૯. દ્રોહનો નિષેધ - દ્રોહ કરવાનું પરિણામ - વિભાગ ૧
શ્રીજીમહારાજ કે તેમના મુક્તોનો અપરાધ થાય તો સાધન સર્વે બળી જાય.
1. અવગુણવાળો જીવ હોય તેમાં પણ કાંઈક ગુણ હોય ખરો તે ગુણ આપણે લેવો પણ અવગુણ ગ્રહણ કરવો નહિ. 1/5/13
2. શ્રીજીમહારાજ પોતાના ભક્તની કામ, ક્રોધાદિક થકી રક્ષા કરે છે પણ જે પોતાના ભક્તનો દ્રોહ કરે તેની રક્ષા કરતા નથી. દાદાખાચરે હાથગરણું માગ્યું જે તમારા ભક્તના સર્વે ગુન્હા માફ કરીને અંત વખતે તમારા ધામમાં લઈ જજો ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, કરોડો ગુન્હા માફ કરીને અમારા ધામમાં લઈ જાશું, પણ જે અમારા ભક્તનો દ્રોહ કરશે તે ગુન્હો માફ નહિ કરીએ. કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહિ અને તેમાં રૂડા ગુણ આવે છે. જે દાસપણું ન રાખે ને પોતાને મોટા જાણે તેમાં માન, ક્રોધાદિક દોષ રહે છે. તે દોષ સત્સંગનો અવગુણ લેવરાવીને સત્સંગથી બહાર લઈ જાય છે ને હેરાન હેરાન કરે છે. જ્યારે જીવને સત્સંગમાં સંતનો ને હરિજનનો અવગુણ આવે છે ત્યારે તેનું માથું ફરી જાય છે ને દિશ ભૂલી જવાય છે. મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી. માટે અહંમમત્વ ન કરવો. દાસાનુદાસ થઈ રહેવું. 1/9/25
3. જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય એણે ભક્તિ કરી હોય તે રહે કે નાશ થઈ જાય?
થોડો દ્રોહ થઈ ગયો હોય તો ક્યારેક જાણે-અજાણે ભગવાન કે તેમના મુક્તના જોગમાં કે સેવામાં આવી જાય તો તેને સત્સંગમાં લાવીને તેનો મોક્ષ કરે, પણ જો ઘણો દ્રોહ કર્યો હોય તેને તો ક્યારેય ભગવાન કે તેમના મુક્તનો જોગ ન થાય એવી ગતિ થાય છે. તેથી તેનો મોક્ષ થતો નથી. 1/38/78
4. જેને મૂર્તિનું સમીપપણું નથી તેને બીજાના દોષ દેખવામાં આવે છે. જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે તેને જીવના દોષ દેખાતા નથી. સાધનિકને એ દોષ ટાળવાનો ઉપાય એ છે જે, નાના મોટા સર્વે શ્રી પુરુષોત્તમના ઉપાસક છે, તે સર્વે મહાપ્રભુજીની સભાના છે પણ અણુમાત્ર ન્યૂન નથી, કેમ જે એ બધા મુક્ત થશે. કોઈક તો છતા દેહે ધામમાં ગયાં છે, કોઈ દેહને અંતે જશે ને કોઈ બે-ત્રણ જન્મે જશે. છેવટે સર્વે શ્રીજીમહારાજ પાસે જશે. માટે આજથી તેમને આપણે મુક્ત સમજવા તો અવગુણ ન આવે. 1/39/80
5. મોટાનો જોગ કરે ને વાત ન સમજાય ને અવગુણ લે ને બીજા આગળ જઈને વાતો કરે જે એમાં તો કાંઈ નથી તો તેને કેવું થાય કે જેમ કોઈ ઝેરનો ગાંસડો બાંધીને ઘેર લઈ જઈને છોડે તેનો ધુમાડો ઊડે તે કેટલાય મરી જાય તેવું થાય, કેમ જે અવગુણ સાંભળનારનું પણ ભૂંડું થાય (બગડી જાય). 1/39/80
6. એક દિવસ ગઢડામાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે આજ તો અક્ષરધામની સભા કરવી છે. એટલામાં તો સાધુની પાછળ બેઠેલા નાના સાધુના દેહમાંથી અને હરિજનોની સભામાં પાછળ બેઠેલા હરિજનોના દેહમાંથી તેજ છૂટવા લાગ્યું, તે સર્વત્ર તેજ તેજ થઈ રહ્યું. તે જોઈને આગળ ગાદી-તકિયે બેઠેલા મોટા મોટા સંતો તથા આગળ બેઠેલા મોટા મોટા હરિજનો સંકોચાવા લાગ્યા, જે આ તો આપણથી બહુ મોટા છે, એમની આગળ કેમ બેસાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે આગળ બેસવું એ તો આ લોકની રીતિ છે તે બેસવું તો ખરું, પણ દેહે કરીને નાના હોય તેમની મર્યાદા રાખવી ને એમ જાણવું જે એ સર્વે મોટા છે પણ આપણને લોક-વ્યવહારે આગળ બેસાર્યા છે. આમાં સમજવાનું એ છે જે આ લોકને વિષે મોટા કહેવાતા હોય ને ગાદી-તકિયે બેસતા હોય એથી કામ ન સરે અને મુક્ત ગરીબ રહ્યા હોય પણ (તે જ) એક મિનિટમાં આત્યંતિક કલ્યાણ કરે. 1/72/135
7. આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભક્તિ ઝાઝી કરતાં હોઈએ ને બીજા સંત કે હરિભક્ત સૂતા હોય તે મોડા ઊઠે કે ધ્યાન-ભજન ઓછું કરે કે ન કરે તો આપણે એમ જાણવું જે એ પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે, એમ પોતાને વિષે ન્યૂનપણું માનવું. પોતે તો સ્નેહે સહિત સાધન કરવાં ને બીજાનો દોષ આવવા દેવો નહિ. ગુણ જ લેવો. તેમ કરતાં જો કોઈને વિષે દોષ જેવું જણાય તો એમ વિચાર કરવો જે તેની ખોટ તેને નડશે. શ્રીજીમહારાજ દંડ દેનારા છે એમ સમજવું. જો આપણું માને એમ હોય તો તેને સાધારણ રીતે કહેવું ને કોઈ સત્સંગના ધોરણ બહાર વર્તે તેને તો ધમકાવીને કહેવું જો ન માને તો બીજા પાસે કહેવરાવવું ને તેનું રૂડું થાય તેમ પ્રાયશ્ચિત્ત કરાવીને શુદ્ધ કરીને નોરે કરવો. છતાં ન માને તો સત્સંગ બહાર કરવાનું મોટેરાને કહેવું ને પોતે તેનો સંગ તજી દેવો. પણ દૈહિક પ્રકૃતિ જોઈને દોષ લેવો નહિ. 1/104/188
8. જેમ રાજાનો દ્રોહ કરે તો કેદમાં નાખે તેમ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો બહુ માર (નુક્સાન) કરે, બીજા જીવનો દ્રોહ એવો માર ન કરે. શ્રીજીમહારાજે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ એમ કહ્યું છે. ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો ભગવાનનો પણ થાય કેમ જે દ્રોહ કરવા માંડે તો ઠેકાણું ન રહે. જેને ગુણ લેવાનો અભ્યાસ હોય તેને સર્વેનો ગુણ આવે ને સર્વે દિવ્ય જણાય. તેથી બધાયનાં દર્શન વિવેકે સહિત કરે, માટે અવગુણને માર્ગે તો ચાલવું જ નહિ. કલ્યાણને ઇચ્છે તેને આ વાત અવશ્ય સમજવાની છે. જેને પોતાના દોષ ઓળખાય ને પસ્તાવો કરે ને માફી માગે તેને ધન્ય છે. 1/162/291
9. સ્વામી અક્ષરજીવનદાસજી બહુ સમર્થ હતા. તેમને મંદવાડ હતો ત્યારે એક જણે કહ્યું જે તમે પ્રાયશ્ચિત્ત અધૂરાં બતાવ્યાં છે તે પાપ તમારે ભોગવવું પડે છે, એમ માયિકભાવ પરઠ્યો. મૂળીમાં સદગુરુ સ્વામી હરિનારાયણદાસજી મુક્ત હતા તેમને વિષે દોષ કલ્પેલો કાગળ અમારી પાસે આવ્યો હતો તે અમે ફાડી નાખ્યો, એમ અજ્ઞાની જીવ મોટાને વિષે દોષ ન હોય પણ મોટાનું ખોટું દેખાડવા અવગુણ લે. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો મહિમા જાણીને નદી સ્પર્શ કરવા આવી હતી, ત્યારે કેટલાક કહે જે, એમને મૂઆ (ધામમાં ગયા) પછી પણ સુખ ન આવ્યું, પણ વર્ષાઋતુ નહોતી ને એકદમ પૂર આવીને સ્પર્શ કરીને પાછું તુરત જતું રહ્યું, તો યે ખબર ન પડી. એ માયિકભાવના પરઠનારા નર્ક-ચોરાસીમાં ભમે. 1/175/330
10. મોટા પુરુષનો અપરાધ થાય તો સાધન સર્વે બળી જાય! જેમ "કોળી કોળીથી કાંપો, ને કાંપે કાંપેથી ભારી; અને ભારી ભારીથી ગાડું અને ગાડે ગાડેથી ગંજી થાય." તેમાં એક દિવાસળી મૂકે તો બધું બળી જાય. 1/222/451
11. વેપાર કરવા આવે તે લાખો-કરોડો રૂપિયા કમાઈને જાય ને કોઈક ઠાલા પણ જાય. જો મુક્તને ઓળખે નહિ તો ઠાલા ગયા જેવું છે અને જો મોટાનો અભાવ આવે તો લાખો-કરોડોની ખોટ જાય; એટલે કલ્યાણના માર્ગમાંથી પડી જાય. કેમ જે મુક્તના દ્રોહનું પાપ ભગવાનનો દ્રોહ કર્યા સરખું અને મુક્તની સેવાનું ફળ ભગવાનની સેવા કર્યા સરખું થાય છે.
12. જેમ સૂર્ય સામી ધૂળ ઉડાડે તો તે ધૂળ એની મેળે જ ઉડાડનારાના મોઢા ઉપર પડે છે. તેમાં સૂર્ય કાંઈ કરતો નથી. તેમ મોટા પુરુષનો દ્રોહ કરે તો જીવ એની મેળે જ આસુરી થઈ જાય છે, પણ મોટા પુરુષ તો કોપ કરતા જ નથી. મોટા તો અધમ જેવા જીવનું પણ સારું થાય એવો જ સંકલ્પ કરે છે. જેમ કોઈને ઘણા દીકરા હોય તેમાં એક અકર્મી હોય તો પણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી ને તેનું સારું થાય એવું જ ઇચ્છે છે તેમ. 1/231/465
13. જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય તે બીજાને પણ સત્સંગના અવગુણ ઘાલે; તેથી જીવનો નાશ થઈ જાય. જેને મહારાજના ભક્તમાં કેવળ દોષ દેખાય તે કનિષ્ઠ છે. ને જેને ગુણ ને દોષ બે ય દેખાય તે મધ્યમ છે અને જે એકલા ગુણ દેખે તે ઉત્તમ છે. જેને પોતામાં કેવળ દોષ હોય તે બીજામાં કેવળ દોષ દેખે. પોતામાં ગુણ ને દોષ બે ય હોય તો બીજામાં ગુણ ને દોષ બે ય દેખે અને જેમાં કેવળ ગુણ હોય તે બીજામાં કેવળ ગુણ દેખે. સર્વના ગુણ જોવા અને એમ સમજવું જે, કેરી કાચી હોય ત્યારે તૂરી હોય ને મોટી થાય ત્યારે ખાટી હોય અને પાકે ત્યારે મીઠી થાય પણ કેરી ખરી. તેમ જ જેમાં દોષ હોય તે કાચા છે તે ધીરે ધીરે ટળશે ત્યારે પાકા થશે એમ સમજવું. 1/132/230
14. થોડી બુદ્ધિવાળાને કોઈના દોષ નહિ સૂઝતા હોય તેનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, થોડી બુદ્ધિવાળાને મૂઢપણું છે ને મોટાને વિષે વિશ્વાસ ને હેત હોય તેથી કોઈના દોષ સૂઝે નહિ અને જેને સંતનું વચન એકેકું લાખો હીરાનું થઈ પડે ને દોષ તો દેખવામાં આવે જ નહિ. આ રામપરાનાં ધનબાઈના ભાઈ દેવશી ભક્ત ભોળા હતા તે બીજા હરિભક્તોને શ્રીજીમહારાજની વાતો કરતા, તે જોઈને કુસંગીઓ મશ્કરીમાં હસે; ત્યારે તે ભક્ત બોલે જે, જુઓ! આ ભક્ત વાતોમાં કેવું સમજે છે ને એને કેવો મહિમા છે તે વાતો સાંભળીને રાજી થાય છે. એવા વિશ્વાસુ હતા તે એમને કુસંગીના દોષ દેખવામાં આવ્યા નહિ. 1/158/279
15. સો જણની પાસે ગુજરાતી પાશેર પાશેર ભાર હોય તે કોઈને જણાય નહિ પણ એ સર્વે ભાર એકની પાસે આવે તો ભારે થઈ પડે. તેમ સો જણાનો એકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને એકેકો ગુણ લે તો સો ગુણ આવે માટે સર્વે સંત-હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહિ. પંચ વર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો. કોઈકને શિખામણ દેવી તે પણ શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. પોતામાં રજ, તમાદિક ગુણ આવે ને પ્રકૃતિને વશ થઈને કહે તો પોતાનું સુકૃત કરેલું હોય તે બળી જાય, માટે દયા રાખવી. તેનો ઉદ્ધાર થાય તેવી રીતે કહેવું, પણ શિખામણ દેતાં શિક્ષા થાય તેમ ન કરવું. 1/38/76
16. જેને પોતાના દોષ ટળી જાય તેને બીજા કોઈના દોષ સૂઝે નહિ (બીજાને નિર્દોષ જાણે). સર્વે એક બાપના (મહારાજના) દીકરા જણાય. વહેલા-મોડા સર્વે મહારાજ પાસે જશે એમ જાણે તો (અભાવ-તિરસ્કાર રૂપી) દોષ ન આવે. જેમ અગ્નિ જળે કરીને ઓલાય છે તેમ. જેના હૃદયમાં મહારાજની મૂર્તિ આવે છે તેને કોઈના દોષ સૂઝતા નથી. તેના સર્વે દોષ નાશ પામી જાય છે. 1/38/77