ભેગા ઊડતા શીખવું. 2/98/311
42. નેત્ર-શ્રોત્રાદિકને તો ભગવાનની મૂર્તિમાં જોડી દેવા, નહિ તો મોટી ખોટ આવે. જેના ઘરમાં ભગવાન નહિ તેના ઘરમાં મોટા મોટા કામ-ક્રોધાદિક સર્પ રહે છે; માટે આપણે તો એક ભગવાનની જ મૂર્તિ રાખવી અને જે એ મૂર્તિ રાખે તેને આવરણ ટળી જાય. શ્રીજીમહારાજના કહેવાણા હોય તેની તુચ્છ જેવા દોષ ફજેત કરી કિંમત કરાવે તે ઠીક નહિ. માટે મહારાજના જેવું બીજે ક્યાંય હેત થવા દેવું નહિ. 2/98/311
43. સાધુને ખટકો ન રાખે તો કેટલાંક વિઘ્ન થાય; ચેલો, પદાર્થ, આસન, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વિઘ્નરૂપ થઈ પડે અને ગૃહસ્થને દ્રવ્ય, છોકરાં, ખેતર, મેડી અને સંબંધી એ સર્વે વિઘ્ન કરે; માટે એ વિઘ્નમાંથી ઊગરવાને મહારાજ રાખવા. તે ઉપાય બહુ જબરો છે; માટે મહારાજને ભૂલવા નહિ. જેમ ગૃહસ્થને દ્રવ્યની ને પુત્રની આલોચના રહે છે, તેમ આપણે મહારાજની આલોચના રહે તો મૂર્તિ સન્મુખ થઈ જવાય. 2/98-99/312-314
44. શૂરવીર થઈને આજ્ઞારૂપી કોટમાં રહીને અંતરશત્રુને જીતીએ ત્યારે મહારાજની મૂર્તિ મળે. ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે રહેવું અને ગૃહસ્થ હરિભક્તને શિક્ષાપત્રી પ્રમાણે રહેવું તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે. તે વિના સુખની આશા કરે છે તે સર્વે વલખાં છે. 2/99/315
45. બાપાશ્રીએ સભામાં વાત કરી જે, સંતનું મધ્ય તે શું? તો આ સભામાં મહારાજ બિરાજે છે, એ સંતનું મધ્ય છે. ત્યાં જન્મ માગવો ને મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તો નવ મહિનાની કેદ મળે. તે કેદમાંથી છુટકારો થતાં વાર ન લાગે, પણ જો બ્રહ્મ તથા અક્ષર આદિના ઐશ્વર્યમાં રાગ હોય તે કોટિ કલ્પે છૂટકો ન થાય. માટે ચૈતન્ય ભૂમિમાં જન્મ લેવો. તે ચૈતન્ય ભૂમિ એટલે અક્ષરધામ (મહારાજની મૂર્તિનો પ્રકાશ); એ અક્ષરથી પર છે "ગોલોક મધ્યે અક્ષરધામ, તે મધ્યે સાકાર મૂર્તિ સહજાનંદ શ્યામ." તે ગોલોક એટલે મહારાજના તેજની કિરણો. તે મધ્યે મહારાજનો ઘાટો પ્રકાશ છે. તે મધ્યે મૂર્તિ છે. એ મૂર્તિના સુખમાં જોડાઈ જઈએ તો માયા છેટી થઈ જાય, તે ગોતી જડે નહિ. 2/101/324
46. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાથી શ્રીજીમહારાજના આકારે આકાર થઈ જાય છે. તેને ભાગવતી તનુ કહે છે, એટલે મહારાજ પોતાની મૂર્તિમાં રાખે છે અને અપરીમ્ અપરીમ્ સુખ આપે છે. 2/104/329
47. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે તે મહારાજના તેજ વડે છે. એવા શ્રીજીમહારાજ આ લોકમાં પોતાનું તેજ-ઐશ્વર્ય ઢાંકી મનુષ્ય જેવા દર્શન આપે છે તો પણ તે તો જેમ છે તેમ ને તેમ જ છે. સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ નથી. મોટા મુક્તોએ એ મૂર્તિનો મહિમા જીવોને સમજાવવા અંગોઅંગની ઉપમા આપી, જેમ કે મુખારવિંદ સૂર્ય ચંદ્ર જેવું, નાસિકા પોપટની ચાંચ કે દીપકની સગ જેવી, કંઠ કંબુ જેવો, નાભિ નૌતમ, કમર કેસરી સિંહને મોહ પમાડનારી, આંગળીઓના નખ લાલ મણિ જેવા -એમ ઉપમા આપી એ મૂર્તિનો મહિમા વર્ણવ્યો; કેમ કે જીવને ઝાઝું સમજવાની ગતિ નહિ તેથી એવી રીતે કહ્યું. શ્રીજીમહારાજે એક વખત સભામાં રમૂજ કરી કહ્યું કે આવી ઉપમાથી તો અમારો મહિમા ન કહેવાણો, પણ જીવોને સમજાવવા અમને વગોવ્યા જેવું થયું અને અમારા સંતને પણ નારદ, શુક, સનકાદિક, જડભરતની ઉપમા કેમ અપાય! પણ મોટા મુક્તને એમ જે, જે તે પ્રકારે જીવને મૂર્તિમાં હેત થાય ને દેહ તથા માયિક પદાર્થમાંથી વૃત્તિઓ ઊખડે. 2/122/379
48. દેવરાજભાઈએ પૂછ્યું જે : મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે મૂર્તિ જેવડા જ મૂર્તિમાન છે એમ મોટા સંતો કહે છે. તે બધા કેવી રીતે રહ્યા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વાત આ લોકના દૃષ્ટાંતથી સમજાય તેવી નથી. એ તો સાક્ષાત્કારવાળા જેમ છે તેમ જાણે અથવા મહારાજ દયા કરીને બતાવે તે દેખે. મૂર્તિમાં મુક્ત સર્વે સાકાર થકા રસબસ ભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મૂર્તિમાં એવું જ અલૌકિક ઐશ્વર્ય છે, જેમ ચિંતામણિમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલા પદાર્થ નીકળે તો પણ ચિંતામણિ દુબળી પડતી નથી અને એ બધું એમાં પાછું સમાઈ જાય તેણે કરીને પુષ્ટ પણ થતી નથી. એ તો જેવી હોય તેવી ને તેવી જ રહે છે. એવું સાર્મથ્ય જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિષે અલૌકિક સાર્મથ્ય હોય તેમાં શું કહેવું? એ તો હોય જ. 2/146/442
49. દેવરાજભાઈએ પૂછ્યું જે: બાપા! મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે સર્વેને સુખ સરખું આવતું હશે કે અધિક-ન્યૂન આવતું હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે સર્વે મુક્તને એક સરખું જ સુખ આવે છે. અધિક-ન્યૂન આવે તે તો સાધનિકની સ્થિતિના ભેદ છે. સાધનકાળમાં અધિક-ન્યૂન ખરું પણ સિદ્ધકાળમાં તો અધિક-ન્યૂન કહેવાય નહિ. 2/146/442
50. દેવરાજભાઈએ પૂછ્યું જે, ધ્યાનની લટક તો સન્મુખપણાની હોય અને સમજણ તો મૂર્તિમાં રહેવાની હોય તેને કેવી પ્રાપ્તિ થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે જેવી સમજણ છે તેવી પ્રાપ્તિ થાય. જેને મૂર્તિમાં રહેવાની સમજણ છે તેને મહારાજ મૂર્તિમાં જ રાખે પણ કાંઈ બાકી રહે નહિ. 2/146/442
51. બાપાશ્રી સભામાં વાત કરતા હતા તે વખતે મંદિરનું સિંહાસન કરવાવાળા કડિયા દર્શને આવ્યા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે વડોદરાનો કડિયો મંદિરનું સિંહાસન કરતો હતો તે કારીગર સારો હતો. ઘડતો ઘડતો ઊંચું પણ ન જુએ. ત્યારે મહારાજે કહ્યું જે તમારું નામ જાણીતું છે, પણ સાથે સાથે અમને રાખજો એમ કહ્યું, પણ તે તો ઘડતો જ રહ્યો ને ઊંચું પણ જોયું નહિ. ત્યારે મહારાજ કહે ઊંચું જોઈને અમારાં દર્શન કરો. પછી તેણે દર્શન કર્યાં. એવું કામ છે. માટે કામકાજ કરતાં મૂર્તિમાં વૃત્તિ રાખવી પણ ક્રિયારૂપ થઈ જવું નહિ. 2/150/452