• દાસત્વભાવમાં શ્રીહરિની પ્રસન્નતા - વિભાગ ૨
1. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે જીવના સ્વભાવ એવા અવળા હોય છે તે મોટાના સમાગમમાં હોય પણ જો તેને અધર્મમાં માન સત્કાર મળે તો મોટાનો સમાગમ મૂકી દે ને અધર્મમાં માને કરીને બંધાઈ જાય છે. તમે ક્યાંય બંધાશો નહિ. કેટલાક ગુરુ વૃદ્ધ હોય ત્યારે પોતાનો શિષ્ય પંડિત થાય અને તેને માન સત્કાર મળે તો ઠીક એવી ઇચ્છા કરે માટે ભલા થઈને કોઈ એવી ઇચ્છા રાખશો નહિ અને મહંતાઈ લેશો નહિ. ભવાન ભજજો અને ભજાવજો. એ જ કામ કરજો. એમ પોતાના વિષે હેતરુચિવાળા સંતોને શિક્ષાનાં વચન કહ્યાં. 2/4/19
2. સભામાં છેલ્લા પ્રકરણનું 27મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, માને કરીને પડી જાય છે એવા કામે (કામવાસનાએ) કરીને પડતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, "સાધન સર્વે માન બગાડે પળ વિષે." માનીને માન બધું ય બગાડે, કદાચ કામી હોય તો નભ્યો જાય પણ માનીને જોખો (જોખમ) મોટો છે, કેમ જે કોઈ મોટા સંત-હરિભક્ત પ્રકૃતિને મરોડે ત્યારે માનરૂપ દોષને લીધે તેના અવળા સંકલ્પ થયા કરે. માનીને એવા સંકલ્પ થાય એ જોખો મોટો છે, કારણ કે એમાંથી જીવનું બગડે." 2/27/72
3. જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે મીન સ્નેહી જળ તેવું હેત રાખવું, નિર્માનીપણું રાખવું, મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય. 2/35/98
4. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજ્જે ચડે છે. આ લોકમાં અપમાન થાય તો ય સહન કરવું, તો ઘણો લાભ થાય. 2/37/109
5. જેને સત્સંગની લટક ખરેખરી આવી હોય તે કામ, ક્રોધ રસના આદિકના પેચમાં ન આવે ને મૂર્તિ સન્મુખ રહે. માટે આશ્રમનું, સ્થાનનું એમ કોઈનું માન ન રાખવું. અમદાવાદનું વૃત્તાંત કાંઈ નહિ, મૂળીનું સારું; મૂળીનું કાંઈ નહિ, ભૂજનું સારું, એવું કાંઈ માન ન રાખવું. મહારાજે સારાય સત્સંગને અક્ષરધામની સભા કહી છે. 2/38/115
6. સત્સંગમાં સૌના દાસ થઈ રહેવું. આ સભામાં કોઈનો વાંક હોય, અગર ન હોય તો પણ પંચ મળી વ્રત-ઉપવાસ કરવાનું કહે તો કરવું. જો નિર્માની થઈને કરે તો તેના ઉપર શ્રીજીમહારાજ રાજી રહે. વાંક હોય અને ન કરે તો તેને બહુ દોષ લાગે છે. વાંક ન હોય અને ન કરે તો સભાનું અપમાન કર્યું કહેવાય; માટે દોષ લાગે તેથી નિર્માની થઈને પંચ કહે તેમ કરવું. 2/41/129
7. શ્રીજીમહારાજ અને મોટાને લઈને આપણી મોટપ છે. માટે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહિ. માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે. 2/44/139
8. શ્રીજીમહારાજની મોટાઈ જાણીને મહિમાએ સહિત ભક્તિ કરતો જાય, તો બાકી શું રહે! માટે દાસપણું રાખવું. જો હું-પણું આવી જાય તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય નહિ. હું-પણું આવે તો જરૂર ભૂંડું કરે. માટે કોઈ જાતનું હું-પણું આવવા દેવું નહિ. જો હું-પણાની માનીનતા આવી જાય અને કોઈનો અભાવ લેવાય તો કેડો ભાંગી દે, માટે સત્સંગમાં દાસપણું રાખવું. દાસપણું રાખવામાં બહુ સુખ છે. 2/55/173
9. પોતાપણું આવવા દેવું નહિ, કારણ કે પોતાપણું આવે તો દુઃખિયો થઈ જાય અને એમ જાણવું જે, જે જે સેવા-સન્માન થાય છે તે મહારાજને થાય છે. રાજા સાથે કારભારી જાય તો રાજા સાથે તેને પણ સત્કાર મળે છે, એ બધું રાજાને લઈને છે. તેમ આ સત્સંગમાં સર્વેની મોટપ મહારાજને લઈને છે. મોટા મોટા સદગુરુ હોય તેમણે પણ એમ જાણવું જે પૂજા સર્વે મહારાજને જ થાય છે. આપણે તો નિમિત્તમાત્ર છીએ. 2/64/201
10. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની કૃપાએ પોતાને કાંઈક ઐશ્વર્ય-સામર્થી પ્રાપ્ત થઈ આવે તો પણ કાંઈ ન સમજતો હોય તેવો ગરીબ થઈને તથા ભગવાનના ભક્તનો દાસાનુદાસ રહીને, સત્સંગમાં જે મોટા અનાદિમુક્ત હોય તેમનો જોગ કરે અને ભગવાનનો મહિમા અધિક સમજીને સુખને દબાવે એમ કરતો જાય તો તે વૃદ્ધિને પામતો થકો મહામુક્ત થઈને શ્રી પુરુષોત્તમના સ્વરૂપ સંબંધી મહામોટા, અચળ, અખંડ સુખને તથા અદભુત અખંડાનંદને પામીને શ્રી પુરુષોત્તમરૂપ થઈ જાય છે અને જો તેને કાંઈક ઐશ્વર્ય-સુખ પ્રાપ્ત થઈ આવ્યું હોય તેનો ઉદ્ઘોષ કરીને પોતાને વિષે માણસ ખેંચવા માટે અથવા પોતાની મોટપને પોતાનું સુખ તે બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે તથા ચમત્કારની ને સુખની વાતો કરવા માંડે તો તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે અને લૂખો થઈ શૂનકાર જેવો થઈ જાય છે અને છેવટે સત્સંગમાંથી પડી જાય એવા મોટા વિઘ્નને પામે છે. કેમ કે તેનો કોઈ સંત-હરિભક્ત નિષેધ કરે, પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવાના આગ્રહને લીધે તેને એ સંત-હરિભક્તનો અવગુણ આવે ત્યારે પડી જાય, માટે પોતાનો ગોળ પોતે ચોળી ખાવો. 2/74/232
11. બાપાશ્રી બોલ્યા જે, કોઈ પૂજા-પ્રતિષ્ઠા કરે કે માન-સત્કાર મળે એ સર્વે શ્રીજીમહારાજને જ થાય છે પણ આપણે વિષે તો કાંઈ ગુણ નથી. એમ સર્વે વાતમાં મહારાજને જ આગળ રાખવા. પોતાને વિષે કોઈ રૂડા ગુણ બતાવે અથવા પોતાને રૂડા ગુણ ભાસે એ સર્વે મહારાજને લઈને છે, માટે મૂર્તિને વિષે સર્વે વળગાડવું પણ લગારે પોતાપણું આવવા દેવું નહિ. એવી નિરંતર સૂરત રાખવી, તો મહારાજને વિષે દાસપણું દૃઢ થાય છે. આપણે પોતાની સરસાઈ કરવા સારુ કોઈની સાથે બગાડવું નહિ ને કોઈ પ્રકારનો કલેશ થાય તેમ પણ ન કરવું. સર્વે સાથે હળી મળીને રહેવું, કેમ કે કલેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે, માટે કોઈ સાથે વિરોધ કરવો નહિ. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય, તેનું આપણે સત્સંગીને કામ નહિ. માટે કોઈને ઘસારો ખમીને પણ સંપ રાખવો ને નમીને સર્વેથી ચાલવું. 2/95/300,301
12. કડીવાળા દલસુખભાઈએ પૂછ્યું જે, બાપા! વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે માનવાળા તો કોઈ નભી શક્યા નથી. તે માન ટાળવાનો કોઈ ઉપાય હશે કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન ક્યાંથી ટળે? તન, મન, ધન અને અનેક જન્મનાં કર્મ તે ભગવાનને આપવાનાં તેમાં કર્મ આપે છે, તન ન આપે, મન ન આપે ને ધન પણ ન આપે. આ તો એકલા કાંકરા આપે છે, તે એકલા કાંકરા કોણ લે? ઘઉં ભેળા હોય તો ચાલે. તેમ એકલાં કર્મ કોણ લે? તો પણ મહારાજ ને મોટા તો જીવને બહુ જ સુખિયા કરે છે અને સ્વભાવ મુકાવી મૂર્તિના સુખમાં મૂકી દે છે. મહારાજ ને મોટા મુક્ત તો જીવને કેવળ સુખ દેવા જ પધાર્યા છે. બીજું કાંઈ એને કામ નથી. પણ માન રાખે તો મોટા રાજી ન થાય. માન એવું છે કે બધાય સાધન થોડીક વારમાં બગાડી દે. 2/98/313
13. બાપાશ્રી બંને સદગુરુ પ્રત્યે બોલ્યા જે, સુખિયો કોણ? તો જે મહારાજની મૂર્તિ રાખે, સાધુતા ખરી રાખે ને સત્સંગમાં દાસભાવે વર્તે તે. એ વિના ગાદી-તકિયાવાળા અધિકારી, મહંત ને કોઠારી આદિકનાં કોઈ નામ જાણતું નથી અને માન, મોટપ, યશ, કીર્તિનો ત્યાગ કરી સત્સંગમાં દાસત્વપણે વર્તે તેને સહુ વખાણે છે. તેનું તો બહુ જ કામ થઈ જાય છે. તેને દેહ મૂક્યા કેડે પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વાંસે સર્વે સંતના આશીર્વાદ જાય છે, જે કેવા સાધુ હતા! કેવા હરિભક્ત હતા! જેમ દાદા ખાચરના ને પર્વતભાઈના વખાણ થાય છે તેમ. 2/102/325
14. બાપાશ્રીએ વાત કરી જે, જેને આ દેહે મહારાજને રાજી કરી લેવા હોય તેને તો પોતાના ઠરાવ પડ્યા મૂકી શીળા (શિતળ) થઈ જવું તો મૂર્તિનું સુખ આવે. મહારાજ સર્વે કર્તાહર્તા છે, અંતર્યામી છે તેથી એ જે કરશે તે ઠીક જ કરશે. માટે સત્સંગમાં દાસપણું અને નિર્માનીપણું રાખવું અને ઢાળ પણ એવો જ પાડવો, તેમાં સુખ બહુ છે. એ ઢાળમાં મહારાજની પ્રસન્નતા વહેલી થાય છે. તે વિના તો હું અધિકારી, હું મહંત, હું કોઠારી એવું માન આવી જાય અને પક્ષાપક્ષી વધે, આ જીત્યો ને આ હાર્યો એમ થાય; પણ ખરી હારજીત એ નથી. મહારાજ તથા મોટાને આશરે રહી તેમને રાજી કરે તેની જીત છે અને એ દિવ્ય મૂર્તિઓને ભૂલીને એ કુરાજી થાય તેવું કરે તેની હાર છે. મૂર્તિને લઈને જ બધાની મોટાઈ છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી, પણ આપણે અહંમમત્વ કરીને મૂર્તિથી જરાય જુદા ન પડવું, નહિ તો માયા ખીજાણી છે તે રૂપ ઉઘાડાં કરાવે, જેને મૂર્તિનું સુખ લેવું હોય તેને તો બધી તાણાતાણ મૂકી મહારાજનું ધ્યાન કરવું. 2/120/374