૧૫. રહસ્યાર્થ પ્રદીપિકા સહ વચનામૃત અગમ્ય સુગમ્ય થયું - વિભાગ ૧
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પાંચ પારાયણ કરી અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પથ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય.
1. મહાપ્રભુજીનાં વચન જેવાં બીજા કોઈનાં વચન માનવાં નહિ. વચનામૃતમાં જે વચન હોય તે સત્ય માનવાં. એમાં મોટા સદગુરુઓનાં વચનની સાખ લેવી નહિ. વચનામૃતની સાખ બીજે લેવી, પણ વચનામૃતમાં બીજી સાખ ન લેવી. આ તો બહુ જબરી વાત છે. વચનામૃતમાંથી તો નવીન નવીન શબ્દ નીકળે છે. 1/15/37
2. પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત વંચાતું હતું. તેમાં સેવકરામની વાત આવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજને વનમાં સેવકરામ મળ્યો હતો તેની સેવા મહારાજે કરી હતી તે તો વાત સાચી છે પણ તેનો અધ્યાત્મ ઉત્તર હોય તો કૃપા કરીને સમજાવો.
બાપાશ્રી બોલ્યા જે, સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો. શ્રીજીમહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ. પ્રકૃતિપુરુષ, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર એ સર્વે આવરણ છે તે વેંકટાદિ જાણવો. સેતુબંધ એટલે ધર્મમર્યાદા રૂપી પાળ જાણવી. રામેશ્વર એટલે ભગવાન જાણવા. માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું. વૈરાગ્યહીન તે મંદવાડ જાણવો. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહે કરીને અને ગૃહસ્થને દ્રવ્યે કરીને સેવા કરવાની સામર્થી તે સોનામહોરો જાણવી. સત્પુરુષને ખોળવા તે રોવું જાણવું. ગામ એટલે કુસંગ જાણવો અને ફૂલવાડી તે સત્સંગ જાણવો. વૃક્ષ એટલે દેહ જાણવો. ભૂત એટલે અંતરશત્રુ જાણવા. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. આયુષ્યનો ક્ષય થતો જાય તે લોહી ખંડ પેટ બેસણું જાણવું. આત્માનું તથા શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવું તે ચાકરી જાણવી. જ્ઞાન આપનાર સત્પુરુષની સેવા ન કરવી તે ખાવા ન આપ્યું કહેવાય. શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપનાર સત્પુરુષને બીજા કોઈ પાસે સેવા કરાવવી પડે તે વસ્તીમાં જમી આવ્યા કહેવાય. કોઈક વખતે સેવા કરનાર ન મળે તે ઉપવાસ જાણવો. વૈરાગ્યવાન કરવો તે સાજો કર્યો કહેવાય. ત્રણ દેહ, ત્રણ અવસ્થાઓ, ત્રણ ગુણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય, દસ ઇન્દ્રિયો, દસ પ્રાણ, ચૌદ દેવતા એ સર્વેથી જુદો આત્મારૂપે વર્તી શકે તથા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદા પાળી શકે એવો સમર્થ કરવો તે ઘી પચાવી શકે એવો જાણવો. એવી સામર્થી આપ્યા છતાં પણ એ પ્રમાણે વર્તશે કે નહિ એવી સત્પુરુષને ચિંતા રાખવી પડે તે ભાર ઉપડાવ્યો કહેવાય. જો ક્યારેક દેહાદિક ભેળો ભળીને હાણવૃદ્ધિ, માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક પામે અથવા પંચ વર્તમાન રૂપી ધર્મમર્યાદામાં ફેર પાડે તો તેનું કલ્યાણ સત્પુરુષ ન કરે તે ત્યાગ કર્યો કહેવાય. 1/49/94
3. પરોક્ષ શાસ્ત્ર ખડને ઠેકાણે છે, ને પ્રત્યક્ષના શાસ્ત્ર કણને ઠેકાણે છે અને વચનામૃત ભોજનને ઠેકાણે છે, કેમ જે શ્રીજીમહારાજના મુખમાંથી નીકળ્યાં છે, માટે તે નિત્ય વાંચવાં કેમ જે આત્યંતિક કલ્યાણ કરવા એ એક જ શાસ્ત્ર સમર્થ છે. 1/51/97
4. લોયાનું છઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં 15મા પ્રશ્નમાં બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવું એમ આવ્યું. આ પ્રશ્નમાં બરોબર વર્તવાનું કહ્યું તે બરોબર કેવી રીતે વર્તવું?
બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય, આત્મનિષ્ઠા તથા ત્યાગ એ સાધન બધાયથી સરખાં થઈ શકે નહિ તેથી ભેળાં નભી શકે નહિ. માટે શ્રીજીમહારાજે જે પ્રમાણે નિયમની બાંધણી બાંધી છે તે પ્રમાણે તો વર્તવું જ, પણ નિયમથી અધિક વર્તવું નહિ એમ કહ્યું છે અને ધ્યાન-ભજન તો સૌથી વધારે કરવું, પણ તેમાં બરોબર (એક સરખું) ન વર્તવું. શ્રીજીમહારાજે બાંધણી બાંધી છે તે કોઈને કઠણ પડે એવી નથી. તે પ્રમાણે વર્તે તો અક્ષરધામમાં ચાલ્યો જાય. શ્રીજીમહારાજે વાત મોળીએ બહુ કરી છે ને આકરી પણ બહુ કરી છે, તેમાં પણ નકરી મોળી વાત નહિ. કોઈક વર્તમાન ચૂકે તો તેને પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં રાખવો; એવું તો મહાપ્રભુજીને આવડે, બીજા કોઈને આવડે નહિ. આ વચન (વચનામૃત) મહાપ્રભુજી શ્રીજીમહારાજના પોતાના મુખનાં નીકળે છે. તે નિર્બીજ હોય તેને સબીજ કરી દે એવાં છે. 1/67/126
5. મધ્ય પ્રકરણનું 43મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ભગવાનને વિષે આભા ને સજાતિ પ્રીતિ કરનારો ભક્ત બ્રહ્મરૂપ છે તે તો બ્રહ્મનો અર્થ શો હશે?
બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મ એટલે ભગવાન જાણવા. તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તની સજાતિ થયો છે, પણ દેહનો યોગ છે ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થી એને મળતી નથી. જેમ બાળક જન્મે તે છોકરો હોય તે પુરુષની સજાતિ કહેવાય પણ જુવાન પુરુષની પેઠે કામ કરી શકે નહિ અને આહાર તથા અવસ્થા તે પણ સરખાં ન હોય, તેમ સિદ્ધ મુક્તમાં અને દેહના યોગવાળા મુક્તમાં ફેર છે ને તે સાધનદશાવાળો કહેવાય, જે અનાદિમુક્ત છે તે તો જેટલું શ્રીજીમહારાજ કરે તેટલું કરી શકે; ને જે સાધન દશાવાળા છે તે તો પોતે નિર્લેપ રહે પણ બીજાને મુક્ત કરી શકે નહિ. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરે, પણ જેને અહીં અનાદિમુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે. 1/71/133
6. પ્રથમ પ્રકરણના 70મા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ચોરનું દૃષ્ટાંત દીધું છે.
તેમાં ગામ તે શું જાણવું? ચોરે કોને જાણવા? સાધુ કોને જાણવા? પગ તે શું જાણવું? કાંટો કયો જાણવો? અને પગ સૂણ્યો તે શું જાણવું? રાજા કોને જાણવા? અને ખજીનો શો જાણવો? ધર્મ તે શું જાણવું? માબાપ કોને જાણવા? સગાં કોને જાણવા? લશ્કર તે શું જાણવું? અને શૂળી તે કઈ જાણવી?
બાપાશ્રી બોલ્યા જે, ગામ એટલે જગત જાણવું. ચોર તે જીવ જાણવો. સાધુ તે સત્પુરુષ જાણવા. પગ તે અંતઃકરણ જાણવું અને કાંટો તે જ્ઞાન જાણવું. અંતઃકરણ જ્ઞાને કરીને પૂર્ણ થાય તે પગ સૂણ્યો જાણવો. રાજા તે ભગવાન જાણવા અને ખજીનો તે શાસ્ત્ર જાણવા, ધન તે વિષય જાણવા ને મા-બાપ તે પ્રકૃતિપુરુષ જાણવા. સગાં તે ઇન્દ્રિયો જાણવી અને લશ્કર તે કાળ જાણવો. શૂળી તે યમપુરી જાણવી. જો જીવ ભગવાનની બાંધેલી શાસ્ત્રમર્યાદા મૂકીને વિષય ભોગવે તો કાળ આવીને યમપુરીમાં લઈ જાય ને ત્યાં મહાદુઃખ ભોગવવાં પડે. શ્રીજીમહારાજે શાસ્ત્રમાં જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તતા હોય એવા સાધુનો સંગ કરે ત્યારે તે સત્પુરુષ તેને આત્મા-પરમાત્માનું જ્ઞાન કહે. તે જ્ઞાને કરીને અંતઃકરણ પૂર્ણ થાય. તે પગ સૂણ્યો કહેવાય. તે અંતઃકરણ વિષય સંબંધી સંકલ્પ કરે નહિ એટલે સાધુ તેની સહાય કરે અને જન્મ-મરણ તથા યમયાતનાનાં દુઃખ ટાળીને શ્રીજીમહારાજ ધામમાં લઈ જાય એમ સમજવું. 1/110/200
7. મધ્ય પ્રકરણના 53મા વચનામૃતમાં જીવ કાળો છે કે ગોરો છે, કે લાંબો છે કે ટૂંકો છે, એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
બાપાશ્રી બોલ્યા જે, જ્યાં સુધી મૂળ માયાના કાર્યમાં જીવને રાગ હોય ત્યાં સુધી તે કાળો કહેવાય અને માયિક રાગ ટળી જાય અને માયિક પદાર્થમાં દેશકાળે કરીને પણ ક્યાંયે મોહ ન પામે, પણ ઈશ્વરકોટી, બ્રહ્મકોટી અને અક્ષરકોટીના ઐશ્વર્યમાં રાગ હોય તે ગોરો કહેવાય અને એમના ઐશ્વર્યમાં ક્યાંય રાગ ને સારપ ન રહે ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ જે મહાતેજરૂપ અક્ષરધામ તે જેવો થાય તે લાંબો કહેવાય. અને મૂર્તિમાન થઈને મૂર્તિને સન્મુખ રહે અથવા મૂર્તિમાં લીન રહે તે લાંબો મટીને ટૂંકો થયો કહેવાય. તેવા મુક્ત મૂર્તિમાન થકા જ લીન રહે છે. 1/111/200
8. છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને વન, પર્વત અને જંગલમાં જ રહેવું ગમે છે, પણ મોટાં મોટાં શહેર-પાટણ ગમતાં નથી. તે વન-પર્વતાદિક શું સમજવું?
બાપાશ્રી બોલ્યા જે, પર્વતને ઠેકાણે મહારાજની મૂર્તિ જાણવી, વનને ઠેકાણે મુક્તનો સમૂહ જાણવો અને જંગલને ઠેકાણે અક્ષરધામ જાણવું. તેમાં અમારા મુક્તોને રહેવું ગમે છે. પણ પાટણને ઠેકાણે અક્ષરકોટી અને શહેરને ઠેકાણે બ્રહ્મકોટી તેમાં રહેવું ગમતું નથી. તો પ્રકૃતિપુરુષના લોકમાં તો રહેવું ગમે જ કેમ? એમ મહારાજે કહ્યું છે. 1/111/201
9. વરતાલના 2જા વચનામૃતમાં ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એમ કહ્યું છે તે કાળા, પીળા આદિક કેવી રીતે સમજવા?
બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિના પતિ મૂળપુરુષ જેવા જાણે તે કાળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ છે, માટે એટલો જ મહિમા જાણે તો કાળા જાણ્યા કહેવાય અને બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા જાણે તે પીળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ તો નથી, પણ શ્રીજીમહારાજ આગળ પરાધીન છે તેથી. અને શ્રીજીમહારાજને દિવ્ય મૂર્તિમાન જાણે તે સાકાર જાણ્યા કહેવાય અને આકારે રહિત જાણે તે નિરાકાર જાણ્યા કહેવાય અને સર્વદેશી જાણે તે લાંબા જાણ્યા કહેવાય અને એકદેશી જાણે તે ટૂંકા જાણ્યા કહેવાય. એવી રીતે શાસ્ત્રો શ્રીજીમહારાજને જાણી શક્યાં નથી. એ તો તેમના મુખકમળમાંથી નીકળેલાં 'વચનામૃત' સમજવાથી જ મહાપ્રભુજીને યથાર્થ જાણી શકાય. 1/112/202
10. માળિયા ઠાકોર સાહેબ મોડજી દરબાર તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈના નાનાભાઈ હરિલાલભાઈ જે સરકારી મોટા અમલદાર હતા અને બ્રહ્મજ્ઞાની હતા ને ઘણું બોલતા હતા, તે પણ વચનામૃતની વાતો કરી તેથી બંધાઈ રહ્યા. વચનામૃતની બરાબર યાદી હોય તેને આ બ્રહ્માંડમાં કોઈ જીતી શકે એમ નથી. 1/146/254
11. વચનામૃતમાં ન હોય ને તેથી બીજું કહેતા હોય તો તે ન માનવું પણ તેમાં બીજા કોઈ ગ્રંથની શાખ ન ગોતવી. શ્રીજીમહારાજનાં વચનની સાહેદી લેવી, પણ જાડી બુદ્ધિએ કરીને જેમ તેમ ન બોલવું. વચનામૃતમાં જે વાત હોય તે સમજાય નહિ. તે જાડી બુદ્ધિ કહેવાય. માટે વચનામૃત પ્રમાણે કહેતા હોય તેની વાત ખોટી ન માનવી. મોટાની વાતોની શાખ પણ વચનામૃતને મળતી આવતી હોય તેટલી જ લેવી અને વચનામૃતને મળતી ન આવે તો ન લેવી. વચનામૃતને મુખ્ય માનવા ને વચનામૃતમાંથી જે શબ્દ બતાવે તે માનવા પણ વચનામૃતમાં કોઈની શાખ ન લેવી. 1/158/279
12. પરોક્ષના શાસ્ત્રમાં તો પૂર્વે કોઈએ એકાદ-બે ઉગાર્યા છે, તે પણ મૂળમાયામાંથી ઉગાર્યા નથી. જ્યારે જે વચનામૃતને ભણે ને યથાર્થ સમજે તેમાં તો અનંત જીવનો ઉદ્ધાર કરવાની સામર્થી આવે છે. 1/160/287
13. અમદાવાદનું 7મું વચનામૃત વંચાતું હતું. તેમાં સર્વેને અંતર્યામી જેવા કરીશું, અને બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું એ વાત આવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ કેવી રીતે સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિને વિશે શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ આદિ અનંત મુક્ત રહ્યા છે તે જે સુખ લે છે તે એકબીજા જાણે છે જે, આ મુક્ત આટલું સુખ લે છે ને આ મુક્ત આટલું સુખ લે છે, એમ જાણવું તે અંતર્યામીપણું કહ્યું છે અને આ લોકમાંથી જીવને વર્તમાન-નિયમ પળાવીને માયાથી પર કરીને સત્સંગમાં લાવીને ધામમાં કે મૂર્તિમાં લઈ જવા તે ઉત્પત્ત્યાદિક જાણવી. 1/173/323
14. પ્રથમ પ્રકરણના 51મા વચનામૃતમાં હીરે હીરો વીંધાય એમ કહ્યું છે તે વેંધનારો હીરો કયો જાણવો ને વેંધવાનો હીરો કિયો જાણવો?
બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત તે વેંધનાર હીરો જાણવો ને વેંધવાનો હીરો તે મુમુક્ષુ જીવ જાણવા. શ્રીજીમહારાજ અથવા મુક્ત મળે તે જીવને મુક્ત કરે તે હીરો વીંધ્યો કહેવાય. શ્રીજીમહારાજ પોતે મળે અથવા મુક્ત મળે તો શ્રીજીમહારાજનું સર્વોપરીપણું ને સદા દિવ્ય સાકારપણું સમજાવીને મુક્ત કરે, માટે જીવને મુક્ત કરવા તેમાં જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તેમના મુક્ત સમર્થ છે, પણ મુક્ત સેવક છે ને મહારાજ સ્વામી છે અને મુક્ત સુખના ભોક્તા છે ને મહારાજ સુખના દાતા છે. 1/204/402
15. શાસ્ત્રમાં શાસ્ત્ર આ વચનામૃત ને શિક્ષાપત્રી છે. શ્રીજીમહારાજનો મહિમા ને જ્ઞાન જાણવામાં વચનામૃત છે અને આજ્ઞા પાળવામાં શિક્ષાપત્રી ને ધર્મામૃત છે. તે વિના બીજા પરોક્ષ શાસ્ત્રમાં તણાવું નહિ. એક પુરાણી બાર વર્ષ ભણ્યા પણ વચનામૃત વાંચતાં ન આવડ્યું. એવું ન કરવું. વચનામૃત તો જરૂરથી જાણવા; જેવા છે તેવા જાણવા. સ્વામિનારાયણને તો બરાબર જાણવા. 1/205/406
16. બાપાશ્રીની કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી તેમને તથા આ સંત-હરિજનોએ સાંભળી તે સર્વેને આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને તથા વાંચનારને તથા સર્વેને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાશું. આ ફેરો કોઈનો ખાલી નહિ જાય એવી રીતે આશીર્વાદ આપ્યો. 1/205/406
17. લોયાના 7મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહિ તેને તો જન્મ-મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ-મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષરબ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત્ બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય?
બાપાશ્રી બોલ્યા જે, કૈવલ્યાર્થી જળમાં પાષાણવત્ તથા વૃક્ષે ખગવત્ લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત્ લીન થાતો નથી. તે જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે, કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે; તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજીમહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે. 1/208/413
18. આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાનું પારાયણ કરે તો શું ફળ થાય?
બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નહાતા હોય તે પાણીમાં મહિમાએ સહિત જે નહાય અથવા તે પાણી માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળી જાય.
કેટલાં પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાંચ પારાયણો અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય. 1/225/456