૧૯. મુક્ત પુરુષોના પ્રેરક પ્રસંગો

0:000:00

શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે અને રૂમાલને તરવાર કહે તો પણ સ. ગુ. મુક્તાનંદ સ્વામીને જીવમાંથી હા પડે.

1. શ્રીજીમહારાજ અરેરા ગામમાં પધાર્યા હતા ત્યાંથી ગલુજીને કહાવી મોકલ્યું જે ખાવા બેઠા હોય તો પડ્યું મૂકીને ધન, ધાન્ય, માણસ, પશુ સર્વસ્વ લઈને અહીં આવો. તે સાંભળીને પોતાના માતુશ્રી માંદાં હતાં તેમને મૂકીને બીજું બધું લઈને રાત્રિએ ગયા. એવા વચનમાં રહેતા હતા. ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમના મનુષ્યોને મારી નાખવાના હતા. એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસુ ભક્તની રક્ષા કરી. 1/55/105

2. કુશળકુંવરબાઈએ શું કર્યું હશે? તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર ધર્મપુર તેડાવીને રાજ્ય આપવા માંડ્યું અને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી અને મૂર્તિ ભૂલી જવાય તેની બીકે કરીને દેહની ક્રિયા જે નાવું-ધોવું, ખાવું-પીવું તેનો ત્યાગ કરીને મૂર્તિ ધારી રાખી ને પંદર દિવસે દેહ પડી ગયો પણ મૂર્તિ મૂકી નહિ એવાં હતાં. 1/56/106

3. કુશળકુંવરબાઈને શી રીતે સત્સંગ થયો હતો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ પૂર્વ જન્મમાં સંગ્રામજીત રાજાની બેન રૂડબાઈ હતાં. ત્યાં અલાઉદ્દીન ખૂની દિલ્હીથી આવેલો હતો. તેણે સંગ્રામજીતને મારીને રૂડબાઈને લઈ જવાનું કર્યું. ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે મારે નામના કરવી છે, માટે તમે ફેર આવશો ત્યારે આવીશ. તે દિલ્હી ગયો. તે પછી રૂડબાઈએ અડાલજની વાવ કરાવીને દેહ મૂક્યો. તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં. તેની કરાવેલી વાવે શ્રીજીમહારાજ ચારસો સંતોએ સહિત આવ્યા અને વાવ જોઈને બોલ્યા જે, વાવ સારી છે. આ કરાવનાર હાલ ધર્મપુરમાં રાજ્ય કરે છે. તેનું નામ કુશળકુંવરબાઈ છે. તેમણે પોતાના મોક્ષ માટે આ વાવ કરાવી છે. તેનો લેખ જુઓ. પછી નિષ્કુળાનંદ સ્વામીએ લેખ વાંચ્યો. તે મોક્ષ માટે જ કરાવી છે એવું લખ્યું હતું. પછી મહારાજે આજ્ઞા કરી જે, આ વાવમાં આપણે સર્વે સ્નાન કરીને જળ પીઓ, પછી તેનું કલ્યાણ થશે. પછી સંતોએ કહ્યું જે એને કેવી રીતે આપણો નિશ્ચય હશે? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા થઈ ગઈ છે તે ત્યાં જઈને સત્સંગ કરાવશે. એમ શ્રીજીમહારાજ વાવ ઉપર બોલ્યા તે સમયે જ પરમચૈતન્યાનંદ સ્વામી ગઢડે હતા. તેમને ધર્મપુર જવાનો સંકલ્પ થયો ને ચાલી નીકળ્યા. તેમના ભેળા તેમના વીસ સાધુ ચાલવા તૈયાર થયા. તેમને ના પાડીને એકલા જ એકડમલને વેષે ગયા. તે કપડવંજમાં શિવજીની જગ્યામાં ઊતર્યા. ત્યાં બ્રાહ્મણો આવતા તેમને પરોક્ષપણે શ્રીજીમહારાજનો મહિમા સમજાવી નિશ્ચય કરાવીને ચાલ્યા. તે ધર્મપુર કુશળકુંવરબાઈની ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં એ બાઈને એવો નિયમ હતો જે, જે કોઈ ત્યાગી આવે તેને પોતાની ધર્મશાળામાં ઉતારે ને નિત્ય જમાડે અને એમનો મહિમા સમજીને અર્ધ રાત્રે સર્વનાં દર્શન કરીને, ચરણસ્પર્શ કરીને પાછાં જાય. તે રાત્રિએ આવ્યાં પણ તેમને સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ. ત્યારે બાઈ બોલ્યાં જે, આ સર્વે મહાત્મા ચરણસ્પર્શ કરવા દે છે અને તેમ કેમ ના પાડો છો? ત્યારે સ્વામી બોલ્યા જે, અમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ તે એકલા ચલાય પણ નહિ ને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીએ પણ હું એકલો જુદો પડીને આવ્યો છું તેથી મારે તમારી સાથે બોલવું પડ્યું. પણ હવે સાત પ્રકારનું તો બરાબર રાખીશ. એમાં તો ફેર પડવા નહિ દઉં. પછી તે બાઈને તેમનો ગુણ આવ્યો તેથી મહિમા સમજીને તેમની વાતો સાંભળી ને શ્રીજીમહારાજનો મહિમા સમજ્યાં અને શ્રીજીમહારાજને વિષે સર્વોપરીપણાનો નિશ્ચય કરીને આશ્રિત થયા અને સ્વામીને ગુરુ કર્યા અને રાજ્ય સોંપી દીધું. જ્યારે શ્રીજીમહારાજ દંઢાવ્ય દેશમાં ફરીને ગઢડે પધાર્યા ત્યારે સર્વે સંતોએ શ્રીજીમહારાજને કહ્યું કે પરમ ચૈતન્યાનંદ સ્વામી તો એકડમલ થઈને જતા રહ્યા છે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે એ તો ધર્મપુરમાં છે અને અમારી ઇચ્છાથી કુશળકુંવરબાઈને સત્સંગ કરાવવા ગયા છે. તે ત્યાં રાજ્યમાં બંધાઈ ગયા છે. તેથી તેડી લાવવા પડશે. પછી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા પણ તેમના તેડ્યા આવ્યા નહિ અને બોલ્યા જે, ધણી આવે તો આવું. પછી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા તે ધર્મપુર ગયા. ધર્મપુર નજીક આવ્યું ત્યાં તો પરમચૈતન્યાનંદ સ્વામી હાથીએ બેસીને બાગમાં હવા ખાવા જતા હતા. તે હાથી ઉપર બેઠે બેઠે મુક્તાનંદ સ્વામીને આવતા જોઈને મહાવતને કહ્યું જે, મારા ગુરુ આવે છે, તે મને હાથી ઉપર બેઠેલો દેખશે માટે હાથીને બેસારો. પછી હાથી બેસાર્યો ને ઊતરીને સામા જઈને દંડવત્ કર્યા અને સ્વામીશ્રીને મળ્યા ને સાથે સાથે ધર્મશાળામાં આવ્યા ને રસોઈ કરીને જમાડ્યા. પછી ચરણ દાબતા હતા ત્યાં બાઈ આવ્યાં એટલે મુક્તાનંદ સ્વામી તો ઊઠીને છેટે જાતા રહ્યા. ત્યારે બાઈ બોલ્યાં જે એ કોણ છે? ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, એ મારા ગુરુ છે ને મને તેડવા આવ્યા છે. માટે મારે જવું પડશે. ત્યારે બાઈ દિલગીર થઈને બોલ્યાં જે, શ્રીજીમહારાજને અહીં લાવવાનું વચન આપો તો જવા દઉં. પછી તે વાત મુક્તાનંદ સ્વામીને કહી ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એને કહો જે તમે કાગળ લખજો અને અમે પ્રાર્થના કરીશું. પછી બંને સ્વામીઓ ગઢડે આવ્યા અને શ્રીજીમહારાજને કાગળ લખીને બાઈએ તેડાવ્યા હતા ને ત્યાં મહારાજ પધાર્યા હતા. 1/56/107

4. પર્વતભાઈએ શું કર્યું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા ચાલ્યા. તે ગામને સીમાડે પહોંચ્યા એટલામાં દીકરો મરી ગયો. તેથી મનુષ્ય તેડવા ગયું તો પણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે દીકરો મરી ગયો અને પાછા કેમ વળ્યા નહિ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એમાં શું? એ તો છાણમાં જીવડાં પડે ને મરી જાય એવું છે? ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ અને પાણી પણ પીધું નહિ. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે ક્યાં જમો છો? ત્યારે બોલ્યા જે, આપનાં દર્શન કરું છું તેમાં બધું આવી જાય છે અને જે દાણા પાકે તે બધા શ્રીજીમહારાજને સદાવ્રતમાં આપી દેતા. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, થોડાક દાણા છોકરાંને ખાવા સારુ રાખતા હો તો સારું. ત્યારે તે કહે જે, કણબીનાં છોકરાં તો કુકડાનાં બચ્ચાં જેવાં હોય. જેમ કુકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય તેમ તે પૃથ્વીમાંથી પેદા કરી ખાય. માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે? શ્રીજીમહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરના સર્વે માણસોએ પણ ખટરસનાં વર્તમાન રાખ્યાં; એવો મહિમા સંતનો જાણતા. ઇત્યાદિક ઘણીક વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા. શ્રીજીમહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે. 1/57/109

5. પર્વતભાઈમાં શી સામર્થી હતી? અને શ્રીજીમહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતા ફરતા અગત્રાઈ આવ્યા. ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા. ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને સંતો તથા હરિજનો ખેતરમાં મોદ પાથર્યા વિના એમ ને એમ બેસી ગયા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, "મારો વ્હાલીડો કેમ ન આવ્યો?" એમ બે-ચાર વાર બોલ્યા. એટલામાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત્ કરવા મંડ્યા ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને બોલ્યા જે, "મારો વ્હાલીડો આવ્યો." એમ બે-ચાર ફેરા બોલીને મળ્યા અને પોતાની પાસે મશરૂની ગાદી નાખીને તેમને બેસાર્યા. ત્યારે સર્વે સંત-હરિજનોને સંશય થયો જે આપણે સર્વે પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજીમહારાજે ગાદી ઉપર બેસાર્યા તે ઠીક ન કર્યું. પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા. પછી ફરતા ફરતા જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા. એવામાં પર્વતભાઈ આવ્યા, તેમની કેડે કરોડો વિમાન આવ્યાં તે જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, પર્વતભાઈ! આ લશ્કર ક્યાં ફેરવો છો? એ ક્યાંથી આવેલાં છે? ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે ને આત્યંતિક કલ્યાણ માગે છે. તેમને આપના ધામમાં મોકલું છું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આમને ધામમાં મોકલો તેને અમે જોઈએ. પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, જાઓ અક્ષરધામમાં. એટલે બધાં વિમાન જતાં રહ્યાં. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયા. 1/57/110

6. પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો. તેમના દેશમાં ગાવા આવે તેમને ખારેકો દેવી પડે તે પણ પોતાને મળે નહિ, એવો દુર્બળ વ્યવહાર હતો. તેમનાં પત્ની કેસરબાઈએ કહ્યું જે, ખારેકો નથી તેથી કોઈ ગાવા આવતું નથી. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, જો શ્રીજીમહારાજ આપણે ઘેર પધારે તો ઘણાક લોકો ગાવા આવે માટે તમારાં કલ્લાં મને આપો. પછી તેમણે આપ્યાં. તે કલ્લાં ને એક બળદ વેચીને તેનું સિધું લઈને ઓરડામાં ભરીને પછી ગઢડે આવીને શ્રીજીમહારાજને તથા સંતોને તથા સર્વે હરિજનોને બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજને ઢોલિયો પાથરી આપ્યો. તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને પર્વતભાઈ પણ શ્રીજીમહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. પણ કોઈની સંભાવના રાખી નહિ. ત્યારે કાઠીઓએ શ્રીજીમહારાજને કહ્યું જે, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા હતા, પણ હજુ સુધી અમારી ખબર તો લેતા નથી. ત્યારે શ્રીજીમહારાજે પર્વતભાઈને કહ્યું જે, કેમ આ સર્વેની ખબર લેતા નથી? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, મહારાજ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો. માટે એમને ખાવું હોય તો ખાય ને મને પણ આપશે તો હું પણ ખાઈશ. પછી શ્રીજીમહારાજે સર્વે સંતો તથા હરિજનોને કહ્યું જે, તમે સર્વે જે સિધું હોય તે બધું વાપરી નાખો ને ખડ-જોગાણ હોય તે બધું ઘોડાને ખવરાવી દો ને બગાડ ઘણો કરો એટલે પર્વતભાઈ ધણી થશે. પછી એમ કર્યું પણ પર્વતભાઈ તો ઊલટા રાજી થયા. પછી કંસાર-ખીચડીની રસોઈ સંતો પાસે કરાવીને શ્રીજીમહારાજે અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું. તે જોઈ પર્વતભાઈ બહુ રાજી થયા અને બોલ્યા જે, મને ન્યાલ કર્યો માટે "ન્યાલકરણ બાપો" એમ શ્રીજીમહારાજનું નામ પાડ્યું પણ ઘી બગાડ્યું એવો સંશય થયો નહિ. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી. પછી સર્વે જમી રહ્યા ને સર્વે સિધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં. તે બધાં જ્યારે સવારે જોયાં ત્યારે સવળાં દેખ્યાં અને ઘી-ગોળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યા. એવી રીતે નિત્ય ખાલી કરે ને નિત્ય ભરાઈ જાય. એમ સોળ દિવસ સુધી સર્વે જમ્યા. શ્રીજીમહારાજને રાજી કરવા સારુ લોકો ગાવા પણ બહુ આવતા. અને મેઘજીભાઈનો વરઘોડો ચઢ્યો તે સમયે રોઝો ઘોડો શણગાર્યો ને શ્રીજીમહારાજે પોતાનાં વસ્ત્ર મેઘજીભાઈને પહેરાવ્યાં ને કહ્યું જે ઘોડે બેસો. ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, હું નહિ બેસું, કાકો બેસે. પછી શ્રીજીમહારાજ ઘોડે બેઠા. પછી વરઘોડો ચાલ્યો ને પાર્ષદો તથા કાઠીઓ બંદૂકોના અવાજ કરવા લાગ્યા ને આગળ વાજાં વાગવા લાગ્યાં અને સ્ત્રીઓ મંગળ ગાવા લાગી. પછી ચાલતાં ચાલતાં જ્યાં સાધુના ઉતારા નજીક આવ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીએ વંડી ઉપર ડોકાઈને જોયું ત્યાં શ્રીજીમહારાજને દેખ્યા. તેમણે બધા સંતોને બોલાવ્યા. તે સર્વે સંત આવ્યા, ને શ્રીજીમહારાજની આગળ થઈ ગયા. શ્રી ભૂમાનંદ સ્વામીએ "સર્વે સખી જીવન જોવાને ચાલો રે" એ કીર્તન ઝીલાવવા માંડ્યું ને વરઘોડો ફેરવીને વેવાઈને માંડવે ગયા ને ત્યાં માંયરું થયું. ત્યારે શ્રીજીમહારાજે મેઘજીભાઈને કહ્યું જે, માંયરામાં બેસો, ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકો બેસે. પછી શ્રીજીમહારાજ મેઘજીભાઈને સાથે લઈને માંયરામાં બેઠા અને ગોરે મેઘજીભાઈને કહ્યું જે, લાંબો હાથ કરો. ત્યારે કહ્યું જે, કાકો લાંબો હાથ કરે. એટલે શ્રીજીમહારાજે કન્યાનો હાથ ઝાલ્યો. તે વખતે શ્રી ભૂમાનંદ સ્વામી બોલ્યા જે, "હથેવાળો હરિ સંઘાથે કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો રે." પછી ફેરા પણ શ્રીજીમહારાજ ફર્યા અને કંસાર પણ શ્રીજીમહારાજ જમ્યા. પછી વર-કન્યાને પર્વતભાઈને ઘેર વળાવવા માંડ્યા ત્યારે પણ ગાડીમાં મેઘજીભાઈ બેઠા નહિ. તેમને સાથે લઈને શ્રીજીમહારાજ ગાડીમાં બેઠા ને વાજતે-ગાજતે પર્વતભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેસરબાઈએ પોંખવા માંડ્યા ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકાને પોંખો. એટલે શ્રીજીમહારાજને પોંખ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારી આંખમાં દારૂનું કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે? પછી મેઘજીભાઈની પત્નીએ તે કણું જીભે કરીને કાઢ્યું. તેને શ્રીજીમહારાજે વર દીધો જે, અમો તમને આ જન્મે જ અક્ષરધામમાં લઈ જઈને અખંડ અમારી સેવામાં રાખીશું. એવી લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર આવે તેમ નથી. 1/57/111

7. જીવુબા, લાડુબા અને રાજબાઈએ શું કર્યું તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે શ્રીજીમહારાજે અહીં પ્રગટ મનુષ્યરૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાક મુક્તોને આજ્ઞા કરી જે, તમે સર્વે કોઈક સ્ત્રીરૂપે અને કોઈક પુરુષરૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો. તે આજ્ઞા મુક્તોએ માથે ચઢાવી ને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં. જીવુબા, લાડુબા અને રાજબાઈને કહ્યું જે, તમે કાઠીની નાતમાં સ્ત્રીરૂપે દેખાઓ. તેમણે મહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ! અમે સ્ત્રી આકારે દેખાઈએ તો લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહિ. બીજું અમારાં માબાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે. તમે જે વાર્તા કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહિ. વળી આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ. માટે અમે સ્ત્રી આકારે દેખાવામાં ખુશી નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ર્મત્ય લોકમાં તમે ને અમે ભેળા એક સ્થાનમાં રહીશું. તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વે લીલા ઘેર બેઠા થકા દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ. પછી તેમણે તે આજ્ઞા માથે ચઢાવીને સ્ત્રી આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર પોતાનું ઘર કરીને રહ્યા. 1/58/114

8. રાજબાઈને એમનાં પિયરિયાંએ પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડુ પણ તેડવા આવ્યું ને તેડીને સાસરે વહેલ પહોંચી, ત્યાં તો રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં. એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં ઘણાં સાધન કર્યાં. પાશેર અનાજ ખાવું, પૃથ્વી ઉપર સૂવું, પાંચસો માળા ફેરવવી અને પુરુષથી વીશ હાથ છેટે ચાલવું; એવા નિયમ રાખીને શ્રીજીમહારાજને પ્રસન્ન કર્યા હતા. 1/58/114

9. જીવુબાનું પણ કુંડળમાં મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ મામૈયા પટગરની માતુશ્રી રાઈબાઈને કહ્યું જે, મારે તો વ્યવહાર કરવો નથી. ભગવાન ભજવા છે. પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપી ને ગઢડે મોકલી દીધાં. 1/58/115

10. લાડુબાઈનું ખાંડુ એમને સાસરે જતું હતું. તે ગામમાં ધાડું પડ્યું હતું તેની કેડે વ્હાર ચઢી હતી. તેમાં જે છોકરા સાથે લાડુબાઈનું સગપણ કર્યું હતું તે છોકરો વ્હારે ગયેલો તે મરાણો; તેથી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં. એવી રીતે એ ત્રણેની શ્રીજીમહારાજે રક્ષા કરી અને એ ત્રણેએ શ્રીજીમહારાજના ભેળા રહીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં. 1/58/115

11. મોટાં રામબાઈએ શું કર્યું હશે? તે કૃપા કરીને કહો. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટાં રામબાઈ વાળાના જેતપુરનાં હતાં. તેમનાં પિયરિયાંએ તથા સાસરિયાંએ તેમને વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી. તેથી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીકળ્યાં ને શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં. 1/59/115

12. દાદાખાચરે શું કર્યું? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ જ કરતા. કોઈ પ્રકારનો સંશય કરતા નહિ. એમની વાતો તો અપાર છે ને તે ઘણે ઠેકાણે લખાણી છે. 1/59/116

13. માંચા ભક્તે શું કર્યું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા પણ બ્રહ્મચર્ય વ્રતમાં કુશળ હતા. એક કિમિયાવાળો એમને ઘેર આવીને ઊતર્યો હતો. તેણે ત્રાંબાનું રૂપું કરી બતાવ્યું. તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહિ. જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. જ્યારે મહારાજને દર્શને ગયા ત્યારે પોતાનો પાંચસે વિઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો. 1/59/116

14. મૂળજી બ્રહ્મચારીએ શું કર્યું હતું તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને કહ્યું જે, મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા, તેને તેડીને આવતાં માર્ગમાં એક ગામ આવીને રાત રહ્યા. ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી. તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીકળ્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા. એવા નિષ્કામી હતા. તેમને શ્રીજીમહારાજે જોડા પહેરવાની અને ઘી-ગોળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા. તો પણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દૃઢતા હતી તેવી ને તેવી જ રહી પણ તેમાં ફેર પડ્યો નહિ. એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી તો પણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા. 1/60/116

15. લાધીબાઈને એક ખેતરમાંથી કચ્છી બાર મણ (ગુજરાતી આઠ મણ) મઠ આવતા. તેમાંથી નિર્વાહ ચલાવતાં. તેમને શ્રીજીમહારાજે કહાવી મોકલ્યું જે, "તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેનું પોષણ કરજો." ત્યારે રાજી થયાં. પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહિ. એવો શ્રીજીમહારાજના વચનમાં વિશ્વાસ હતો. ઇત્યાદિક ઘણી વાતો છે તે પણ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે. 1/61/117

16. માતાજી મારવાડમાં ઉદેપુરના રાજાની રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો. ત્યાં જાન આવી હતી. તેમાં ઈડરના તથા માણસા આદિકના રાજા-રાણીઓ ગયાં હતાં. તેમની રાણીઓના મુખ થકી વાત સાંભળી જે, શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેથી પોતાના મનમાં વિચાર થયો જે, ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય. એમ જાણી રાત્રિએ પુરુષનાં લૂગડાં પહેરીને બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીકળ્યાં. તેમને ખોળ્યાં પણ જડ્યાં નહિ. તેથી રાણાએ ચારે દિશાએ સ્વાર મોકલ્યા. તે ઘોડાનાં ડાબલાં વાગતાં સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને સ્વાર પાછા વળ્યા ત્યારે નીકળીને ચાલ્યાં. તે વાટમાં વણઝારાની પોઠ સાથે વિસનગરના તળાવમાં ઊતર્યાં. ત્યાં રાત્રિને છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નહાવા આવ્યાં. તેમનો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી. પછી તે બાઈઓએ ગામમાં લઈ જઈને છાનાં રાખ્યાં અને વણઝારો ગયો, તે પછી મહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે માતાજી નામ ધરાવીને લાધીબાઈ પાસે ભૂજ મોકલ્યાં. ત્યાં રહીને લાધીબાઈની સેવા કરીને લાધીબાઈ ધામમાં ગયાં ત્યારે તેમને સાથે તેડી ગયાં. 1/61/117

17. મુક્તાનંદ સ્વામીએ બે-ચાર ગુરુ કર્યા પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડતા મૂક્યા. અને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન, કર્મ, વચને દાસ થઈને સેવા કરી પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહિ. શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે અને રૂમાલને તરવાર કહે તો પણ જીવમાંથી હા પડે પણ સંશય થતો નહિ. 1/61/118

18. સામત તથા મૂળજી અને કૃષ્ણજીએ તથા ગુંદાળી ગામના બે કાઠીએ શું કર્યું તે વાત કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સામત એના દીકરાની સ્ત્રીને તેડવા ગયો ત્યાં તેને મહેણું દીધું જે તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા. તે સાંભળીને વિચાર કર્યો જે, હું શ્રી સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મેણું આપ્યું માટે ઇન્દ્રિય જ ન રાખવી. એમ વિચારીને ભસ્મ કરી નાખી. 1/62/118

19. મૂળજી અને કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકૂવાના હતા. તે શ્રીજીમહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા. તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂક્યા. તેમણે ભગવા લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી. પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજીમહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તો પણ વિમુખપણાની માનીનતા રાખી નહિ અને ઘેલા નદીને કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા. પછી શ્રીજીમહારાજે તેડાવીને ભેળા રાખ્યા. 1/62/119

20. ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા. તેમને એ કાઠીની માએ ખીચડી આપી. પછી સાધુએ ખીચડી રાંધવા મૂકી. તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેમણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા. તે ઘરડેરા કાઠીને તે બે ભાઈએ મારી નાખ્યો અને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો હતો. 1/62/119

21. સુંદરજીભાઈ તથા ડોસા વાણિયા આદિકની વાત કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સુંદરજી સુતાર કચ્છ-ભૂજના હતા. તે રાજાની જાને જતા હતા, તેમને શ્રીજીમહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને, કોપીન વળાવીને, તુંબડી આપીને કાશીએ મોકલ્યા તો પણ એમ ન કહ્યું જે, હું જાન વળાવીને પછી જાઉં. તેમ જ મનમાં સંકલ્પ પણ થયો નહિ. એ મહિમા વિના થાય નહિ. 1/62/119

22. ગામ બંધિયાના ડોસા વાણિયાને કહ્યું જે, તારું ધન હોય તે કૂવામાં નાખી દે ને દાણા, લૂગડાં જે હોય તે બાળી દે ને કોપીન પહેરીને તુંબડી લઈને કાશીએ જા. પછી તે એમ કરીને ચાલ્યા તે વડોદરે પહોંચ્યા. ત્યાં અનાદિમુક્તરાજ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા. તેમણે પાછા વાળ્યા, ને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા. તે શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ઘેર જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે તમારે ઘરમાં જાવું. જો બે ય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો. એમ આજ્ઞા કરી તે આજ્ઞા દેહપર્યંત પાળી. 1/62/119

23. રાણો, ભીમ, વશરામ ને રાઘવ એ ચાર ભાઈ ગોળીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તેના ગામમાં યમ પેઠા. તેમને પેસતા દેખીને તેમણે કાઢી મૂક્યા. તેમાંનો ભીમ દેહ મૂકી ગયો ને વશરામ ને રાઘવ એ બે સાધુ થયા. રાણે દેહ મૂકતી વખતે પોતાની માતુશ્રીને કહ્યું જે, મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ, તે પ્રમાણે તેડી ગયો હતો. 1/62/120

24. કઠલાલની ડોશી હતાં. તેમણે શ્રીજીમહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું. તે એમ ધારીને કે ગામના લોકો પાણી પીશે તો બધાનું કલ્યાણ થાશે, એવો શ્રીજીમહારાજનો એને મહિમા હતો. 1/62/120