• ભગવાનના સ્વરૂપનો નિશ્ચય - વિભાગ ૨
1. પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિશ્ચયમાં કસરની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ત્યારે આનંદ થાય, પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે અંતરમાં મૂંઝાય અને એમ સંકલ્પ કરે જે ભગવાન હશે કે નહિ હોય. 2/9/30
2. જ્યારે મહારાજ આપણું પ્રારબ્ધ છે ત્યારે આપણે કોઈને ગાળ દેતા પણ વિચાર કરવો, કારણ કે સુખ-દુઃખ શ્રીજીમહારાજની ઇચ્છાથી જ આવે છે. જો આપણે કોઈનું અનિષ્ટ ઇચ્છીએ તો શ્રીજીમહારાજના નિશ્ચયમાં ફેર છે અને મહારાજને સર્વ કર્તા જાણતા નથી. જુવાન દીકરાનું મરણ થાય તો પણ એમ સમજવું કે મહારાજની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા છે. ઇંદ્ર, બ્રહ્માદિક દેવ જે કાંઈ કરે છે તે પણ શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર થાય છે એમ માનવાનું છે. કોઈને મંદવાડ આવ્યો ને દવા કરી તો એમ ન માનવું જે દવાએ સાજો કર્યો; એ તો જ્યારે મહારાજ ભળે છે ત્યારે જ સાજા થવાય છે. એવી રીતે દરેક કાર્યમાં શ્રીજીમહારાજને જ કર્તા જાણવા, પણ મહારાજનું કર્તાપણું લેશ માત્ર ઓછું થવા દેવું નહિ. તેમના વિના કોઈથી સૂકું પાંદડું પણ તોડાતું નથી. માટે દેહના સુખ સારુ શ્રીજીમહારાજનું વચન લોપવું નહિ, તો મહારાજ તથા મોટા મુક્ત અતિ પ્રસન્ન થાય છે. 2/35/99.
3. ભગવાનનો નિશ્ચય કરવો તે કારણ મૂર્તિ ઓળખીને કરવો. જે કાર્ય ઉપરથી નિશ્ચય કરે છે, તેના નિશ્ચયમાં ડગમગાટ રહે છે. તે કાર્ય શું? તો આવા સાધુ, આવો ધર્મ, આવો ત્યાગ, આવા મોટા યજ્ઞ, આવી પ્રથા -સર્વે કાર્ય ઉપરથી કરેલો નિશ્ચય પણ જો શ્રીજીમહારાજની મૂર્તિનાં સુખ, ઐશ્વર્ય, મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય કોઈ કાળે ફરતો જ નથી. 2/35/100
4. મહારાજના યથાર્થ નિશ્ચયવાળા મૂર્તિને સાક્ષાત્ દેખતા ન હોય, પણ એના શબ્દ મહારાજના સંબંધના હોય તે જીવને બહુ સમાસ કરે છે અને જેને જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરી મૂકે છે, મુક્તરૂપ કરી મૂકે છે. તેના ઉપર મહારાજ અને મુક્ત બહુ પ્રસન્ન થાય છે. 2/36/106
5. નિશ્ચયની વાત બહુ અટપટી છે. તે કોઈ ચમત્કાર દેખાડે તો વળગી જાય ને કામ, ક્રોધ, લોભમાં લેવાઈ જાય. માટે દૃઢ નિશ્ચય કરી રાખવો. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. જીવ માયિક પદાર્થમાં ઝાવાં નાખે અને ઐશ્વર્ય આદિકમાં ઝાવાં નાખે એ નિશ્ચયમાં ખામી કહેવાય. પરિપક્વ નિશ્ચય હોય તો મૂર્તિમાં ખેંચાઈ જાય. એવો દૃઢ નિશ્ચય જેને થયો તે તો બ્રહ્મા જેવો આવે અને તે મહારાજ રૂપે દેખાય તો ય લોભાય નહિ. મોટા સંત સ્વરૂપાનંદ સ્વામી આદિક બેઠા છે ત્યાં હું છું, આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે જ બેઠા છીએ. આ પ્રતિમા સાક્ષાત્ અક્ષરધામમાં મૂર્તિ છે તે જ છે; એમ નિશ્ચય થઈ જાય તો સાક્ષાત્કાર સુખ આવે. 2 38/112
6. આપણા પ્રારબ્ધ શ્રીજીમહારાજ છે. જેમ છોકરાંનું પ્રારબ્ધ તેનાં મા-બાપ તેમ શ્રીજીમહારાજ આપણા પ્રારબ્ધ છે. છોકરાને અગ્નિ, જળાદિકથી તેનાં મા-બાપ જાળવે છે તેમ શ્રીજીમહારાજ કાળ, કર્મ, માયાથી જાળવે છે. દંડ દેવો હોય તો શ્રીજીમહારાજ પોતે દે. માટે એ જ આપણું પ્રારબ્ધ છે એમ નિશ્ચય રાખવો. 2/38/112
7. આ જીવને જ્યાં સુધી મહારાજનો પરિપક્વ નિશ્ચય થતો નથી, ત્યાં સુધી બાળકિયા સ્વભાવ ટળતા નથી. દેહ માટે, સગા માટે કંઈક કુટારા કરવા પડે છે તે ભગવાનને મેલીને ન કરવા પડે, જો નિશ્ચય પરિપક્વ રાખે તો નિશ્ચયમાં જેટલી કસર એટલી મહિમામાં કસર અને મહિમામાં કસર હોય તો શ્રદ્ધા ન આવે. 2/38/113
8. મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય જોઈએ. નિશ્ચયની વાત જબરી બહુ. નિશ્ચયવાળો ભક્ત હોય તે ત્રિવિધના તાપમાં ક્યાંય લેવાય નહિ. સો કાળ સામટા પડે અને અન્ન ખાવા ન મળે અથવા રાજાના માણસો કહે ચલો, પકડો, બાંધો અને બાંધીને મારવા માંડે જે હમણાં પ્રાણ જતા રહેશે; એવાં ત્રિવિધનાં તાપનાં દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે મહારાજની મરજી વિના કોઈ કર્તા નથી. દેહ પડવાનો થાય ત્યારે આનંદ થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. દેહ પડવાનો થાય ત્યારે જે બધા રહ્યા ને મારે જવું પડશે એમ ન જાણે અને જે ક્યાં જાવું છે? ધામમાં ખરેખર મહારાજ પાસે જવું છે. એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. 2/41/124
9. સભામાં લોયાનું 10મું વચનામૃત વંચાતું હતું. તેમાં ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યું જે ભૂંડા દેશકાળમાં ન રહેવું તે પરિપક્વ નિશ્ચયવાળો ન હોય તેને માટે કહ્યું છે. પણ પરિપક્વ નિશ્ચયવાળાને તો મહારાજ વિના કોઈ કર્તા નથી, તેને બીજે જવાનું કહ્યું નથી. ભૂંડો કાળ પણ બે પ્રકારનો છે. એક તો ભૂંડાનો સંગ તે ભૂંડો કાળ કહેવાય. બીજો દીર્ઘ રોગ આદિક ઉપદ્રવ હોય તે પણ ભૂંડો કાળ કહેવાય. તેમાં ભૂંડાનો સંગ તે રૂપી ભૂંડો કાળ હોય ત્યાં ન રહેવું. પણ મરવાના ભયે કરીને દીર્ઘરોગથી ભાગવું નહિ, કેમ જે ભક્ત હોય તે તો મરવું મંગળ જાણે. મહારાજના ખરા ભક્ત હોય તે મહારાજ વિના ઔષધ, વૈદ, ચોઘડિયું, મુહૂર્ત આદિ કોઈને કર્તા ન જાણે તે છેલ્લા મુદ્દાની વાત છે. ક્રિયમાણ કરવું પડે તે કરવું પણ તેનો ભાર રાખવો નહિ. તેમાં મહારાજની મરજી હોય તો મટે એમ જાણીને કરવું પણ ક્રિયમાણરૂપ ન થવું. એક મહારાજને જ કર્તા જાણવા. મહારાજ જે કરતા હોય તે સારુ જ કરતા હોય તેની આપણને ખબર પડે નહિ. મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં અતિ દુઃખવા આવ્યું ત્યારે બીજા સર્વે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આટલી બધી પીડા આ સાધુને થાય છે તે મટાડે એમ મહારાજને કહોને! ત્યારે સ્વામી કહે, મહારાજ! આ સંતને દુઃખ ખમાતું નથી. ત્યારે મહારાજ કહે: ચાર જનમની કસર છે તે ચાર દિવસમાં ભોગવાવવી છે. તે જો ચાર જન્મની કસર કોઈ લે તો પેટમાં દુઃખતું તરત મટાડીએ. ત્યારે સ્વામીશ્રી કહે મહારાજ! એમ હોય તો ભોગવાવો. માટે મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય એમ સમજવું. 2/41/128
10. જે ચમત્કાર-ઐશ્વર્ય જોઈને મહારાજનો અને મોટાનો નિશ્ચય કરે છે તે કરતાં જેને વિશ્વાસે કરીને નિશ્ચય થાય છે તે શ્રેષ્ઠ છે. 2/78/248
11. સત્સંગનો નિશ્ચય ક્યારે કહેવાય કે મહારાજ તથા મોટા મુક્ત સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નહિ. બીજા કોઈનો તેને ભાર રહે નહિ. આંબાના વૃક્ષનો એક વખત જાણીને નિશ્ચય કર્યો જે આ આંબો છે તે પછી રાત્રિ હોય કે દિવસ હોય કે ગમે તે આવીને કહે જે આ આંબો નથી ને લીંબડો છે, પણ જાણનારને આંબા સિવાય બીજો નિશ્ચય થાય નહિ. તેમ ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે તે સિવાય બીજા કોઈ ભગવાન નથી અને તેમના મુક્ત તથા સંત તે પણ એ મૂર્તિરૂપ જ છે એમ દૃઢ નિશ્ચય કરવો. 2/84/265
12. બાપાશ્રી બોલ્યા જે, સર્વોપરી દૃઢ નિશ્ચય કરવો. જો શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ ધારે તો નિશ્ચયમાં કસર ન કહેવાય. એમ ધારવાથી સાક્ષાત્કાર થઈ જાય. જ્યાં સુધી પુરુષોત્તમનારાયણનો સર્વોપરી નિશ્ચય નથી કર્યો, ત્યાં સુધી એ જીવ આડો-અવળો ધોબીના કૂતરાની પેઠે વલખાં મારે છે. તે કૂતરાએ એમ નિશ્ચય કરેલો કે આ ભીના પગવાળો તે મારો ધણી છે, પણ બીજી કાંઈ ખબર નહિ. પછી ચોમાસામાં સર્વેના પગ ભીના જોઈ એકબીજાની કેડે દોડી દોડી મરી ગયો; તેમ ન કરવું. પુરુષોત્તમનારાયણને ઓળખી દૃઢ નિશ્ચય કરવો. 2/97/308