૧૨. પંચવર્તમાનની દૃઢતા - વિભાગ ૧

0:000:00

પંચવર્તમાનમાં ફેર પડવા દેવો નહિ ને જેને ફેર હોય તેના ભેળા રહેવું નહિ

1. (પંચવર્તમાન : નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિર્માન ને નિર્મોહ-આ સૂક્ષ્મ પંચવર્તમાન કહેવાય છે; માંસ, મદિરા (દારૂ), ચોરી, વ્યભિચાર અને વટાળ (ભ્રષ્ટતા)થી દૂર રહેવું તે -આ સ્થૂળ પંચવર્તમાન ગણાય છે.) જીવ પંચવિષયના ને આ લોકના સુખ સારુ લઢી મરે છે, પણ ભગવાન સારુ કોઈ લઢતું નથી. ચાર દિવસ રહેવાનું તેને અર્થે કજિયા કરે એવા અવળા સ્વભાવ છે. પૃથ્વીના, ધનના, લેવાદેવાના, ખાધાના એવા કેટલાએ પ્રકારના ટંટા છે. આ લોકમાં તુચ્છ સુખ સારુ લઢી મરે છે ને પાછું ફેર ભોગવવા તો આવવું નથી. માટે જેને મહાપ્રભુજી પામવા હોય તેણે આ લોકમાં છોકરા શું કરશે માટે કાંઈક ધન, વાડી મેળવી આપું એમ કદી ઇચ્છવું નહિ. જીવથી તો કાંઈ બની શકે તેમ નથી. મેળવી આપું એમ જે જાણે અને તે સત્સંગી હોય તો પણ તે અજ્ઞાની છે. 1/47/90

2. જો મહારાજના વચનથી બહાર પડે એટલે નિષ્કામ, નિર્લોભ એ વર્તમાનમાં ફેર પાડે, તો મોટો વિમુખ કહેવાય; ને તેનો તો વિશ્વાસ થાય જ નહિ. ક્રિયા એટલે વર્તમાન એકેય પાળવું નહિ અને બેસવું મહારાજના ઘરમાં, તે તો બહુ કઠણ છે. માટે મહારાજનાં વચન પાળીને મહારાજને વશ કરવા. જેમ કોઈક અવળી ક્રિયા કરે તેને કેદમાં પડવું પડે, તેમ આજ્ઞા લોપે તેને આગળ દુઃખ આવે, પણ જીવે આગળ જે જે વિષય ભોગવ્યા હોય છે ને દીઠા છે તે ટળતા નથી. 1/88/161

3. જેમ બાળક તુચ્છ પદાર્થ સારુ રોયા કરે છે તેમ જીવ મહારાજનું સુખ મૂકીને સ્વાદ, માનાદિક પંચવિષયમાં પ્રીતિ રાખે છે. તેથી મૂર્તિનું સુખ મળતું નથી. 1/89/162

4. ખાવું-પીવું એ આદિક પંચવિષયના રાગ છે તે ખાવું પીવું બંધ કરવાથી ટળતા હશે કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, મનને જે રુચે તે ન આપવું ને જેવું તેવું જે મળે તે જમવું ને ધ્યાનનો અભ્યાસ રાખવો તો આસક્તિ ટળી જાય. એવી રીતે નિયમે કરીને આસક્તિ ટળે છે, જેમ સુરાખાચરની ટળી ગઈ તેમ. 1/89/162

5. પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પવિત્ર ન હોય તેનું અન્ન-જળ ખાવાપીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને એનો વાયરો આવે તો ય ભ્રષ્ટ થઈ જવાય. કદાપિ મરવા ટાણે પણ જો પાસે ઊભો હોય તો અશુદ્ધ ઔષધ ખવરાવી દે અથવા વ્યવહારિક વાતો કરીને માયિક પદાર્થની સ્મૃતિ કરાવે. માટે જેમ આપણા પગમાં કાંટો વાગ્યો હોય તેને કાઢવો તે આપણા હાથમાં છે તેમ કુસંગનો ત્યાગ કરવો તે પણ આપણા હાથમાં છે. 1/127/221

6. પંચવર્તમાનમાં ફેર પડવા દેવો નહિ અને જેને ફેર હોય તેના ભેળા રહેવું નહિ ને તેને ભેળો રાખવો નહિ. કોઈક કદાપિ ચમત્કાર જણાવે તો તેમાં તણાવું નહિ. એક મૂર્તિમાં જ તાન રાખવું ને કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપમાં ભળવું નહિ. મુમુક્ષુને તો આ દેહે શ્રીજીના અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિ સિદ્ધ કરવાની છે ને છેલ્લો જન્મ કરવાનો છે. 1/134/232

7. બાપાશ્રીએ વાત કરી જે, સ્વભાવમાં ને સિદ્ધિઓમાં બંધાવું નહિ. સ્વભાવ, સિદ્ધિઓ, જડ માયા, ચૈતન્ય માયા, માન, ક્રોધ એ આદિકમાં બંધાઈ રહે તો મૂર્તિ સુધી પહોંચી શકાય નહિ. જેમ ઘોડાને પછાડી બાંધી હોય તે તૂટે નહિ ત્યાં સુધી એ ક્યાંય જઈ શકે નહિ. તેમ એ પછાડીઓ નહિ તોડો તો મૂર્તિ સુધી પહોંચાશે નહિ. ત્યારે સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, તે પછાડીઓ પોતાની મેળે તૂટે નહિ, માટે એને તોડનારા ને છોડનાર તૈયાર છે, પણ વિશ્વાસ નથી. તેથી છોડનારનાં વચન મનાતાંય નથી ને પોતાના ઠરાવ મુકાતાય નથી. છતાં મૂર્તિની માગણી કરે છે. માટે સર્વ એષણાનો ત્યાગ કરીને મૂર્તિમાં પહોંચવાનો વેગ રાખવો. પણ જીવને પંચવિષયમાં માલ મનાણો છે તે છોડાતો નથી. તે છે તો નર્ક જેવા, પણ મોહે કરીને માલ મનાય છે. 1/136/235

8. સ્વામી ઘનશ્યામદાસજીએ કહ્યું જે, પંચવિષય થકી રક્ષા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી વાંદરાનો શો ભાર છે? પણ વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો, તેને આકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડ્યો જે, "જો હશે કોળી નાળી, તો તેલ, ટકા ને કુલ્લી તારી; અને જો હશે ઠુંઠાળો તો હું છું મરદ મૂછાળો." એમ થાય છે, પણ જો સ્વભાવને દબાવી વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઇચ્છા રાખવી તે તો વલખાં છે, પણ જીવના સ્વભાવ એવા છે જે પંચવિષયની સહાયમાં રહે છે. પણ તેની સાથે વેર કરતા નથી અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. અમારી કાકરવાડીમાં બાવળિયો હતો, તેને પાડવા માંડ્યો પણ એક મૂળ વળગી રહ્યું હતું તેથી પડ્યો નહિ. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો. એમ જ્યારે પંચવિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વે એષણાઓનો ત્યાગ કરે ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહિ; ત્યારે બીજે ક્યાં ટળશે? 1/136/235

9. સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, કૃપા કરીને આપના સર્વ હેતવાળાની પછાડીઓ છોડી નાખો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા તો છોડવા તૈયાર છે, પણ મોટા આગળ નિષ્કપટ થાય તો છોડે, પણ ઠરાવ છોડતા નથી. તેથી તુચ્છ પદાર્થને અર્થે મહારાજની આજ્ઞા લોપીને હેરાન થવાય છે. વાતો મૂર્તિની કરાય ને બાંધણાં તો તોડવાં નથી. મોટા મુક્તો તપ કરીને શ્રીજીમહારાજને રાજી કરવાની રીત બતાવી ગયા છે માટે તેમ કરવું. અંતઃકરણ તો પાડા જેવા છે. તેને પંચવિષયરૂપી રાતબ ખવરાવીને વકરાવે છે ને પછી મૂર્તિનું સુખ લેવા ઇચ્છે તે ક્યાંથી મળે? શ્રીજીમહારાજે તો વર્તમાન ધરાવતી વખતે સર્વે પાપ લઈને ચિંતામણિરૂપી પોતાની મૂર્તિ સોંપી છે, તો પણ પાપરૂપ વાસના ભેળી કરે છે ને પંચવિષયરૂપી વાઘરા પાસે લાચાર થાય છે. 1 136/236

10. આજ્ઞારૂપી લીટો લોપે તેનું રૂડું ન થાય. આજ્ઞા આત્મસત્તારૂપનું કામ કરે છે. ઇન્દ્રિયોના ગણ જીવને ક્યાંય લઈ જઈ ફગાવી દે. જેણે જેણે આજ્ઞા લોપી છે તે મોટા હતા તો પણ ધર્મથી પડ્યા છે. રણછોડ મિસ્ત્રીએ સત્સંગમાં ઘણી સેવા કરી હતી પણ આજ્ઞા લોપી તો વટલાઈને ભ્રષ્ટ થઈ ગયા અને મોટા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનું કહ્યું પણ ન માન્યું. એને સિદ્ધિઓ આકાશમાંથી આવીને ઉપાડી ગઈ. કેવાં કેવાં કીર્તન બોલતા ને ગર્જના કરતા પણ ક્યાંય તુર્કસ્તાનમાં જતા રહ્યા. ત્યાગી તથા ગૃહસ્થ લોભથી કસાઈના જેવું કર્મ કરે છે. લોભથી લાંચ લેવાય, કોઈકને મારે, જૂઠું બોલે, અન્યાય કરે; માટે ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળે એમ ન કરવું. તેમ કરવાથી ધાવી શકાય નહિ ને લાતો ખાઈ ખાઈને ડાચું ભાંગી જાય અને યમના માર ખાવા પડે તેમ ન વર્તવું; ચોખ્ખા વર્તવું. શાસ્ત્રનું ને સંતનું વચન પાળે તો સુખી થાય. મોડજી દરબારે સ્વામી હરિકૃષ્ણદાસજીનું વચન માન્યું તો સુખી રહ્યા, જો ન માન્યું હોત તો સરકારના સામા થયા હોત તો કલેવરનો નાશ થાત. સૂકા કાષ્ટમાં ધણ (જીવડાં) પડે છે તેને પણ ભગવાન ખાવા-પીવા આપે છે ને પશુ-પક્ષી પણ ખાઈને આરામ કરે છે. તે સર્વેના દિવસ નીકળે છે, માટે દ્રવ્ય કાંઈ કામમાં આવતું નથી. જો લાંચ લે તો આગળનું રળેલું હોય તેને પણ તાણી જાય. માટે ગૃહસ્થોએ લાંચ ન લેવી. કન્યા-વિક્રયનું પાપ પણ અતિશય છે અને લાંચનું પણ પાપ છે, માટે તે માર્ગે ચાલવું નહિ અને કોઈનો વાદ પણ લેવો નહિ. 1/153/271

11. આ લોકમાં ગૃહસ્થમાં કોઈના બાપે મરતી વખતે કહ્યું હોય જે મારી કેડે આમ કરજે તો તે પ્રમાણે જ તેના દીકરાને કરવું પડે છે. તો આ તો શ્રીજીમહારાજનાં વચન છે તે પાળવાં જ જોઈએ અને તો જ મહારાજ ને મુક્ત રાજી થઈને સુખિયા કરે; પણ વચન ન પાળે તો સુખિયા કરે નહિ. આ જોગમાં રહીને એવા અવળા સ્વભાવ રાખવા નહિ ને પાત્ર તો પોતાને જ થાવું જોઈએ. આજ્ઞા, નિયમ યથાર્થ પાળે તો પુરુષ પ્રયત્ન કહેવાય. તે પુરુષપ્રયત્ન પણ પોતે જ કરવો, તો મહારાજ ને મોટા પછી કૃપા કરે. 1/166/307

12. શ્રીજીમહારાજનો રાજીપો જે પંચવિષયનો અભાવ કરે ને પુરુષપ્રયત્ન કરે તે ઉપર જ થાય છે અને પછી કૃપા કરે છે. માટે પંચવિષયનો અભાવ કર્યા વિના છૂટકો નથી; તે સો જન્મે કે હજાર જન્મે કે લાખ જન્મે પણ એનો અભાવ કર્યા વિના છૂટકો નથી. જો નહિ ટાળો તો ઓચિંતાની કેદ આવી પડશે ને નવ મહિના સુધી પાચ, પરુ, વિષ્ટા, મળ, મૂત્રમાં ઊંધે માથે રહેવું પડશે ને બારી કે વાયરો કાંઈ મળે નહિ એવું દુઃખ આવી પડશે. આજ ભગવાં લૂગડાં મૂકી દઈને ધોળાં પહેરવાં પડે તો આબરુ આડી આવે, ને મરીને જન્મ ધરવો પડે તેમાં આબરુ આડી ન આવે. તે સમજણ કેવી ઊંધી કહેવાય? મોટાનો જોગ કરીને જો આજ્ઞા ન પાળે ને માયાના કાર્યમાં લેવાય તો મોટાને ખતરાવ્યા કહેવાય. 1/168/311

13. લોયાનું 5મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જિતાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઇન્દ્રિયો તો જેમ પાડાને બાર વર્ષ ખવરાવીને ખૂબ તાજા કરીને વચ્ચે સૂએ તો સુખે સૂવા દે નહિ એવી છે. સત્સંગમાં બધી વસ્તુ છે, પણ ભોગવવી નહિ ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને નિયમમાં રાખવી. જો ખાધાની બહુ આસક્તિ હોય તો ક્યાંયે વાડ તોડે એટલે નિયમ-ધર્મ મૂકી દે. માટે સૂકા હાડકાં જેવા વિષયમાંથી લૂખા થાય તો વિઘ્ન નહિ. ધણીના દરબારમાં તો ઢગલા છે, પણ બધું ભોગવવાનું નથી. જો મૃત્યુ સામી નજર હોય તો વિષયથી લૂખા થાય. જો પાંચ-દસ દિવસમાં મરવાનું છે એમ કોઈક કહે તો કેવી ભીતિ લાગે? તેવી ભીતિ વિષયની લાગે તો વિષયના સંકલ્પ થાય નહિ. જો કે આહાર બધાય અશુદ્ધ છે, તો પણ રસમાં આસક્તિ તે અતિ અશુદ્ધ આહાર છે. 1/170/314

14. ચૌદ લોકનાં સુખથી લૂખા થવું તે ચૌદ લોક કિયાં જાણવાં?

બાપાશ્રી બોલ્યા જે, સાત પાતાળ ને સાત સ્વર્ગ તે ચૌદ લોક કહેવાય છે, પણ તેમાંથી લૂખા થવે કરીને કાંઈ કલ્યાણ થાય તેમ નથી, કેમ જે તેના ઉપર તો ઘણાં લોક રહ્યાં, માટે દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ તેમાંથી પ્રીતિ ટાળવી તો ચૌદ લોક જીતાણા, માટે એ ચૌદ લોક જાણવા. એ ચૌદ ઇન્દ્રિયોમાંથી વાસના ટાળવી તો આગળ કાંઈ આડું નહિ આવે. 1/183/342

15. પાંચ કર્મ ઇન્દ્રિયો અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, તે ઇન્દ્રિયો ઘસાણી કહેવાય. તેમ જ સર્વે ઇન્દ્રિયો પોતપોતાના વિષયની ઇચ્છા ન કરે તે ઘસાણી કહેવાય. રૂપ, શબ્દ આદિમાં કોઈએ વટલાવું નહિ. પૂજા કરે, નહાય, ધુએ ને ઓથી વટલાઈ જાય તે ભૂખ, દુઃખ ને માર ભોગવે. "ચેત ચેત મન બાવરા, સંત શિખામણ દેત." ઓઢવા, પહેરવા, ખાવા, પીવાનું સર્વે ધૂળમાંથી ઉત્પન્ન થયું છે ને પાછું વળી ધૂળ. તેમાં કાંઈ માલ નથી. (માટે) જેવું મળે તેવું ગુજરાન કરવું. 1/241/487

16. રસોડામાં વઘાર કર્યો તે બહાર આવ્યો ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહાર આટલો બગાડ કરે ત્યારે માંહી બગાડ કરે જ. તે ઉપર સુરાખાચરની વાત કરી. જમવા બેસવું તે ઘણાં વાનાં હોય તે પડ્યાં મૂકીને એક વસ્તુ જ જમી લઈએ. સબડકાઓ એ બધું રસિક છે. મોટા સંતોએ રસિક માર્ગ કર્યો છે, તે મૂર્તિમાં રહીને કર્યો છે. આપણે દેહમાં રહીને કરીએ તો કીર્તન બોલતાં બોલતાં ક્યાંય ચઢી જવાય. તમારે (સંતોએ) પાણી મેળાવીને જમવું તે ઠીક અને ભૂલી જવાય તો મોટો વાંધો આવે. ઘોડા ઉન્મત્ત થઈ જાય તો નુકસાન કરે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે મોટા પાડા છે તે નુકસાન કરે. જેમ ચાર પાડા ખાટલાને પાયે બાંધીએ સૂતો તે જીવતો રહે નહિ, એ તો મરી જ જાય. એમ તે ચાર મોટા પાડા જેવા છે. તેનો વિશ્વાસ કરે તો કાયમ ન રહે. 1/241/488