• બાપાશ્રીનાં અલૌકિક સંસ્મરણો - વિભાગ ૨
31. એક સમયે ઘણા હરિભક્તો આફ્રિકા કમાવા જતા હતા. નારાયણપુરના પ્રેમજીભાઈ બાપાશ્રીએ પૂછવા આવ્યા જે, હું જાઉં? ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી ચોમાસામાં વરસાદ ઘણો થવાથી ડુંગરામાં ખડ ખૂબ થયું. પછી તેમને બાપાશ્રીએ આજ્ઞા કરી જે, આ ખડ લાવીને મોટી ગંજી કરો. પછી તેમણે તેમ કર્યું. પછી જેઠ મહિનામાં એક જણે એ ગંજી પાંચસો કોરીએ માગી ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી વળી એક હજાર કોરીએ માગી ત્યારે પણ ના પાડી. પછી વળી થોડાક દિવસ કેડે પાંચ હજાર કોરીએ માગી ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હવે તારું કરજ વળી જશે માટે આપી દે. પછી તેમણે આપી દીધી ને તેમનું કરજ વળી ગયું અને બીજા આફ્રિકા ગયા હતા, તે ત્યાં પ્લેગ હોવાથી બધાને પાછા આવવું પડ્યું. 2/546
32. જેતલપુરના મંદિરમાં એક બળદને ખરીમાં પૈડું વાગવાથી ખરી તૂટી ગઈ હતી. તે જોઈને બાપાશ્રી બોલ્યા જે, આ બળદને ચાકરી કરનાર હશે તો આઠ મહિને મટશે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, ચાકરી કરનાર કોઈ નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, એક પાટો બાંધજ્યો. આઠ દિવસે મટી જશે. પછી એમ કરવાથી તે બળદને મટી ગયું ને અગિયારમે દિવસે જોડ્યો. તે બાર ગાઉથી સુડતાળીણ મણ ઘઉં લઈ આવ્યો. 2/547
33. માનકૂવાના વીરજીભાઈએ લસણ વેચ્યું હતું તેની કોરી છસો પોતાના ઘરમાં મૂકી હતી અને પોતે મંદિરમાં સૂતા હતા. તેમને બાપાશ્રીએ તેજોમય દર્શન આપીને જગાડીને ઘેર મોકલ્યા અને કહ્યું જ, કોઈક લઈ જશે તો મહારાજને ને અમારે માથે બદ દેશો. પછી તે ઘેર ગયા ને ચોર જતા રહ્યા. પછી કોરી ઠેકાણે મૂકીને તાળું દઈને મંદિરમાં ગયા, ત્યાં બાપાશ્રીને દેખ્યા નહિ. પછી બીજે દિવસે તે વૃષપુર ગયા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, અમે રાત્રિએ આવીને જગાડ્યા ન હોત તો ચોર કોરીઓ લઈ જાત. 2/548
34. સરસપુરના કોઠારી ઈશ્વરદાસ પ્લેગ હોવાથી ગામ બહાર રહેતા. તેમના ઘરમાં રાત્રિએ ચોર પેઠા ને પટારો તોડ્યો. તેમને બાપાશ્રીએ કાઢી મૂક્યા ને કોઠારીને જગાડીને કહ્યું જે, તમારા ઘરમાં ચોર પેઠા, માટે જાઓ સંભારી આવો. પછી તે ઘેર ગયા ને પટારામાં જોયું તો સર્વે વસ્તુ હતી. એમ બાપાશ્રીએ રક્ષા કરી. 2/548
35. એક સમયે બાપાશ્રી મંદિરમાં સૂતા હતા ને પોતાની વાડીમાંથી ચોર ચાસઠિયો કાપીને ચોફાળમાં નાખે, તે પોતે મંદિરમાં સૂતા સૂતા ચોફાળ ને ચાસઠિયો ખેંચી લીધો. પછી તે ચોર ભાગી ગયો ને જાણ્યું જે, આ કોણે લીધું? પછી બે-ચાર દિવસે તે ચોરને ચોફાળ આપીને કહ્યું જે, આવું કામ હવે કરીશ નહિ અને જો કરીશ તો અમે બધે ય દેખીએ છીએ અને જાણીએ છીએ. પછી તેણે વિનંતી કરીને માફી માગી. 2/549
36. એક સમયે નારાયણપુરના પ્રેમજીભાઈ આદિ છ-સાત જણા બાપાશ્રીની સાથે કાંઈક કામે જતા હતા. તે બીજા સર્વે આગળ ચાલતા હતા ને બાપાશ્રી વાંસે ચાલતા હતા. પછી વાટમાં કૂવો આવ્યો તે બીજા સર્વે ફરીને ચાલ્યા ને બાપાશ્રી તો કૂવામાં પડ્યા તે ધુબાકો થયો. ત્યારે સર્વેએ પાછું વાળીને જોયું ત્યાં કાંઠા ઉપર ઊભેલા ને લૂગડાં પણ કોરાં. પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, ધુબાકો થયો તે તમે પડી ગયા હતા કે શું? ત્યારે બાપાશ્રી કહે જે, અમે નાહવા પડ્યા હતા, ત્યારે તેમણે કહ્યું જે, લુગડાં તો કોરાં છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારું નાહવાનું એવું. 2/549
37. એક સમયે પ્રેમજીભાઈ માંદા હતા. તેમનો ખાટલો ઉગમણી વાડીમાં હતો. ત્યાં બાપાશ્રી પધાર્યા ને તેમને બોલાવી જગાડ્યા. પછી તે બેઠા થયા ને દર્શન કર્યાં. પછી કલાક વાર થઈ એટલે દિવ્ય વહેલ લાવેલા તેમાં બેસીને વૃષપુર તરફ ચાલી નીકળ્યા તે થોડેક સુધી દેખાયા, પછી ન દેખાણા. વળી એક વખત પોતે બહુ માંદા હતા ને આંખો બહુ દુઃખતી હતી ને ફૂલાં છવાઈને આંખો ધોળી થઈ રહી હતી. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, એક આંખ સારી થશે. એમ કહીને અદૃશ્ય થઈ ગયા તે એક આંખ સારી થઈ. 2/549
38. એક સમયે બાપાશ્રી હરિભક્તોએ સહિત અમદાવાદ આવેલા ને કચ્છમાં પોતાના સંબંધીએ દેહ મૂક્યો. ત્યારે બાપાશ્રી કહે જે, અમારે નહાવું પડશે, ગરમાઈ લાગે છે; એમ કહીને નાહ્યા પણ બીજાને વાત કરી નહિ. પછી કચ્છમાં જતા મારગમાં ખબર પડી તે સર્વે નાહ્યા. પછી બાપાશ્રીને કહ્યું જે, તમે નહાઓ ત્યારે બાપાશ્રી કહે જે હું તો એણે દેહ મૂક્યો તે દિવસે જ નાહ્યો છું. 2/550
39. વળી એક સમયે બાપાશ્રી છપૈયા પધાર્યા હતા, ત્યાં નારાયણસરમાં સાબોળ નાહ્યા. તે વખતે સરખેજના બ્રાહ્મણ નારાયણભાઈ ભેળા હતા. તેમણે પૂછ્યું જે, બાપા! સાબોળ કેમ નાહ્યા? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ઠીક કર્યું. પછી ત્યાંથી અમદાવાદ આવ્યા ને કચ્છથી કોઈ સંબંધીએ દેહ મૂક્યાનો કાગળ આવ્યો. તે બીજા સર્વે નાહ્યા ને બાપાશ્રી કહે જે અમે તો તે દિવસે જ નાહ્યા હતા, તેના આ નારાયણભાઈ સાક્ષી છે. 2/550
40. એક સમયે રામપરામાં વાઘજી પટેલ માંદા થયા. તેને દર્શન દેવા બાપાશ્રી પધાર્યા હતા. તેમની મૂર્તિમાંથી તેજ નીકળ્યું તે થોડીક વાર રહીને પાછું સમાઈ ગયું. પછી બાપાશ્રીએ તેમની ખબર પૂછી ને બેઠા. એટલામાં તો એમના ઘરના વાળામાં મોટા મોટા તેજના ગોળા વળગેલા તે ચળક ચળક થાય. તે જોઈને આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછ્યું જે આ શું છે? ત્યારે બાપાશ્રી કહે જે, જ્યાં મહારાજ ને મોટા પધારે ત્યારે અવતારાદિક દર્શન કરવા આવે તે આવ્યા છે. પછી તે ઘડીક વાર દેખાઈને અદૃશ્ય થઈ ગયા. 2/550
41. એક સમયે અમદાવાદથી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા હતા. સાંજના નિત્ય-નિયમ પછી બાપાશ્રીના ભત્રીજા ગોવિંદભક્તે કહ્યું જે, બાપા! વાડીએ હાલશું? ત્યારે બાપાશ્રી કહે જે, આજ તો સંતો આવ્યા છે તેથી અમારાથી નહિ અવાય; અને અમારા બળદને ચરો નાખજો. પછી તે ગયા ને બાપાશ્રીના બળદને ચરો નીર્યો ને તેમાંથી પોતાના બળદને પણ નીર્યો. પછી બાપાશ્રીએ લાંબો હાથ કરીને તેના માથેથી પાઘડી લઈને પોતાના ઓસિકા તળે ઘાલી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા! ઓસિકું નીચું પડે છે? ત્યારે કહે જે, ના. આ તો ગોવિંદભક્તે અમારો ચરો એના બળદને નીર્યો તેથી એની પાઘડી અમે લઈને ઓશિકા તળે મૂકી. પછી તે સવારે મંદિરમાં ગયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમારો ચરો તારા બળદને નીર્યો તેથી આ પાઘડી અમે લઈ લીધી. માટે હવે આવું કામ કરીશ નહિ. પછી તેણે પાર્થના કરીને કહ્યું જે, જી બાવા! મારો ગુનો માફ કરો; હવેથી આવું નહિ કરું. 2/551
42. બાપાશ્રીની લખાઈ વાડીમાં કૂવા ઉપર વડનું ડાળ નડતું હતું તે કાપવા બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્ત ચઢ્યા હતા. તે કાપતાં કાપતાં હાથમાંથી કુહાડો નીકળીને કૂવામાં પડ્યો. તેને બાપાશ્રીએ લાંબો હાથ વધારીને કૂવામાંથી કાઢ્યો ને વડ ઉપર લાંબો હાથ કરીને ગોવિંદ ભક્તને આપ્યો, પછી હાથો ઘાલીને ડાળ કાપ્યું. 2/552
43. એક સમયે રાત્રિએ બાપાશ્રી વાડીએ ન ગયા અને સંતો પાસે પોઢી રહ્યા. તે રાત્રિના દોઢ વાગે સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, વાડીમાં સૂવર પેસી ગયાં છે તે બાજરામાં ભંજવાડ કરે છે અને છોકરા ઊંઘી ગયા છે ને રખેવાળ બીજે ગયો છે, માટે અમારે જાવું પડશે. ત્યારે સ્વામી કહે જે; ભલે, પધારો. પછી બાપાશ્રી વાડીએ જતા હતા ત્યાં ડાબા હાથ તરફ એક ઓટો છે. તેમાં જન રહેતો હતો તે વળગવા આવ્યો. તેને પોતાની મૂર્તિમાંથી તેજ દેખાડ્યું, તેથી તેજમાં અંજાઈ ગયો ને ઊભો થઈ રહ્યો. પછી બાપાશ્રી તો ચાલ્યા ગયા ને તેજ જોઈને સૂવર પણ ભાગી ગયાં ને પછી તેજ સંકેલી લીધું. તે જોઈને જનને આશ્ચર્ય થયું જે, આ તો બહુ સમર્થ લાગે છે. પછી તો બાપાશ્રીનાં પગલાં પડેલાં હતાં તેમાં આળોટ્યો તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ, એટલે ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. પછી બાપાશ્રી જ્યારે વાડીએથી પાછા મંદિર જતા હતા ત્યારે તેમના પગમાં પડ્યો ને પ્રાર્થના કરવા મંડ્યો જે, તમે તો મહાસમર્થ છો તે તમારા પ્રતાપે મારું કલ્યાણ કરો. મેં તો બહુ જીવ લીધા છે ને અત્યંત પાપી છું, પણ તમારાં દર્શન નિત્ય થાય છે એટલું પુણ્ય છે. હું તમારે શરણે આવ્યો છું ને તમો તો મોક્ષદાતા છો માટે મારો મોક્ષ કરો. ત્યારે બાપાશ્રીએ તેને કહ્યું જે; જા બદરિકાશ્રમમાં. પછી તે બોલ્યો જે, જ્યાં તમારાં દર્શન થતાં હોય ત્યાં મૂકો. પછી બાપાશ્રીએ તેના ઉપર દયા લાવી પોતાની ઓઢેલી પછેડી હતી તેનો છેડો મારીને કહ્યું જે, જા અક્ષરધામમાં. એમ તે જનનો મોક્ષ કર્યો. પછી આ વાત બાપાશ્રીએ મંદિરમાં જઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહી. 2/552
44. એક સમયે બાપાશ્રી ડુંગરામાં ધૂળ ખોદતા હતા. તેમને દર્શને બે હરિભક્ત ગયા. તેમણે બાપાશ્રીના હાથમાંથી કોદાળી લઈને ધૂળ ખોદવા માંડી. પછી બાપાશ્રી ધ્યાનમાં બેસી ગયા તે સંધ્યા સમયે ઊઠ્યા ત્યારે તેમણે કહ્યું જે, અમે તો તમારી વાતો સાંભળવા આવ્યા હતા ને તમે તો ધ્યાનમાંથી ઊઠ્યા જ નહિ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ગામમાં એક છોકરે દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા; પછી જ્યારે ઘેર આવ્યા ત્યારે તે છોકરો દેહ મૂકી ગયેલો જોઈને તે હરિભક્તો આશ્ચર્ય પામ્યા. 2/553
45. વૃષપુરમાં આએશપીર સેવાનાથજીએ દેહ મૂક્યો ત્યારે તેના શિષ્ય આએશપીર બાળનાથજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, મારી પાસે પૈસા નથી તેમ કાંઈ સગવડ નથી માટે આપ કૃપા કરો તો મને ગાદી મળે. પછી બાપાશ્રીએ કહ્યું જે, ભૂજ પરબારા હજૂરશ્રી પાસે જાઓ; તમને ગાદી આપશે. પછી તે ભૂજ ગયા ને રાવસાહેબે તેને ગાદી આપવાનો હુકમ કર્યો. ત્યારથી બાપાશ્રીને બહુ મોટા પુરુષ જાણીને જ્યારે મળે ત્યારે પ્રાર્થના કરી રાજી કરતા. 2/553
46. ગામ દહીસરામાં કેશરાભાઈના દીકરા દેવજીભાઈના પૌત્ર હરજીએ દેહ મૂક્યો તે જોઈને દેવજીભાઈ બહુ ઉદાસ થઈ ગયા. તે વખતે બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમે ઉદાસ કેમ થઈ ગયા છો? અમે તમારા હરજીને સાજો કરવા આવ્યા છીએ. ત્યારે દેવજીભાઈ કહે બાપા! એ તો દેહ મૂકી ગયો. પછી બાપાશ્રી બોલ્યા જે, જુઓ! તે તો સાજો થયો છે. ત્યારે દેવજીભાઈએ તેની પાસે જઈને જોયું ત્યાં તો હરજી બેઠો થયો ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ દેવજીભાઈ અતિ આશ્ચર્ય પામ્યા. 2/554
47. એક સમયે નારાયણપુરમાં ફૂલડોલને દિવસે બાપાશ્રી ધનજીભાઈની વાડીએ ગયા હતા. ત્યાં આંબા તળે ધ્યાનમાં બેસી રહ્યા. પછી અર્ધા કલાકે જાગ્યા, ત્યારે ધનજીભાઈ આદિક હરિભક્તોએ કહ્યું જે અમારે રંગ નાખવાની હોંશ હતી, પણ આપ તો ધ્યાનમાં બેસી રહ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે ગોડપરમાં કુંવરજીએ દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા. પછી કુંવરજીનો ભાઈ કાનજી ત્યાં હતો તેને જોઈને બાપાશ્રી બોલ્યા જે, કાનજી! તારો ભાઈ દેહ મૂકી ગયો છે. માટે તું ઝટ ઘેર જા. ત્યારે તે કાનજી ઘેર ગયો. ત્યાં કુંવરજીને દેન દેવા લઈ ગયા હતા. તે અગ્નિસંસ્કાર કરતી વખતે ભેગો થયો, ને બાપાશ્રીએ કરેલી વાત કહી તે સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. 2/554
48. એક સમયને વિષે બાપાશ્રી નારાયણપુર જાદવજીભાઈને ઘેર પધાર્યા હતા ને મેડા ઉપર રાત્રિએ ખાટલા ઉપર સૂતા સૂતા ઘણી વાર વાતો કરી તે ધનજીભાઈના ઘરનાં કેશરબાઈ પણ સાંભળતાં હતાં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, સર્વે સૂઈ રહો. પછી સર્વે સૂઈ ગયા, પણ કેશરબાઈ તો નિસરણીનાં પગથિયે બેસી રહ્યાં અને ઘડીક વાર થઈ ત્યાં તો તાળીઓ પડવા મંડી, પછી ઘણાક મોટા મોટા સંતો આવ્યા. તે પરસ્પર મળ્યા ને સામસામી વાતો કરે તે આપણા જેવું બોલે, તે બધું ય સંભળાય પણ સમજાય નહિ. એમ આખી રાત્રિ દેખ્યું. પછી તો પરોઢિયું થયું ત્યારે બાપાશ્રીએ ઊઠીને નિસરણીનાં પગથિયાં તરફ જોયું, ત્યાં કેશરબાઈને પગથિયે બેઠેલાં દેખીને કહ્યું જે, અમે તો સૂઈ રહ્યા હતા અને તમે તો હજી બેઠાં છો? ત્યારે તેમણે કહ્યું જે, તમારું સૂઈ રહેવું તે બધું આજ જાણ્યું. ત્યાં જાદવજીભાઈ ઊઠ્યા ને કહ્યું જે, શું જાણ્યું? પછી તે કહે જે કાંઈ નહિ. પછી જાદવજીભાઈએ કહ્યું જે ના, કાંઈ છે ખરું. પછી કેશરબાઈએ આ બધી વાત કહી. ત્યારે જાદવજીભાઈ કહે જે, જેમ ઇતરડી ઔમાં રહે તો ય દૂધનો સ્વાદ ન લે અને વાછરડું છેટે રહે તો ય દૂધ ધાવે. તેમ હું ભેગો પાસે સૂઈ રહ્યો ને કાંઈ જાણ્યું નહિ અને તમે જાગીને બધી વાતનું સુખ લીધું. 2/555
49. એક સમયે કેશરાભાઈ નારાયણપુર ગયા ત્યાં રાત્રિએ સૂતા હતા. તેમને બાપાશ્રીએ દર્શન દીધું. ત્યારે તે ઊઠીને બાપાશ્રીને મળવા ગયા ત્યાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા, એટલે તે નિરાશ થઈને બેઠા. પછી સવારે ઊઠીને વૃષપુર બાપાશ્રી પાસે ગયા ને મળ્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, રાત્રિએ કેમ ન મળ્યા? ત્યારે કેશરાભાઈએ કહ્યું જે, બાપા! હું તો તમને મળવા ઘણો ય ઊઠ્યો, પણ તમે સંતાઈ ગયા. પછી હું કોને મળું! પણ તમે રાત્રે નારાયણપુરના મેડા ઉપર શી રીતે આવ્યા? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, જ્યારે કોઈક હેતવાળા હરિભક્ત અતિ હેતે કરીને સંભારે ને ચિંતવન કરે ત્યારે મોટા સંકલ્પ કરે તે સંકલ્પ મૂર્તિમાન થઈને દર્શન આપે, એમ વાત કરી. 2/556
50. એક સમયે બાપાશ્રી દહીસરા કેશરાભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેશરાભાઈએ કહ્યું જે; બાપા, આપની ગગીનું સગપણ ઝીણોભાઈ આ ગામમાં કરી ગયા છે. તેનું તો અમે પાણી પણ પીતા નથી, એવા આચાર-ભ્રષ્ટ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આપણે સારે ઠેકાણે આવતી કાલે સગપણ કરીશું તે તમે પરમ દિવસે જાણશો. એમ કહીને સવારે વૃષપુર પધાર્યા ને તે દીકરીને માતા નીકળ્યા. તેની પાસે બાપાશ્રી તથા ગામના હરિભક્તો તથા નારાયણપુરના જાદવજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ ફરતા ગામોના કેટલાક હરિભક્તો રાત્રે બેઠા હતા, તે વખતે બાપાશ્રીએ તે દીકરીને કહ્યું જે, તારે ધામમાં જાવું છે કે મટાડવું છે? ત્યારે તે બોલી જે, ઠેઠ મહારાજ પાસે મૂકો તો જાવું છે! અમે તેને કહ્યું જે, અમારા સામું જોઈ રહે. પછી તે દીકરી બાપાશ્રી સામું જોઈ રહી અને દેહ પડી ગયો ને ધામમાં મૂકી દીધી અને બે દીકરાઓને પણ માતા નીકળ્યાં હતાં. તે મેડા ઉપર સૂતા હતા. તેમને પૂછ્યું જે, તમારી બહેનને તો ધામમાં મૂકી દીધી ને તમારે જાવું હોય તો વગર સાધને ઠેઠ મૂકી દઈએ. ત્યારે તે દીકરા બોલ્યા જે, કલ્યાણ તો તમે મળ્યા ત્યારથી થઈ જ રહ્યું છે, પણ અમારે આપની સેવા કરવાની ઇચ્છા છે. પછી તેમને રહેવા દીધા. 2/556
51. એક સમયે નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા હતા. તેમને તેડવા બાપાશ્રી પધાર્યા. તે વખતે જાદવજીભાઈના મનમાં એમ થયું જે, મને તેડવા તો આવ્યા પણ મેં પૂરાં સાધન કર્યાં નથી, માટે મને બીજે ક્યાંઈક મૂકશે તો શું થશે એવો વહેમ આવ્યો. પછી બાપાશ્રીએ રહેવા દીધા ને સાજા થયા ને થોડા દિવસ પછી ધનજીભાઈનાં માતુશ્રી માંદાં પડ્યાં. તેમને જોવા સારુ દિવસમાં એક વાર બાપાશ્રી આવતા. તે એક દિવસ કાંઈક કામ આવ્યું, તેથી જવાણું નહિ ને બીજે દિવસે ગયા ત્યારે તે બાઈ બોલ્યાં જે, ગઈ કાલે કેમ ન આવ્યા? ત્યારે કહે જે, કામ હતું તેથી અવાણું નહિ. ત્યારે તે બાઈ બોલ્યાં જે, આવતી કાલે કેમ કરશો? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આવતી કાલે તો આવ્યા વિના છૂટકો જ નથી, માટે જરૂર આવીશું. પછી બીજે દિવસે સવારમાં વહેલા વૃષપુરથી ચાલ્યા તે નારાયણપુરના ઝાંપામાં આવ્યા. ત્યાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી આદિ અનંત મુક્ત રંગ રમે છે એવું એ બાઈને દેખવામાં આવ્યું. પછી બાપાશ્રી એમના ઘરમાં આવ્યા ત્યારે તે બાઈએ શ્રીજીમહારાજ સાથે રંગ રમેલા તે રંગવાળી પછેડી બાપાશ્રી પાસેથી માગી લીધી અને કહ્યું જે, આ પછેડી મારી ઉપર ઓઢાડજો. પછી એમણે દેહ મેલ્યો. તેમના ઉપર એ પછેડી ઓઢાડી તેમાંથી ખુશબો ઘણી આવતી હતી, તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા જે આ પછેડીમાંથી આવી અલૌકિક ખુશબો ક્યાંથી આવતી હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે તથા શ્રીજીમહારાજ અને અનંત મુક્ત આ નારાયણપુરના ઝાંપામાં હમણાં જ રંગ રમ્યા તેની ખુશબો છે. પછી જાદવજીભાઈને કહ્યું જે, તમારા કલ્યાણનો વહેમ છે કે મટી ગયો? ત્યારે તે બોલ્યા જે, આ ધનજીની માનું કલ્યાણ કર્યું. એ પ્રમાણે તો મારે હવે વહેમ નથી રહ્યો. પછી જાદવજીભાઈને પણ તેડી ગયા. 2/557
52. બાપાશ્રીને ત્રણ વાર સર્પ કરડ્યો. તેમાં એક વાર ગાડામાં નાખવા ઘરમાં આડા લેવા ગયા ત્યાં કરડ્યો. તે ગાડું જોડીને ચાલ્યા ને વાટમાં જતા ચડ્યો. તે ગાડું બીજા મનુષ્યે હાંક્યું ને ઘેર લાવ્યા, પણ ઉતરાવ્યો નહિ ને કોઈને વાત પણ કરી નહિ ને ઊતરી ગયો. બીજી વાર વાડીમાં બપોર વખતે સામો આવીને કરડ્યો તેને ચડવા દીધો નહિ. તે વાત વાદીના જાણવામાં આવી. તેણે વાડીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, તમને નાગ ચડ્યો નહિ, માટે તમારી પાસે બહુ ચમત્કારી મંત્ર અથવા બુટ્ટી હોવી જોઈએ તે મને આપો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમારો તો સ્વામિનારાયણ એ જ મંત્ર અને એ જ બુટ્ટી છે. પછી તે વાદીએ પોતાની વિદ્યાથી ઝેર ચડાવ્યું એટલે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા ને વાદી બેસી રહ્યો. પછી થોડીક વારે બાપાશ્રી બહાર આવ્યા તે જોઈને આશ્ચર્ય પામ્યો જે આ મંત્ર કે બુટ્ટીવાળા નથી. આ તો કોઈક મોટા પુરુષ છે. એમ જાણીને પગમાં પડ્યો અને પ્રાર્થના કરી જે, મેં તમને ઝેર ચડાવીને દુઃખ દીધું તે મારો ગુનો માફ કરો. પછી બાપાશ્રીએ કહ્યું જે, અમને તો કાંઈ દુઃખ જ નથી. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ. પછી તે ચાલી નીકળ્યો. વળી ત્રીજે ફેરે કરડ્યો ત્યારે પણ ચડવા દીધો નહિ. તે સર્પ એ ગામનો કણબી હતો. તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહિ. પછી બાપાશ્રીએ ત્યાગી બાઈઓના ભેળી તેની સ્ત્રીને મોકલી દીધી. તેનું વૈર હતું તે મુઆ પછી સર્પ થઈને કરડ્યો હતો. 2/558
53. એક સમયે અમદાવાદ અને મૂળીના સંતો તથા ગુજરાત ઝાલાવાડના ઘણાક હરિભક્તો વૃષપુરના મંદિરમાં રાત્રે નવ વાગે બેઠા હતા. તેમાં એક હરિભક્તને એમ સંકલ્પ થયો જે, બાપાશ્રીની આગળ હજારો માણસ હાથ જોડીને ઊભા રહે છે અને મોટા મોટા સંત પણ સમાગમ કરે છે, તેથી મોટા તો હશે પણ કાંઈક ચમત્કાર જણાવે તો ખાત્રી થાય. એટલામાં તો મંદિરમાં અને ફળિયામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો તે ઘણી વાર સુધી દેખાયો. પછી ઘરેરાટ શબ્દ ઘણી વાર થયો તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછવા લાગ્યા જે આ શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈને ચમત્કાર જોવાની ઇચ્છા થઈ હશે તેને ખાતરી થવા સારુ જણાવ્યું. પછી બીજે દિવસે સંત-હરિભક્તો નારાયણપુર ગયા. ત્યાં ધનજીબાઈએ વાત કરી જે, કાલે રાત્રે અગાસી ઉપર બેઠો હતો તે વખતે વૃષપુર તરફથી તેજોમય વિમાન આવ્યું તે મારા માથા ઉપર બે હાથ ઊંચું ઊભું રહ્યું. તેમાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મારા પિતા જાદવજીભાઈ બેઠેલા તે હું જરાવાર દર્શન કરીને લાંબો હાથ કરી સ્પર્શ કરવા ગયો, ત્યાં તો ઉત્તર દિશા તરફ ચાલ્યું ગયું. 2/559
54. મૂળીમાં બાપાશ્રી પાસે લીંબડીથી દીવાનજી સાહેબ, ઝવેરભાઈ તથા મેઘાભાઈ આવ્યા અને દીવાનજીએ બાપાશ્રીને હાર પહેરાવ્યો. પછી સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી ત્રણેએ બાપાશ્રીને કહ્યું જે, આ હાર ઝવેરભાઈને પહેરાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મેઘાભાઈનો એવો સંકલ્પ છે જે, મને હાર પહેરાવે તો હું મોટા માનું માટે એમને પહેરાવવો પડશે. એમ કહીને તે હાર મેઘાભાઈને આપ્યો. ત્યારે મેઘાભાઈએ કહ્યું જે, અંતર્યામીપણાની ખાત્રી કરવા સારુ મેં આવો સંકલ્પ કર્યો હતો. 2/561
55. ભૂજના કોટવાળસાહેબ ધનજીભાઈ બાપાશ્રીના યજ્ઞ ઉપર રજા ન મળી તેથી નોકરી છોડી દેવાનો સંકલ્પ કરીને વૃષપુર ગયા ને બાપાશ્રીનાં દર્શન કર્યાં. ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, તમે નોકરી છોડી દેવાનો સંકલ્પ કરી અહીં આવ્યા છો તે મૂકી દો અને જેમ ચાલે છે તેમ ચલાવો. તમને અમે મહારાજની મૂર્તિમાં રાખ્યા છે; કાંઈ પણ અધૂરું માનશો નહિ. પછી તે યજ્ઞની સમાપ્તિનાં દર્શન કરી ભૂજ પાછા ગયા. 2/563
56. પાટડીમાં એક જણના ઘરમાં જન રહેતો. તે ઘરમાં રાત્રિએ કોઈથી રહેવાતું નહિ ને જે રહે તેનો જીવ લેતો. તે ઘર લઈને ભાઈઓનું મંદિર કરવાની બાપાશ્રીએ નાગજીભાઈને આજ્ઞા કરી, તેથી નાગજીભાઈએ તે ઘર લઈને મંદિર કરાવ્યું. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા બાપાશ્રી સંવત્ 1972ના ફાગણ વદ 12 ને રોજ પધાર્યા હતા. તે દિવસે પ્રતિષ્ઠા કરતી વખતે બાપાશ્રી બોલ્યા જે, આ ખૂણામાં જન ઊભો છે તે અમારાં દર્શન કરવા સારુ રહ્યો હતો. તેને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધો. એના રહેવાથી ઘર સોંઘું મળ્યું, એટલી એની સેવા માની એનો મોક્ષ કર્યો. 2/565
57. બાપાશ્રી કચ્છમાંથી ગુજરાત તરફ સંઘે સહિત આવ્યા હતા. તે પાછા કચ્છમાં જતા વાંકાનેર ઊતર્યા. ત્યાં ઢુવાવાળા દરબાર રવાજીભાઈએ આવીને બાપાશ્રીને ઢુવા લઈ જવા પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હાલ ઢુવા આવી શકાશે નહિ પણ અમે ઢુવામાં સદાય છીએ. એમ કહીને બોલ્યા જે, આવો આપણ મળીએ. પછી મળ્યા તે રવાજીભાઈની દૃષ્ટિ નિરાવરણ થઈ ગઈ. તેથી તે બહુ રાજી થયા. 2/565
58. રાજકોટના મિસ્ત્રી કલ્યાણજીભાઈની દીકરીને જન વળગ્યો હતો તે ઘણા ઉપાયથી ન ગયો. પછી બાપાશ્રી મૂળીએ સમૈયો કરવા આવ્યા હતા, ત્યાં એ દીકરીને લઈને આવતાં રેલમાં એ બાઈને બાપાશ્રીનાં શ્વેત વસ્ત્ર પહેરેલાં એવા તેજોમય દર્શન થયાં. પછી તે ધ્રૂજવા લાગી ને તેમાં જન હતો તે બોલ્યો જે, આ મને બાળે છે. એમ બોલતાં બોલતાં મંદિરમાં આવ્યા ને ઉતારો કરીને ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી કલ્યાણજીએ બાપાશ્રીને આસને આવીને પ્રાર્થના કરી જે, મારી દીકરીને જન વળગ્યો છે તેથી હું બહુ દુઃખિયો છું. માટે કૃપા કરીને એને કાઢો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સભાની ચરણરજ લઈ જઈને એ બાઈને માથે નાખજે. પછી તે બાઈને માથે નાખી એટલે તરત જન ભાગી ગયો. 2/566
59. મૂળીમાં સ. ગુ. સ્વામી હરિનારાયણદાસજી માંદા થયા ત્યારે ઢુવાવાળા રવાજીભાઈએ શ્રીજીમહારાજની ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, સ્વામીશ્રીને પાંચ વરસ રાખો તો ઘણો સમાસ થાય. ત્યારે બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં ને બે પડખે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી દેખાયા. પછી બાપાશ્રી બોલ્યા જે, એમને અહીં રહેવાની મરજી નથી માટે અમે તેડી જઈશું. એમ કહીને અદૃશ્ય થયા. ત્યાર બાદ સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો. 2/566
60. એક સમયે ગોધાવીના માસ્તર જગન્નાથ વૃષપુર ગયા ત્યારે તો એમનો પગાર કપાશે, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પગાર નહિ કપાય. 2/567
61. સંવત્ 1976ના માગશર વદ 8ને રોજ ગામ મેડાના મંદિરમાં મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત હતું. તેથી નરભેરામ પૂજારીને બાપાશ્રીને તેડી લાવવા કચ્છમાં મોકલ્યા. તેને બાપાશ્રીએ કહ્યું જે, વચલી મોટી મૂર્તિ પધરાવવાની ઉચ્છવણી રૂ.500ની મોહનભાઈ ભલાભાઈ બોલશે, તે મૂર્તિ તમારે હાથે પધરાવાય તો જાણજો જે અમે આવ્યા છીએ. પછી નરભેરામ મેડા ગયા અને મૂર્તિ પધરાવતી વખતે મોહનભાઈને બોલાવવા ગયા, પણ તે ઉચ્છવણીના કામમાં રોકાવાથી તેમણે નરભેરામને કહ્યું જે, મારે સાટે તમે પધરાવજો. પછી તે મૂર્તિ નરભેરામે પધરાવી ને સૌને ઉપરની વાત કરી. 2/568
62. એક સમયે બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો-હરિભક્તો કરાંચી પધાર્યા હતા. ત્યાં એક દાક્તરે નીકળતી વખતે રોકવાનો આગ્રહ કર્યો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારા દાક્તર નાગરદાસભાઈ વિરમગામમાં માંદા છે ત્યાં જવું છે, તો પણ બહુ આગ્રહ કરીને રોક્યા તેથી રહ્યા. તે વખતે વિરમગામમાં નાગરદાસભાઈને બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં તેથી બહુ આનંદ પામ્યા ને બોલ્યા જે, બાપા! આપ કરાંચી હતા ને ત્યાંથી અહીં ક્યારે આવ્યા? આપે મને દર્શન આપીને સુખિયો કર્યો; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે એક દાક્તરના રોકવાથી કરાંચી છીએ, પણ તમે બહુ સંભાર્યા તેથી દિવ્યરૂપે દર્શન આપ્યાં; એમ કહીને અદૃશ્ય થઈ ગયા. 2/567
63. મોરબીના ફોજદાર સાહેબ કાળુભાને સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ કહ્યું જે, તમે વર્તમાન ધારો. ત્યારે તેમણે કહ્યું જે, શ્રીજીમહારાજ અને બાપાશ્રી મને દર્શન આપે તો કંઠી બાંધું. પછી તે માંદા થયા. તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમારી આયુષ્ય પૂરી થઈ છે પણ તમને રાખવા છે ને કંઠી બાંધજો એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી તે સાજા થયા ને મંદિરમાં આવીને વર્તમાન ધરાવ્યાં. પછી જ્યારે બાપાશ્રી સંઘે સહિત છપૈયે જતા હતા ત્યારે મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા રાજકોટમાં આવીને મળ્યા. પછી કાળુભા બોલ્યા જે, તમે મને મંદવાડનાં દર્શન આપ્યાં હતાં ત્યારે તો તેજોમય દેખાયા હતા, એમ કહીને બીજી વાર મળ્યા. તેમને બાપાશ્રીએ ફેર વર્તમાન ધરાવીને પ્રસાદીની કંઠી આપી અને બોલ્યા જે, અમે તમને તેડવા આવશું. પછી બાપાશ્રી મૂળી ગયા અને તે બંને મોરબી ગયા. તેમણે દેહ મૂક્યો ત્યારે બાપાશ્રી ઘણાકને દર્શન આપી તેડી ગયા હતા. 2/570
64. સંવત્ 1979ની સાલમાં ધ્રાંગધ્રાના સોની લીલાધર કુટુંબે સહિત વૃષપુર ગયા હતા. પછી પોતાના ગામ પાછા આવતી વખતે બાપાશ્રીએ એમના ત્રણ દીકરાનાં કાંડાં ઝાલ્યાં, તે બે ભાઈનાં મૂકી દીધાં ને નાના ભાઈ મોહનનું કાંડું ઝાલી રાખ્યું ને કહ્યું જે, તને તો સેવામાં રાખવો છે; એમ કહીને એનું કાંડું પણ મૂકી દીધું. પછી તે ધ્રાંગધ્રે ગયા. ત્યાં મોહનને મંદવાડ થઈ ગયો તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તને પૂનમના રોજ બપોરે બાર વાગે તેડી જઈશું એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી આ વાત તેના બાપને કરી તેથી તેના બાપે બાપાશ્રીને તાર કર્યો જે, મોહનને સાટે મને લઈ જાઓ પણ એને રાખો. પછી બાપાશ્રીએ તારનો જવાબ આપ્યો જે, તમારી પ્રાર્થના મંજૂર. તે જોઈને તાર માસ્તર મણિલાલભાઈ સત્સંગી થયા અને મોહનને મંદવાડ મટી ગયો. 2/571
65. એક સમયે વિરમગામના મંદિરમાં એક માણસ આવ્યો તેને રાત્રિએ મંદિરમાં સૂવા દીધો. પછી તે માણસ રાજકવિ હમીરદાનજીનો ટ્રંક ઉપાડી બહાર જતો રહ્યો. ત્યારે પૂજારી નરભેરામને બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, પેલો માણસ ટ્રંક લઈને બહાર જતો રહ્યો, તેની કેડે જાઓ. પછી તે તથા સાધુ ગોપીવલ્લભદાસજી આદિક કેડે ગયા. પછી એને પકડીને ટ્રંક લઈ આવ્યા. 2/572
66. એક સમયે માનકૂવાથી બે બાઈઓ બાપાશ્રીને દર્શને જતાં ડુંગરામાં શ્રીજીમહારાજની પ્રસાદીનું સ્થાન છે ત્યાં આગળ વાતો કરતાં જતાં હતાં, જે બાપાશ્રીનાં દર્શન કરશું, પછી અન્ન-જળ લઈશું. તે સાંભળી જુમલો નામનો જન હતો તેણે જાણ્યું જે આ કોઈક મહાત્મા પુરુષ પાસે જાય છે માટે હું પણ ભેળો જાઉં તો મારો મોક્ષ થાય. એમ જાણી એક બાઈમાં પ્રવેશ કર્યો. પછી તે બાઈઓએ જાંબુડાવાળી નવી વાડીમાં આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. ત્યાં જે બાઈમાં જને પ્રવેશ કર્યો હતો તે બાઈ ધૂણવા લાગી. ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, તું કોણ છે? ત્યારે તે બોલ્યો જે, હું જુમલો છું, મારો મોક્ષ કરો. તમે બહુ મોટા છો અને હું મોક્ષ માટે જ આવ્યો છું. પછી એને અક્ષરધામમાં પહોંચાડી દીધો. 2/572
67. સંવત્ 1981ની સાલમાં નારાયણપુરના રામજી ધનજીનો દીકરો દેવરાજ અઢી વરસનો હતો તે ઊંડી કુંડીમાં પાણી ભરેલું હતું. તેમાં પડી ગયો. તેને બાપાશ્રીએ દર્શન આપીને હાથે ઝાલીને બહાર કાઢી લીધો. તે ભીને લૂગડે રોતો રોતો વાડીમાં રામજીભાઈ આદિ માણસો કામ કરતા હતા ત્યાં આવીને વાત કરી જે, હું કૂંડીમાં પડી ગયો હતો ને બુડાતો હતો. ત્યાં અજવાળું થઈ ગયું ને બાપા દેખાણા. તેમણે હાથે ઝાલીને મને બહાર મૂકી દીધો. 2/573
68. સંવત્ 1982ની સાલમાં બાપાશ્રી સરસપુરમાં હતા અને કાનજીભાઈ તથા મનજીભાઈનાં માતુશ્રીને જે દિવસે તાવ આવવાનો હતો તે દિવસે બાપાશ્રીએ અનંત સંતો ને મહારાજ સાથે વૃષપુરમાં એક હરિભક્તને દર્શન આપ્યાં. ત્યારે તેણે કહ્યું જે, આટલા બધા સંતોને ક્યાં ઉતારશો? ને શું ખાવા આપશો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તારાં માતુશ્રીને આજ તાવ આવશે ને પરમ દિવસે અમે તેડવા આવીશું; એમ કહીને અદૃશ્ય થઈ ગયા પછી તેમને તાવ આવ્યો ને ત્રીજે દિવસે બાપાશ્રી એવી જ રીતે તે હરિભક્તને દર્શન આપી તેડી ગયા. તેમને દેહ મૂક્યાનો તાર બાપાશ્રી ઉપર આવ્યો. પછી બાપાશ્રીએ સ્વામીને કહ્યું જે, ગયે વર્ષે એ મેડીથી પડ્યાં હતાં અને બહુ વાગ્યું હતું. તેમને ધામમાં મૂકવા હતાં પણ તમે ના પાડી. પછી અમે કહ્યું જે, તમે રાખવાનું કહો છો પણ તમને આડાં આવશે તો પણ તમે રખાવ્યાં. તે આજ આડાં આવ્યાં, કેમ જે આપણે પંદર-વીસ દિવસ અહીં રહેવું હતું તે હવે જવું પડશે. એમ વાત કરી તૈયાર થઈ પોતે વૃષપુર પધાર્યા. 2/573
69. બામણવામાં પુરુષોત્તમ-લીલામૃત-સુખસાગરની કથા વંચાતી હતી. તે વખતે હરિભક્તોને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. 2/576
70. સંવત્ 1984ના અષાડ સુદ 4ને રોજ ગામ કણભામાં આશાભાઈને બાપાશ્રી કેરીનો રસ, પૂડલાં આદિ ભોજનનો થાળ લાવેલા એવાં દર્શન દઈને કહ્યું જે, જમો. ત્યારે આશાભાઈ કહે અત્યારે આ થાળ લઈ આપ ક્યાંથી પધાર્યા? ત્યારે બાપાશ્રી કહે જે, તમને જમાડવા આવ્યા છીએ, તે જમો. પછી આશાભાઈ જમ્યા ત્યારે બાપાશ્રી કહે જે, હવે અમે જઈએ છીએ; એમ કહી અદૃશ્ય થઈ ગયા. 2/577
71. ભૂજના તાર માસ્તર શંકરભાઈને બાપાશ્રીએ અંતર્ધાન થયા તે વખતે દર્શન દઈને ખભા ઉપર હાથ મેલીને કહે જે, હવે જય સ્વામિનારાયણ; અમે જઈએ છીએ. એમ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા એટલે માસ્તર ઘણા શોકાતુર થઈ ગયા ને જાણ્યું જે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તે નક્કી અંતર્ધાન થયા હશે. એમ ધારીને શોકમાં બેઠા હતા, ત્યાં તો લાલશંકરભાઈ વૃષપુરથી આવ્યા અને કહ્યું કે બાપાશ્રી ધામમાં પધાર્યા. પછી આ વાત એમણે લાલશંકરભાઈને કહી. 2/577
72. વિરમગામમાં વઢવાણવાળા દેપાળા અમરશીભાઈને રાત્રિના બાર વાગે અંતર્ધાન થયા તે વખતે બાપાશ્રીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું જે, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરમાં ચરણારવિંદ પધરાવવા ગયા છે તે ચાલો આપણે જઈએ; એમ કહીને મંદિરમાં ગયા. પછી બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો, એટલામાં તો તેજ તેજ થઈ રહ્યું અને મહા ઘાટો પ્રકાશ થઈ ગયો. તે પ્રકાશમાં એક વિમાન દેખાયું. પછી તેમાં બાપાશ્રી બેસીને તેજના સમૂહમાં આકાશ માર્ગે પધાર્યા; એવાં દર્શન થયાં. 2/578
73. ભૂજના સાધુ રામચરણદાસજી (વૃષપુરવાળા)ને ભૂજની સભામાં અષાડ વદ 10ને રોજ શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તે દિવ્ય તેજોમય અને ચારેકોરે અનંતકોટિ મુક્તો પ્રાર્થના કરતા, એવાં ઝળઝળાટ તેજમાં દર્શન થયાં અને ચરણારવિંદમાં સોળ ચિહ્ન જોયાં અને પડખે એવા જ તેજોમય બાપાશ્રીને દેખ્યા. પછી તેમણે પૂછ્યું જે હે બાપા! તમે તો અપાર તેજોમય છો. તે સાંભળી બાપાશ્રી કહે અમે તો સદાય દિવ્ય તેજોમય છીએ. પછી તે સંત શિખરમાં મૂર્તિઓનાં દર્શન કરવા ઊઠ્યા તે સુખ સજ્જામાં શ્રીજીમહારાજની મૂર્તિ પાસે પણ બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સર્વે અંગોઅંગમાં દિવ્ય તેજની શેડો છૂટે અને મોતી જડ્યાં હોય તેમ ભાસ્યું, એવું અતિ અલૌકિક તેમને દર્શન થયું. 2/580
74. સંવત્ 1984ના શ્રાવણ વદ 6ને રોજ સવારે બે વાગે વૃષપુરમાં બાપાશ્રીની ત્રણે વાડીમાં ચંદનનો વરસાદ થયો ને ભેગો અત્તરનો સુગંધ પણ હતો. તેની ખબર વદ સાતમને રોજ સાંજના સાત વાગે પડી. પછી સભામાં સદગુરુઓ તથા સંત પાર્ષદ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો આશરે પચાસેક હતા. તે જાદવા આશાએ બાપાશ્રીના ઘેરથી કણજરા આદિનાં ઘણાં પાંદડાં ઉપર ચંદન વળગેલું એવાં લાવીને મૂક્યાં. તેને જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી તરત વરસાદ થયો ને બધું ધોવાઈ ગયું. પછી સંત-હરિભક્તો તેવે ટાણે વાડીમાં ગયા પણ હાથ ન આવ્યું ને અંધારું થઈ ગયું. તે કોઈ કોઈને દેખે નહિ. પછી બાપાશ્રીના પૌત્ર હરજીભાઈ કેળનાં પાંદડાં ઉપર વરસાદથી ધોવાતાં ધોવાતાં થોડું રહી ગયેલું તે લાવ્યા; તેને જોઈને સૌને ઘણો આનંદ થયો. પછી તે દિવસે રાત્રિએ રામજી કરસન જેસાણીને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે ચંદનનો વરસાદ તો અમે છઠના બપોરે બે વાગે કર્યો હતો પણ તમો સર્વેએ બીજે દિવસે જાણ્યું છે. અને આવતી કાલે આઠમને દિવસે કાકરવાડીમાં ચંદનનો વરસાદ કરીશું, જેને જોવું હોય તે જોજો. વળી તે દિવસે રામજીને કોઈક દ્વેષબુદ્ધિવાળાએ પાણીમાં ઝેર પાયું તે બહુ ચડ્યું ને ગળુ બંધ થઈ ગયું, પણ બાપાશ્રીએ ઊલટી કરાવી. પછી સાંજે આરતી થયા કેડે મંદિરમાં તેમને લાવ્યા અને સ્વામીશ્રી વૃંદાવનદાસજીને કહ્યું જે આને કાંઈક વળગાડ જેવું લાગે છે તે પાઠ કરો. પછી સ્વામી બોલ્યા જે તેને વળગાડ નથી; એમને કોઈકે ઝેર પાયું છે. ઘેર જઈને ખૂબ ઘી પાઓ. પછી ઘેર જઈને ઘી પાયું એટલે તુરત બોલવા માંડ્યો ને સાજો થઈ ગયો. પછી વદ સાતમની રાત્રે બાપાશ્રીએ દર્શન દીધાં તે સમે વરસાદની તથા આ ઝેરની વાત કરી કે તુને ઝેર બહુ આકરું દીધું હતું; થોડીક મુદતમાં પ્રાણ નીકળી જાય એવું હતું પણ અમોએ ઊલટી કરાવીને સ્વામી વૃંદાવનદાસજી દ્વારે ઘી પાવાનું કહ્યું. માટે હવે ભૂલીશ મા. જ્યાં ત્યાં પાણી પીવું નહિ ને ખાવું નહિ. પછી તે કહે જે, બાપા એ તો મારે ન ચાલે, માટે રક્ષા કરજો, નહિ તો મને ધામમાં વહેલા લઈ જજો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમે તારી રક્ષા કરતા આવીએ છીએ એમ કહી અદૃશ્ય થઈ ગયા. 2/583
75. એક સમયે કરાંચીમાં લાલુભાઈની દીકરી દિવસના પાંચ વાગે સિંહાસન પાસે કૂંચીઓ હતી તે લેવા જતાં પડખે બાપાશ્રીની મૂર્તિ સામું જોયું તો બાપાશ્રીની આંખો મોટી જણાવા લાગી અને નેત્રમાંથી તેજની શેડો નીકળવા માંડી, તે જોઈ બહુ આનંદ પામી. એટલામાં લાલુભાઈ આવ્યા ને તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના હસતે મુખે દર્શન થયાં તેથી આનંદ પામ્યા. વળી એક સમયે ઠાકોરજી આગળ થાળ ધરેલ તેમાંથી મહારાજ તથા બાપાશ્રી જમવા લાગ્યા. તે જોઈ લાલુભાઈ બહુ જ આનંદ પામ્યા. 2/584
76. એક સમયે લુણસરના મંદિરમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજી બાપાશ્રીની વાતો વાંચતા હતા. તે વખતે ભગવાન ભક્તને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, પછી તેણે વાત કરી જે, આ કથા વાંચવા માંડી ત્યારથી વાંચી રહ્યા ત્યાં સુધી મને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં. 2/585
77. સંવત્ 1992ની સાલમાં સવારના પાંચ વાગે કરાંચીમાં લાલુભાઈને ઘેર બાપાશ્રી આદિ અનંત મુક્તો ઓસરીમાં તેજોમય ફરતા હતા, એવાં દર્શન થયાં. પછી તેમણે દંડવત્ કર્યા ને તેમના દીકરા હરિલાલને કહ્યું જે, તું સૌ હરિભક્તોને ખબર આપ જે, અમારે ઘેર બાપાશ્રી આદિક મુક્તો નવીન રૂપે દર્શન આપે છે, તે જેને દર્શન કરવાં હોય તે આવો. પછી સૌ આવ્યા ને પગે લાગીને નવીન સ્વરૂપ જોઈ રહ્યા અને લાલુભાઈ તો પલાંઠી વાળીને બાપાશ્રીના સામા બેઠા. તેમને બાપાશ્રીએ દિવ્ય હાર પહેરાવ્યો. તે હારમાંથી બહુ સુગંધી આવવા માંડી. પછી બાપાશ્રી કહે જે લાલુભાઈ! અમને પાણી પાઓ ત્યારે લાલુભાઈએ તેમનાં ઘરના માણસોને કહ્યું જે, પાણી લાવો, ત્યારે બાપાશ્રી કહે જે, આ સામા લોટામાં છે તે આપો. પછી બાપાશ્રીએ જળ પીધું અને કહે જે ખુરશી મંગાવો તો બેસીએ. પછી વળી કહ્યું જે, અમને ઊંઘ બહુ આવે છે તે આસન પાથરી દો; સૂવું છે. એમ કહીને જમીન ઉપર પાથર્યા વિના સૂઈ ગયા. પછી લાલુભાઈએ કહ્યું જે, આમ ને આમ સૌને દર્શન આપો. હું પાથરવા આસન લાવું છું. એમ કહી આસન લેવા ગયા. ત્યાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. વળી એક સમયે લાલુભાઈની દીકરી મેડેથી ઊતરતાં પગથિયું ભૂલવાથી પડી ગયાં. તેને બાપાશ્રીની છબીએ લાંબો હાથ કરીને ઝાલી લીધી. તેણે લાલુભાઈને વાત કરી જે, આ મૂર્તિઓ લાંબો હાથ કરીને મને ઝાલી લીધી. 2/586
78. એક સમયને વિષે રાત્રિના 12 વાગે ગામ કણભામાં આશાભાઈ તથા તેમના દીકરા ગોવિંદભાઈ સૂતા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપી જમાડ્યા ને કહ્યું જે, તમને મારવાને માટે શત્રુ આવે છે, પણ અમે તમારી રક્ષા કરશું; તો પણ તમે સાવધાન રહેજો ને ઊંઘશો નહિ. એમ કહી અદૃશ્ય થઈ ગયા. પછી શત્રુઓ આવી દાંતીઓના ઘા કરવા માંડ્યા પણ બાપાશ્રીએ એમના ઉપર લોઢાનું પાંજરું કરી દીધું અને વાગવા દીધું નહિ અને એક-બે દાંતીઓ ભાંગી ગઈ. પછી એ લોકોને બહુ મનુષ્ય દેખાડ્યાં, તેથી ભય પામી ભાગી ગયા. 2/587
79. બાપાશ્રીનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. તેમાં પણ તેમના હેતવાળા હરિભક્તોનું દુઃખ તો તેઓ જરાય જોઈ શકતા નહોતા. હરિભક્તને દુઃખ પડે તો તરત જ વ્હારે ધાતા અને દુઃખથી મુક્ત કરતા. તેમના પરમ કૃપાપાત્ર સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખના રોગની તથા કેડની આંટીની તથા શૂળની પીડા મટાડી, સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને કૂતરું કરડ્યાની વેદનાથી છોડાવ્યા. વઢવાણના મણિલાલભાઈ લપસી પડ્યા હતા ને વાગ્યું હતું. તેમની પીડા હરી લીધી. કરાંચીના લાલુભાઈને ગાડી ભટકાવાથી ઘણું વાગ્યું હતું. તેમને પાટા છોડી હાથ ફેરવીને સાજા કર્યા, માથકના ભગવાનજીભાઈનાં દીકરી શાંતિબાઈને તથા અમૃતલાલભાઈના ઘરનાં મનુષ્ય કસ્તુરબાઈને અગ્નિથી દાઝવાથી થતી બળતરા મટાડી. સરાના મણિલાલભાઈના દીકરાને તાવથી ઉગાર્યો, સદગુરુ સ્વામી હરિનારાયણદાસજીને આંખેથી મોતિયા કઢાવ્યાની ગરમીથી મુક્ત કરી શાંતિ પમાડી. લુણાવાડાના રણછોડલાલભાઈને એલચી આપી મરડો મટાડ્યો. પોતાનાં દીકરી રાધાબા તથા કણભાના પટેલ ભલાભાઈની મંદવાડ થકી રક્ષા કરી હતી ઇત્યાદિ ઘણા હરિભક્તોની દેહના દુઃખથી પોતાના પ્રતાપે રક્ષા કરી હતી.
80. શ્રીજીમહારાજે આ પૃથ્વી પર દૃષ્ટિગોચર થઈ આત્યંતિક મોક્ષની નૌતમ રીત ચલાવી છે. પોતાના આશ્રિતોને અંત સમે દર્શન દઈ પોતાના ધામમાં લઈ જવાનો અદ્વિતીય ચીલો પાડ્યો છે. પરમકૃપાળુ બાપાશ્રીએ પણ શ્રીજીમહારાજનો આ ચીલો ચાલુ રાખ્યો. બાપાશ્રી પણ શ્રીજીમહારાજના આશ્રિત અને આજ્ઞામાં ખબડદાર રહી વર્તનાર તથા પોતાને વિષે હેતવાળા હરિભક્તોને અંત સમે શ્રીજીમહારાજ સહિત દર્શન આપી ધામમાં તેડી જતા. આવા કેટલાંક કૃપાપાત્રોમાં ધનબા ડોશીના ભત્રીજા કાનજી ભક્ત, વાંકાનેરના સોની રવજીભાઈ, વિરમગામના ઠક્કર મોરારજીભાઈ, વઢવાણ કાંપના પોસ્ટલ ઇન્સ્પેક્ટર મોહનલાલભાઈની બે દીકરીઓ ઝવેરબાઈ તથા નાની બહેન મંગળા, લુણાસરના જેઠા ભક્ત, મોરબીવાળા શામજીભાઈ, કરાંચીના લાલુભાઈનાં ઘરનાં ગંગાબાઈ તથા મૂળી મંદિરના સ્વામી રામકૃષ્ણદાસજી ઇત્યાદિ હતા. વળી ઘણાને તો બાપાશ્રી અગાઉથી ધામમાં તેડી જવાનો સમય અથવા દિવસ જણાવી તે પ્રમાણે તેડી જતા. આવો અનેરો લાભ મેળવનારાઓમાં કાણોતરના બાપુભાઈ, ઉપરદળના રામજીભાઈ, મૂળીના સ્વામી શ્વેતવૈકુંઠદાસજીના સાધુ સનાતનદાસજી, કરાંચીના સાંખ્યયોગી ભાણુબાઈ, વિરમગામના કોઠારી ફૂલચંદભાઈ, ડાંગરવાના દલસુખભાઈ મિસ્ત્રીનાં મા ઝવેરબાઈ, ધ્રાંગધ્રાનાં સાંખ્યયોગી ચંચળબાઈ, વૃષપુરના રામજીભાઈ ગરાળાના દીકરા હરજીભાઈ, કરાંચીના મિસ્ત્રી નાજુભાઈનાં બહેન સાકરબાઈ, ધરમપુરના દેવજીભાઈ વરમોળા, બળોલના કોળી હરિભક્ત, મૂળીના સાધુ સંતદાસજી, અમદાવાદનાં નાગર બ્રાહ્મણ દિવાળીબાઈ તથા પાટડીવાળા નાગજીભાઈના ભાઈ ત્રિભોવનભાઈ આદિનો સમાવેશ થાય છે. હાલ પણ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી પોતાના ખરેખરા હરિભક્તોને અંત વખતે દર્શન આપી, ચમત્કાર દેખાડી તેડી જાય છે.
81. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા ત્યારે ઘણા હરિભક્તો શોકાતુર થયા હતા તથા ઘણા હેતવાળાના સંકલ્પ અધૂરા રહી ગયા હતા. તે સર્વેને શોકથી મુક્ત કરવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ દિવ્યરૂપે દર્શન દેતા. બાપાશ્રીએ પણ પોતે અંતર્ધાન થયા પછી શ્રીજીમહારાજ તથા પોતાને વિશે અનન્ય પ્રીતિવાળા હરિભક્તોના શોકનું નિવારણ કરવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા તેમને દિવ્યરૂપે દર્શન આપ્યા હતા. બાપાશ્રીના દિવ્યરૂપનાં દર્શન કરવાનો લાભ બાપાશ્રીનાં દીકરી વાલબા, વૃષપુરના મૂળજી પર્વતનાં ઘરનાં તેજાબાઈ, અણદાભક્ત કેરાઈ, પ્રેમજી હીરજી, જાદવજી કાનજી, રામજી હીરજી, રામપુરનાં કાનબા, પ્રેમબા, નારાયણપુરના અમરબા, મેઘપરનાં અમરબા, બામણવાના ગોવાભાઈ તથા કણભાના આશાભાઈ આદિ બાપાશ્રીને વિષે અનન્ય પ્રીતિ ધરાવતાં હરિભક્તોને મળ્યો હતો. આજે પણ શ્રીજીમહારાજ તથા બાપાશ્રીને અતિ હેતે સહિત સંભારનાર હરિભક્તોને શ્રીજીમહારાજ તથા બાપાશ્રી પ્રત્યક્ષ દર્શન આપે છે.