નિવેદન
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યને અનુસંધાન ધરાવતું આ એક પ્રેરણાદાયી પ્રકાશન ‘‘આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ રચિત કીર્તનાવલિ’’ જ્ઞાનપિપાસુ સમાજ સમક્ષ રજૂ કરતાં અમને આનંદ થાય છે.’’
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વપ્રથમમ ઉત્તરાધિકારી આદિ આચાર્ય હતા. તેમની આધ્યાત્મિક સ્થિતિ દિવ્યભાવથી ભરપૂર હતી. તેમનું જીવન પવિત્ર ભાગીરથી ગંગા જેવું પાવનકારી હતું. આવા એ જીવનનું એક પાસું હતું જે સત્સંગમાં ચેતનાના પ્રવાહો વહેતા મૂકવામાં કારણભૂત બન્યું હતું; તે હતી તેમની કીર્તનભક્તિ. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપનો જે અદ્ભુત આનંદ પોતે અનુભવતા હતા તે તેમણે કવિતામાં રેડ્યો અને કીર્તનોની રચના કરી. એવાં કીર્તનોનો એક સંગ્રહ અત્રે પ્રકાશનરૂપે રજૂ કરવામાં આવ્યો છે.
આ ‘કીર્તનાવલિ’ના વાંચનમાંથી જણાય છે કે ભક્તિરસના ફુવારાઓ સંગીતશાસ્ત્રનાં નિયમો અને સ્વરૂપોમાં પરોવાયેલા છે. વિવિધ રાગ-રાગિણીઓમાં - શૈલીઓમાં મધુરતા અને ભક્તિના હર્ષોલ્લાસને વાચા આપવામાં આવી છે. તેથી આ ‘કીર્તનાવલિ’ ભક્તજનોને ખૂબ ગમશે, તે જ રીતે સંગીતશાસ્ત્રના જાણકાર કે વિશારદને પણ આનંદ આપે એવી છે. આદિ આચાર્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વની આ બાજુ બહુ પ્રસિદ્ધ થઈ નથી તે તેમની લાક્ષણિક નમ્રતા અને મોટાઈ ઢાંકીને વર્તવાની રીતને આભારી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપ સાથે આચાર્ય મહારાજશ્રીને એકાત્મતા હતી. તે અનુભવ ભાષામાં મૂકવાનું કાર્ય કાવ્યસ્વરૂપમાં મૂકી તેમણે પોતાનું સ્થાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્તમ કવિઓમાં સ્પષ્ટ કર્યું છે. ભગવાનના સ્વરૂપ, મહિમા, ભક્તિભાવ, ઉત્સવોનો આનંદ - આવાં વિવિધલક્ષી કીર્તનો રચવાના સહજભાવ જણાઈ આવે છે, જાણે કે અંદર ઊમટતો ભક્તિસાગર ઉલેચીને આ કીર્તનોમાં ઠાલવ્યો છે ! એમ કહેવું અતિશયોક્તિ નહિ ગણાય કે આ કીર્તનોની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપને પામવાનું સુલભ સાધન છે.
આચાર્યશ્રીને સંતકવિ સદ્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી સાથે ખૂબ સ્નેહ હતો. આ ભાવનામાંથી શ્રીજીમહારાજના બાળ સ્વરૂપનાં લીલાચરિત્રોનો પદ્યગ્રંથ ‘શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર’ સર્જાયો હતો. આ હકીકત પાછળ આચાર્યશ્રીની સંગીત વિશેની કુદરતી અભિરુચિ જણાઈ આવે છે. આ ‘કીર્તનાવલિ’માં સ્વરચિત સર્જનો દ્વારા ઉત્તમ પ્રકારનો ભક્તિભાવ અને સંગીતશાસ્ત્રનું ઊંડું જ્ઞાન મઢી લેવાયું છે.
આચાર્ય મહારાજશ્રી પોતે આ કીર્તનો ગાતા અને ગવરાવતા. તેનો પુનિત પ્રવાહ સત્સંગમાં વહેતો થયો હતો અને ભક્તિરસના કોમળ તાંતણે ભગવાનના આશ્રિતોને બાંધી રાખ્યા હતા. આવા આ અનુપમ કાવ્યગ્રંથને સત્સંગ સમક્ષ રજૂ કરતાં અમે પરમ પૂજ્યપાદ આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોટાન્ કોટિ વંદન કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ. સર્વ ભક્તજનો આ પ્રકાશનનો લાભ લઈ, આચાર્યશ્રીના પ્રત્યક્ષ સમાગમ તુલ્ય આ કીર્તનો દ્વારા દિવ્યાનંદ અનુભવશે.
આ ‘કીર્તનાવલિ’ પ્રથમ ગુટકારૂપે સંવત ૧૯૩૫માં છપાવીને ધ. ધુ. આચાર્ય શ્રી કેશવપ્રદાસદજી મહારાજે પ્રસિદ્ધ કરી હતી. આ કાવ્યકૃતિ લાંબા સમયથી અપ્રાપ્ય થવાથી, શ્રીહરિની મૂર્તિના દિવ્યભાવનાં આ કીર્તનોનો લાભ સત્સંગમાં ફરી સૌને મળે એ શુદ્ધ ભાવનાથી તેનું પુનઃપ્રકાશન મૂળ પ્રત મુજબ જ કરવામાં આવ્યું છે, એ માટે અમે પ. પૂ. ધ. ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદદાસજી મહારાજ પ્રત્યે વિનમ્ર ભાવે ઋણ વ્યક્ત કરીએ છીએ અને શ્રીજીમહારાજ, ધ. ધુ. આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા સમગ્ર સત્સંગની પ્રસન્નતા અર્થે પ્રસાદીરૂપ આ કીર્તનાવલિ છપાવી પ્રસિદ્ધ કરેલ છે.
આ પ્રકાશનનાં કાર્યમાં મદદગાર થયેલા સૌ કોઈ ઉપર પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની વધુ ને વધુ પ્રસન્નતા ઊતરો એ જ અભ્યર્થના !
સં. ૨૦૪૫, વૈશાખ સુદ ૧૫
ઈ. સ. ૧૯૮૯, ૨૦ મે
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
અમદાવાદ
શોભા ધામ શ્યામ સુખ સૂરત, સંત મુક્ત સંગ આઈ. ભજ.૩
અવધપ્રસાદ નિરંતર એહી છબિ, અંતરમેં ઠહરાઈ. ભજ.૪