૧. ભગવાનનું સ્વરૂપ-મૂર્તિ એ જ સર્વસ્વ - વિભાગ ૧

0:000:00

નોંધ : આ પુસ્તકમાં એક જ વિષયને લાગતાં લખાણ જુદી જુદી વાર્તામાંથી તારવવામાં આવ્યા છે. દરેક લખાણને લખાણની શરૂઆતમાં ક્રમ આપવામાં આવ્યો છે અને લખાણને અંતે બાપાશ્રી વાતો (ત્રીજી આવૃત્તિ)નો ભાગ (૧ કે ૨)/ વાર્તાનો ક્રમાંક / પાન નંબર તેનો ઉલ્લેખ આપવામાં આવેલ છે. તો તેની નોંધ લેવા વિનંતી.

સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. પછી સાધનને મૂકી દેવાં. મૂર્તિ મળ્યા પછી એ સાધન રાખવાં નહિ, એક મૂર્તિ જ રાખવી.

1. જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધન માત્ર તે ભેળાં જ સિદ્ધ થઈ જાય છે પણ મૂર્તિને મૂકીને અનંત કલ્પ સુધી સાધન કરે તો પણ કાંઈ સિદ્ધ થાય નહિ. જેમ ઘાંચીનો બળદિયો ફર્યા કરે પણ પંથ ખૂટે નહિ તેમ એકલા સાધનથી પાર આવે નહિ. મૂર્તિ આવે તો કાંઈ અધૂરું રહે જ નહિ, જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ રહે જ નહિ તેમ. 1/4/10

2. નદી, તળાવ, સમુદ્ર તે પાણીને રહેવાનાં પાત્ર છે તેમાં સમુદ્ર શ્રેષ્ઠ પાત્ર છે. માટે સમુદ્ર જેવો પાત્ર થાય ત્યારે મહારાજની મૂર્તિ દેખાઈ આવે. જેમ વીજળીનો સંચો ચાલે છે તેના દીવા થઈને પ્રકાશ થાય છે ને જ્યારે સંચો બંધ થઈ જાય છે ત્યારે દીવાનો પ્રકાશ પાછો વળી જાય છે તેમ. એ દૃષ્ટાંતનું રહસ્ય એ છે જે સંચાને ઠેકાણે શ્રી મહાપ્રભુજીની મૂર્તિ છે, વીજળીને ઠેકાણે શ્રીજીમહારાજનું સુખ છે ને દીવાને ઠેકાણે મુક્ત છે. જેમ દીવો પ્રકાશ કરી આપે છે તેમ મુક્ત મહારાજનું સુખ લઈને જીવોને આપે છે. મુક્ત વિના પરબારું મહાપ્રભુજીનું સુખ કોટી સાધને પણ મળતું નથી. તે પણ પાત્ર પ્રમાણે મળે છે. જો ગ્રહણ કરનાર પાત્ર ન હોય તો જેમ દીવાનો પ્રકાશ પાછો સંચામાં વળી જાય છે તેમ એ સુખ પાછું મહારાજ પાસે જતું રહે છે. વળી બીજું દૃષ્ટાંત : જેમ વીજળીનો ઝબકારો પૃથ્વી ઉપર આવીને પાછો આકાશમાં મેઘની ઘટામાં જતો રહે છે તેમ. 1/13/32

3. સાધુ કે સત્સંગીનો વેષ કરીને બેસીએ તો વેષમાં સુખ ન આવે. તે વેષ તે શું તો કંઠી, તિલક કરીને સત્સંગીનો વેષ લીધો ને ભગવાં લૂગડાં પહેરીને સાધુનો વેષ લીધો પણ સાધુનાં તથા સત્સંગીનાં લક્ષણ ન આવ્યાં હોય ત્યાં સુધી વેષ લીધો કહેવાય. માટે કંઠી ને તિલક એમ બે-ચાર પૈસાનો સત્સંગ ન કરવો. આત્માને વિષે શ્રીજીમહારાજ પધરાવવા. તો જ સત્સંગ કર્યો જાણવો. 1/15/36

4. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ, અનંત પ્રકારનાં ઐશ્વર્ય રહ્યાં છે તે સિદ્ધદશાવાળાને સર્વે ભેળાં આવે (અનુભવાય) છે, જેમ પાકમાં ઘી, ગોળ, સાકર, એલચી, તજ, લવિંગ એ સર્વેનો જુદે જુદે પ્રકારે ભેળો સુગંધ આવે છે તેમ. સાધનદશાવાળાને કારણ અને કાર્ય તે સર્વેનું નોખું નોખું સુખ આવે છે. મહારાજની મૂર્તિ અને એ મૂર્તિમાં રસબસ રહેલા મુક્ત કારણ છે અને સાધુ, બ્રહ્મચારી, આચાર્ય, સત્સંગી, ઉત્સવ, સમૈયા, ઘોડા, હાથી, રથ, વિમાન, પાલખી, બાગ, બગીચા એ સર્વે કાર્ય છે. 1/16/39

5. મૂર્તિનું સુખ આવે તો સર્વે વિષય, માન, મહોબત, સેવાભક્તિ તે જેમ પાણીમાં ભારે વસ્તુ નાખીએ તે દેખાય જ નહિ તેમ વીસરી જાય અને એક મૂર્તિ જ દેખાય. રાગમાં, રંગમાં, કથામાં, વાર્તામાં મૂર્તિની સ્મૃતિ ભૂલી જવાય તો ચાળે ચઢી ગયા એમ જાણવું. શાસ્ત્ર ભણીને પાનું ઝાલીને કથા વાંચે ને જો મૂર્તિ ભુલાય નહિ તો તો ઠીક. જો મૂર્તિ ભૂલી જવાય તો જેમ રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય. માટે અખંડ તેલધારાવૃત્તિ મૂર્તિમાં રાખવી. મહારાજની મૂર્તિ તેને મૂકીને કાર્ય જે સત્સંગની સેવા થાય તો તે મહારાજની મૂર્તિરૂપી નિશાનને ચુકાવી દે છે. શ્રીજીમહારાજે કાંકરિયાની ચોરાસી કરી ને પછી એ પ્રવૃત્તિ ટાળી નાખી એ વાત પોતાના એકાંતિક ભક્તને અર્થે મધ્ય પ્રકરણના 22મા વચનામૃતમાં કહી છે. એકાંતિક (ભક્ત)ને કાર્યમાં સમાસ નથી અને નવા આદરવાળાને (કાર્ય) સમાસ કરનારું છે, શા માટે તો એથી બીજબળ થાય છે. આત્યંતિક કલ્યાણ તો મૂર્તિથી જ થાય છે. કાર્ય તો જેમ આકાશમાં રીંછડીઓ એટલે (ડુવાળા) બધે ભરાઈ જાય છે અને વરસાદ થાય એવો ભાવ જણાવે છે પણ વરસે નહિ, અને કદાપિ વરસે તો પૃથ્વી ભીની કરે પણ રેલ ચલાવે નહિ- એવું છે. કારણ જે મૂર્તિ તે તો જેમ મૂશળધાર વરસાદ વરસે તે પૃથ્વી દેખાય જ નહિ એવી રેલ ચઢાવે ને એકલું જળ જળ થઈ રહે તેમ જળને ઠેકાણે મૂર્તિ છે તે એકલી મૂર્તિ અણુ અણુ પ્રત્યે ભાસે એવું છે. 1/20/45

6. પરભાવની વાતોમાં જીવ (અંતરાત્મા) રાજી થાય છે અને આ લોકની વાતોમાં ઇન્દ્રિયો રાજી થાય છે. જપ, તપ આદિક સાધનથી કામાદિક શત્રુ ટળે નહિ અને ટાઢું પણ થાય નહિ. એ તો (સાથે સાથે) શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવાથી અંતરમાં ટાઢું થાય અને અંતઃશત્રુ વેરાભાઈની પેઠે નાશ થઈ જાય. તે તો જીવ કરતો નથી અને મોટા મુક્ત કેમ દોષ ટાળતા નથી એમ (વાંક કાઢે છે) સંકલ્પ કરે છે. બહારની કથા (એટલે કે મૂર્તિ વિનાની અન્ય વાતો) જીવમાં ટાઢું ન કરે, એણે કરીને તો ઇન્દ્રિયોમાં ટાઢું થાય. કાર્યથી જુદો પડીને (મોટાનો જોગ કરી) મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય. મોટાનો જોગ કરીને મૂર્તિ પામવી. જોગ કર્યાનું ફળ તો જ મળ્યું જાણવું. 1/26/53

7. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે. પછી જેમ ચોખા કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરીએ છીએ તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. પછી સાધનને મૂકી દેવાં. મૂર્તિ મળ્યા પછી એ સાધન રાખવાં નહિ, એક મૂર્તિ જ રાખવી, કેમ જે મૂર્તિ અંગી છે ને સાધન અંગ છે. જેમ પંખી અંગી છે ને પાંખો અંગ છે તેમ કારણ (મૂર્તિ) તે અંગી કહેવાય અને કાર્ય તે અંગ કહેવાય. સાધને કરીને મૂર્તિની પ્રાપ્તિ થાય છે પણ સાધનનો ખખા (ભાર) રાખવો નહિ. જો ખખા રાખે તો (તે) મૂર્તિમાં ચોંટવા દે નહિ. જેમ જળમાં લાકડું નાખીએ તો જળથી બહાર નીકળી જાય પણ પથ્થર બહાર નીકળે નહિ તેમ. સાધનનો ખખા ન રાખીએ ને એક મૂર્તિ જ રાખીએ તો મૂર્તિથી બહાર નીકળાય નહિ. મૂર્તિ મૂકીને વિદ્યા, સાધન એ આદિકને સંભારે છે તે હલર-વલર (ચૂંથાચૂંથ) કરે છે, જ્યારે મહાપ્રભુજી અને મોટા મુક્ત તે એમ જાણે જે આ બાળકિયા (મૂર્તિમાં સ્થિર ન થવાય એવા) સ્વભાવ કરે છે. પદાર્થ (સાધન-સામગ્રી) પોતે ભેળાં કરે અને તેણે કરીને ઉત્સવ, સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય પણ એકાંતિક ભાવવાળાને એણે કરીને સુખ ન થાય. આ વાત જે મૂર્તિમાં રહેતા હોય તેની છે. 1/26/53

8. જેમ ઉપવાસીને જમવાની ત્વરા થાય છે તે રસોઈનો સામાન ભેળો કરીને રસોઈ કરે છે તેમ તત્પર થઈને જો વિધિ (ભક્તિ) એટલે (પ્રસન્નતાના) સાધન કરે તો દોષ બળી જાય. જીવને મૂર્તિ ધારવામાં શ્રદ્ધા (ટકતી) નથી અને આળસ રાખે છે એટલે મૂર્તિ સિદ્ધ થાતી નથી. ખબડદાર થઈને પુરુષપ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય. 1/28/57

9. આ જીવને મહારાજના અલૌકિક સુખમાં વૃત્તિ ચોંટતી નથી ને માયિક દુઃખમાં વળગી રહે છે. તેણે આત્માને નુકસાન કર્યું માટે આત્મઘાતી થયો તે પંચ મહાપાપીથી પણ ઘણો પાપી છે; શા માટે જે ચોરાશીમાં આથડવું પડે. મહાપ્રભુજી વિના બીજે હેત રહે તે મોટું પાપ છે. જેમ ભરતજીને મૃગનો દેહ લેવો પડ્યો તેમ. રબારીનો છોકરો મરે ત્યારે રુએ તે એમ બોલે જે, કાગડો થઈને દૂધ પીવા આવજે અને વાઘ થઈને બકરું ઉપાડવા આવજે-એવું અજ્ઞાન છે. તેમ જ સાધુને શિષ્ય મરે ત્યારે શોક કરે જે એવો નહિ મળે; ને પદાર્થ, પુસ્તક, આસન, તુંબડી એ આદિક પદાર્થ સારુ કજિયા (કલેશ-કંકાસ) કરે તે પણ રબારી જેવો જ અજ્ઞાની છે. 1/47/90

10. મહારાજની મૂર્તિમાંથી તરેહ તરેહનાં અનંત સુખ આવે છે. જેમ મહારાજની વાતો એકની એક નિત્યે કરીએ તો આનંદ ન આવે અને જો નિત્ય નવી નવી વાતો થાય તો આનંદ વધતો જાય તેમ. મહારાજનું સુખ નવું નવું છે ને અનંત પ્રકારનું છે. તે સુખને મૂકીને જીવ છે તે કાર્યમાં સુખ માને છે ને મૂર્તિને પડી મૂકે છે. જેમ શ્રીજીમહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે ધર્મપિતા અને ભક્તિમાતા બ્રાહ્મણોને જમાડવાની સરભરામાં રહ્યાં ને મહારાજને ભૂલી ગયાં તો કાળીદત્તે આવીને વિઘ્ન કર્યું. તેમ મહારાજને જીવ ભૂલી જાય એટલે કામ, ક્રોધાદિક શત્રુ છે તે જીવને વિઘ્ન કરે છે. 1/50/96

11. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડ્યા જેવું છે. એ તો મરી જવાય એટલે કરનારનો કે સાંભળનારનો મોક્ષ ન થાય; માટે પ્રગટ શ્રીહરિના ઉપાસકને તો પ્રગટના પ્રસંગની વાતો કરવી. જ્યારે મહારાજની વાતો કે કથા થાતી હોય ત્યારે મહારાજ અને મુક્ત આવીને વિરાજમાન થાય છે ને બહુ રાજી થાય છે. (પ્રસન્નતા વરસાવે છે), અને મહારાજ વિના બીજો પ્રસંગ આવે તો બહુ કુરાજી થાય છે -જે આવા મોટા મુક્ત તે જીવોને મળ્યા તો પણ માયિક આકારને સંભારે છે. તે કેવું કરે છે તો જેમ ચક્રવર્તી રાજા આગળ પટેલની મોટપ વર્ણવે તેમ કરે છે. માટે મહારાજની કથા-વાર્તા થાતી હોય ત્યાં બીજી પરોક્ષ વાત ન કરવી. આપત્કાળ વિના જો મહારાજના પ્રસંગ વિના બીજો પ્રસંગ કાઢે (ઉચ્ચારાય) તો જેમ કોઈકને જમવા બેસારીને પીરસે નહિ તો તે નિરાશ થઈને ઊઠી જાય ને તેને જેવું વસમું લાગે તેવું મહારાજને તથા મુક્તને વસમું લાગે છે. 1/51 98

12. જેમ આપણાં નેત્ર ઉઘાડીએ, ત્યારે નદી, ઝાડ, પહાડ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક અનેક પદાર્થ દેખવામાં આવે અને નેત્ર મીંચીએ (અંતર્વૃત્તિ કરીએ) તો કાંઈ દેખાય નહિ; એક મૂર્તિ જ દેખાય છે, તેમ બહાર દૃષ્ટિવાળાને અનંત ઐશ્વર્ય, ધામ, લોક, ભોગ એ સર્વ દેખવામાં આવે છે. અંર્તદૃષ્ટિવાળો નેત્ર મીંચે કે તુરત જ મૂર્તિ, ધામ ને મુક્તને દેખે અને તે વિના બીજું કાંઈ છે જ નહિ એવું થઈ જાય. માટે મૂર્તિમાં જ નિમગ્ન રહેવું. મૂર્તિમાં રહીને કથા-વાર્તા કરવી અને વાતમાં મૂર્તિનું બીજ લાવવું પણ બીજે ડોળે ફરવા (ચડી) જાવું નહિ. 1/52/99

13. જેમ રાજા પાસે જાવું હોય તે પ્રથમ ઘરે ઘરે ફરીને છેલ્લીવારે રાજાને સલામ ભરે તો તે રાજા રાજી થાય નહિ. તેમ બધું સંભારતાં સંભારતાં છેલ્લીવારે મહારાજને સંભારે તો મહારાજ રાજી થાય નહિ. માટે ક્ષણવાર પણ મૂર્તિ ન ભૂલવી. 1/52/99

14. (જે) એક મૂર્તિમાં જ જોડાઈ જાય એને મહારાજના જ્ઞાનની ને સુખની વાતોનાં જીવમાં સાર પડી જાય ને જીવ સરાઈ જાય તે મૂર્તિ વિના રહી શકે નહિ. સુખ મહારાજમાં છે અને માગવા બીજે જાય છે, એટલે કાર્યમાં સુખ માને છે ત્યાં સુખ ક્યાંથી હોય? જેમ રાજાને પડ્યા મૂકીને વસ્તી પાસે સુખ માગે તે ક્યાંથી મળે? માટે કાર્યને પડ્યું મૂકીને કારણ જે મૂર્તિ તેમાં ચોંટી પડે તો સુખ મળે. 1/52/100

15. જો શ્રોતા-વક્તા બે યની આતુરતા હોય તો મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય પણ નપુંસકથી ન થાય, તે કરોડ જન્મે પણ ન થાય. તે શ્રોતા-વક્તાની વિક્તિ જે જેને મોટા મુક્તની વાતમાં વિશ્વાસ ને શ્રદ્ધા (આસ્તિકપણું) ન હોય ને સંશય થાય તે નપુંસક શ્રોતા જાણવો; તેને જોગ-સમાગમનું સુખ ન આવે, અને જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને સંશય ન થાય તે શ્રોતા ઉત્તમ જાણવો, તેને સમાગમનું સુખ આવે. જે વક્તાને મહાપ્રભુજીની મૂર્તિનો સંબંધ ન હોય તે વક્તા નપુંસક જાણવો અને જે વક્તાને મૂર્તિનો સાક્ષાત્ સંબંધ હોય તે વક્તા ઉત્તમ જાણવો. મહારાજના સંબંધ વિનાની જે જે વિદ્યા ભણવી, કથા કરવી, વાર્તા કરવી, સેવાભક્તિ કરવી તે સર્વે નપુંસક છે ને નિર્બિજ છે. જે સત્સંગ કરે છે ને મહારાજને કર્તા ને અંતર્યામી જાણે છે છતાં પણ મનમાં ખોટા ઘાટ થાય છે અને તેને ઉપજવા દે છે તેણે મહારાજની અને મુક્તની મર્યાદા ન રાખી, માટે તે પણ નપુંસક ને નિર્બીજ છે. જે મહારાજને અને મોટાને સદાય અંતર્યામી જાણે ને ભેળા સમજે ને ખોટા ઘાટ ન થવા દે ને મર્યાદા રાખે તે સબીજ ને આસ્તિક છે. 1/63/121

16. જીવમાં મહારાજ પધરાવ્યા ક્યારે કહેવાય? 'બાપાશ્રી' બોલ્યા જે, જ્યારે મોટા મુક્ત મળે ને નવો જન્મ આપે, આશીર્વાદ આપે ને (ચૈતન્યમાં) મૂર્તિ પધરાવી દે ત્યારે મહારાજની મૂર્તિનું ધ્યાન કરે તો મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને ધ્યાન ન કરે તો અંત સમયે મોટા મૂર્તિનો મેળાપ કરાવે. 1 74/137

17. જેમ બાજરો વાવીને પકવીને પેદા કરતો હોય તેને કોઈ હજારો પારસમણિઓ આપે તો તે બીજા ઉદ્યમ કરવા પડ્યા મૂકે, તેમ ઘણાક પ્રકારની વાસના હોય પણ મૂર્તિ મળે તો તે સર્વે બળી જાય છે. આ મોંઘી વસ્તુના ઘરાક થવું. બીજું બધું મળે પણ આ વસ્તુ જે શ્રીજીમહારાજ તથા મુક્ત તે ન મળે.

18. મહારાજની મૂર્તિનું સુખ આપણને મળ્યું છે તેને ભૂલી જવું નહિ. એને ભુલાવનાર ઘણા છે; અંતર ભુલાવે, બહાર ભુલાવે, લોક ભુલાવે, મા-બાપ ભુલાવે અને સત્સંગી પણ ભુલાવે -એવાં ઘણા વિઘ્ન છે જે એ માર્ગ હાથ ન આવવા દે. તેથી મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય તો એટલું અધૂરું જાણવું. 1/24/52

19. જ્યારે પોતાપણું કાંઈ ન રહે ત્યારે તે પતિવ્રતાનું અંગ જાણવું. આવું અંગ થાય તે જ સુખિયા થાય છે અને જે પોતાપણું રાખે તે દુઃખિયા રહે છે. જેને મહાપ્રભુજીની મૂર્તિમાં તાન હોય તેનો પાકો પાયો કહેવાય. જેને રાગ, રંગ, વિલાસમાં તાન હોય તેનો પાકો પાયો ન કહેવાય. 1/78 143

20. જેને દૃઢ આત્મનિષ્ઠા થઈ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિને આકારે દૃષ્ટિ થઈ હોય તેને પ્રસાદી ને વગર પ્રસાદી બે ય સરખું છે. ને તેનો જ પાકો પાયો છે. જેને દેહાભિમાન હોય તે ચેલા પાસે સેવા કરાવવા સારુ પગલાં-પ્રસાદી રાખે ને પ્રસાદીનો મહિમા વધારે પણ પ્રસાદી તો કાર્ય છે ને મૂર્તિ તો કારણ છે. માટે મૂર્તિ આકારે વૃત્તિ કરવી. એ જ અવશ્ય કરવાનું છે. જેને મૂર્તિ આકારે દૃષ્ટિ ન થઈ હોય ને નવા આદરવાળા હોય તેને એ પ્રસાદી પવિત્ર કરે છે ને મહારાજની સ્મૃતિ કરાવે છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેને તો કાર્ય માત્રને વિસારીને એક મૂર્તિમાં જ દૃષ્ટિ રાખવી. પ્રસાદીની વસ્તુમાં પણ હેત રહે ને અંત વખતે સાંભરી આવે તો મોક્ષમાં વાંધો આવે. મૂર્તિ વિના બીજું સર્વે બંધનકારી છે. 1/78/143

21. આ જીવને મંદવાડ છે તે ભજિયાં-વડાં ભાવે છે. તે શું તો મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ તે જ મંદવાડ છે. તે આ ફેરે મહારાજ ને મોટા મળ્યા છે તે રહેવા દેશે નહિ. 1/89/163

22. જેને આત્મનિષ્ઠા ન હોય તેને મહારાજ અથવા મુક્ત સમાધિ કરાવે ને તેને તેજનો સમૂહ દેખાય તો લાડકીબાઈની પેઠે બીક લાગે; જેમ વરસાદમાં કડાકા થાય ત્યારે બાળક બીએ તેમ. સ્વરૂપનિષ્ઠાવાળાને તો ધ્યાનમાર્ગમાં એ કાંઈ આડું આવતું નથી. એને તો વ્યતિરેક મૂર્તિ એક જ રહે છે; અને જે સમાધિ માર્ગમાં જાય છે તેને પ્રણવ અને નાદ આડા આવે છે. તે પર્વતભાઈ મયારામ ભટ્ટને કહેતા જે તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તે શ્રીજીમહારાજના ધામથી ઓરાં છે. તમે તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તેની વાત પ્રત્યક્ષ મૂર્તિને મૂકીને શું કૂટ્યા કરો છો? તુર્યા અવસ્થા તો ધામમાં જતાં માર્ગમાં આવે છે. તે અમે ભાળી છે, એમાં કાંઈ માલ નથી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના સર્વે કાચું છે અને પ્રણવ ને નાદ તે પણ મૂળપુરુષના અંગૂઠામાંથી નીકળે છે ને એ સર્વે મૂળપુરુષનું કાર્ય છે. માટે એને સંભારવાં નહિ. 90/165

23. મહારાજનો મહિમા જણાય તો સાધનનો ભાર રહે નહિ અને મહિમા ન જણાય તો જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય આદિ સાધનનો ભાર જણાય. જેમ ભાતુ બાંધીને ચાલ્યો તે ભારે મરે અને તેને ખાવાના સંકલ્પ કર્યા કરે, અને જે ખાઈ ગયો તેને ભાર પણ ન રહે ને સંકલ્પ પણ ન થાય; તેમ જેને મહાપ્રભુજીનો મહિમા છે ને સ્વરૂપનિષ્ઠાવાળો છે તે તો મહારાજની મૂર્તિના સુખરૂપી સમુદ્રમાં ઝીલ્યા કરે ને એને કોઈ વિઘ્ન આડું આવે નહિ. સાધનના ભારવાળાને તો કોઈ મોટાનો અવગુણ પણ આવી જાય તથા ભૂંડા દેશકાળ પણ લાગી જાય ને કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન આવી જાય ને સાધન કરેલાં હોય તે પણ જતાં રહે. સાધન છે તે માગેલાં ઘરેણાં જેવાં છે. તે કોઈક લઈ પણ જાય. માટે સાધનનો ભાર ન રાખવો. મૂર્તિ મુખ્ય રાખવી. 1/91/166

24. બાળ અવસ્થામાંથી એકદમ વૃદ્ધ થઈ જાવું ને મૂર્તિમાં જોડાઈ જાવું ને એક મૂર્તિ ને મુક્ત તે જીવન માનવું. જેમ માછલાંને જળ જીવન મનાણું છે તો મોટા મોટા મગર ને મોટા મોટા હાથી તણાઈ જાય પણ માછલું ઘણે ઊંચેથી ધારોડો પડતો હોય તેના સામું ચઢી જાય છે, તેમ મહારાજનું સુખ લેવામાં બળ આવે. 1/98/178

25. બધા ગુણ શ્રીજીમહારાજના છે. કદાપિ શ્રીજીમહારાજ પોતાના ગુણ કોઈકને કિંચિત આપે તો તે પોતાના ન માનવા. ધણીના માનવા. ધૂળ ઘાલી તે શું થાય? આ ધૂળ નથી ઘાલી. આ તો શ્રીજીમહારાજની ચૂંદડી ઓઢી છે. તે ધન્ય ભાગ્ય છે; જેટલું રાજાનું એટલું રાણીનું રાજ્ય થઈ ગયું છે. જુઓ તો ખરા, ભીખ માગી ખાતા હતા તે મટી ગયું; એ મહારાજનો પ્રતાપ છે. આવો અવસર ફરી નહિ આવે. 1 103/187

26. માંડવીનો ભાટિયો પરણીને આવતો હતો, તે દરિયામાંથી તો પાર ઊતર્યો પણ ધામધૂમ કરવા રહ્યો એટલામાં નદી આવી તે તાણી ગઈ. માટે ધામધૂમ કરવા ન રહેવું. પુસ્તક, ચેલા, ધર્માદા આદિક નવાં નવાં ચરિત્ર કરવાં તે સર્વે ધામધૂમ છે. તે ધામધૂમરૂપી કાર્યમાં રખડવું (અટવાઈ જવું) નહિ. તેને મૂકીને મૂર્તિમાં જોડાવું. બેઠે બેઠે તરંગ કરવા નહિ. યાત્રા કરવા જાવું, સભાઓ જીતવી, સમૈયા કરવા તે સર્વે ધામધૂમ છે. મૂર્તિને વિસારીને તે ન કરવું. 1/103/187

27. મહારાજને સન્મુખ રાખે તો સાધનની મહત્તા ટળી જાય. ઠરાવવાળો દુઃખિયો અને અંત અવસ્થાવાળો સુખિયો માટે જાણપણારૂપ દરવાજે ઊભા રહીને મહારાજને સંભારવા. જો એકલું સેવાભક્તિરૂપ થઈ જવાય તો પણ બંધન કરે. અધિકારવાળો પણ દુઃખિયો. 1/104/189

28. જીવની અંતર્ગત ઈશ્વર એટલે મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તે રહ્યા છે અને તેની અંતર્ગત શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ રહ્યા છે ને તેની અંતર્ગત અક્ષર રહ્યા છે અને તે અક્ષરથી પર ને તેના કારણ અને પોતાના તેજવડે કરીને તેમના આધાર ને અંતર્યામી ને કારણ ને નિયંતા એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તે શ્રીજીમહારાજ છે; તેમની સાક્ષાત્કાર પ્રાપ્તિ જીવને શી રીતે થાય? બાપાશ્રી બોલ્યા જે જ્યારે પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામેલા મુક્તનો જોગ થાય ત્યારે તે મુક્તને પ્રતાપે કરીને શ્રી પુરુષોત્તમની દૃઢ ઉપાસના થાય, ત્યારે તેને પડદા (આવરણો) રહેતા નથી; અને પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તે કોઈનો ભાર કે મહત્તા કે સારપ રહેતી નથી. એક શ્રી પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમની જ સારપ ને મહત્તા રહે છે. એ તો છતે દેહે જ શ્રી પુરુષોત્તમ પાસે પહોંચી ચૂક્યો છે. આજ મોટા પુરુષોએ એવી રચના બાંધી દીધી છે કે સર્વે ટૂંકામાં લાવી દીધું છે. આજ તો પરબાર્યો સીધો રસ્તો મળ્યો છે; ક્યાંય ફરવા જવું પડે તેમ નથી. બધું જ્ઞાન કહેવા જઈએ તો પાર આવે નહિ. આ ત્રણ શબ્દ "પુરુષ, બ્રહ્મ ને અક્ષર" એ જુદા કાઢી નાખીએ એટલે તરત શ્રી પુરુષોત્તમની સમીપે પહોંચીએ. માટે પોતાને શ્રી પુરુષોત્તમના તેજરૂપ માનીને, એ તેજમાં મૂર્તિ જોવી. અર્થાત્ શ્રી પુરુષોત્તમના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજમાં મૂર્તિ ધારવી અથવા અનાદિમુક્તરૂપ માનીને મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી પણ મૂર્તિમાન મૂળઅક્ષરરૂપ માનવું નહિ. કેમકે જે વસ્તુરૂપ થઈએ તે વસ્તુની પ્રાપ્તિ થાય. આમ શ્રી પુરુષોત્તમ વડે જ શ્રી પુરુષોત્તમનું દર્શન થાય, પણ મૂળઅક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમનું દર્શન થાય નહિ. માટે પોતાને પુરુષોત્તમરૂપ માનવું. 1/105/190

29. ભક્તિ કરતાં જો ઈર્ષ્યા આવે તો ભક્તિ નિષ્ફળ થઈ જાય. જેમ ઝાડ વાવીને પાણી પાય પણ જો કવા આવે તો ફળ ન આવે તેમ થાય. જો જીવને હુંપણું ટળી જાય તો સર્વે દોષ નાશ થઈ જાય. આત્મા શુદ્ધ થાય ત્યારે મૂર્તિ દેખાય. મૂર્તિરૂપી અમૃત મૂકીને વિષ ન ખાવું. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે. "અમૃત રસ મેલી રે વિષ હું શીદ ચાખું". 1 106/192

30. શેદલાના પ્રાણજીવનભાઈએ પૂછ્યું જે: જેમ આ લૌકિક પદાર્થ સર્વે દેખાય છે તેમ જ (જો) મહારાજ દેખાય તો જીવ મહારાજને મૂકે નહિ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે આ જગ્યાએ દ્રવ્યનો ભંડાર દાટ્યો છે એમ કોઈક કહે તો જેને વિશ્વાસ હોય તે ખોદે તો દ્રવ્ય નીકળે.

પછી માલણિયાદના અમીચંદભાઈ પૂછ્યું જે: ખોદવાની શ્રદ્ધા ન હોય તો કેમ કરે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે શ્રદ્ધા તો મહારાજ ને મોટા આપે પણ વિશ્વાસ નથી. જીવ તપાસ કરતો નથી. એટલે અંતરમાં જોતો નથી જે આ વાતોમાંથી મેં કેટલી ગ્રહણ કરી. જો તેમ કરે તો દોષ માત્ર નાશ થઈ જાય ને મૂર્તિ દેખાય ને સુખ આવે. 1/108/195

31. કોઈ હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે ખરો મહિમા સમજવાનો શો ઉપાય છે?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રદ્ધા સહિત શ્રીજીમહારાજનાં વચન પાળવા માંડે તો જેમ જેમ પાળતો જાય એટલે વચનમાં વર્તતો જાય તેમ તેમ અંતરમાં સિદ્ધતા થાતી જાય ને બ્રહ્મભાવને પામતો જાય. આમ સાક્ષાત્ શ્રીજીમહારાજના સુખનો અનુભવ થાય ત્યારે ખરો મહિમા જાણ્યામાં આવે. શ્રીજીમહારાજ ને મુક્ત સદાય પ્રગટ ને સાક્ષાત્ બિરાજે છે એવું જણાતું નથી. (એવી દૃઢ સમજણ થાય નહિ) ત્યાં સુધી મહિમા સમજાય નહિ ને સુખમાં પણ ફેર રહે. એ તો અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે યથાર્થ મહિમા સમજાય. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, તે તો જો મોટાનો વિશ્વાસ રાખીને મંડે તો એ સુખની પ્રાપ્તિ થાય. 1/120 210

32. સ્વામિનારાયણનું સુખ જે લે એટલે જેને ખપ હોય તેના કામનું છે. બીજાના કામનું નથી. જેમ બાપના ઘરમાં લાખો રૂપિયા હોય પણ બાળકને ખબર ન પડે તેમ જેને શ્રીજીમહારાજનું સુખ સમજાણું હોય તે તો, એ સુખમાં જે કોઈ જતો હોય તેને અહીં આ લોકમાં રોકી રાખવાનો સંકલ્પ ન કરે. ભગવાનના ભક્ત ધામમાં ગયા હોય તેમને સંભારીએ ત્યારે ભગવાન ભજવામાં કામ આવતા એવા ભાવથી સંભારવા, પણ વ્યવહારિક કામમાં ઉપયોગી હતા એવા ભાવથી ન સંભારવા. 1/130/226

33. મૂર્તિથી બહાર જેટલું સુખ મનાય છે તે અજ્ઞાન છે. તેને ટાળીને સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવી, પણ મહારાજને મૂકીને કોઈ ક્રિયા કરવી નહિ. આ મંદિરમાં પાણો ચઢાવતાં ચાર જણથી ન ચઢ્યો ત્યારે ચારે જણને કોરે ખસેડીને હુંપણું લાવીને સાધુ હરિપ્રિયદાસે ચઢાવ્યો. તેને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે શ્રીજીમહારાજને વિસારીને હુંપણું લાવીને પાણો ચઢાવ્યો તે ઠીક ન કર્યું. સર્વે ક્રિયા શ્રીજીમહારાજને સાથે રાખીને, એમની ને મોટા મુક્તની પ્રસન્નતાને અર્થે કરવી, પણ વખાણ માટે કે માન માટે ન કરવી. 1/135/234

34. જાગ્રતમાં તો સ્મૃતિ રખાય પણ સ્વપ્નમાં ને સુષુપ્તિમાં કેમ રખાય?

બાપાશ્રી બોલ્યા જે મૂર્તિનો વેગ લાગીને તે વેગ જીવમાં પેસે તો ત્રણે અવસ્થામાં મૂર્તિ ભુલાય નહિ. એમ કહીને બોલ્યા જે જીવને વાર્તા કરી કરીને થાકી જઈએ ને જ્યારે વાત કરતા રહી જઈએ એટલે પૂછે જે કેમ કરીએ તો સર્વે ખોટ ટળે? અને કેમ કરીએ તો મૂર્તિનું સુખ આવે? પણ આ બધી વાતો થઈ તે ખોટ ટાળવાની ને મૂર્તિનું સુખ આવવાની જ થઈ છે. પોતાને તો જરાય કારસો આવવા દેવો નથી અને ખોટ ટાળીને સુખિયા થાવું છે. એ બે ય વાત કેમ બને? જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે, એટલે ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરતા નથી. 1/139/243

35. જેમ ચિંતામણિ મનોરથ સત્ય કરે છે તેમ શ્રીજીમહારાજ ને મુક્ત આપણાં સર્વે શુભ મનોરથ સત્ય કરે છે; પણ જો સાચો ભાવ હોય તો. શ્રીજીમહારાજે પૂછ્યું કે સંતો! ખાલી છો કે ભર્યા છો? તે કોઈને આવડ્યું નહિ. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ! કેટલાક ખાલી હશે ને કેટલાક ભર્યા હશે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે ખાલીના કોઈ ધણી નથી. ધણી (શ્રીજીમહારાજ) માંહી ન હોય તો લુખો લાગે ને તેની કિંમત પણ કાંઈ નહિ. લૂંટણિયા (અંતઃશત્રુઓ) ઘણા છે, માટે શ્રીજીમહારાજ ને તેમના મુક્તને મુકરદમ રાખવા ને ધ્યાન-ભજન, માનસી પૂજા આદિમાં સંભારવા તો સૂક્ષ્મ ઘાટ પણ થવા પામે નહિ.

અંતઃકરણ શુદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય. જેમ કાચની પૃથ્વીમાં સૂર્ય દેખાય તેમ અંતઃકરણ ચોખ્ખું થાય તો શ્રીજીમહારાજ સાક્ષાત્ બિરાજે; બોલાવવા પડે જ નહિ, જેમ કાચમાં સૂર્ય દેખાઈ આવે તેમ. 1/148/259

36. તૃણની ઝૂંપડી ને ફાટેલ ગોદડીવાળા સંતની સભામાં કથા-વાર્તા થાતી હોય ત્યારે વૃત્તિ બીજી રીતની થઈ જાય અને ઉદ્ઘોષમાં વૃત્તિઓ ડોળાઈ જાય. જેમ બોટાદવાળા શિવલાલભાઈએ શ્રી રઘુવીરજી મહારાજની પધરામણી ભાવનગરમાં કરાવીને રાજા પાસે સન્માન કરાવ્યું; તે પ્રવૃત્તિમાં પોતાના આત્માને ને મહારાજને દેખતા તે બંધ થઈ ગયું. પછી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી જે હવે મહારાજ ને આત્મા દેખાતા નથી, ત્યારે સ્વામી બોલ્યા જે તમે પ્રવૃત્તિમાં ભળી ગયા તેથી નથી દેખાતા. તો હવે આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જઈને પ્રાર્થના કરો. પછી તેમણે સ્વામીને પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રીએ કૃપા કરીને કહ્યું જે ધ્યાન કરો. બે મહિને દેખાશે. પછી શ્રદ્ધા રાખીને તેમ કર્યું એટલે બે મહિને આત્મા ને મહારાજ દેખાયા. એમ પ્રવૃત્તિ પણ મૂર્તિમાં જોડાવામાં વિક્ષેપકર્તા છે. 1/151/266

37. મૂળઅક્ષરકોટી તથા તેથી નીચે બ્રહ્મકોટી તથા તેથી નીચે કૃષ્ણાદિક બીજા અવતારો તે સર્વે શ્રીજીમહારાજના અન્વય સ્વરૂપમાંથી (પ્રગટ) થયા છે અને વ્યતિરેક સ્વરૂપે તો મુક્તને મળ્યા છે પણ મૂળઅક્ષરાદિકને કોઈને મળ્યા નથી. એ સર્વેમાં તો અન્વય એટલે શ્રીજીમહારાજના તેજરૂપી ઐશ્વર્ય રહ્યું છે. સત્સંગમાં શ્રીજીમહારાજ ચાલોચાલ ભક્તોમાં અંદર પડદે રહ્યા છે અને એકાંતિક ભક્તમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન ભેળા રહ્યા છે. પરમ એકાંતિક મુક્ત મૂર્તિની સન્મુખ રહી સુખ લે છે અને અનાદિમુક્ત તો મૂર્તિમાં રસબસભાવે રહ્યા છે. એ તો બહુ સુખિયા છે; એમની તો વાત જ જુદી છે. 1/162/294

38. જ્ઞાન ઘણાં પ્રકારનાં છે પણ અનુભવ જ્ઞાન ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવ જ્ઞાન કહેવાય. "રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી". મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ. એને કાંઈ જોઈએ જ નહિ. તેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ. કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ, એક મૂર્તિ જ. 1/170/313

39. શ્રીજીમહારાજને આત્માને વિષે પધરાવ્યા; એટલે બધા દેવતા ઠેઠ અક્ષર સુધીના ઊઠી ગયા, ને એક મહારાજ દેવતા થયા અને બધું કર્તાપણું મહારાજ દ્વારે જીવને રહ્યું તે વ્યતિરેકપણે રહ્યું પણ અન્વયપણે નહિ. અન્વયપણે તો અક્ષરકોટીથી લઈને જીવકોટી સુધી જ. આ તો વ્યતિરેકપણે એટલે મૂર્તિમાન મહાપ્રભુ આત્માને વિષે રહીને સર્વ ક્રિયા કરે છે. જેમ લોકમાં (માટીના કે ધાતુના) ગરબા કરે છે, તેમાં કાણાં કરે છે ને માંહે દીવો મૂકે છે; તેનું અજવાળું કાણાંમાં દેખાય છે; તેમ આત્મામાં રહીને શ્રીજીમહારાજ સર્વે ઇન્દ્રિયોમાં ક્રિયા કરે છે. નેત્રે જુએ છે, પગે ચાલે છે, શ્રોત્રે સાંભળે છે- એમ સર્વે ક્રિયા મહારાજ કરે છે. 1/174/328

40. ભગવાનના ભક્તે ત્રિવિધ તાપમાં અંતર ડોલવા દેવું નહિ, તે કિયા તો અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ. તેમાં દેહમાં ધાસણી (સંગ્રહણી) જેવા રોગ થાય તે અધ્યાત્મ; અને રાજાનો ઉપદ્રવ જે પકડો, ઝાલો, બાંધો, મારો, કેદ કરો એવું રાજા સંબંધી દુઃખ આવી પડે તે અધિભૂત અને લાગલાગટ દુષ્કાળ પડે એવું મોટું દુઃખ આવે તે અધિદૈવ; એવા દુઃખમાં રાજી રાજી રહે, પણ ભગવાનની મૂર્તિ મૂકે નહિ તે ખરો ભક્ત જાણવો. 1/176/331

41. પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું. તેમાં એક પુરુષોત્તમ રહે છે એમ આવ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે ગાડું મહારાજે વીંખી નાખ્યું એટલે દેહભાવ સમૂળો કાઢી નાખ્યો ને એક પોતે જ રહ્યા. વળી અક્ષરાદિક સર્વે નથી એમ કહ્યું; તે જેમ ગાડામાં ખીલા હોય તે કાઢી નાખીએ તો ગાડું વીંખાઈ જાય, તેમ મહારાજે પૃથ્વીથી લઈને મૂળઅક્ષર સુધી બધું ખોટું કરી નાખ્યું ને એક પોતે જ રહ્યા. માટે એક મહારાજને રાખવા ને મૂર્તિમાં વળગી પડવું. એક ક્ષણવાર પણ મૂર્તિ ન મૂકવી. સાધુ થયા કે સત્સંગી થયા એટલે બધું થઈ ગયું- એમ માની બેસી રહેવું નહિ ને હિલોળે ચઢી જાવું નહિ એટલે કાર્યમાં (પ્રવૃત્તિમાં) જ પડ્યા રહેવું નહિ. 1/178/334

42. જ્યાં મહારાજ ને મોટા મોટા સંત હોય ત્યાં આનંદ આનંદ હોય. અમે નવલખીએ રાત રહ્યા હતા. ત્યાં કથા-વાર્તા કરી તે સભામાં સ્ટેશન માસ્તરો આવીને બેઠા ને કથા-વાર્તા સાંભળી આનંદ પામ્યા. જ્યાં મહારાજ ને મોટા વિચરે તે સ્થળ ચૈતન્યભૂમિ કહેવાય. જે પૃથ્વી ઉપર મહારાજ ને મુક્ત વિચર્યા, જમ્યા, હર્યા, ફર્યા તે ાર્વે ભૂમિ પ્રસાદીની ને પવિત્ર થઈ. જેમ એક પ્રસાદીના લૂગડાંને કે પથ્થરને એક કોરે અડે તો પણ બધું પવિત્ર થાય, તેમ પૃથ્વી શ્રીજીમહારાજના સંબંધને પામી તે સાજી પ્રસાદીની થઈ ગઈ; એટલે સર્વે જીવ બીજબળ બંધાઈ મહારાજને ઓળખશે. 1/191/359

43. સર્વે ક્રિયામાં મૂર્તિનું અનુસંધાન રાખવું અને બીજા વિધિ ઓછા કરવા. વિધિ કરવામાં વખત જતો રહે તો ભજન-સ્મરણ, કથા-વાર્તા, જ્ઞાન, ધ્યાન તે સર્વે રહી જાય. 1/25/52

44. કોઈ જાણે જે હું પટેલ છું, દાક્તર છું, પંડિત છું, એ બધું અજ્ઞાન મૂર્તિ આવે તો જતું રહે. સ્વામિનારાયણના ઘેર મોટા થઈએ તો ઠીક પણ એમ નથી થાતું. આ લોકમાં અધિકાર આવે તે તો રાખનાં પડીકાં છે. સાધન (પુરુષાર્થ) કરી કરીને મોટા થયા એમાં શું મોટા થયા? એમાં શું સુખ થયું? એ સર્વે સાધન તો મહારાજની મૂર્તિથી છેટાં કરી મૂકે છે, માટે એ બધું ટાળીને મૂર્તિમાં જોડાવું; મૂર્તિનું અનુસંધાન ચૂકવું નહિ.

45. શ્રી ગોપાળાનંદ સ્વામીને એક હરિજને પૂછ્યું જે હું કપાસની સાંઠિયો ખોદું છું ત્યારે મહારાજ તેજોમય દેખાય છે, તે શી રીતે ખોદું? મહારાજને વાગે તે સારુ ખોદતો નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે મહારાજને નહિ વાગે, ખોદજો. આપણે પણ એમ મૂર્તિ દેખાય એ કરવાનું છે. જેમ દિવસમાં રાત્રિ લીન થાય છે તેમ માયાને મહારાજના તેજમાં લીન કરીને મૂર્તિ જોવી. જો આગ્રહ કરે તો દેખાય, પણ આગ્રહ નથી કરતા એટલે મૂર્તિ નથી દેખાતી. મહારાજ મોંઘા બહુ છે, તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને કે કોટી સાધને કરીને પણ મળે તેમ નથી પણ આજ સોંઘા થયા છે-કૃપાસાધ્ય બન્યા છે માટે મહારાજની મૂર્તિની સ્મૃતિએ સહિત ધ્યાન, માળા, પૂજા એ કર્યા કરવું તો મૂર્તિ જલદી સિદ્ધ થઈ જાય. જો માયિક વસ્તુ લાવવી હોય તો મુંબઈ જઈને પણ લઈ આવે. પણ મહારાજ જેવી દિવ્ય વસ્તુને લેવાનો આગ્રહ કરતો નથી. એક સાધુએ મુંબઈથી મનગમતાં વસ્ત્ર મંગાવીને પહેર્યાં. એવી તાણ મૂર્તિમાં થાય તો શું બાકી રહે? 1/193/366

46. મંદિરો કરવાં તથા મંદિરનો વ્યવહાર કરવો તેમાં મહારાજને સાથે રાખે તો સારું ને જો સાથે ન રાખે તો હેડમાં (લાંબા લાકડાનું જકડતું બંધન) પગ પડ્યો તે બંધાઈ રહે તેવું છે. માટે શ્રીજીમહારાજને ભૂલીને તો ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ પણ ન કરવાં. સર્વે ક્રિયા મહારાજને ભેળા રાખીને કરવી. મહારાજ ભેળા હોય તો જેમ જીવરામની તથા વ્યાપકાનંદ સ્વામીની તથા અખંડાનંદ સ્વામીની સહાય કરી તેમ સહાય કરે. જેમ ધણી વિનાની પત્ની શોભે નહિ તેમ કથા-વાર્તા, માનસી પૂજા આદિ સાધનમાં શ્રીજીમહારાજને સાથે ન રાખે તો શોભે નહિ ને સુખ ન આવે. વાતચીતમાં પણ શ્રીજીમહારાજની મૂર્તિરૂપી બીજ લાવવું. આ સત્સંગમાં દોડાદોડ કરીએ છીએ તેમાં શ્રીજીમહારાજને રાખીએ તો સુખ આવે. 1/203/395

47. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે મૂળજી બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામીએ ચાર દિવસ સુધી શ્રીજીમહારાજના થાળનું વહેલું-મોડું કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે યજ્ઞ કોના સારુ કરો છો? અમને તો ચાર દિવસથી ટાણે ટાણે જમાડતા પણ નથી. આમ કેવળ ક્રિયારૂપ ન થાવું; સર્વે ક્રિયામાં મહારાજની સ્મૃતિ રાખવી. 1/207/410

48. જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગદોષે કરીને અવરાઈ (ઢંકાઈ-ઘેરાઈ) ગયો છે, પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે. 1/208/413

49. જે મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે મૂર્તિમાંથી બહાર ન નીકળે. એ તો મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા હોય. ધ્યાનમાં જાય તો ય જળમીનવત્ રહે. જેમ જળમાં પડે તે કોરો રહે નહિ તેમ. એમાં અવયવ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જ શીતળ થઈ જાય ને ચિત્ત અખંડ ભગવાનના ચિંતવનમાં રહે. ધ્યાન કરતાં, માળા ફેરવતાં એ મૂર્તિની બહાર નીકળાય જ નહિ. એ મૂર્તિનું તેજ ઝળળળ ઝળળળ નીકળે છે. એ તેજમાં ઠરે પણ નહિ, બળે પણ નહિ, આનંદ આનંદ રહે, બીજું કાંઈ ભાસે જ નહિ. મહારાજે કહે મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે આ લોક, ભોગ, સગાં, સંબંધી, નાત-જાતમાં ક્યાંય વૃત્તિ રહે જ નહિ. એક મૂર્તિના સુખે જ સુખી થઈ જવાય. મૂર્તિના સુખમાં રહેવારૂપી સાધન સર્વેએ સિદ્ધ કરવું. એ સાધન જબરું છે. એ કર્યા વિના પાર નહિ આવે. એ સાધન પામવું તે બીજા સર્વે સાધનનું ફળ છે. 1/214/435

50. પોતાનો દીકરો મરી જાય તો શોક થાય છે તેમ મહારાજની મૂર્તિમાંથી નોખું પડાય તો કેટલો બધો શોક થવો જોઈએ? તે વસ્તુ તો માયિક છે અને મહારાજની મૂર્તિ તો દિવ્ય છે. માટે નોખું પડાય તો બહુ નુકસાન થાય. વ્યવહારિક કાર્ય કરતાં પણ મહારાજની મૂર્તિથી તો નોખું પડવું જ નહિ. જે મૂર્તિથી નોખા પડે તેની સત્સંગમાં જય થાય નહિ. જે મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે કલેવરનું ગમે તેમ થાય કે દેહને દુઃખ-સુખ થાય તેને ગણે નહિ. જેમ જેમ મૂર્તિમાં જોડાતા જાય ને તેમાં સ્થિર વૃત્તિ થતી જાય તેમ તેમ અનુભવ જ્ઞાન આવતું જાય. 1/215/438

51. ચાર પ્રકારની મુક્તિને જે ઇચ્છે તેને પણ શ્રીજીમહારાજની મૂર્તિનો સંબંધ થાય નહિ. જે કેવળ સેવા જ ઇચ્છે છે તેને જ મૂર્તિ મળે છે. 224/453

52. વરતાલનું 7મું વચનામૃત વંચાતું હતું, તેમાં અન્વય વ્યતિરેકપણાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે જેમ ભૂજના રાજા છે તે રાજ્યમાં બેઠા છે અને એમની સત્તા બધાં રાજ્યમાં ચાલે છે, તે સર્વે રાજાના જેવી ક્રિયા કરે છે પણ તેઓની સત્તા રાજા લઈ લે તો તે કામો તેમનાથી કાંઈ થાય નહિ, તેમ શ્રીજીમહારાજ વ્યતિરેક મૂર્તિમાન અક્ષરધામમાં રહ્યા છે અને એમની સત્તા અક્ષરકોટીથી લઈ સોંસરી બ્રહ્મ તથા પ્રકૃતિ પુરુષ આદિક સર્વમાં રહી છે તેથી તે સર્વે ઉત્પત્ત્યાદિક કાર્ય કરે છે. તે સત્તા મહારાજ લઈ લે તો કોઈથી કાંઈ પણ ન બને એમ અન્વય-વ્યતિરેકપણું અમને ભાસે છે. 1/243/493

53. જે વડનું બીજ ખસખસના દાણા જેવું નાનું હોય તે ઊગે ત્યારે હાથે તાણીએ તો તણાઈ જાય. પણ જ્યારે વડ મોટો થાય ત્યારે એક વિઘામાં વિખરાઈ જાય એવડો થઈ જાય છે. સર્વના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે મનુષ્ય જેવડા છે, પણ તેમનું કાર્ય અનંત કોટી બ્રહ્માંડ છે. સાધુ કે સત્સંગી થઈને તુચ્છ પદાર્થ સારુ ભડાભૂટ કરવી તે ઠીક કહેવાય નહિ અને પ્રસાદીની વસ્તુ જે ચરણારવિંદ તે પણ અંદર (અંતરમાં) રાખ્યાં હોય તો પછી બહારનાં જોઈએ નહિ. રાજકાજ સારુ માથાં કપાવે અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે સારુ કાંઈ ન થાય. એ કેવું કહેવાય? 1/249/503

54. લાલુભાઈને કોઈએ કહ્યું જે કહો સ્વામિનારાયણ. ત્યારે તે બોલ્યા જે, "મુખેથી ભજન કરવું તેથી કંઠમાં કરવું ઉત્તમ છે, અને તેથી હૃદયમાં ભજન કરવું તે ઉત્તમ છે અને તેથી પણ નાભિમાં ભજન કરવું તે ઉત્તમ છે, કેમ જે નાભિમાંથી સંકલ્પ ઊઠે છે તે સંકલ્પ નાભિમાં ભજન કરવાથી બંધ થઈ જાય છે અને તેથી પણ આત્મસત્તારૂપ થઈને મૂર્તિ ધારવી તે ઉત્તમ છે અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું સુખ લેવું તે અતિ ઉત્તમ છે અને અમને તો બાપાશ્રીએ કૃપા કરીને એટલે સુધી પહોંચાડ્યા છે." કેવી સમજણ? કેવી અલૌકિક સ્થિતિ?

55. આ દેહનું જ સુખ જોઈએ- ખાવા, પીવા, પહેરવા ને શોખ માણવા; તો મૂર્તિ ક્યાંથી દેખાય? જ્યારે ખારું, ખાટું, તીખું, તમતમતું આદિકના ભાવ એકે ય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમરૂપ થવાય ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થાય. 1/250/505