• અનુભવ જ્ઞાન એ જ ખરું જ્ઞાન - વિભાગ ૨
1. સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, સિદ્ધદશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે સિદ્ધદશામાં બીજા ગુણ કહેવાય નહિ. સિદ્ધદશામાં તો એકલું અનુભવજ્ઞાન રહે છે. તે અનુભવજ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં ને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવજ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું અને અક્ષરધામનું- સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. 2/41/122
2. બાપાશ્રી બોલ્યા જે, માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિકભાવ છે ને સળંગ દેખાય તે અનુભવજ્ઞાન છે. આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવજ્ઞાન વધે એમાં શું કહેવું! એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી. આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે પણ શ્રીજીમહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહિ. 2/58/184
3. અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંતકોટી બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે. 2/85/267
4. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્ઞાન માર્ગમાં તો એમ જે આ થકી આ ને આ થકી આ, આ ખોટું, આ સાચું એમ વર્ણન હોય પણ અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે અને એ જ જ્ઞાન ખરું છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે. એ કારણ મૂર્તિ. તે મૂર્તિને જ્ઞાને સર્વે ખોટું કરી નાખવું, કેમ કે આપણે એક મૂર્તિ જ પામવી છે. આપણે તો સાચી વસ્તુ શ્રી સ્વામિનારાયણ તે રાખવા. દિવ્ય સ્વરૂપ મૂર્તિનું અને દિવ્ય સ્વરૂપ મુક્તનું, એ બે ય સ્વરૂપ દિવ્ય છે. એમને જોગે કરીને દિવ્ય થવાય છે.
5. બાપાશ્રીએ વાત કરી જે, ચાર પ્રકારનો પ્રલય મહારાજની ઇચ્છા પ્રમાણે થાય છે. તેમાં જ્ઞાનપ્રલય તો પુરુષ પ્રયત્ને કરીને થાય. તે જ્ઞાનપ્રલય સદાય રહે છે અને ચૈતન્યની મૂર્તિ થાય એટલે મહારાજના અનુભવજ્ઞાને કરીને અનાદિમુક્ત થાય છે. 2/100/317
6. બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન જેને થાય તેને તો અખંડ સ્મૃતિ રહે, મૂર્તિ ભુલાય નહિ. જનક વિદેહી જેવું જ્ઞાન થાય તો અર્ધા શરીરને ચંદન ચર્ચે ને અર્ધા શરીરને તલવારથી કાપે એ સરખું થાય, કેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી તેને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. 2/151/453,454